'મેં પત્ની સાથે બેવફાઈ કરી', શક્તિશાળી કંપનીના CEOને ચીની જાસૂસે પ્રેમસંબંધમાં ફસાવ્યા?

'મેં પત્ની સાથે બેવફાઈ કરી': એનવિડિયાના સીઈઓએ કથિત ચીની જાસૂસ સાથે પ્રેમસંબંધ હોવાની વાત સ્વીકારી
ઇમેજ કૅપ્શન, જેન્સન હુઆંગે લગ્નેતર સંબંધ હોવાની વાત સ્વીકારી છે અને કહ્યું છે કે તેઓ ટેક્નૉલૉજી ક્ષેત્રની આ દિગ્ગજ કંપનીની સુરક્ષા તપાસમાં સહકાર આપશે.
    • લેેખક, નાથન વિલિયમ્સ અને ઝોઇ ક્લેનમેન
    • પદ, ટેકનોલોજી સંપાદક
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકાની ટેક્નોલૉજી કંપની એનવિડિયાએ પોતાના સીઈઓ જેન્સન હુઆંગ સામે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. જે મહિલા સાથે હુઆંગના પ્રેમસંબંધ હતા, તેમના પર ચીની જાસૂસ હોવાનો આરોપ છે.

એનવિડિયાએ જણાવ્યું છે કે કંપનીના બોર્ડ પાસે એમ માનવાને કોઈ કારણ નથી કે કંપનીનાં ગુપ્ત રહસ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી માહિતી સાથે કોઈ બાંધછોડ થઈ છે.

કંપનીએ એમ પણ કહ્યું છે કે તેના સીઈઓ કંપનીનું નેતૃત્વ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે.

દરમિયાન, જેન્સન હુઆંગે પોતાની પત્ની સાથે બેવફાઈ કરી હોવાનું સ્વીકાર્યું છે. તેમણે પોતાનાં બાળકોને પહોંચેલી તકલીફ બદલ માફી પણ માગી છે.

અમેરિકાના અખબાર 'ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ'ના એક અહેવાલ અનુસાર, ગુપ્તચર અધિકારીઓનું માનવું હતું કે ચીની મહિલા ઉદ્યોગપતિ એલિસ હુઆંગ અને જેન્સન હુઆંગ વચ્ચે નિકટના સંબંધો હતા. અધિકારીઓને શંકા હતી કે આ મહિલા બેઇજિંગ માટે જાસૂસી કરી રહી હતી.

શંકાસ્પદ જાસૂસ વિશે શું જાણવા મળે છે?

'મેં પત્ની સાથે બેવફાઈ કરી': એનવિડિયાના સીઈઓએ કથિત ચીની જાસૂસ સાથે પ્રેમસંબંધ હોવાની વાત સ્વીકારી
ઇમેજ કૅપ્શન, કૅલિફોર્નિયામાં એનવિડિયાનું મુખ્ય મથક

'ધ ન્યૂયૉર્ક ટાઇમ્સે' ગયે મહિને અહેવાલ આપ્યો હતો. એ મુજબ, અમેરિકાના ગુપ્તચર અધિકારીઓને શંકા હતી કે એનવિડિયાના વડા સાથે નિકટના સંબંધો ધરાવતી એલિસ હુઆંગ બેઇજિંગ માટે જાસૂસી કરી રહી હતી.

અખબારે અજ્ઞાત સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ આ ચીની મહિલા ઉદ્યોગપતિ પર નજર રાખી રહી હતી. તપાસ દરમિયાન તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે તે બેઇજિંગ માટે કામ કરી રહી હતી.

જાણવા મળ્યું છે કે એલિસ હુઆંગ પર નજર રાખતી વખતે અમેરિકન ગુપ્તચર એજન્સીઓને તેમની અને એક અમેરિકન નાગરિક વચ્ચે થયેલી વાતચીતની જાણ થઈ હતી. પછીથી 'અનમાસ્કિંગ' નામની પ્રક્રિયા દ્વારા એ અમેરિકન નાગરિકની ઓળખ જેન્સન હુઆંગ તરીકે કરવામાં આવી હતી.

એલિસ હુઆંગ, જેઓ હુઆંગ લે નામથી પણ ઓળખાય છે, તેમણે કથિત રીતે બેઇજિંગને કઈ માહિતી આપી હતી, એ માહિતી કેટલી મહત્ત્વની હતી અને તેમણે ક્યારથી ગુપ્ત માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું, એ હજી સ્પષ્ટ થયું નથી.

અહેવાલ અનુસાર, નજર રાખવા દરમિયાન શંકાસ્પદ જાસૂસ અને એક અમેરિકન નાગરિક વચ્ચેની વાતચીતનો પત્તો લાગ્યો હતો. અખબારે એલિસ હુઆંગનો સંપર્ક કરીને તેમનો પક્ષ જાણવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.

તેમનો સંબંધ સિંગાપોરસ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડ સાથે છે. કંપનીએ ગયે મહિને 'ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ'ને જણાવ્યું હતું કે તેના વર્તમાન નેતૃત્વે આ આરોપોને ગંભીરતાથી લીધા છે અને આંતરિક તપાસ માટે બહારના કાનૂની સલાહકારોની નિમણૂક કરી છે.

ચીનમાં લોકો શું કહી રહ્યા છે?

'મેં પત્ની સાથે બેવફાઈ કરી': એનવિડિયાના સીઈઓએ કથિત ચીની જાસૂસ સાથે પ્રેમસંબંધ હોવાની વાત સ્વીકારી
ઇમેજ કૅપ્શન, ચીને જાસૂસીના દાવાઓને 'પાયાવિહોણી અટકળો' ગણાવ્યા છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચીન આ પહેલાં એનવિડિયાના વડાને નિશાન બનાવીને જાસૂસી અભિયાન ચલાવાયું હોવાના આરોપોને નકારી ચૂક્યું છે. ચીને આ દાવાઓને 'પાયાવિહોણી અટકળો' ગણાવ્યા છે.

ચીનના કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આને માત્ર પ્રેમસંબંધનો મામલો માની રહ્યા છે. ચીની સોશિયલ મીડિયા પર લોકો એ વાતથી આશ્ચર્યચકિત છે કે જેન્સન હુઆંગે પોતાના પ્રેમસંબંધની વાત સ્વીકારી લીધી છે.

'Jensen Huang admits affair' (જેન્સન હુઆંગે લગ્નેતર સંબંધ સ્વીકાર્યો) એવા હૅશટૅગને ગણતરીના કલાકોમાં જ લગભગ એક કરોડ વ્યૂઝ મળ્યા હતા. 'The person Jensen Huang cheated with' (જે વ્યક્તિ સાથે જેન્સન હુઆંગે વિશ્વાસઘાત કર્યો) સહિતના બીજા અનેક હૅશટૅગ પણ લોકપ્રિય થઈ રહ્યા છે.

જોકે, ચીનમાં કડક નિયંત્રણોનું વાતાવરણ હોવાથી, આ મામલે સરકારી સેન્સરશિપ ઉપરાંત લોકો પોતે પણ શું બોલવું અને શું ન બોલવું તેનું ધ્યાન રાખતા હોય એવા સંકેતો મળે છે.

જાસૂસીના આરોપો અંગે ચીની મીડિયાની પ્રતિક્રિયા પણ મર્યાદિત રહી છે. આ મીડિયા સંસ્થાઓએ હુઆંગના નિવેદન અંગે સમાચારો પ્રકાશિત કર્યા હતા, પરંતુ તેમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ચિંતાઓ કે એલિસ હુઆંગ પર ચીની જાસૂસ હોવાના આરોપોનો ઉલ્લેખ કર્યો નહોતો.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આને માત્ર વૈવાહિક વિવાદ તરીકે જોતા જણાય છે. વીબોના એક યુઝરે લખ્યું, "તેઓ છૂટાછેડા લેવા માગે છે અને પોતાની કેટલીક સંપત્તિ સુરક્ષિત રાખવા માગે છે."

અન્ય એક યુઝરે લખ્યું, "તેમણે પણ એ જ ભૂલ કરી છે, જે કોઈ પણ પુરુષ કરી શકે છે."

આ ટિપ્પણી 1999માં અભિનેતા જેકી ચેનના પ્રેમસંબંધ અંગેના નિવેદનમાં વપરાયેલા એક વાક્ય તરફ ઈશારો કરે છે.

એક યુઝરે પૂછ્યું, "શું તેઓ ચીની જાસૂસ છે કે અમેરિકન જાસૂસ?"

અન્ય એક યુઝરે લખ્યું, "આ તો માત્ર રાજકીય દાવપેચ છે."

જેન્સન હુઆંગે પ્રેમસંબંધની વાત સ્વીકારી?

'મેં પત્ની સાથે બેવફાઈ કરી': એનવિડિયાના સીઈઓએ કથિત ચીની જાસૂસ સાથે પ્રેમસંબંધ હોવાની વાત સ્વીકારી
ઇમેજ કૅપ્શન, બર્લિનમાં એક કાર્યક્રમ દરમિયાન એક રોબોટ સાથે વાતચીત કરતા એનવિડિયાના સીઈઓ હુઆંગ (ફાઇલ ફોટો)

જેન્સન હુઆંગે કહ્યું કે પોતે જે કંઈ કર્યું છે તેની "સંપૂર્ણ જવાબદારી" તેઓ સ્વીકારે છે. તેમણે એમ પણ સ્વીકાર્યું કે એનવિડિયાના કર્મચારીઓ, બોર્ડ અને શેરધારકો પ્રત્યેની પોતાની જવાબદારીઓ નિભાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

તેમણે કહ્યું, "મેં મારી પત્ની સાથે બેવફાઈ કરી છે. મારા કારણે મારી પત્ની અને બાળકોને તકલીફ પહોંચી છે. મેં જે કર્યું છે તેના માટે કોઈ બહાનું હોઈ શકે નહીં. મને તેનો ખૂબ જ અફસોસ છે."

તેમના નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું હતું, "સમાચાર અહેવાલોમાં ઉઠાવવામાં આવેલી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ચિંતાઓની વાત કરીએ તો, એનવિડિયાના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. હું આ તપાસને સમર્થન આપું છું અને તેમાં પૂરો સહકાર આપીશ."

"હું મારા દેશ અને મારી કંપનીને પ્રેમ કરું છું. એનવિડિયાની સુરક્ષા કરવા અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને સમર્થન આપવા માટે હું પ્રતિબદ્ધ છું. મને અમેરિકન નાગરિક હોવાનો ગર્વ છે અને એ માટે હું આભારી છું."

એનવિડિયાના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે અલગથી બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીના સ્થાપક અને સીઈઓ જેન્સન હુઆંગને વિદેશી ગુપ્તચર અભિયાનનું નિશાન બનાવવામાં આવ્યા હોવાના તાજેતરના અહેવાલોને પગલે તપાસ શરૂ કરવામાં આવશે.

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું હતું, "અમેરિકાની રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષા બોર્ડ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે, કારણ કે તે એનવિડિયા અને તેના શૅરધારકોના હિત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

"જોકે, બોર્ડ પાસે એમ માનવાનું કોઈ કારણ નથી કે રાષ્ટ્રીય સુરક્ષા કે એનવિડિયાનાં ગુપ્ત રહસ્યો સાથે કોઈ બાંધછોડ થઈ છે, તેમ છતાં તપાસ દરમિયાન ઉપલબ્ધ તમામ માહિતીની ચકાસણી કરવામાં આવશે."

ટ્રમ્પે આ મામલે શું કહ્યું?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તપાસના સમાચાર બહાર આવ્યા ત્યારથી તેમની એનવિડિયાના વડા સાથે કોઈ વાતચીત થઈ નથી.

ટ્રમ્પે પત્રકારોને કહ્યું, "હું એટલું જ જાણું છું કે તેઓ એક સારા માણસ છે, પરંતુ શું ચાલી રહ્યું છે તે કદી કહી શકાય નહીં."

તેમણે એમ પણ કહ્યું કે હુઆંગે "આપણા દેશ માટે શાનદાર કામ કર્યું છે."

રવિવારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું હતું કે શું હવે તેમને લાગે છે કે એ વખતે તેમણે "ગુપ્તચર માહિતીના આધારે પગલાં લેવાં જોઈતાં હતાં?"

તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "ના, મને એવું નથી લાગતું. મારા મતે તેઓ એક આદરણીય વ્યક્તિ છે."

એનવિડિયામાં જેન્સન હુઆંગની ભૂમિકા

'મેં પત્ની સાથે બેવફાઈ કરી': એનવિડિયાના સીઈઓએ કથિત ચીની જાસૂસ સાથે પ્રેમસંબંધ હોવાની વાત સ્વીકારી
ઇમેજ કૅપ્શન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જેન્સન હુઆંગ (ફાઇલ ફોટો)

એનવિડિયા દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ઊભરતી ટેક્નૉલૉજી માટે હાર્ડવેર બનાવવામાં તેની મહત્ત્વની ભૂમિકા છે. જેન્સન હુઆંગ 30 વર્ષ કરતાં વધુ સમયથી આ કંપનીનું નેતૃત્વ કરી રહ્યા છે.

જેન્સન હુઆંગે એકથી વધુ વખત એનવિડિયાને નાદારીના આરે પહોંચતાં બચાવી છે. તેમણે દુનિયાના બીજા દેશો કરતાં ઘણાં વહેલાં એઆઈ ક્ષેત્રમાં જોખમ લઈને રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો.

મૂળભૂત રીતે ગેમિંગ માટે તૈયાર કરવામાં આવેલી એનવિડિયાની ચિપ્સને એઆઈના વિકાસ માટે શ્રેષ્ઠ બનાવવાનો તેમનો નિર્ણય અત્યંત સફળ રહ્યો છે. તેના કારણે કંપનીનું બજારમૂલ્ય ટ્રિલીયન ડૉલર સુધી પહોંચ્યું છે.

પોતાના કામ પ્રત્યે સમર્પિત રહેવા અને કર્મચારીઓ પાસે પણ ઉત્તમ કામ કરાવવાનો આગ્રહ રાખવા માટે જાણીતા હુઆંગ માટે આ ઘટનાક્રમ મોટો આંચકો છે.

એઆઈના માળખાકીય ક્ષેત્રમાં એનવિડિયાની કેન્દ્રીય ભૂમિકા છે. કંપની ઓપનએઆઈ અને મેટા સહિતની અગ્રણી એઆઈ મૉડલ વિકસાવતી કંપનીઓને ચિપ્સ પૂરી પાડે છે.

માઇક્રોચિપ બનાવતી આ કંપનીનું બજારમૂલ્ય આશરે 4.5 ટ્રિલીયન ડૉલર છે. આથી તે અત્યાર સુધીની સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપનીઓમાંની એક બની છે.

ગયા અઠવાડિયે અમેરિકન કૉંગ્રેસના સભ્યોએ જેન્સન હુઆંગને પત્ર લખીને આ કથિત સંબંધને પગલે તેમની સમક્ષ હાજર થવા વિનંતી કરી હતી.

હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની ત્રણ રિપબ્લિકન સમિતિઓના વડાઓએ સીઈઓને આ મહિનાના અંતમાં હાજર થવા જણાવ્યું છે.

એલિસ હુઆંગ સાથેના તેમના કથિત સંબંધને પગલે એનવિડિયાની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમની સાથે ચર્ચા કરવા કહેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા વિદેશી દેશો દ્વારા જાસૂસી કરીને કંપનીની માહિતી મેળવી લેવાના પ્રયાસોને રોકવા માટે છે. પત્રમાં જણાવાયું હતું, "તાજેતરના અહેવાલોથી ચીનને અમેરિકાની સંવેદનશીલ ટેક્નૉલૉજી અને માહિતી સુધી પહોંચ મળી રહી હોવા અંગે રાષ્ટ્રીય સુરક્ષાની ગંભીર ચિંતાઓ ઊભી થાય છે.

"કૉંગ્રેસના આ વર્તમાન કાર્યકાળમાં ચીનની ઘૂસણખોરી અને અત્યાધુનિક અમેરિકન ટેક્નૉલૉજી સુધી તેની પહોંચનો મુદ્દો અમારી ત્રણેય સમિતિઓની તપાસનો મુખ્ય વિષય રહ્યો છે."

એનવિડિયાની એઆઈ ચિપ્સ અમેરિકા અને ચીન વચ્ચેની હરીફાઈનું એક મહત્ત્વનું કેન્દ્ર રહી છે. અમેરિકાએ અગાઉ પણ પોતાનાં અત્યાધુનિક ઉત્પાદનો કયા દેશોમાં વેચી શકાય તેના પર નિયંત્રણો મૂક્યાં છે.

એનવિડિયાની બીજી સૌથી અદ્યતન સેમિકન્ડક્ટર ચિપ H200ના વેચાણ પર અમેરિકાએ અગાઉ એ ચિંતાને કારણે પ્રતિબંધ મૂક્યો હતો કે તેનાથી ચીનના ટેક્નૉલૉજી ઉદ્યોગને અમેરિકા સામે સરસાઈ મળી શકે છે.

જાન્યુઆરીમાં ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે કેટલીક શરતોને આધીન રહીને કંપનીને પોતાની H200 ચિપ્સ ચીની ગ્રાહકોને વેચવાની મંજૂરી આપવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન