એનવિડિયાના સીઇઓ જેનસન હુઆંગે રાજીનામું આપ્યું, કંપનીએ શું જાહેરાત કરી? – ન્યૂઝ અપડેટ

જેસન હુઆંગત, એનવિડિયા, સીએફઓ, એનવિડિયાના સીઈઓનું રાજીનામું
પ્રકાશિત
વાંચવાનો સમય: 10 મિનિટ

અમેરિકાની ટૅક્નૉલૉજી કંપની એનવિડિયાના બોર્ડે જાહેરાત કરી છે તેના સીઇઓ (ચીફ ઑપરેટિંગ ઑફિસર) જેનસન હુઆંગે રાજીનામું આપી દીધું છે.

બોર્ડનું કહેવું છે કે કોલેટ ક્રેસને વચગાળાના સીઇઓની જવાબદારી સંભાળવા માટે સંમતિ આપી છે. તેઓ પહેલાંથી જ કંપનીનાં કાર્યકારી ઉપાધ્યક્ષ તથા ચીફ ફાયનાન્સિયલ ઑફિસર (સીએફઓ) છે.

કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના હાર્વે જોન્સે એક નિવેદનમાં જણાવ્યું, "અસાધારણ વિકાસના સમયમાં કોલેટે એનવિડિયાનું નેતૃત્વ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમને અમારા બિઝનેસ, ગ્રાહકો, વહીવટ તથા નાણાકીય સ્થિતિ અંગે ઊંડી સમજ છે."

કંપનીના નિવેદન મુજબ, એનવિડિયાના ઇતિહાસમાં પહેલી વખત હાર્વે જૉન્સને બોર્ડના અધ્યક્ષપદે ચૂંટવામાં આવ્યા છે.

એનવિડિયાના બોર્ડે હુઆંગના રાજીનામાની જાહેરાત કરી હતી અને કંપનીના વડા તરીકે તેમણે જે કામ કર્યું, તેની પ્રશંસા કરી હતી.

નિવેદનમાં જણાવવામાં આવ્યું કે 'એનવિડિયામાં જેનસનનો ફાળો ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યો છે.'

બોર્ડે જણાવ્યું હતું, "એનવિડિયા વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ તકનીકી કંપનીઓમાંથી એક છે."

સાથે જ બોર્ડ અને કંપનીએ "કંપની તથા સમગ્ર ઉદ્યોગમાં જેનસના અભૂતપૂર્વ પ્રદાન" બદલ તેમનો આભાર માન્યો હતો.

અંડર-19 એશિયા કપ: અફઘાનિસ્તાનને હરાવીને ભારત ફાઇનલમાં, પાક. સાથે ટક્કર થશે – ન્યૂઝ અપડેટ

અંડર 19 એશિયા કપ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ. ભારત એશિયા કપની ફાઇનલમાં, ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું, આર્યવીર સહવાગ,
ઇમેજ કૅપ્શન, આર્યવીર સહવાગની ફાઇલ તસવીર
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અંડર-19 એશિયા કપ 2026ના બીજા સેમિફાઇનલ મૅચમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનની ટીમને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ મૅચમાં અફઘાનિસ્તાની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

જોકે, અફઘાનિસ્તાનની શરૂઆત સારી નહોતી રહી. 29 રનના સ્કોર પર ટીમે પહેલી વિકેટ ગુમાવી હતી. એ પછી નોમાન સાલારજઈ તથા શાહ ફૈઝલ રહીમીએ ઇનિંગને મજબૂતી આપી હતી.

નોમાન તથા શાહ ફૈઝલે 51-51 રન બનાવ્યા હતા. બીજી બાજુ, કૅપ્ટન સોહેલ ખાને અણનમ 36 રન બનાવ્યા હતા.

અફઘાનિસ્તાને 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 227 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઈશાન સૂદે સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી. જ્યારે આર્યનને બે વિકેટ મળી હતી.

ટાર્ગેટને હાંસલ કરવા મેદાન પર ઊતરેલી ભારતની ટીમની શરૂઆત મજબૂત રહી હતી. ઓપનર રાજેશ તથા આર્યવીર સેહવાગે પહેલી વિકેટ માટે શતકીય ભાગીદારી કરી હતી.

રાજેશે 93 રનની ઇનિંગ રમી હતી. તેમણે પોતાના દાવમાં 14 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા.

આર્યવીર સેહવાગે 51 રન તથા વી. કે. વિનીતે 57 રનની ઇનિંગ રમી હતી.

આમ, ભારતની ટીમે આઠ વિકેટે મૅચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું.

14 નવેમ્બર એટલે કે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલમાં ટક્કર થશે. પહેલી સેમિફાઇનલ મૅચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

40 લાખ બૅરલ કરતાં વધુ ઑઇલ લઈને જઈ રહેલાં બે ટૅન્કરો સાથે હોર્મુઝમાં શું થયું? – ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આઇઆરજીસી પ્રમાણે, હોર્મુઝમાં વિસ્ફોટ બાદ રોકાયેલાં બે ટૅન્કરોમાં કુલ 40 લાખ બૅર કરતાં વધુ ઑઇલ હતું

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર (આઇઆરજીસી)ના નૌસૈન્યે કહ્યું કે હોર્મુઝની સામુદ્રધુનીના દક્ષિણ રસ્તાથી પસાર થઈ રહેલાં બે ઑઇલ ટૅન્કરોએ વિસ્ફોટ બાદ અટકવું પડ્યું.

બીબીસી પર્શિયન પાસેથી મળેલી માહિતી પ્રમાણે, નૌકાદળે જનસંપર્ક વિભાગને જણાવ્યું કે, આ ઘટના બુધવાર રાત્રે થઈ. નિવેદનમાં તેને 'ભયાનક વિસ્ફોટ' ગણાવાયો છે.

આઇઆરજીસી અનુસાર, બંને જહાજ 'સુપર ટૅન્કર' હતાં અને તેમાં કુલ 40 લાખ બૅરલ કરતાં વધુ ઑઇલ હતું.

નિવેદનમાં દાવો કરાયો છે કે ટૅન્કરોને દક્ષિણના રસ્તા અંગે વારંવાર અપાયેલી ચેતવણીને નજરઅંદાજ કરી હતી. આઇઆરજીસીએ આ રસ્તાને "ગેરકાયદેસર અને અસુરક્ષિત" ગણાવ્યો છે.

ઈરાનનું કહેવું છે કે જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા માટે તેણે નક્કી કરેલા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

અહેવાલો અનુસાર, કેટલાંક જહાજો અને ટૅન્કર ઈરાનની તરફથી જાહેર કરાયેલી પાબંદીઓથી બચવા માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી રહ્યાં છે.

યુપી વિધાનસભા ચૂંટણી પહેલાં ચંદ્રશેખર આઝાદ અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે ગઠબંધન

યુપી વિધાનસભા ચૂંટણી પહેલાં ચંદ્રશેખર આઝાદ અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે ગઠબંધન – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં અસદુદ્દીન ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ગુરુવારે લખનઊ ખાતે 'આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)'ના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ અને 'એઆઇએમઆઇએમ' (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગઠબંધનની જાહેરાત કરી હતી. બંને નેતાઓએ આ ગઠબંધનને 'સામાજિક પરિવર્તન મોરચા' નામ આપ્યું છે.

ચંદ્રશેખર આઝાદ અને ઓવૈસીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ કોઈ ત્રીજો મોરચો નથી, પરંતુ સામાજિક પરિવર્તનના હેતુથી બનાવવામાં આવેલું ગઠબંધન છે.

હાલમાં આ મોરચામાં બે મુખ્ય રાજકીય પક્ષો જોડાયેલા છે. બંને નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશની તમામ 403 વિધાનસભા બેઠકો પર મળીને ચૂંટણી લડશે.

ચંદ્રશેખર આઝાદે જણાવ્યું કે, તેમનું હૃદય ખૂબ મોટું છે. તેમણે 2014, 2017 અને 2019નાં રાજકીય ગઠબંધનોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ ગઠબંધનો ભાજપને હરાવવામાં સફળ રહ્યાં ન હતાં. તેમણે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસને પણ તેમની સાથે જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.

તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે, કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પણ તેમની સાથે મળીને ચૂંટણી લડે. ચંદ્રશેખર આઝાદે 26 નવેમ્બરે લખનઊમાં 'સંવિધાન રેલી' યોજવાની જાહેરાત પણ કરી હતી.

