હાર્દિક પંડ્યા પહોંચ્યા પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો હિસ્સો બન્યા અર્શદીપસિંહ, કેટલામાં થયો સોદો?

ઇમેજ સ્રોત, ANI/Getty
વર્ષ 2027ની આઇપીએલ રમાય તે અગાઉ મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સની ટીમમાં ગયા છે, જ્યારે અર્શદીપસિંહ પંજાબ ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થયા છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આ ડીલની જાહેરાત કરવામાં આવી છે.
બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ પ્રમાણે બંને ખેલાડીઓને 18-18 કરોડ રૂપિયા મળશે.
હાર્દિક પંડ્યાને અગાઉ 16.35 કરોડ રૂપિયા ફી મળતી હતી, તેની જગ્યાએ વધુ ફી મળશે.
જ્યારે અર્શદીપસિંહ હાલની ફી પર જ ટીમ બદલશે. હાલ અર્શદીપસિંહને 18 કરોડની રકમ મળે છે.
આઈપીએલમાં પંજાબ કિંગ્સ હાર્દિક પંડ્યાની ત્રીજી ટીમ હશે.
મુંબઈની ટીમની કપ્તાની કરતા હાર્દિકની કૅપ્ટનશિપ હેઠળ મુંબઈ કુલ 39 મૅચ પૈકી 15 જીત્યું છે અને 24 મૅચ હાર્યું છે.
હાર્દિકના પંજાબમાં જવા પહેલાં મુંબઈની ટીમે તેના સપોર્ટ સ્ટાફમાં પણ ઘણો ફેરફાર કર્યો છે. ટીમ મૅનેજમેન્ટે પહેલાં મહેલા જયવર્દનેની જગ્યાએ કેઇરૉન પૉલાર્ડને મુખ્ય કોચની જવાબદારી સોંપી છે જ્યારે કે રૉબિન ઉથપ્પાને બેટિંગ કોચ, મિશેલ મૅક્લેનાગનને બૉલિંગ કોચ અને ટી. દિલિપને ફિલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
MIમાં જસપ્રીત બુમરાહ સાથે અર્શદીપની જોડી બનશે

ઇમેજ સ્રોત, Getty Images
હાર્દિક પંડ્યા વર્ષ 2024થી મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન છે અને હવે ટીમ બદલી રહ્યા છે. ડાબોડી બૉલર અર્શદીપસિંહ 2019માં આઇપીએલ રમવાની શરૂઆત કરી ત્યારથી પંજાબ સાથે હતા. મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં તેઓ જસપ્રીત બુમરાહ સાથે જોડી જમાવશે.
હાર્દિક પંડ્યા 2015માં મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા હતા. તેમને IPLના સૌથી ઇમ્પૅક્ટફૂલ ઑલરાઉન્ડરોમાંથી એક માનવામાં આવે છે. મુંબઈ ઇન્ડિયન્સ IPLમાં 2015, 2017, 2019 અને 2020માં ચૅમ્પિયન બન્યું તેમાં હાર્દિક પંડ્યાનું ઘણું મોટું યોગદાન હતું.
મુંબઈ સાથે સાત સીઝન વિતાવ્યા બાદ, હાર્દિક પંડ્યા 2022માં ગુજરાત ટાઇટન્સમાં જોડાયા. હાર્દિકની કપ્તાનીમાં પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ચૅમ્પિયન બન્યું.
2024માં હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના ફરીથી કૅપ્ટન બન્યા હતા, જોકે ટીમ સારું પ્રદર્શન કરી શકી નહીં.

ગયા સપ્તાહથી જ મીડિયામાં ચર્ચા ચાલતી હતી કે, હાર્દિક પંડ્યા અને અર્શદીપસિંહ ટીમ બદલવાના છે.
હવે બીસીસીઆઈએ તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. હાર્દિક પંડ્યાની વિદાય સાથે મુંબઈ ઇન્ડિયન્સે નવા કૅપ્ટનની શોધ કરવી પડશે. પંજાબ કિંગ્સ એ હાર્દિકની ત્રીજી આઇપીએલ ટીમ રહેશે. અગાઉ તેઓ 2015માં મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયા હતા અને ત્યાર પછી તેઓ ગુજરાત ટાઇટન્સમાં પણ સામેલ થયા હતા. અંતે 2024માં તેઓ ફરી મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાઈ ગયા હતા.
હાર્દિક પંડ્યા જે ટીમનો હિસ્સો હતા તે વખતે પાંચ વખત ટીમ આઇપીએલમાં ફાઇનલ જીતી ચૂકી છે. તેમાં મુંબઈ ઇન્ડિયન્સને ચાર વખત અને ગુજરાત ટાઇટન્સને એક વખત વિજય મેળવ્યો હતો. એક સમયે રોહિત શર્મા પણ મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હતા અને તેમની જગ્યાએ હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવાયા હતા. હાર્દિક પંડ્યાનો દેખાવ પ્રમાણમાં સાતત્યપૂર્ણ રહ્યો છે. તેમણે આઇપીએલમાં 3,000 ની નજીક રન બનાવ્યા છે અને 82 વિકેટો ઝડપી છે.
આકાશ અંબાણીએ હાર્દિક પંડ્યા વિશે શું લખ્યું?
આઇપીએલની ટીમ મુંબઈ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ મુંબઈ ઇન્ડિયન્સના ઇન્સ્ટાગ્રામ પેજ પર હાર્દિક પંડ્યા માટે તેમની ટીમમાંથી વિદાયના ક્ષણે એક સંદેશો લખ્યો છે, "હાર્દિકે મુંબઈ ઇન્ડિયન્સ સાથે કેટલીક ઘણી ખાસ ક્ષણો પસાર કરી છે. અમે તેમને એક ક્રિકેટર તરીકે ઊભરતા, વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવતા અને એ બાદ ટીમનું નેતૃત્વ કરવા માટે પાછા ફરતા જોયા છે. તેમનું યોગદાન, તેમની ઊર્જા અને મેદાન પર તેઓ જે સ્પર્ધાત્મક ભાવના લાવતા હતા તે મુંબઈ ઇન્ડિયન્સ માટે ખૂબ મૂલ્યવાન રહી છે."
"હું એક ક્રિકેટર અને વ્યક્તિ એમ બંને તરીકે તેમનો ખૂબ આદર કરું છું, અને આગળ જે પણ આવે તેના માટે તેમને ખૂબ શુભેચ્છાઓ આપું છું."
પંજાબ કિંગ્સ ક્યારેય ટાઇટલ નથી જીતી

ઇમેજ સ્રોત, Sajjad HUSSAIN / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલમાં પંજાબ કિંગ્સના કૅપ્ટન તરીકે શ્રૈયસ અય્યર છે. આઇપીએલની છેલ્લી બે સિઝનમાં અય્યરની આગેવાની કરી છે અને જાણકારોના મત પ્રમાણે તેમના દેખાવને કારણે તેમને ભારતીય ટીમની વન-ડે ટીમમાં વાઇસ કૅપ્ટનનું પદ અને ટી20માં કૅપ્ટનનું પદ પણ મળ્યું છે. હાલ ન્યૂઝીલૅન્ડની સામેની વન-ડે સિરીઝમાં તો તેમને અંતિમ બે વન-ડેમાં કૅપ્ટન પણ બનાવવામાં આવ્યા છે.
જોકે, પંજાબ કિંગ્સની ટીમ હજુ સુધી ક્યારેય આઇપીએલમાં વિજેતા બની નથી, તેથી હાર્દિક પંડ્યાની આગેવાનીમાં તેઓ કેવો દેખાવ કરે છે તે જોવાનું રહે છે.
અર્શદીપસિંહે 2019માં આઇપીએલમાં રમવાની શરૂઆત કરી ત્યાર પછી અત્યાર સુધીમાં 96 મૅચમાં 111 વિકેટો ઝડપી છે.
આઇપીએલની છેલ્લી ત્રણ સિઝનની વાત કરવામાં આવે તો 2024માં મુંબઇ ઇન્ડિયન્સ પૉઇન્ટ ટેબલમાં તળિયે હતી, 2025માં પ્લે-ઑફના લેવલ સુધી પહોંચી શકી હતી. 2026માં પણ તેમનો દેખાવ નબળો હતો.
આઇપીએલની સિઝન શરૂ થાય તે અગાઉ આવી મોટી ડીલ થતી રહે છે. ચાલુ વર્ષમાં લખનઉ સુપર જાયન્ટ્સે રિષભ પંતને દિલ્હી કૅપિટલ્સને વેચ્યા હતા. તેની સામે કુલદીપ યાદવને પોતાની ટીમમાં લીધા હતા.
હાર્દિક પંડ્યા જ્યારે ગુજરાત છોડીને મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પહેલી સિઝનમાં જોડાયા ત્યારે તેમના માટે મુશ્કેલ સમય હતો. આ દરમિયાન 2024માં તેમની ટીમ છેક તળિયે પહોંચી હતી. ત્યાર પછીના વર્ષમાં જોકે મુંબઈ ઇન્ડિયન્સે સારો દેખાવ કર્યો હતો.
આ ઉપરાંત પંડ્યાને કેટલીક વખત ઈજા પણ સતાવે છે. 2026ની આઇપીએલમાં પણ તેઓ ફિટનેસને લગતી તકલીફો સહન કરતા હતા. પીઠના દુખાવાના કારણે તેઓ કેટલીક મૅચ રમી શક્યા ન હતા. માત્ર પાંચ મહિનાના ગાળામાં તેઓ ત્રણ અલગ-અલગ ઈજાનો ભોગ બન્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























