You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનિયા ગાંધીનું પુસ્તક ભારતમાં કેમ પ્રકાશિત નહીં થાય, પ્રકાશન કંપનીએ શું જવાબ આપ્યો?
કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીની બહુપ્રતીક્ષિત સ્મૃતિકથા 'બિલૉંગિંગ: એ જર્ની ઑફ લવ' અંગે પ્રકાશન કંપની પૅંગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે તે ભારતમાં આ પુસ્તકની પ્રકાશક નથી.
જોકે, આ પહેલાં અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'એ એક અહેવાલમાં દાવો કર્યો હતો કે પૅંગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયા તેના પ્રકાશનથી પાછળ હટી ગઈ છે. અખબારના અહેવાલ અનુસાર, પ્રકાશકે સોનિયા ગાંધીને પુસ્તકના કેટલાક ભાગોમાં 'સંપાદન કરવા અને તેને દૂર કરવા' જણાવ્યું હતું, જેને તેમણે નકારી કાઢ્યું હતું. આ તરફ, એક નિવેદનમાં પૅંગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયા કંપનીએ જણાવ્યું છે કે તે ભારતમાં 'બિલૉંગિંગ' ની પ્રકાશક નથી.
પૅંગ્વિને નિવેદનમાં શું કહ્યું?
પોતાના નિવેદનમાં પૅંગ્વિને જણાવ્યું છે, "પૅંગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયા ભારતમાં 'બિલૉંગિંગ'ની પ્રકાશક નથી. એવું સૂચવવું કે પૅંગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયાએ 'બિલૉંગિંગ'નું પ્રકાશન ન કરવાનો નિર્ણય એટલા માટે લીધો, કારણ કે લેખિકાએ સંપાદકીય ફેરફારોને નકારી કાઢ્યા હતા, પરિસ્થિતિનું સચોટ પ્રતિનિધિત્વ કરતું નથી."
પૅંગ્વિને પોતાના નિવેદનમાં કહ્યું, "તથ્યોની તપાસ કરવી અને લેખિકાને એવી ભલામણો આપવી કે જે પુસ્તક અને લેખિકા બંનેનાં હિતમાં હોય, પ્રકાશક તરીકે અમારો અધિકાર અને જવાબદારી બંને છે."
પુસ્તક અંગે આપવામાં આવેલાં સંપાદકીય સૂચનોને પૅંગ્વિને પ્રકાશન પ્રક્રિયાનો સામાન્ય ભાગ ગણાવ્યો છે અને કહ્યું છે કે તે તેના પ્રકાશન માટે તૈયાર અને ઇચ્છુક હતી. પૅંગ્વિને કહ્યું, "પુસ્તક અંગેની ચર્ચાઓ દરમિયાન પૅંગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયાનું વલણ એ જ રહ્યું કે અમે પુસ્તક પ્રકાશિત કરવા માટે તૈયાર અને અત્યંત ઇચ્છુક હતાં."
પૅંગ્વિને એ પણ કહ્યું છે કે તે આગળ લેખિકા સાથે થયેલી ગોપનીય ચર્ચાઓ પર કોઈ ટિપ્પણી નહીં કરે.
10 નવેમ્બરે થવાનું હતું વિમોચન
'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, સોનિયા ગાંધીના પુસ્તકનું વિમોચન ૧૦ નવેમ્બરે નિર્ધારિત હતું. પૅંગ્વિન રૅન્ડમ હાઉસની જ અમેરિકા સ્થિત ડિવિઝન 'અલ્ફ્રેડ એ. નોપ' (Alfred A. Knopf)એ સૌપ્રથમ તેની જાહેરાત કરી હતી.
નોપે જણાવ્યું હતું કે પ્રથમ આવૃત્તિમાં આ પુસ્તકની એક લાખ નકલો તૈયાર કરવામાં આવશે. એક્સપ્રેસના અહેવાલ અનુસાર, પૅંગ્વિનના પાછળ હટી ગયા બાદ અનેક પ્રકાશકોએ આ પુસ્તકના પ્રકાશનમાં રસ દર્શાવ્યો છે અને હાર્પર કૉલિન્સ ભારતમાં આ પુસ્તકના પ્રકાશન અને વિતરણ માટે કરારની નજીક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પુસ્તક અંગે આપેલાં નિવેદનમાં નોપે આ પુુસ્તકને વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા નેતાઓમાંની એકનું આકર્ષક સ્મૃતિલેખ ગણાવ્યું હતું. નોપે કહ્યું હતું, "આ સ્મૃતિલેખ પ્રેમ, પરિવાર અને અત્યંત રસપ્રદ દેશ ભારતની એક સમૃદ્ધ અને આકર્ષક કહાણી રજૂ કરે છે."
નોપના નિવેદનમાં સોનિયા ગાંધીના હવાલાથી કહેવામાં આવ્યું હતું, "મારા પરિવાર વિશે ઘણું લખાયું છે, પરંતુ બહુ ઓછાં વર્ણનો, તેમની પ્રેરણાઓ, તેમનાં કાર્યો અને અહીં સુધી કે તેમની માનવીય મર્યાદાઓની સત્યતા સુધી પહોંચી શક્યાં છે. છેલ્લા છ દાયકાઓમાં મેં જે સામાજિક અને રાજકીય પરિવર્તનો જોયાં છે, મારી કહાણી વાચકોને તેના પર એક અનોખો દૃષ્ટિકોણ પણ આપશે."
રાજકીય પ્રતિક્રિયાઓ
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલને લઈને કૉંગ્રેસ અને તેની સાથે સંકળાયેલાં સંગઠનો તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યાં છે.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કમલનાથે ઍક્સ પર લખ્યું, "અમારાં આદરણીય નેતા સોનિયા ગાંધીની આત્મકથાનું પ્રકાશન કરવાનો પ્રકાશકનો ઇન્કાર અત્યંત ચિંતાનો વિષય છે."
કમલનાથે સવાલ કર્યો, "શ્રીમતી ગાંધી જેવાં વરિષ્ઠ વ્યક્તિ શું લખશે અને શું નહીં, તે પ્રકાશક નક્કી કરશે? સવાલ એ પણ છે કે પ્રકાશક પોતે આવું કહી રહ્યો છે કે તેના પર કોઈનું દબાણ છે?"
રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગહેલોતે લખ્યું, "સોનિયા ગાંધીજીના આવનારા પુસ્તકને પૅંગ્વિન વર્લ્ડવાઇડ કંપની મૂળ સ્વરૂપમાં સમગ્ર વિશ્વમાં છાપવા તૈયાર છે, પરંતુ પૅંગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયા ભારતમાં તેને લૉન્ચ કરવા માટે ફેરફારો કરાવવા માગે છે. આખરે એવું કયું કારણ અથવા કયું દબાણ છે કે જે વસ્તુ વિશ્વભરમાં છપાઈ રહી છે તે ભારતમાં છાપી શકાતી નથી?"
કેરળ કૉંગ્રેસે ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, "મોરનો પૅંગ્વિન દ્વારા રસ્તો રોકી દેવું, એ માત્ર કોઈ એક વૃદ્ધ વ્યક્તિની કલ્પના છે. 'બિલૉંગિંગ'ને તમારા સુધી પહોંચતાં કોઈ રોકી શકશે નહીં."
મહારાષ્ટ્રના કૉંગ્રેસ ધારાસભ્ય અસલમ શેખે ઍક્સ પર લખ્યું, "જો વિપક્ષનાં એક વરિષ્ઠ નેતાનું સ્મૃતિલેખ ધરાવતું પુસ્તક ફેરફારો અને સંપાદન વિના પ્રકાશિત થઈ શકતું નથી, તો અમે પૅંગ્વિન ઇન્ડિયાને પૂછવા માગીએ છીએ કે ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની સ્થિતિને શું થયું છે?"
તેમણે કહ્યું, "લોકશાહીમાં અસ્વસ્થ કરનારું સત્ય સાંભળવાની સહનશક્તિ હોવી જોઈએ, તેને ચૂપચાપ સંપાદિત કરી દેવાની નહીં."
આ તરફ, પત્રકાર મુકેશકુમારે આ સમગ્ર ઘટનાક્રમ પર ટિપ્પણી કરતાં ઍક્સ પર કહ્યું, "પૅંગ્વિન ઇન્ડિયાનું સોનિયા ગાંધીની આત્મકથાના પ્રકાશનથી પાછળ હટી જવું એ સામાન્ય ઘટના નથી. તે દર્શાવે છે કે વર્તમાન શાસનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કેવા પ્રકારની મર્યાદાઓ લાદવામાં આવી રહી છે અને પ્રકાશન ઉદ્યોગ કેટલા દબાણ હેઠળ કામ કરી રહ્યો છે."
પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ પુસ્તકના પ્રકાશનથી પાછળ હટી જવાને કાયરતાભર્યું ગણાવતાં ઍક્સ પર પોસ્ટ કર્યું, "તો પૅંગ્વિન સોનિયા ગાંધીનું પુસ્તક 'બિલૉંગિંગ' પ્રકાશિત કરવાથી એટલા માટે ડરીને પાછળ હટી ગયું, કારણ કે તેમાં સમકાલીન રાજકીય ઘટનાઓનું વર્ણન, મોદીનું અપ્રિય ચિતરણ, સંસ્થાઓ પર 'આપાતકાળ જેવી' કાર્યવાહી અને વિભાજનકારી રાજકારણથી પોષાયેલા સાંપ્રદાયિક વિભાજનનો ઉલ્લેખ હતો. આ કાયરતા કેમ?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન