'બકરી શોધવા ગયો ને મળી ગયું સોનું', સોનું શોધવા માટે આ ગામમાં જામી હજારોની ભીડ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

પશ્ચિમ કેન્યાના એક દુર્ગમ ગામ ચેપોરોરમાં પાછલાં અમુક અઠવાડિયાંથી હજારો લોકો સોનું શોધવા પહોંચ્યા છે.

આ ગોલ્ડ રશની શરૂઆત બકરી ચરાવનાર 33 વર્ષીય માનસે લોમાચાર દ્વારા કરાયેલી સોનાની શોધ સાથે સંકળાયેલી કહેવાઈ રહી છે.

લોમાચારને અમુક અઠવાડિયાં પહેલાં લગભગ ત્રણ ગ્રામ સોનું મળી આવ્યું હતું, જે તેમણે 36,000 કેનિયન શિલિંગ એટલે કે 280 અમેરિકન ડૉલરમાં વેચી દીધું.

સ્થિતિ એવી છે કે એક સમયે ઝાડીઝાંખરા અને ગોચરની જમીન તરીકે જોવામાં આવતા આ વિસ્તારમાં હવે ખાડા અને માટીના ઢગલા દેખાઈ રહ્યા છે.

લોમાચારનું માનવું છે કે તેમની આ શોધ અને તેનાથી મળેલી રકમના સમાચાર ફેલાયા બાદ ભારે સંખ્યામાં લોકો ચેપોરોર ગામ પહોંચવા લાગ્યા.

જોકે, સ્પષ્ટ નથી કે સોનાની શોધમાં લોકોની ભીડ માત્ર લોમાચારને સોનું મળ્યા બાદ મળી કે વિસ્તારમાં હાલમાં થયેલી અન્ય કોઈ શોધોએ પણ તેમાં ભૂમિકા ભજવી છે.

સ્થાનિક અધિકારીઓનું અનુમાન છે કે એક વાર તો ભીડ ઘણી વધી ગયેલી અને દસ હજાર લોકો ત્યાં પહોંચી ગયા હતા.

આવી રીતે મળેલ સાવ ઓછું સોનું પણ પોતાનું જીવન બદલી શકે એવી આશા આ લોકો સેવી રહ્યા છે. આ લોકો પૈકી ઘણાનું જીવન ખેતીમાંથી થતી અનિશ્ચિત કમાણી પર ટકેલું છે.

'બસ ફી ભરી શકે એટલું સોનું મળી જાય'

આ વિસ્તારોમાં લોકો ક્યારેક ક્યારેક સોનાની શોધમાં નદીની રેતી ચાળે છે, પરંતુ આવા લોકોને ભાગ્યે જ કંઈક ખાસ મળી આવે છે.

લોમાચારનું કહેવું છે કે તેમને સંયોગતી સોનું મળી આવ્યું. એક ખોવાયેલી બકરીને શોધતી વખતે તેમની મુલાકાત નદીના કાંઠે સોનું શોધી રહેલી કેટલીક મહિલાઓ સાથે થઈ.

તેઓ કહે છે, "હું પણ તેમની સાથે જોડાઈ ગયો અને આવી જ રીતે આ વિસ્તારમાં સોનું છે એવી ખબર પડી."

પાડોશી ગામ નાપાવોઈના ખેડૂત અને ગોવાળ પૅટ્રિક લોકોલિયા પણ અમુક વધારાના પૈસા કમાવીને પોતાના પરિવારની મદદ કરવાની આશામાં સોનું શોધવામાં જોતરાઈ ગયા.

તેમણે બીબીસીને જણાવ્યું, "મારાં બાળકો સ્કૂલમાં ભણે છે અને તેમની ફી ભરવી એ મારા માટે મોટી સમસ્યા છે."

તેઓ પ્રખ્યાત ફૂટબૉલ ક્લબ ચેલ્સી ટીમનું જૂનું ટી-શર્ટ પહેરી પહેરીને સોનું શોધવા આવી પહોંચ્યા છે.

18 વર્ષનાં અબીગેલ ચેલેંગટનું કહેવું છે કે ચેપોરોર આવ્યા એ પહેલાં તેમણે ક્યારેય સોના માટે ખોદકામ નહોતું કર્યું.

તેઓ નજીકના જિલ્લામાંથી આવ્યાં છે અને તેમને આશા છે કે તેમને એટલું સોનું મળી જાય કે જેથી તેઓ પોતાની સ્કૂલની ફી ભરી શકે અને પોતાનાં નાનાં ભાઈ-બહેનોનું શિક્ષણ ચાલુ રાખી શકે.

તેમની પાછળ સેંકડો લોકો એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા છે. તેઓ કોદાળી અને પાવડા વડે પથરાળ જમીનને ખોદી રહ્યા છે.

કેટલાક લોકો માટીને પાસે વહેતી એક નદી સુધી લઈ જઈ રહ્યા છે. ત્યાં મોટાં ભાગનાં મહિલાઓ મેલા પાણીમાં બેસીને માટીને ચાળે છે. તેમને તેમાં સોનાનો ખૂબ નાનો હિસ્સો મળી જાય એવી આશા રહે છે.

કેટલાક અનુભવી લોકો ઊંડા ખાડામાં ઊતરીને માટી ખોદી રહ્યા છે અને પથ્થર તોડી રહ્યા છે. તેમનો હેતુ પણ સોનાની શોધ જ છે.

વેસ્ટ પોકોટ કાઉન્ટીના ડેપ્યુટી કમિશનર સેમુઅલ કિયારીનું કહેવું છે કે તેમના હિસાબે સોનાની શોધમાં લોકોની ભીડ બે મોટી શોધો બાદ શરૂ થઈ.

તેમણે બીબીસીને જણાવ્યું, "કેટલાક યુવાનોને સારા એવા પ્રમાણમાં સોનું મળ્યું. બીજા દિવસે મહિલાઓને આ જ વિસ્તારમાં ઘણું સોનું મળ્યું."

કિયારી જણાવે છે કે મહિલાઓ ઘણાં વર્ષોથી આ જ નદીના કાંઠે થોડી-થોડી માત્રામાં સોનું શોધતાં રહે છે. આ કામથી તેઓ સામાન્યપણે અઠવાડિયામાં 8-23 ડૉલર સુધીની કમાણી કરી લે છે.

પરંતુ ઑગસ્ટ માસની શરૂઆતમાં સારા એવા પ્રમાણમાં સોનું મળવાના સમાચારે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું.

કિયારી માને છે કે જેમ-જેમ અફવા ફેલાઈ, સોનાની શોધ અને તેના પ્રમાણ અંગે અતિશયોક્તિ થવા લાગી.

આના કારણે વધુ ને વધુ લોકો ત્યાં પહોંચવા લાગ્યા. આ પૈકી ઘણા લોકોને સોનું શોધવામાં બહુ ઓછો અથવા સાવ અનુભવ નથી. તેઓ સોનું મળવાની આશામાં ત્યાં આવ્યા હતા.

શરૂઆતમાં આવેલી ભીડ બાદ હવે સોનું શોધનારા લોકોની સંખ્યા ઘટીને લગભગ 2,500 જેટલી રહી ગઈ છે, કારણ કે કેટલાક લોકોએ સોનાની શોધ બંધ કરી દીધી છે.

આ વાતમાં વધુ શંકા નથી કે આ વિસ્તારમાં સોનું મળ્યું છે, પરંતુ જમીનની અંદર સોનાનું પ્રમાણ કેટલું છે અને તેનાથી કારોબાર માટે કેટલો લાભ થઈ શકે, એ અંગે હજુ સવાલ ઊભા છે.

ડેપ્યુટી કમિશનરે કહ્યું, "હું પુષ્ટિ કરી શકું કે નાના સ્તરે સોનાનો કારોબાર કરનારા લોકોએ અમને જણાવ્યું કે તેમને દરરોજ સરેરાશ 100 લોકો મળતા હતા."

જોકે, એ વાતનો ખ્યાલ નથી કે તેમને મળેલી વસ્તુ ખરેખર સોનું હતું જ કે નહીં.

એવું કહેવાય છે કે જુદા જુદા લોકોને મળેલી સોનાની માત્રાની કિંમત અમુક સો કેનિયન શિલિંગથી માંડીને 78,000 શિલિંગ (600 ડૉલર) સુધી હતી.

વેસ્ટ પોકોટ કાઉન્ટીની સરહદ યુગાંડા સાથે જોડાયેલી છે અને બંને તરફ રહેતા લોકો વચ્ચે લાંબા સમયથી સામાજિક અને પારિવારિક સંબંધ છે.

પૂર્વ યુગાંડાના બુસિયાના રહેવાસી નાના ખાણિયા મુગિશા ગૉડફ્રે એક મિત્ર પાસેથી સોનાની શોધ વિશે સાંભળ્યા બાદ ચેપોરોર આવી પહોંચ્યા.

તેમણે તરત ગામ પહોંચવાનો નિર્ણય કર્યો અને ત્યાં પહોંચ્યા બાદ તેમણે એક લાખ યુગાંડન શિલિંગ (27 અમેરિકન ડૉલર)નો ખર્ચ કર્યો.

જોકે, તેમનું કહેવું છે કે ચેપોરોરમાં રહેવાની વ્યવસ્થા સારી નથી.

ગૉડફ્રેએ બીબીસીને જણાવ્યું, "અમે ઝાડ નીચે સૂઈ જઈએ છીએ અને સવાર થતાં જ કામે લાગી જઈએ છીએ. ક્યારેક તો દિવસ-રાત કામ કરીએ છીએ."

અત્યાર સુધી તેમને કંઈ નથી મળ્યું, પરંતુ તેમણે હિંમત નથી હારી.

તેઓ કહે છે, "જ્યાં સુધી અમને કંઈ ન મળી જાય, અમે પાછા ન ફરી શકીએ. જ્યારે અમને અમારી જરૂરિયાતની વસ્તુ મળશે, ત્યારે જ અમે ઘરે જઈશું."

મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાની બીક

જોકે, સોનાની શોધમાં જોતરાયેલી ભીડના કારણે કેટલાક લોકો માટે ખોદકામ વગર જ કમાણીની તકો સર્જાઈ છે.

સ્થાનિક અધિકારીઓ અનુસાર, આ જગ્યાની આસપાસ 200થી વધુ દુકાનો અને કારોબાર શરૂ થઈ ગયાં છે, જે ગામમાં આવેલા નવા લોકોને ભોજન, પાણી અને બીજી જરૂરી વસ્તુઓ વેચી રહ્યાં છે.

પાડોશી બારિંગો કાઉન્ટીથી આવેલાં આઇરીન અમેજા ભીડ માટે સામાન વેચી રહ્યાં છે. તેઓ પાણીની બૉટલ, ઠંડાં પીણાં, બ્રેડ, દૂધ અને બીજી ખાવાની વસ્તુઓ વેચે છે.

તેઓ કહે છે, "મને આશા છે કે જ્યારે હું અહીંથી પાછી ફરીશ, તો એટલા પૈસા કમાવી લીધા હશે કે પોતાનો કારોબાર હું ચાલુ રાખી શકું અને તેનો વિસ્તાર કરી શકું."

પરંતુ આ વિસ્તારમાં જરૂરી સુવિધાઓની કમીનો મુદ્દો પણ સામે આવ્યો છે.

આઇરીન કહે છે કે, "આ જંગલ છે અને અમે પહાડોની વચ્ચોવચ છીએ. અમારી પાસે પીવા માટે સાફ પાણી નથી, અહીં સુધી કે નહાવા માટે પણ પાણી નથી."

તેઓ કહે છે કે મહિલાઓ માટે અંધારું પડ્યા બાદ મુશ્કેલીઓ વધી જાય છે. તેઓ કહે છે, "તમારે રહેવા માટે અમુક સુરક્ષિત જગ્યા શોધવી પડે છે, કારણ કે અહીં મોટા ભાગના લોકો પુરુષ છે."

સ્થાનિક અધિકારીઓ માને છે કે આટલી મોટી સંખ્યામાં લોકો આવી જવાને કારણે વિસ્તાર પર ઘણું દબાણ પડ્યું છે, જ્યાં સુવિધાઓ ખૂબ ઓછી છે, પાઇપ વડે પાણી મળે તેવી વ્યવસ્થા નથી અને સ્વચ્છતાની સુવિધાઓ પણ સીમિત છે.

લોકોની સ્થિતિ પર નજર રાખવા અને બીમારીઓ ફેલતી અટકાવવામાં મદદ માટે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને તહેનાત કરાયા છે.

અધિકારીઓનું કહેવું છે કે યૌન હિંસા અને ત્યાં હાજર મહિલાઓ અને છોકરીઓની સુરક્ષા અંગે ચિંતા વચ્ચે સુરક્ષા માટેનું પેટ્રોલિંગ વધારી દેવાયું છે.

કૅપ્શન - સોનાની શોધ ચાલુ રહેવાની સાથોસાથ કેટલાક લોકો હજુ વધુ ઊંડા ખાડા ખોદી રહ્યા છે

અધિકારી એ વાત અંગે પણ ચિંતિત છે કે સપ્ટેમ્બર માસમાં ફરીથી શાળા શરૂ થવાની છે, પરંતુ આગામી દિવસોમાં બાળકો પણ સોનાના ખોદકામમાં સામેલ થઈ શકે છે.

સ્કૂલનું નવું સત્ર શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને આ સ્થળ પર રોકાઈ જતા અટકાવવા માટે પગલાં ઉઠાવાઈ રહ્યાં છે.

જે લોકો હજુ પણ સોનાની શોધમાં લાગે છે, તેઓ હવે વધુ ઊંડા ખાડા ખોદવા લાગ્યા છે.

ખોદકામથી નીકળેલાં માટી અને પથ્થરોથી ભરેલી ઘણી ટ્રક પહેલાં જ નજીકના ઓર્ટુમ શહેરમાં મોકલવામાં આવી છે, જ્યાં તેની તપાસ કરાશે. અધિકારી તેનાં પરિણામોની રાહ જોઈ રહ્યા છે.

ત્યાં સુધી એ સ્પષ્ટ નથી કે અહીં કેટલું સોનું ચે અને આનાથી કારોબારની દૃષ્ટિએ કેટલો લાભ થઈ શકે છે.

લોમાચારનું માનવું છે કે સોનાના ખોદકામને બંધ કરી દેવું એ આનું નિરાકરણ નથી, પરંતુ તેને સારી રીતે કરવું જોઈએ.

તેઓ ઇચ્છે છે કે સરકાર સ્થાનિક ખનન કર્મીઓની મદદ કરે, જેથી સોનું શોધવા અને કાઢવા માટે સુરક્ષિત અને સારી રીતો અપનાવી શકાય.

તેઓ કહે છે કે, "અમે સરકાર પાસેથી મેટલ ડિટેક્ટર જેવી વસ્તુઓ માટે મદદ માગીશું. જેથી અમને શોધી શકીએ કે અમુક જગ્યાએ કોઈ ખનિજ છે કે કેમ, જેથી અમે આગળ વધી શકીએ."

તેઓ નજીકનાં ઘરોની તરફ ઇશારો કરતાં વિસ્તારની ગરીબાઈ બતાવે છે.

તેઓ કહે છે, "જો તમે આસપાસ જુઓ, તો તમને ભાગ્યે જ કોઈ એવું ઘર મળશે જેની છત લોખંડનાં પતરાં વડે બની હોય, મોટાં ભાગનાં ઘર ઘાસની ઝૂંપડીઓ જ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન