પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરિન પીએમ મોદીને મળશે, દંપતીની ભારત-મુલાકાત ખાસ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડેનિયલા રેલ્ફ
- પદ, શાહી પરિવારના સંવાદદાતા, મુંબઈથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
વેલ્સના પ્રિન્સ અને પ્રિન્સેસ ત્રણ દિવસની મુલાકાત માટે ભારત પહોંચી ગયાં છે. આ મુલાકાતમાં તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે.
પ્રિન્સ વિલિયમ અને કૅથરિન ચાર વર્ષ પછી પ્રથમ વખત કોઈ સત્તાવાર વિદેશ પ્રવાસ પર સાથે ગયાં છે.
કૅથરિનની કૅન્સરની સારવારને કારણે તેમના આંતરરાષ્ટ્રીય પ્રવાસો મર્યાદિત રહ્યા છે, પરંતુ આ સપ્તાહે તેઓ પોતાના પતિ સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.
આમાંથી મોટા ભાગના કાર્યક્રમો અર્થશોટ પ્રાઇઝ સાથે સંબંધિત છે. તેની સ્થાપના પ્રિન્સ વિલિયમે કરી હતી.
આ પુરસ્કાર હેઠળ વિશ્વ સામે રહેલા સૌથી મોટા જળવાયુ પડકારોના શ્રેષ્ઠ ઉકેલો માટે પાંચ વિજેતાઓને 10 લાખ પાઉન્ડ(અંદાજે 12.38 કરોડ રૂપિયા)નું ઇનામ આપવામાં આવે છે.
શાહી પરિવારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "પ્રિન્સેસને અર્થશોટ દ્વારા પ્રિન્સે હાંસલ કરેલી સિદ્ધિઓ પર અત્યંત ગર્વ છે અને વર્ષના તેમના સૌથી મહત્વપૂર્ણ પ્રસંગોમાંના એક એવા આ પ્રસંગમાં તેમની સાથે રહેવાની તેમને ખૂબ આતુરતા છે."
તેમણે વધુમાં કહ્યું કે, "તેમણે અર્થશોટને એક અદ્ભુત પહેલ તરીકે વિકસતા જોયું છે અને એ પહેલ કેટલી આગળ વધી ગઈ છે તેનો જાતઅનુભવ કરવા તેઓ ઉત્સાહિત છે."
સચીન તેંડુલકર સાથે કાર્યક્રમ

ઇમેજ સ્રોત, Getty Images
દંપતીના ભારત પ્રવાસનો પ્રથમ કાર્યક્રમ ક્રિકેટના સ્ટાર એવા સચીન તેંડુલકર સાથે યોજાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેંડુલકરનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો અને તેઓ આજે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકેનો રેકૉર્ડ ધરાવે છે. તેઓ પ્રિન્સ વિલિયમના પર્યાવરણ સંબંધિત અર્થશોટ પ્રાઇઝના સમર્થક પણ છે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, "હું ખૂબ જ આભારી છું કે રાજવી પરિવારે આવા ઉમદા હેતુને આગળ વધાર્યો છે."
તેંડુલકરે વધુમાં જણાવ્યું હતું કે, "આખું વિશ્વ એવી યાત્રા પર છે જ્યાં આપણે પૃથ્વી માટે સકારાત્મક પરિવર્તનો લાવી શકીએ. આપણે અનેક પડકારોનો સામનો કરી રહ્યા છીએ અને આવનારી પેઢીઓ માટે તેને વધુ સારી જગ્યા બનાવી શકીએ તેવું કંઈક કરીએ."
સચીન તેંડુલકરે મુંબઈના બેલાર્ડ ઍસ્ટેટ વિસ્તારમાં પ્રિન્સ વિલિયમ અને કેથરિનને ગલી ક્રિકેટની રમત રમાડી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સ અને પ્રિન્સેસ બંને બેટિંગ કરવા ઊંતર્યાં હતાં અને અમુક વાર તેઓ એકબીજાની સામે પણ રમ્યાં હતાં. આ રૉયલ સ્પૉર્ટિંગ રાઇવલરી જેવું હતું.
શાહી દંપતીનું આ સુંદર વિસ્તારમાં આવેલા એક વિશાળ વડના વૃક્ષ નીચે ચા પીરસીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાહી મહેમાનોની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાનાં બાળકોને તેમના વિશેષ મહેમાનો કોણ છે તેની જાણ તેમના આગમનની થોડી જ મિનિટો પહેલાં કરવામાં આવી હતી.
મોદી સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, Press Association
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બુધવારે યોજાનારી શાહી દંપતીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત તેમના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવી હતી.
ભારતના વડા પ્રધાને ફિલિપાઇન્સના પોતાના નિર્ધારિત પ્રવાસ પરથી સમયસર પરત આવીને રાજવી દંપતીને મળવાની પુષ્ટિ કર્યા બાદ આ મુલાકાત નક્કી કરવામાં આવી હતી.
કૅનસિંગ્ટન પૅલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "પ્રિન્સ માટે આ વધુ એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર ભૂમિકા નિભાવી રહ્યા છે."
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, "અમે જોયું છે કે તેઓ પોતાના વિદેશ પ્રવાસો દ્વારા યુનાઇટેડ કિંગડમના રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહ્યા છે, અને આ મુલાકાત તેમને સર્વોચ્ચ સ્તરે આ સંબંધોને વધુ ગાઢ કરવાની તક આપશે."
આ દંપતી છેલ્લે 2016માં ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું.
સોમવારે વહેલી સવારે મુંબઈ પહોંચ્યા બાદ પ્રિન્સ વિલિયમે સોશિયલ મીડિયા પર પ્રવાસ અંગે સંદેશ પોસ્ટ કર્યો હતો: "ગત છ વર્ષ દરમિયાન ભારતે અર્થશોટ માટે અસાધારણ યોગદાન આપ્યું છે અને અહીં અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ અર્થશોટ ફાઇનલિસ્ટ્સ અને વિજેતાઓ છે."
રાજવી દંપતી મુંબઈમાં પર્યાવરણ, યુવા પરિવારો અને બૉલીવૂડ ફિલ્મઉદ્યોગ સાથે સંબંધિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.
અર્થશોટ પ્રાઇઝમાં ભારતનો સારો દેખાવ

ઇમેજ સ્રોત, Getty Images
અર્થશોટ પ્રાઇઝ ઍવોર્ડ સમારોહમાં પાંચ નવીન પ્રોજેક્ટને 10 લાખ પાઉન્ડના ઇનામના વિજેતા તરીકે જાહેર કરવામાં આવશે.
નામાંકિત પ્રોજેક્ટમાં ભારતમાં ઇલેક્ટ્રિક રિક્ષાઓની સંખ્યા વધારવાના પ્રયાસોનો પણ એક પ્રોજેક્ટ છે. એ સિવાય નાસા કરતાં વધુ ઝડપથી જંગલમાં લાગેલી આગ શોધી શકે તેવી ટૅક્નૉલૉજીનો પણ સમાવેશ થાય છે.
આ કાર્યક્રમનું સંચાલન 'ધ ટ્રેઇટર્સ ઇન્ડિયા'ના હોસ્ટ અને દેશના જાણીતા ફિલ્મનિર્માતાઓમાંના એક કરણ જોહર કરશે.
'ટેક ધેટ' બૅન્ડ કાર્યક્રમમાં પરફૉર્મ કરશે અને મહેમાનોમાં અભિનેતા રામી માલેક તેમજ ઑસ્ટ્રેલિયન પર્યાવરણ સંરક્ષણવાદી કાર્યકર્તા અને ટીવી પ્રેઝેન્ટર રૉબર્ટ ઇરવિન પણ સામેલ થશે.
રૉબર્ટ ઇરવિન ગત મહિને પ્રિન્સ વિલિયમ સાથે 'ધ ગ્રેહામ નોર્ટન શો'માં સરપ્રાઇઝ ગેસ્ટ તરીકે પણ જોડાયા હતા.
રોબર્ટ ઇરવિને જણાવ્યું હતું કે, "મુંબઈમાં પર્યાવરણ ક્ષેત્રે ઘણી સંભાવનાઓ છે. અહીં મોટી સંખ્યામાં એવા યુવાનો છે જેમને પર્યાવરણ પ્રત્યે ઊંડો લગાવ છે અને મને લાગે છે કે અર્થશોટ ભારતમાં આ જુસ્સાને સક્રિય બનાવી રહ્યું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