ગઠબંધનની જાહેરાત કરતી વખતે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, આ ગઠબંધનનો હેતુ માત્ર ભાજપને રોકવાનો નથી, પરંતુ રાજ્યમાં શિક્ષણની નબળી સ્થિતિ અને ખેડૂતોની સમસ્યાઓ જેવા મુદ્દાઓ પર પણ કામ કરવાનો છે.

ઓવૈસીએ કહ્યું હતું કે, "મને એ જાહેરાત કરતાં ખુશી થાય છે કે આ ગઠબંધનના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ચંદ્રશેખર આઝાદ હશે."

2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આઝાદ સમાજ પાર્ટી અને 'એઆઇએમઆઇએમ'એ અલગ-અલગ ચૂંટણી લડી હતી. 'એઆઇએમઆઇએમ'એ 95 બેઠકો પર અને આઝાદ સમાજ પાર્ટીએ 111 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જોકે, બંનેમાંથી કોઈ પણ પક્ષ એક પણ બેઠક જીતવામાં સફળ રહ્યો ન હતો.

દક્ષિણ ગાઝાની સૌથી મોટી હૉસ્પિટલ પર ઇઝરાયલનો હુમલો, ઓછામાં ઓછા છ લોકોનાં મોત

દક્ષિણ ગાઝાની સૌથી મોટી હૉસ્પિટલ પર ઇઝરાયલનો હુમલો, ઓછામાં ઓછા છ લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, હુમલામાં આઇસીયુ અને સર્જરી વિભાગોને ભારે નુકસાન પહોંચ્યું છે.

દક્ષિણ ગાઝાની નાસિર હૉસ્પિટલની એક ઇમારત પર થયેલા ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયાં છે.

હમાસના નિયંત્રણ હેઠળ કામ કરતી સિવિલ ડિફેન્સ એજન્સીના એક અધિકારીએ 'બીબીસી'ને જણાવ્યું હતું કે, આ હુમલામાં 20 લોકો ઘાયલ પણ થયા છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર પર થોડા સમય માટે આવેલા એક લડાકુ વિમાનમાંથી છોડાયેલી મિસાઇલ હૉસ્પિટલની એ ઇમારત પર પડી હતી, જ્યાં સર્જરી વૉર્ડ અને આઇસીયુ આવેલાં છે.

ગુરુવારે વહેલી સવારે થયેલા આ હુમલામાં મૃત્યુ પામનારા લોકોમાં એક સર્જન પણ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઇઝરાયલી સેના તરફથી અત્યાર સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 'બીબીસી'એ આ મામલે તેમની ટિપ્પણી માગી છે.

ઇઝરાયલે 'બીબીસી'ને ગાઝા પટ્ટીની અંદરથી સ્વતંત્ર રીતે રિપોર્ટિંગ કરવાની મંજૂરી આપી નથી. તેથી 'બીબીસી' આ ઘટના સાથે જોડાયેલી વિગતોની સ્વતંત્ર પુષ્ટિ કરી શકતું નથી.

નાસિર હૉસ્પિટલ દક્ષિણ ગાઝાની સૌથી મોટી હૉસ્પિટલ છે. ઑગસ્ટ 2025માં અહીં થયેલા બેવડા ઇઝરાયલી હુમલામાં પત્રકારો અને આરોગ્યકર્મીઓ સહિત ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયાં હતાં.

ગયા વર્ષે ઑક્ટોબરમાં થયેલા યુદ્ધવિરામ કરાર છતાં ગાઝામાં ઇઝરાયલી હુમલા ચાલુ રહ્યા છે. ગાઝાના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ત્યારથી 1,600 કરતાં વધુ લોકોનાં મોત થયાં છે. સંયુક્ત રાષ્ટ્ર આ મંત્રાલયના આંકડાને વિશ્વસનીય માને છે.

ઇઝરાયલ અને હમાસ બંને એકબીજાં પર યુદ્ધવિરામના ભંગનો આરોપ લગાવતા રહ્યાં છે.

જમ્મુ-કાશ્મીર : કિશ્તવાડમાં ગુમ થયેલા બે સ્પેશિયલ પોલીસ અધિકારીઓના મૃતદેહ મળ્યા

જમ્મુ-કાશ્મીર : કિશ્તવાડમાં ગુમ થયેલા બે સ્પેશિયલ પોલીસ અધિકારીઓના મૃતદેહ મળ્યા- ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, રશપાલ અને બૉલી બુધવારથી ગુમ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના અધિકારીઓએ ગુરુવારે કિશ્તવાડ જિલ્લામાં ગુમ થયેલા જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાનોના મૃતદેહ મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ, બંનેના શરીર પર ગોળી વાગ્યાનાં નિશાન હતાં. બંને બુધવાર રાતથી ગુમ હતા.

વાસ્તવમાં મૃતક બંને જવાનો સ્પેશિયલ પોલીસ ઑફિસર (એસપીઓ) હતા અને જમ્મુ-કાશ્મીર પોલીસના ઉગ્રવાદવિરોધી એકમ 'સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ'માં તહેનાત હતા.

એસપીઓ એવા નીચલા દરજ્જાના પોલીસકર્મીઓ હોય છે, જેમની નિમણૂક અસ્થાયી ધોરણે કરવામાં આવે છે અને તેમને જમ્મુ-કાશ્મીરનાં પોલીસ સ્ટેશનોમાં ફરજ પર મૂકવામાં આવે છે. જોકે, તેમને નિયમિત પોલીસકર્મીઓની જેમ વેતન અને અન્ય સુવિધાઓ મળતી નથી, છતાં તેઓ ઉગ્રવાદવિરોધી અભિયાનોમાં સક્રિય રીતે ભાગ લે છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કિશ્તવાડ જિલ્લાના રહેવાસી 54 વર્ષીય બૉબી ચંદ અને 45 વર્ષીય રશપાલકુમારના મૃતદેહ ગુરુવારે સવારે દચ્છન વિસ્તારના એક જંગલમાંથી મળી આવ્યા હતા. બંને બુધવારે રાત્રે આ જ વિસ્તારમાંથી ગુમ થયા હતા.

મીડિયા સાથે વાત કરવાની સત્તા ન ધરાવતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "તેમની સર્વિસ રાઇફલ પણ ગુમ છે, જેનાથી હુમલામાં ઉગ્રવાદીઓની સંડોવણી હોવાનો સંકેત મળે છે." હજુ સુધી કોઈ પણ ઉગ્રવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, બંને જવાનો બુધવારે રાત્રે કિશ્તવાડના દચ્છન વિસ્તારમાં કિયાર અને દેહરના વચ્ચેના પહાડી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો હતો. એમ માનવામાં આવે છે કે સેનાના એક પૉર્ટરે નજીકના સૈન્ય કૅમ્પને ગોળીબાર અંગે જાણ કરી હતી.

એક પોલીસ અધિકારીએ 'બીબીસી'ને જણાવ્યું હતું કે, "બુધવારે રાત્રે તેઓ ગુમ થયાની જાણ થતાં જ અમે વિસ્તારમાં શોધખોળ અભિયાન શરૂ કરી દીધું હતું. આખી રાત શોધખોળ કરવામાં આવી હતી અને હુમલાખોરોને શોધવા માટે સ્નિફર ડૉગ્સ અને ડ્રૉનની મદદ લેવામાં આવી હતી. કમનસીબે, ગુરુવારે સવારે અમારી ટીમોને દચ્છન વિસ્તારના એક જંગલમાં તેમના મૃતદેહ મળ્યા."

અધિકારીએ જણાવ્યું હતું કે કિશ્તવાડ જિલ્લાના દુર્ગમ અને પહાડી વિસ્તારમાંથી મૃતદેહોને નીચે લાવવાની કામગીરી ચાલી રહી હતી.

પહાડી જિલ્લા કિશ્તવાડમાં છેલ્લા કેટલાક મહિના દરમિયાન ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં વધારો નોંધાયો છે. આ જિલ્લો જમ્મુના ડોડા જિલ્લા, કાશ્મીરના અનંતનાગ જિલ્લા અને લદ્દાખના ઝાસ્કર જિલ્લા વચ્ચે આવેલો છે.

આ વર્ષના જાન્યુઆરી મહિનામાં કિશ્તવાડના છત્રુ વિસ્તારમાં ઉગ્રવાદવિરોધી અભિયાન દરમિયાન ઉગ્રવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં સેનાના એક જવાન માર્યા ગયા હતા, જ્યારે અન્ય કેટલાક ઘાયલ થયા હતા. આ જ મહિને આ વિસ્તારમાં વધુ બે અથડામણ થઈ હતી, પરંતુ ઉગ્રવાદીઓ સુરક્ષાદળોના ઘેરાવમાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા.

આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં સુરક્ષાદળોએ છત્રુ વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. તેમાં દાવા પ્રમાણે, 'પાકિસ્તાનસ્થિત ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ'નો એક ટોચનો કમાન્ડર પણ સામેલ હતો. છત્રુ વિસ્તાર અનંતનાગ અને કિશ્તવાડ જિલ્લાની સરહદ પર આવેલો છે.

ત્યાર પછી આ કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ પોતાના હાથમાં લીધી હતી. એજન્સીએ કિશ્તવાડના ઇંદરવાલ વિસ્તારમાંથી એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેના પર માર્યા ગયેલા ઉગ્રવાદીઓને મદદ કરવાનો આરોપ હતો. એજન્સીએ આ મામલે ગયા ઑક્ટોબરમાં આરોપપત્ર પણ દાખલ કર્યું હતું.

એનવીડિયાના શૅરોમાં ઘટાડા વચ્ચે પ્રતિસ્પર્ધી એએમડીને કેટલો ફાયદો?

ગત પાંચ દિવસમાં એએમડીના શૅરોમાં 21 ટકાથી વધુ વધારો નોંધાયો છે.
ઇમેજ કૅપ્શન, ગત પાંચ દિવસમાં એએમડીના શૅરોમાં 21 ટકાથી વધુ વધારો નોંધાયો છે.

જેન્સન હુઆંગ સાથે જોડાયેલા વિવાદો સામે આવ્યા બાદ એનવીડિયાના શૅરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, તેની મુખ્ય પ્રતિસ્પર્ધી ચિપ ઉત્પાદક કંપનીઓમાંની એક એએમડીના શૅરોમાં વધારો નોંધાયો છે.

કૅલિફોર્નિયાની કંપની એએમડીના શૅરોમાં છેલ્લા પાંચ દિવસમાં 21 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

એનવીડિયાને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતાથી દૂર રહેવા માટે રોકાણકારો અન્ય ટૅક્નૉલૉજી કંપનીઓના શૅરો તરફ વળી રહ્યા છે.

એએમડી ગ્રાફિક્સ પ્રોસેસર અને મોટા ડેટા સેન્ટરોમાં ઉપયોગમાં આવતી એઆઈ ચિપ્સના બજારમાં એનવીડિયા સાથે સ્પર્ધા કરે છે.

આ ડેટા સેન્ટરો કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે, એએમડી હજુ પણ એનવીડિયાની સરખામણીએ ઘણી નાની કંપની છે.

એએમડીનાં મુખ્ય કાર્યકારી અધિકારી લિસા સૂ અને જેન્સન હુઆંગ દૂરનાં સગાં સંબંધીઓ છે. બંનેનો જન્મ તાઇવાનમાં થયો હતો.

વિવાદોમાં ઘેરાયેલા એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગને ઇલોન મસ્કે આપી આ ઑફર

વિવાદોમાં ઘેરાયેલા એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગને ઇલોન મસ્કે આપી આ ઑફર – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ઇલોન મસ્કે ઍક્સ પર લખ્યું કે જેન્સન હુઆંગને નોકરી આપવી તેમના માટે "સન્માનની વાત" હશે.

એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગના ભવિષ્ય અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઇલોન મસ્કે કહ્યું છે કે તેમને નોકરી આપવી "સન્માનની વાત" હશે.

મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર નાણાકીય સમાચાર શૅર કરતી ઝીરોહેજની એક પોસ્ટના જવાબમાં આ વાત લખી હતી.

બીજી એક પોસ્ટમાં એઆઈ રોકાણકાર ગેવિન બૅકરે કહ્યું હતું કે એનવીડિયાના બૉર્ડે હુઆંગને પદ પરથી હટાવવાનો કોઈ નિર્ણય લેતા પહેલાં સ્વતંત્ર તપાસનાં પરિણામોની રાહ જોવી જોઈએ.

આ પોસ્ટના જવાબમાં મસ્કે "100" વાળું ઇમોજી પોસ્ટ કર્યું હતું.

હુઆંગના નેતૃત્વ હેઠળ એનવીડિયાએ 2025ના અંતમાં મસ્કની એઆઈ કંપની xAIમાં બે અબજ ડૉલર સુધીનું રોકાણ કરવા સંમતિ આપી હતી.

ઑક્ટોબર 2025માં સીએનબીસી સાથેની વાતચીત દરમિયાન હુઆંગે કહ્યું હતું, "મને માત્ર એટલો જ અફસોસ છે કે મેં તેમને વધુ પૈસા આપ્યા નથી."

તેમણે વધુમાં કહ્યું હતું, "ઇલોન જે બાબતો સાથે જોડાયેલા છે, તેમાંની લગભગ દરેક બાબતમાં તમે પણ ભાગીદાર બનવા ઇચ્છો."

જેન્સન હુઆંગ પર વધુ એક 'પ્રેમસંબંધ'નો આરોપ, એનવીડિયાના શૅરોમાં ભારે ઘટાડો

અમેરિકન ચિપ નિર્માતા કંપની એનવીડિયાના શૅર નિયમિત કારોબારી સત્રના ટ્રેડિંગ દરમિયાન બુધવારે આશરે 7.5 ટકા ઘટ્યા હતા.
ઇમેજ કૅપ્શન, આ પહેલાં વૉલ સ્ટ્રીટમાં દિવસનો કારોબાર કંપનીના શૅરોમાં વધારા સાથે બંધ થયો હતો.

અમેરિકન ચિપ નિર્માતા કંપની એનવીડિયાના શૅર નિયમિત કારોબારી સત્રના ટ્રેડિંગ દરમિયાન બુધવારે આશરે 7.5 ટકા ઘટ્યા હતા.

આ ઘટાડો કંપનીના સીઈઓ જેન્સન હુઆંગના વધુ એક કથિત પ્રેમ સંબંધ અંગેના અહેવાલો પ્રકાશમાં આવ્યા બાદ નોંધાયો હતો.

આ પહેલાં વૉલ સ્ટ્રીટમાં દિવસનો કારોબાર કંપનીના શૅરોમાં વધારા સાથે બંધ થયો હતો.

ન્યૂ યૉર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે હુઆંગના એનવીડિયાનાં એક મહિલા કર્મચારી સાથે પણ પ્રેમ સંબંધ હતા. આ પહેલાં એવી એક મહિલા તેમના સંબંધોના આરોપો સામે આવ્યા હતા, જેના પર ચીન માટે જાસૂસી કરવાનો આરોપ છે.

વૉલ સ્ટ્રીટ જર્નલ અને ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલો અનુસાર, કંપનીનું બૉર્ડ હવે વિચારણા કરી રહ્યું છે કે હુઆંગ સીઈઓના પદ પર યથાવત્ રહેશે કે નહીં.

એનવીડિયાએ પ્રથમ મામલાની તપાસ માટે મંગળવારે અમેરિકાની એક મોટી કાનૂની ફર્મની નિમણૂક કરી હતી. કંપનીના બૉર્ડે અગાઉ હુઆંગને પોતાનું સમર્થન આપ્યું હતું.

બૉર્ડે જણાવ્યું હતું કે તેમની પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે તે મામલામાં કંપનીની ગોપનીય માહિતી અથવા રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન થયું છે.

બુધવારે મોડી સાંજ સુધી બૉર્ડ તરફથી કોઈ નવું નિવેદન જાહેર કરવામાં આવ્યું નહોતું. કંપનીના અનેક પ્રતિનિધિઓ અને બૉર્ડના સભ્યોનો સંપર્ક કરવાની કોશિશો છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.

એનવીડિયાની ચિપ્સનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમો, ડેટા સેન્ટરો, વિડિયો ગેમ્સ અને ડ્રાઇવર વિનાની ગાડીઓ જેવી ટૅક્નૉલૉજીમાં થાય છે.

એઆઈ ક્ષેત્રમાં ચીનથી આગળ રહેવાના અમેરિકાના પ્રયાસોમાં આ ચિપ્સનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતાં 2022થી એનવીડિયાની સૌથી અદ્યતન ચિપ્સના ચીનમાં નિકાસ પર પ્રતિબંધો મૂક્યા છે. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન કેટલીક મર્યાદાઓમાં રાહત આપવામાં આવી છે.

સ્પેન : બાર્સિલોના અને મૅડ્રિડમાં હડતાળ દરમિયાન હિંસા અને આગચંપી

સ્પેન : બાર્સિલોના અને મૅડ્રિડમાં હડતાળ દરમિયાન હિંસા અને આગચંપી – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, સ્પેનમાં ઘરોના વધતા ખર્ચ અને મોંધવારી સામે બાર્સિલોનામાં વિરોધપ્રદર્શનો યોજાયાં હતાં.

સ્પેનમાં રહેઠાણનો ખર્ચ અને મોંઘવારીના વધારા સામે યોજાયેલી સામાન્ય હડતાળ દરમિયાન બાર્સિલોનામાં 50 હજારથી વધુ લોકો પ્રદર્શનમાં જોડાયા હતા.

સ્પેનમાં ઘરખર્ચ અને વધતી મોંઘવારી સામે 14 વર્ષ પછી યોજાયેલી પ્રથમ સામાન્ય હડતાળ દરમિયાન બાર્સિલોનામાં મોં ઢાંકેલા લોકોનાં કેટલાંક જૂથો અને પોલીસ વચ્ચે અથડામણો થઈ હતી.

દેશના મુખ્ય મજૂર સંગઠનોની અપીલ પર યોજાયેલી હડતાળમાં રાજધાની મૅડ્રિડમાં અંદાજે 1.20 લાખ અને બાર્સિલોનામાં 50 હજારથી વધુ લોકો પ્રદર્શનમાં જોડાયા હતા.

બાર્સિલોનામાં નકાબધારી લોકો કચરાપેટીઓને આગ ચાંપતા અને દુકાનોના કાચ તોડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પોલીસે ટીયર ગૅસનો ઉપયોગ કર્યો હતો. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, વિવિધ ઘટનાઓમાં ડઝનબંધ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

હડતાળને કારણે સમગ્ર સ્પેનમાં પરિવહન અને અન્ય જાહેર સેવાઓ પર માઠી અસર પડી હતી. મૅડ્રિડ અને બાર્સિલોનાના ઘણા મુખ્ય માર્ગો પર અવરજવર ઠપ થઈ ગઈ હતી.

બાર્સિલોનામાં પ્રદર્શનમાં જોડાયેલી એક મહિલાએ 'બીબીસી'ને જણાવ્યું હતું કે પ્રદર્શનનો મોટા ભાગનો હિસ્સો શાંતિપૂર્ણ હતો અને તેમાં બાળકો તથા વૃદ્ધો પણ સામેલ હતાં.

જોકે, સાંજે તેમણે રસ્તાઓ પર ઘણી જગ્યાએ આગ લાગેલી જોઈ હતી. આ હડતાળની પૃષ્ઠભૂમિમાં સસ્તા આવાસની માગ તથા રોજિંદા જીવનના વધતા ખર્ચ સામે ચાલી રહેલાં પ્રદર્શનો છે.

મૅડ્રિડમાં 87 વર્ષીય મારીકાર્મૅન આબાસ્કાલને તે ફ્લૅટમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો, જેમાં તેઓ છેલ્લાં સાત દાયકાથી રહેતા હતા. થોડાં સપ્તાહ પછી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.

પ્રદર્શનમાં જોડાયેલાં 37 વર્ષીય શિક્ષિકા ઑલ્ગા ડૉમિંગોએ કહ્યું હતું કે વર્તમાન ખર્ચની સરખામણીએ મળતા વેતનમાં જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બની ગયો છે.

સ્પેનમાં 29 નવેમ્બરે સંસદીય ચૂંટણી યોજાવાની છે. વડા પ્રધાન પેદ્રો સાન્ચેઝે આવાસ સુધારાની પોતાની યોજનાને સંસદની મંજૂરી ન મળ્યા બાદ ગયા મહિને સમય પહેલાં જ ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી.

સાન્ચેઝ અને તેમના મંત્રીઓએ લોકોને કામ બંધ રાખીને સસ્તાં મકાનોની માગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન