You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હત્યારાઓએ ઘરે ખજૂર અને કાકડી ખાધાં', બાંગ્લાદેશમાં હિંદુ શિક્ષક સહિત પરિવારના ચાર લોકોની હત્યા
બાંગ્લાદેશના ઉત્તર દિશામાં આવેલા જિલ્લા રંગપુર ખાતે પૂર્વ જિલ્લા સ્કૂલ શિક્ષક સહિત એક પરિવારના ચાર સભ્યોની હત્યા મામલામાં બે શકમંદોની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસે કહ્યું છે કે શકમંદોએ હત્યા કરી અને ગુનો આચરતા પહેલાં ઘરમાં છત પર નશાકારક પદાર્થોનું સેવન કર્યું.
રંગપુર મેટ્રોપૉલિટન પોલીસ કમિશનર મોહમ્મદ અબ્દુલ માબૂદે દાવો કર્યો કે પોલીસે ખૂબ ઓછા સમયમાં હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.
પરંતુ મૃતકના ભાઈએ યોગ્ય તપાસ કરીને ખરા ગુનેગારોને પકડવાની માગ કરી છે.
આ ગુનાના કેસમાં સામેલ લોકોની પૂછપરછ કર્યા બાદ રંગપુર ડીસી સનાતન ચક્રવર્તીએ કહ્યું કે આરોપીઓએ કબૂલ્યું છે કે નિવૃત્ત શિક્ષક અને તેમના પરિવારના સભ્યોની હત્યા બાદ તેઓ છ-સાત કલાક સુધી ઘરમાં જ રહ્યા હતા.
તેમણે બીબીસીને જણાવ્યું, "સવારે બંને શકમંદોને કસ્ટડીમાં લીધા બાદ તેમની વિધિવત્ પૂછપરછ કરાઈ, તેમણે હત્યા કરી હોવાની વાત કબૂલી. અમે તેમની અલગ-અલગ અને એક સાથે પૂછપરછ કરીને આ વાતની પુષ્ટિ કરી છે."
રંગપુર મેટ્રોપૉલિટન કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી એકેએમ નજમુલ કાદરે કહ્યું કે મૃત શિક્ષકના ભાઈ ગોપીનાથ ચક્રવર્તીએ ઘટના અંગે અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.
ચક્રવર્તીએ બીબીસીને જણાવ્યું, "સમાચાર મળ્યા બાદ હું ગામડેથી આવ્યો. મેં કેસ દાખલ કરાવ્યો. મને આશા છે કે પોલીસ યોગ્ય રીતે તપાસ કરશે અને શું થયું એ વિશે જાણશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હત્યા વિશે બીજું શું શું ખબર પડી?
પોલીસને શનિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે શહેરના દશપારા માચુઆપારા વિસ્તારથી રંગપુર જિલ્લા શાળાના નિવૃત્ત શિક્ષક ગણપતિ ચક્રવર્તી અને તેમના પરિવારના કૂલ ચાર સભ્યોના મૃતદેહો મળી આવ્યા હતા.
નિવૃત્તિ બાદ તેઓ હોમિયોપથીના ડૉક્ટર તરીકે કામ કરતા હતા.
ચક્રવર્તી બે માળના ઘરમાં બીજા માળે રહેતા હતા. પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ, મૃતદેહ સડી ચૂક્યા હતા, જેના કારણે આખા ઘરમાં દુર્ગંધ પ્રસરી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળેથી ગણપતિ ચક્રવર્તી, તેમનાં પત્ની પ્રીતિલતા ચક્રવર્તી, દીકરી અગામી ચક્રવર્તી અને દીકરા પ્રિયમ ચક્રવર્તીના મૃતદેહ એકેક કરીને કાઢ્યા.
મૃત શિક્ષકના મોટા ભાઈ ગોપીનાથ ચક્રવર્તીએ બીબીસીને જણાવ્યું, "મારા ભાઈ ખૂબ સામાન્ય જીવન જીવતા હતા. તેમના કોઈ દુશ્મન નહોતા, તેમની આ પ્રકારે હત્યા કેમ કરાઈ? અમે સત્ય બહાર આવે એ માટે યોગ્ય તપાસ થાય એવું ઇચ્છીએ છીએ."
જોકે, રંગપુર પોલીસે દાવો કર્યો છે કે તેમણે ઘટનાનું રહસ્ય ઉકેલી નાખ્યું છે અને ઘટનામાં સામેલ બે લોકોની રવિવારે સવારે ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપી કોણ છે?
પોલીસ કમિશનર મોહમ્મદ અબ્દુલ માબૂદે જણાવ્યું કે ગણપતિ ચક્રવર્તી સન્માનનીય વ્યક્તિ હતી, તેમનો કોઈની સાથે કોઈ વિવાદ નહોતો.
તેમણે કહ્યું કે પોલીસ ખૂબ ઓછા સમયમાં તેમની અને તમના પરિવારના સભ્યોની હત્યા અંગે સંપૂર્ણ જાણકારી મેળવવામાં સફળ રહી.
તેમણે કહ્યં કે મુગ્ધા દાસ અને સિદ્ધાર્થ દાસ નામના બે લોકોની ધરપકડ કરાઈ છે, બંને એકબીજાના સંબંધી છે અને એક જ વિસ્તારના રહેવાસી પણ છે.
બંને પૈકી એક ત્યાં સોનાની દુકાનમાં કારીગર તરીકે કામ કરતો હતો.
માબૂદે કહ્યું, "બે લોકો બાજુમાં બની રહેલા ઘરના રસ્તેથી તેમના (ગણપતિ ચક્રવર્તી)ના ઘરે આવ્યા. ત્યાં આ લોકો છત પર નશાકારક પદાર્થોનું સેવન કરી રહ્યા હતા. એ જ સમયે ગણપતિએ અવાજ સાંભળ્યો અને ઉપર ગયા. તેમના ગળામાં એક ટુવાલ હતો."
"જ્યારે તેમણે બંનેને જોયા તો આ બંનેએ તેમની ટુવાલ વડે હત્યા કરી દીધી. જોકે, તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણ અવાજ થયો. અવાજ સાંભળીને પ્રીતિલતા ચક્રવર્તી ઉપર જવાનો પ્રયાસ કરવા લાગ્યાં. એ સમયે બંનેએ સીડી પર તેમની પણ હત્યા કરી નાખી."
તેમના પ્રમાણે, "જ્યારે પ્રીતિલતા ચક્રવર્તીનાં દીકરીએ તેમની ચીસ સાંભળી તો બંને લોકોએ દોરડી વડે તેમને ગળે ટૂંપો દઈને તેમની પણ હત્યા કરી નાખી. એ બાદ બંનેએ નાના ભાઈ 12 વર્ષીય પ્રિયમને પણ મારી નાખ્યો."
મૃતકના ભાઈએ તપાસની માગ કરી
રંગપુર પોલીસ કમિશનરે કહ્યું, "એ બાદ તેઓ નાના દીકરાના બાથરૂમમાં જઈને નહાયા. બાદમાં તેમણે ડાઇનિંગ ટેબલ પર ખજૂર ખાધાં. તેમણે ત્યાં નશાકારક પદાર્થ (યાબા)નું સેવન કર્યું. અમને તેનાં નિશાન મળ્યાં. આ દરમિયાન, સવાર થયા બાદ બહાર નીકળવાની તકની રાહ જોતા રહ્યા. સામાન લૂંટ્યા બાદ તેઓ શુક્રવારની નમાજ દરમિયાન ત્યાંથી જતા રહ્યા."
તેમણે કહ્યું કે જતાં જતાં બંને એ જાણીજોઈને ઘરની અંદરનો આખો સામાન અસ્ત-વ્યસ્ત કરી દીધો. તેમણે બંને મોબાઇલ ફોન અને ડિટર્જન્ટવાળી એક આખી ડોલના પાણીમાં નાખી દીધા.
"તેમણે સોનાના કેટલાક દાગીના લીધા અને મંદિરની પાછળ આવેલી એક સૂમસામ જગ્યાએ છોડી દીધા."
પોલીસ કમિશનરે કહ્યું કે સતત ચાર હત્યા કરવા છતાં હત્યારા સામાન્ય વ્યવહાર કરતા રહ્યા અને હત્યા બાદ તેમણે ઘરના રેફ્રિજરેટરમાંથી કાકડી કાઢીને ખાધી.
પોલીસનાં નિવેદનો અંગે પૂછતાં મૃતક ગણપતિ ચક્રવર્તીના ભાઈ ગોપીાથ ચક્રવર્તીએ બીબીસીને જણાવ્યું કે તેમને આશા છે કે પોલીસ યોગ્ય રીતે તપાસ કરશે અને અસલી અપરાધીઓને પકડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન