You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હવામાન સમાચાર : ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ, વરસાદ હજુ ક્યાં સુધી નહીં આવે?
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખેંચાવાને કારણે દિવસેને દિવસે સ્થિતિ ખરાબ થતી જાય છે.
દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં મોટેભાગે ઓછા વરસાદને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે અને દુષ્કાળ જેવી સ્થિતિ છે.
ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં પણ અહીં વરસાદ વરસ્યો નથી. એવામાં ખેડૂતો માટે સ્થિતિ અતિશય ચિંતાજનક બની ગઈ છે.
અનેક વિસ્તારોમાં સિંચાઈના પાણીની તંગી ઊભી થઈ છે, તથા વાવેતર પણ થઈ શક્યું નથી. એવામાં એ ચર્ચા છે વરસાદ ખરેખર ક્યારે આવશે?
ગુજરાતમાં વરસાદની કેટલી ઘટ છે?
સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં 22 ઑગસ્ટ સુધીમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ જોવા મળી છે.
સમગ્ર ગુજરાતની વાત કરીએ તો વરસાદની ઘટ સરેરાશ ચાર ટકા જોવા મળી છે.
કચ્છમાં વરસાદની ઘટ 54 ટકા, જામનગરમાં 55 ટકા, રાજકોટમાં 25 ટકા, ગીર-સોમનાથમાં 33 ટકા અને જૂનાગઢમાં 30 ટકા ઘટ છે.
આ સિવાય દાહોદ અને અરવલ્લીમાં 36 ટકા તથા સાબરકાંઠામાં 35 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તમામ જિલ્લામાં વરસાદ ન આવવાને કારણે અત્યારથી જ ગંભીર સમસ્યા સર્જાઈ છે.
સપ્ટેમ્બર મહિનામાં વરસાદ આવશે ખરો?
હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ગુજરાતમાં વરસાદ વધે તેવી શક્યતા અત્યારે દેખાતી નથી અને ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં વરસાદ નહીં આવે.
ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
એ સિવાય 10 સપ્ટેમ્બર પછી છૂટોછવાયો અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે.
17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં આવી જ સ્થિતિ યથાવત્ રહી શકે છે. જોકે, આ લાંબાગાળાનું પૂર્વાનુમાન છે અને તેમાં ફેરફારો થઈ શકે છે.
ભારતમાં ચોમાસું પરત ફરવાની અધિકૃત તારીખ 17 સપ્ટેમ્બર છે. એવામાં વરસાદની ઓછી શક્યતાને કારણે આગળ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
ભારતમાં ચોમાસાની ગતિવિધિ નબળી પડી
ભારત સહિત ગુજરાતમાં હાલના સમયમાં ચોમાસાની ગતિવિધિઓ છૂટીછવાઈ જોવા મળી રહી છે. ભારતમાં શરૂઆતમાં ચોમાસા અંગે જે ચેતવણી અપાઈ હતી એ પ્રમાણેની અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
એક કારણ એ પણ ગણાવાઈ રહ્યું છે કે ઇન્ડિયન ઑશન ડાયપોલ (આઇઓડી)ની સ્થિતિ નબળી પડી રહી છે અને એની સામે અલ-નીનો વધુ તીવ્ર બની રહ્યું છે.
તાજેતરના મહાસાગરીય નિરીક્ષણના આંકડા દર્શાવે છે કે આઇઓડી સતત બીજા અઠવાડિયે નબળી પડી છે. તેનો સૂચકાંક હવે +0.18 ડિગ્રી સેલ્સિયસ સાથે તટસ્થ (ન્યૂટ્રલ) પરિસ્થિતિમાં પહોંચી ગયો છે.
સામાન્ય રીતે સકારાત્મક આઇઓડી ભારતમાં અલ-નીનોની કેટલીક નકારાત્મક અસરોને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે, કારણ કે તે ઉપખંડના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધારવામાં મદદરૂપ બને છે.
હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર, અલ-નીનો આગામી સમયમાં વધુ તીવ્ર બની શકે છે અને તેની હવામાન પર અસર થઈ શકે છે.
આઇઓડીનું નબળું પડવું અને અલ-નીનોનું વધુ મજબૂત થવું એ ભારતના વરસાદની પૅટર્ન પર મોટો પ્રભાવ પાડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન