You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રશાંત કિશોરે 'ગઢ જીત્યો', બિહારમાં ભાજપે 30 વર્ષ બાદ બાંકીપુર બેઠક ગુમાવી
બિહારની બાંકીપુર બેઠક પર જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરની મોટી જીત થઈ છે.
ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર તેમણે ભાજપના ઉમેદવાર નીરજકુમારને 19324 મતોથી હરાવી દીધા છે.
32 રાઉન્ડની મતગણતરી પછી પ્રશાંત કિશોરને કુલ 64151 મત તથા ભાજપના ઉમેદવાર નીરજકુમારને 44827 મત મળ્યા હતા.
તેમણે જીત પછી કહ્યું હતું કે, "હું કોઈ મોટા વાયદાઓ નહીં કરું. હું ચૂંટણી જીત્યો છું એટલે કંઈ બાંકીપુર એ બેંગલુુરુ નહીં બની જાય. પરંતુ હું જે કામ કરીશ એ આવતા બે-ત્રણ મહિનામાં ધીમે ધીમે દેખાશે. બાંકીપુરની પ્રજાએ ભાજપને સંદેશ આપ્યો છે કે તમે કોઈ સારી વ્યક્તિને મુખ્ય મંત્રી બનાવો. બિહારના લોકો ઇચ્છતા નથી કે તેમનો મુખ્ય મંત્રી ક્રિમિનલ બૅકગ્રાઉન્ડવાળો હોય."
અહીં ઉલ્લેખનીય છે કે બાંકીપુર બેઠક એ પટણાના શહેરી વિસ્તારમાં આવેલી છે અને એ ભાજપનો મજબૂત ગઢ મનાય છે. આ બેઠકથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ચાર વખત ધારાસભ્ય બની હતા. એ પહેલાં પણ 1995થી ભાજપ સતત આ બેઠક જીતતો આવ્યો છે.
એવામાં આ બેઠક પરથી જીત મળવી એ મોટી વાત ગણાઈ રહી છે.
પ્રશાંત કિશોરની આ પહેલી ચૂંટણી હતી અને હવે તેઓ ધારાસભ્ય બનશે.
બાંકીપુર બેઠક ભાજપનો ગઢ હતી
આ શહેરી બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં આશરે 35 ટકા જ મતદાન થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2025ની વિધાનસભા ચૂંટણીમાં મતદાન 41.35 ટકા મતદાન હતું. ભાજપના નીતિન નબીને આરજેડીનાં રેખા ગુપ્તાને આશરે 52 હજાર મતોથી હરાવ્યા હતા.
આ પેટાચૂંટણીમાં ભાજપે નીરજ કુમારને, જન સુરાજ પાર્ટીએ પ્રશાંત કિશોરને અને આરજેડીએ રેખા ગુપ્તાને મેદાનમાં ઉતાર્યાં હતાં.
પરંતુ પ્રશાંત કિશોરની ઉમેદવારીએ આ બેઠકને હાઇપ્રોફાઇલ બનાવી દીધી હતી.
ભાજપ પ્રમુખ નીતિન નબીન બાંકીપુર બેઠક પરથી ધારાસભ્ય હતા. પાર્ટીએ તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. એ પછી તેઓ રાજ્યસભામાં ગયા અને પછી બાંકીપુર બેઠક પરથી રાજીનામું આપ્યું.
5 જુલાઈના રોજ, એક પ્રેસ કૉન્ફરન્સમાં, જન સુરાજ પાર્ટીના રાજ્ય પ્રમુખ મનોજ ભારતીએ પ્રશાંત કિશોરની ઉમેદવારીની જાહેરાત કરી હતી. ત્યારપછી આ ચૂંટણી રસપ્રદ બની ગઈ.
અગાઉ નવેમ્બર, 2025 માં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં, જન સુરાજ પાર્ટીએ મોટા ભાગની બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા પરંતુ પ્રશાંત કિશોરે છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો.
તેમણે કહ્યું હતું કે 'બાકીની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ તેમના પક્ષનો નિર્ણય હતો.'
બાંકીપુરથી ઉમેદવારી જાહેર કર્યા પછી, તેમણે કહ્યું હતું કે, "હું બાંકીપુર પેટાચૂંટણી લડવાની જવાબદારીને એ લક્ષ્ય તરફ એક પગલું માનું છું. નવેમ્બર 2025 માં હજારો- લાખો લોકો જન સુરાજના વિચારો અને પ્રયાસો સાથે જોડાયા હતા. જો અમે જીતીશું તો તે ફક્ત આ ચળવળને મજબૂત નહીં બનાવે, પરંતુ બિહારમાં પરિવર્તનના વિચારને નવી શક્તિ પણ આપશે."
પ્રશાંત કિશોર કોણ છે?
49 વર્ષીય પ્રશાંત કિશોર એ ભારતના એક જાણીતા રાજકીય સ્ટ્રેટેજિસ્ટ મનાય છે જેઓ પહેલાં અનેક પક્ષોને ચૂંટણી લડવામાં, તેની સ્ટ્રેટેજી ઘડવામાં મદદ કરવાનું કામ કરતા હતા.
તેમણે ભાજપ, આપ, જેડીયુ, ડીએમકે, તૃણમૂલ સહિત અનેક પક્ષોને ભૂતકાળમાં ચૂંટણીપ્રચારથી લઈને સ્ટ્રેટેજી ધડવામાં મદદ કરી છે.
2 ઑક્ટોબર, 2024ના રોજ તેમણે જન સુરાજ પાર્ટીની સ્થાપના કરી અને બિહારમાં આગળ જતાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
એ પછીના દોઢેક વર્ષમાં પ્રશાંત કિશોરે સમગ્ર બિહારમાં પદયાત્રાઓ યોજી અને પાર્ટીના વિસ્તારનું કામ કર્યું હતું.
જોકે, ગત વર્ષે યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરના પક્ષનું પ્રદર્શન નબળું રહ્યું હતું અને તેઓ એકપણ બેઠક જીતી શક્યા નહોતા.
જન સુરાજ પાર્ટી 2025ની ચૂંટણીમાં પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ ગઈ હતી. પાર્ટીનું પ્રદર્શન એટલું ખરાબ હતું કે તેના 238 ઉમેદવારોમાંથી 236 ઉમેદવારો તેમની ડિપોઝીટ બચાવી શક્યા નહોતા.
એક-એક બેઠક ભાજપ અને કૉંગ્રેસને ફાળે
બાંકીપુર સાથે ગુજરાતની માંજલપુર અને મધ્યપ્રદેશની દતિયા વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી.
માંજલપુર બેઠક પર ભાજપની આસાન જીત થઈ છે.
ભાજપના ઉમેદવાર સતીષ પટેલે 30630 મતોથી જીત મેળવી છે.
કૉંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 24851 મત મળ્યા હતા.
મધ્યપ્રદેશની દતિયા બેઠક પર કૉંગ્રેસે જીત મેળવી છે. પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામ સિંહે 6016 મતોથી જીત મેળવી છે.
ભાજપના ઉમેદવાર આશુતોષ તિવારી બીજા ક્રમે રહ્યા હતા અને તેમને 60741 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહને 66757 મત મળ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન