અલ નીનોની અસર છેક ગુજરાત સુધી કેમ વર્તાઈ રહી છે અને એણે સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલી કઈ રીતે વધારી?

અલ નીનો જેવી હવામાનની ઘટનાઓ અને હવામાનની બદલાતી પરિસ્થિતિ માત્ર ખેતીને જ અસર કરતી નથી. વરસાદ અને તાપમાનમાં થતા મોટા ફેરફારો હવે પાકના ઉત્પાદનથી લઈને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ અને સામાન્ય લોકોના ઘરખર્ચ સુધી અસર કરી શકે છે.

ભારતીય રિઝર્વ બૅન્કના તાજેતરના બુલેટિનોમાં જણાવાયું છે કે ભારતમાં ખાદ્ય ફુગાવામાં હવામાન સંબંધિત આંચકાઓની ભૂમિકા વધી રહી છે. જોકે, આ પહેલાં પણ RBIએ આ પ્રકારની ચેતવણીઓ અવારનવાર આપી છે કે બદલાતી આબોહવાની સીધી અસર ફુગાવા અને તમારા કે મારા ઘરખર્ચ પર કેવી રીતે પડશે.

વરસાદ અને તાપમાનમાં સામાન્ય સ્થિતિ કરતાં મોટો ફેરફાર થાય ત્યારે શાકભાજીનું ઉત્પાદન અને બજારમાં તેની ઉપલબ્ધતા અસરગ્રસ્ત થાય છે. RBIના મતે, ભારતમાં શાકભાજીનું મોટા ભાગનું ઉત્પાદન નાના અને સીમાંત ખેડૂતો કરે છે અને આવા ખેડૂતો પાસે હવામાનની અણધારી સ્થિતિ સામે રક્ષણનાં મર્યાદિત સાધનો હોય છે.

ખેડૂતો સામાન્ય રીતે વરસાદ, તાપમાન અને બજારભાવને ધ્યાનમાં રાખીને પાકની પસંદગી કરે છે. પરંતુ જ્યારે હવામાન સામાન્ય રહેતું નથી ત્યારે પાકને નુકસાન થાય છે અને બજારમાં પુરવઠો ઘટી શકે છે.

હવામાન અને મોંઘવારી વચ્ચેની કડી એકબીજા સાથે જોડાયેલી છે. વરસાદ ઓછો પડે અથવા ખોટા સમયે ભારે વરસાદ પડે તો પાકને નુકસાન થાય છે, જેનાથી ઉત્પાદન ઘટે છે અને બજારમાં પુરવઠો ઓછો થાય છે; એટલે તેની સીધી અસર ભાવ પર પડે છે અને તે વધે છે. નિષ્ણાતો માને છે કે, જો આવી સ્થિતિ અનેક પાકો અથવા અનેક વિસ્તારોમાં એકસાથે સર્જાય તો તેની અસર સમગ્ર ખાદ્ય મોંઘવારી પર પડી શકે છે.

હવામાન અને મોંઘવારી વચ્ચેની કડી

ભાવમાં થયેલા ફેરફારો માત્ર ગ્રાહકોને જ અસર કરતા નથી, તેના કારણે આગામી સિઝનમાં ખેડૂતો કયો પાક વાવે છે તેના નિર્ણયમાં પણ બદલાવ આવી શકે છે. એક પાકના ભાવ વધે તો ખેડૂતો બીજા પાક તરફ વળી શકે છે. તેના કારણે આગામી સિઝનમાં બીજા પાકનો પુરવઠો વધી શકે અથવા ઘટી શકે છે અને ભાવમાં ફરી ફેરફાર થઈ શકે છે. અર્થશાસ્ત્રમાં આ પ્રક્રિયાને 'કોબવેબ ફિનોમેનન' તરીકે ઓળખવામાં આવે છે.

RBIના વિશ્લેષણ પ્રમાણે ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વરસાદની સામાન્ય સ્થિતિથી મોટા ફેરફારો વધુ જોવા મળ્યા છે. સાથે જ, સામાન્ય કરતાં વધારે તાપમાનની ઘટનાઓમાં પણ વધારો થયો છે.

2015-16 અને 2022 દરમિયાન હીટવેવની અસર કેટલીક શાકભાજીના પાક પર થઈ હતી. એપ્રિલથી જૂન 2024 દરમિયાન પડેલી તીવ્ર ગરમીને કારણે પણ ભારતમાં શાકભાજીના પાકને નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ, ઠંડીની લહેરો પ્રમાણમાં ઓછી જોવા મળે છે, પરંતુ 2023-24ની શિયાળાની ઋતુમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ઠંડીની લહેરોએ શાકભાજીના પાકને અસર કરી હતી. તે વખતે શિયાળાના મહિનાઓમાં અસામાન્ય અને વધુ પડતા વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હતું અને પુરવઠામાં વિક્ષેપ સર્જાયો હતો. ખાસ કરીને ડુંગળીના ભાવ પર તેની અસર પડી હતી.

2020માં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વાવાઝોડા, વધુ વરસાદ અને ઊંચા તાપમાનને કારણે બટાટાના પાકને થયેલા નુકસાનની અસર પણ તેના ભાવ પર પડી હતી. એટલે કે હવામાનનો આંચકો ખેતરમાં શરૂ થાય છે, પરંતુ તેની અસર બજાર અને આખરે ગ્રાહક સુધી પહોંચે છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્રી ડૉ. એ. એસ. શેખ માને છે કે અલ નીનોની અસર શરૂઆતમાં એવી બાબત તરીકે જોવા મળી શકે છે, જે મુખ્યત્વે મોટા સ્તરે હવામાનની પેટર્ન અને હવામાનની આગાહીને અસર કરે છે. પરંતુ, જો આપણે ગુજરાત જેવા રાજ્યમાં સૂક્ષ્મ સ્તરે એટલે કે ખેતરો અને કૃષિ ઉત્પાદનના સ્તરે જોઈએ, તો મોંઘવારી પર અલ નીનોની અસર વધુ સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે.

ઉદાહરણ તરીકે, ઑગસ્ટ મહિના દરમિયાન સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં પૂરતો વરસાદ પડ્યો નથી. તેમના મતે, વધતું તાપમાન હવામાનની બદલાતી સ્થિતિ માટેનું એક કારણ છે. તેના પરિણામે કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે અને જ્યારે ઉત્પાદન ઘટે છે, ત્યારે બજારમાં કૃષિ પેદાશોનો પુરવઠો પણ ઘટે છે. આખરે, આ સ્થિતિ ચીજવસ્તુઓના ભાવ પર ઉપરની તરફ દબાણ ઊભું કરી શકે છે અને મોંઘવારીમાં વધારો કરી શકે છે.

ડૉ. શેખ માને છે કે છેલ્લા એક દાયકામાં હવામાનની સ્થિતિ, કૃષિઉત્પાદન અને મોંઘવારી વચ્ચેનો આ સંબંધ નોંધપાત્ર રીતે જોવા મળ્યો છે.

'વરસાદ ત્રણ દિવસનો હોય તો ચાર કલાકમાં પડી જાય છે'

હવામાન માટે કામ કરતી સંસ્થા સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવત કહે છે કે અતિશય હવામાન અને મોંઘવારી વચ્ચે સીધો સંબંધ છે.

તેમના જણાવ્યા પ્રમાણે, તાપમાન વધવાથી હવામાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધે છે. તેના કારણે ટૂંકા ગાળામાં ખૂબ વધારે વરસાદ પડી શકે છે. "જે વરસાદ ત્રણ-ચાર દિવસમાં પડવો જોઈએ તે આજકાલ ચાર કલાકમાં પડી જાય છે." આવી સ્થિતિમાં એક તરફ અચાનક પૂર આવી શકે છે અને બીજી તરફ કોઈ બીજા સમયે પાણીની અછત ઊભી થઈ શકે છે.

પલાવતના મતે, ખેતી માટે આવી અતિશય હવામાનની ઘટનાઓ સામાન્ય વરસાદ કરતાં વધુ નુકસાનકારક બની શકે છે. ગુજરાતના વલસાડમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદનું ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે અતિશય વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. તાપમાનમાં સતત વધારો થાય ત્યારે માત્ર વરસાદની પેટર્ન જ નહીં, પરંતુ ઠંડા વાતાવરણની જરૂરિયાત ધરાવતા પાકો પણ અસરગ્રસ્ત થઈ શકે છે. તેમાં કેટલાક બાગાયતી પાકો ઉપરાંત ઘઉં જેવા પાકોનો પણ સમાવેશ થાય છે.

ગીર સોમનાથના ખેડૂત ભરત બરગા માને છે કે જો સરકાર સમયસર પગલાં લે અને આબોહવામાં આવેલા ફેરફારને કારણે પેદાશને થતા નુકસાનની ભરપાઈ માટે બજારમાં સપ્લાયને નિયંત્રણમાં રાખી શકે, તો ભાવને પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

તેઓ કહે છે કે આ વર્ષે મગફળીનું ઉત્પાદન દર વર્ષની સરખામણીએ ઓછું થવાનું નક્કી છે અને તેના કારણે બજારમાં મગફળીની અછત ઊભી થવાની શક્યતા છે. તેમના મતે, આવી સ્થિતિમાં જો સરકાર મગફળીનો પૂરતો પુરવઠો જાળવવા માટે વધુ મગફળીને બજારમાં ઉપલબ્ધ કરાવે, તો ભાવને નિયંત્રણમાં રાખી શકાય અને ખેડૂતોને પણ યોગ્ય ભાવ મળી શકે.

ભરત બરગા દર વર્ષે આશરે 15 મણ મગફળીનું ઉત્પાદન કરે છે. પરંતુ તેઓ માને છે કે આ વર્ષે ઓછા વરસાદને કારણે તેઓ એટલું ઉત્પાદન કરી શકશે નહીં.

અલ-નીનોને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલીઓ

ગુજરાતમાં હવામાનનો આ પ્રભાવ દરેક વિસ્તારમાં એકસરખો નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક રહી છે.

દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જેવા વિસ્તારોની સ્થાનિક અર્થવ્યવસ્થા ખેતી સાથે ઊંડે સુધી જોડાયેલી છે. અહીં ખેડૂતોની આવક માત્ર ખેડૂતો પૂરતી સીમિત રહેતી નથી. ખેડૂતોની આવકથી સ્થાનિક બજારોમાં ખરીદી થાય છે. નાના વેપારીઓ, દુકાનદારો અને ખેતી સાથે જોડાયેલા અન્ય વ્યવસાયો પણ આ આવક પર નિર્ભર રહે છે.

એટલે ખેતીનું ઉત્પાદન ઘટે ત્યારે તેની અસર આખી સ્થાનિક અર્થવ્યવસ્થા પર પડી શકે છે. ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા કહે છે કે કેટલાક ખેડૂતો અગાઉ જેટલા પ્રમાણમાં કપાસ અને મગફળીનું ઉત્પાદન કરી શકતા નથી. આની અસર માત્ર ખેડૂતોની આવક પર નહીં, પરંતુ તેમાંથી બનતા ઉત્પાદનોની ઉપલબ્ધતા અને ભાવ પર પણ પડી શકે છે.

તેમના મતે, મગફળીનું ઉત્પાદન ઘટે તો તેમાંથી તેલ કાઢવા માટે ઉપલબ્ધ કાચો માલ ઘટશે અને તેની અસર ખાદ્ય તેલના ભાવ પર થઈ શકે છે. "જો બજારમાં કાચો માલ ઓછો હશે તો તેમાંથી બનતા ખાદ્ય તેલનો પુરવઠો પણ ઘટશે અને તેની અસર ભાવ પર પડશે."

તેઓ કહે છે કે ઘણા ખેડૂતો દર વર્ષે આશરે 15 મણ જેટલી મગફળીનું ઉત્પાદન બજારમાં લાવે છે. પરંતુ આ વર્ષે ઓછા વરસાદને કારણે તેઓ એટલું ઉત્પાદન કરી શકશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે.

જો મગફળીનું ઉત્પાદન ઘટે તો તેની સીધી અસર મગફળીના બજાર પર પડી શકે છે અને અંતે તેની અસર ખાદ્ય તેલના ભાવ પર પણ જોવા મળી શકે છે. સામાન્ય રીતે શાકભાજીના બજારમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. નાના ખેડૂતોને રોજિંદી ખેતી માટે જરૂરી પાણી ઉપલબ્ધ ન હોય તો તેઓ શાકભાજીનું ઉત્પાદન જાળવી શકતા નથી.

એક ખેતરથી શરૂ થતો ભાવનો આંચકો

RBIના વિશ્લેષણમાં પણ જણાવાયું છે કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં અસ્થિરતા માટે હવામાનની વધઘટ ઉપરાંત સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને સરકારની નીતિઓ—જેમ કે આયાત-નિકાસ નિયંત્રણો, ડ્યૂટી અને લઘુતમ ટેકાના ભાવ—પણ જવાબદાર હોઈ શકે છે.

એટલે દરેક ભાવવધારા પાછળ માત્ર હવામાનને જવાબદાર ગણાવી શકાય નહીં, પરંતુ તેને નકારી શકાય તેવી પરિસ્થિતિ પણ રહી નથી. RBIનું વિશ્લેષણ એ તરફ ધ્યાન દોરે છે કે વારંવાર થતા હવામાન સંબંધિત આંચકા હવે ખાદ્ય મોંઘવારી માટે વધુ મહત્ત્વપૂર્ણ બની રહ્યા છે.

કોવિડ મહામારી અને વૈશ્વિક સંઘર્ષો પછી પુરવઠા સંબંધિત કેટલાક આંચકા ઓછા થયા ત્યારે પણ 2023-24 દરમિયાન અનિયમિત વરસાદ અને ઊંચા તાપમાનને કારણે શાકભાજીના પુરવઠામાં વિક્ષેપ પડ્યો અને ખાદ્ય મોંઘવારી પર દબાણ જળવાઈ રહ્યું હતું.

આથી હવામાન હવે માત્ર ખેડૂત માટેનું જોખમ નથી, તે ગ્રાહક માટેના ભાવનું પણ જોખમ બની રહ્યું છે. અને જો હવામાનમાં અતિશયતા વધુ સામાન્ય બનતી જશે તો તેની અસર ખેતરથી બજાર સુધી જ નહીં, પરંતુ દેશની સમગ્ર અર્થવ્યવસ્થા સુધી પહોંચી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન