ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ, અમેરિકા અને ઇઝરાયલી સૈન્યે પુષ્ટિ કરી – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

ઇઝરાયલ અને લેબનનના હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે. બીબીસીને અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.

આ સમાધાન શુક્રવારે સ્થાનિક સમયાનુસાર સાંજે ચાર વાગ્યે લાગુ થયું.

ઇઝરાયલી સૈન્યના પ્રવક્તા, બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિને એક નિવેદનમાં કહ્યું, "અમે યુદ્ધવિરામની સ્થિતિમાં છીએ. જો જરૂર પડશે તો ઇઝરાયલ લડાઈ ચાલુ રાખવા માટે તૈયાર છે."

આ ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો જ્યારે લેબનનના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, આખી રાત થયેલા ઇઝરાયલી હવાઈ હુમલામાં દક્ષિણ લેબનનમાં ઓછામાં ઓછા 18 લોકોનાં મૃત્યુ થઈ ગયાં.

તેમજ, ઇઝરાયલના સૈન્યનું કહેવું છે કે તેના ચાર સૈનિક પણ મૃત્યુ પામ્યા છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ)એ આ પહેલાં કહ્યું હતું કે તેણે ઈરાન સમર્થિત સશસ્ત્ર સંગઠન હિઝબુલ્લાહ સાથે સંકળાયેલાં 80 ઠેકાણાંને નિશાન બનાવ્યાં.

આઇડીએફે દાવો કર્યો કે આ હુમલામાં હિઝબુલ્લાહના 'ડઝનો' સભ્યો માર્યા ગયા.

આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકા અને ઈરાને યુદ્ધને સમાપ્ત કરવા માટે એક સમાધાન પર સહી કરી હતી.

આ સમાધાનમાં લેબનન સહિત તમામ મોરચા પર સૈન્ય અભિયાનોને રોકવાની અપીલ પણ સામેલ હતી.

ગુરુવારે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસે લેબનનમાં હુમલા અંગે ઇઝરાયલની ઝાટકણી પણ કાઢી હતી. એ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નેતન્યાહૂ અંગે કઠોર વાતો કરી ચૂક્યા છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી સીધી વાતચીત સ્થગિત, વ્હાઇટ હાઉસે શું જણાવ્યું?

અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી સીધી વાતચીતને સ્થગિત કરી દેવાઈ છે.

વ્હાઇટ હાઉસે ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઈરાન સાથે વાતચીતમાં સામેલ થવા માટે સ્વિટ્ઝર્લૅન્ડ નથી જઈ રહ્યા.

આ ઘટનાક્રમ સંઘર્ષ સમાપ્ત કરવા માટે બંને દેશોએ એક એમઓયુ પર હસ્તાક્ષર કરીને કરેલા સમાધાન બાદ સામે આવ્યો છે. એ બાદ અમેરિકાએ ઓમાનના અખાતમાંથી પોતાની નૌસૈન્ય નાકાબંધી હઠાવી લીધી હતી.

જોકે, સમાધાનમાં લેબનનમાં પણ લડાઈ સમાપ્ત કરવાની વાત કરાઈ હતી, પરંતુ દક્ષિણ લેબનનમાં આખી રાત થયેલા ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મૃત્યુ થઈ ગયાં. આ જાણકારી દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે.

ઇઝરાયલના સૈન્યે કહ્યું કે તેણે ઈરાન સમર્થિત સમૂહ હિઝબુલ્લાહને નિશાન બનાવ્યો હતો. સૈન્યે એવું પણ કહેલું કે તેના ચાર સૈનિક માર્યા ગયા છે.

વ્હાઇટ હાઉસ દ્વારા નિવેદન જાહેર કરાયાના અમુક કલાક પહેલાં, હિઝબુલ્લાહ સાથે સંકળાયેલા લેબનન મીડિયાએ સમાચાર આપ્યા હતા કે ઇઝરાયલી હવાઈ હુમલા ચાલુ રહેવાને કારણે વાતચીતને સસ્પેન્ડ કરાઈ છે.

વાર્તાકારોની આગામી તબક્કામાં ચર્ચા માટે બેઠક થવાની હતી, જેને અમેરિકન અધિકારીઓએ 'તકનીકી ચર્ચા' ગણાવી હતી.

પરંતુ અમેરિકાએ કહ્યું કે વાતચીતની યોજનાઓ 'હજુ અંતિમ સ્વરૂપ નથી લઈ શકી.'

અમેરિકાએ પણ કહ્યું છે કે અમેરિકા 'શક્ય તેટલી ઝડપથી તકનીકી વાતચીત શરૂ કરવા' ઇચ્છુક છે.

પાવાગઢ ડુંગર પર પથ્થરો ધસી પડતાં બે લોકોનાં મોત

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢના ડુંગર ઉપર પાટિયા પુલ પાસે યાત્રાળુઓ ઉપર ચઢતા હતા એ વખતે એક દુર્ઘટના સર્જાઈ છે.

પંચમહાલના બીબીસી ગુજરાતી સહયોગી દક્ષેશ શાહે આપેલી માહિતી પ્રમાણે, વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ સાઇડની દીવાલ તૂટી જતાં કેટલાક લોકો દબાઈ ગયા હતા.

હાલોલના નાયબ કલેક્ટર જે.ડી. પટેલના જણાવ્યા અનુસાર, "આ ઘટનામાં બે લોકોનાં મોત થયાં છે."

તેમણે મીડિયાને જણાવ્યું કે "રાતના સમયે 116 મિમી જેટલો વરસાદ પડતાં ત્યાં થોડા પથ્થરો ધસી પડવાની ઘટના બની છે. આ સમયે યાત્રાળુઓ જઈ રહ્યા અને તેમને ઈજા પહોંચી છે."

તેમણે કહ્યું કે "કુલ છ લોકોને ઈજા થઈ હતી અને બે લોકોનાં મોત થયાં છે. બાકીના ચાર લોકોને હાલોલ હૉસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને બે લોકોને સારવાર બાદ રજા આપી દેવાઈ છે."

તેમણે કહ્યું કે હાલમાં પાવાગઢ ડુંગરના રૂટ પર અવરજવર બંધ કરી દેવાઈ છે. ફૉરેસ્ટ, પોલીસ સહિતની ચાર એજન્સીઓ તપાસમાં લાગી છે અને રૂટમાં આવા કોઈ સ્પોટ હોય તો તંત્ર તેના માટે કામે લાગ્યું છે.

ટેલીગ્રામ પર લાગેલી કામચલાઉ રોક યથાવત્ રહેશે: દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઇકોર્ટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટેલીગ્રામ પર સરકાર દ્વારા લગાવવામાં આવેલી કામચલાઉ રોકને યથાવત્ રાખી છે.

લાઇવ લૉ પ્રમાણે, કોર્ટે કહ્યું, "સરકાર સેક્શન 69-એ અંતર્ગત ટેલીગ્રામ પર રોક લગાવી શકે છે, તેને જોતાં ટેલીગ્રામ પર લગાવવામાં આવેલી અસ્થાયી રોકને પડકાર આપનારી અરજી ફગાવી દેવામાં આવે છે."

સરકારે ટેલીગ્રામ પર 22 જુન સુધી પ્રતિબંધ લગાવ્યો હતો, જેની સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે 18મી જૂને તેના પર જવાબ દાખલ કર્યો હતો.

કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે 21મી જૂને થનારી નીટની ફેરપરીક્ષા પહેલાં માત્ર ટેલીગ્રામ પર જ કેમ પ્રતિબંધ લગાવ્યો?

એક સરકારી રિપોર્ટને હવાલેથી સરકારે જણાવ્યું હતું કે મોટા પાયે ખોટી જાણકારી ફેલાવવા મામલે ટેલીગ્રામનું બૉટ આર્કિટેક્ચર તેને વધારે સંવેદનશીલ બનાવે છે.

બાર ઍન્ડ બેન્ચ પ્રમાણે, સરકાર તરફથી કોર્ટમાં દાખલ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે, "ટેલીગ્રામ નવું ડાર્ક વેબ બની ગયું છે. તે જોખમ પેદા કરનારા લોકોને પરસ્પર જોડે છે. અપરાધિઓએ ઝડપથી ટેલીગ્રામને અપનાવી લીધું છે. તેઓ તેની ચૅનલો પર એવી લિંક પોસ્ટ કરે છે, જે ડીપ વેબ લિંક મારફતે ડાર્ક વેબ ફોરમથી જોડાય છે, જેથી અપરાધિઓને ટ્રૅક કરવા અને તેમની ઓળખની ભાળ મેળવવી મુશ્કેલ બને છે."

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નીટ માફિયાનું નામની ટેલીગ્રામ ચૅનલ મળી હતી, જેના 18,617 સબ્સ્ક્રાઇબર હતા.

ઈરાનની કોર્ટે આ ગાયિકાને ચાબુકના 74 ફટકા મારવાની સજા આપી, શા માટે?

ઈરાનની એક અદાલતે ગાયિકા પરસ્તૂ અહમદી અને 'કારવાંસરાય કૉન્સર્ટ'ના 8 અન્ય સભ્યોને ચાબુકના 74 ફટકા મારવાની સજા આપી છે.

સાથે જ તેમના પર બે વર્ષ સુધી દેશ છોડી જવા અને બે વર્ષ સુધી કલા સાથે જોડાયેલી કોઈ પણ પ્રવૃત્તિઓ કરવા પર રોક લગાવી છે.

આ ચુકાદો કોમ પ્રાંતની અદાલતે સંભળાવ્યો હતો. કોર્ટે ઇસ્લામી કાયદાની કલમનો હવાલો આપીને આ તમામ સભ્યોને સજા આપી છે. સાથે કહેવામાં આવ્યું કે આ ચુકાદો દેશના મીડિયામાં પણ છપાશે.

જેમને આ સજા સંભળાવવામાં આવી છે, તેના પર આરોપ છે કે ઇન્ટરનેટ પર ખોટી અને અશ્લિલ બાબત મૂકીને લોકોની શાલીનતાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

કારવાંસરાય કૉન્સર્ટનો વીડિયો ડિસેમ્બર 2014માં ગાયિકા પરસ્તૂ અહમદીની યૂટ્યૂબ ચૅનલ પર મૂકવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ વીડિયોમાં ગાયિકા હિજાબ પહેર્યા વગર ગાયન ગાય છે.

આ વીડિયો કેટલીક મિનિટોમાં જ વાઇરલ થઈ ગયો હતો.

જેડી વેન્સનો ઇઝરાયલને કડક સંદેશ, 'દુનિયામાં એક માત્ર બચેલા તેમના મિત્ર પર હુમલો ન કરો'

ગુરુવારે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે લગભગ 45 મિનિટ સુધી પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

તેમાં તેમએ ઈરાન સાથેની સજૂતી મામલે જાણકારી આપી. પરંતુ સાથે તેમણે અમેરિકાના નીકટ સહયોગી ઇઝરાયલ અને ત્યાંના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સલાહ પણ આપી.

આ પહેલાં પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂને સલાહ આપતા કહ્યું હતું કે તેમણે લેબનોન અને હિઝ્બુલ્લાહ મામલે વધારે જવાબદાર થવાની જરૂર છે.

ઇઝરાયલ સરકારના કેટલાક કૅબિનેટ મંત્રીઓએ અમેરિકા-ઈરાન સમજૂતી મામલે અસહમતિ જાહેર કરી હતી. ખુદ નેતન્યાહૂ તેનાથી વધારે ખુશ નજર નથી પડતા. તેમણે ઈરાન સામે કડક વલણ જારી રાખવોનો સંકેત આપ્યો હતો.

જ્યારે ઈરાન સાથે સમજૂતીની વાત ચાલી રહી હતી, તેના વચ્ચે ઇઝરાયલે લેબનોનની રાજધાની બૈરુત પર હુમલો કરી દીધો હતો. તેનાથી પણ ટ્રમ્પ નારાજ હતા. કારણકે ઈરાનની માગ હતી કે સમજૂતીમાં લેબનોનમાં પણ સંપૂર્ણ યુદ્ધવિરામની બાબત લાગુ થાય.

હવે વ્હાઇટ હાઉસમાં જેડી વેન્સને મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે આ મામલે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું, "સૌથી પહેલી વાત એ છે કે દુનિયામાં માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ એક માત્ર નેતા છે જેઓ ઇઝરાયલ પ્રત્યે સહાનુભૂતિ અને સમર્થન દેખાડે છે. સાથે, તેઓ દુનિયાના સૌથી તાકતવર દેશના નેતા પણ છે."

તેમણે ઉમેર્યું, "જો હું ઇઝરાયલી કૅબિનેટનો સભ્ય હોત તો કદાચ હું દુનિયામાં એક માત્ર બચેલા તાકતવર સહયોગી પર સાર્વજનિક રીતે હુમલો ન કરત."

અમેરિકાની ઈરાન સાથે ડીલ થતાં જ તેણે આપી આ છૂટ

અમેરિકા દ્વારા ઈરાનનાં બંદરો પર લગાવવામાં આવેલી નૌકાદળની નાકાબંધી હટાવી લેવામાં આવી છે. બંને દેશો વચ્ચેના કરાર પર હસ્તાક્ષર થતાં જ આ પગલું લેવામાં આવ્યું છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેની પુષ્ટિ કરતાં લખ્યું છે કે રાષ્ટ્રપતિના નિર્દેશ અનુસાર નાકાબંધી સમાપ્ત કરી દેવામાં આવી છે.

સેન્ટકૉમે ઍક્સ પર લખ્યું, "આજે અમેરિકી સેનાએ રાષ્ટ્રપતિના નિર્દેશ મુજબ ઈરાનનાં બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતાં-જતાં તમામ જહાજો પર લાગુ નાકાબંધી હટાવી દીધી છે."

સેન્ટકૉમે આગળ લખ્યું, "અમેરિકી સેના હવે ઈરાનનાં બંદરો તરફ આવતાં અને ત્યાંથી જતાં જહાજોને રોકી રહી નથી. અમેરિકી નૌકાદળની નાકાબંધી અમલમાં મૂકવાના તમામ પ્રયાસો બંધ કરી દેવામાં આવ્યા છે. અમારા મોટા નૌકાદળનાં જહાજો સામાન્ય વિસ્તારમાં તહેનાત રહેશે જેથી કરારની તમામ શરતોનું પાલન સુનિશ્ચિત થઈ શકે."

ઉલ્લેખનીય છે કે મધ્યસ્થ તરીકે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ગુરુવારે જ કહ્યું હતું કે આ કરાર તરત જ અમલમાં આવશે.

તેમણે કહ્યું હતું કે પ્રથમ પગલા તરીકે ઈરાન હોર્મુઝ સામુદ્રધુની ખોલશે અને અમેરિકા નૌકાદળની નાકાબંધી હટાવશે.

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પહેલી વખત અમેરિકા સાથે થયેલી ડીલ પર શું બોલ્યા?

ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ કહ્યું છે કે અમેરિકા સાથે થયેલા કરાર અંગે તેમનો અભિપ્રાય અલગ હતો, છતાં તેમણે તેના પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી.

ઈરાની મીડિયાએ ગુરુવાર સાંજે મોજતબા ખામેનેઈનું નિવેદન પ્રકાશિત કર્યું.

મોજતબા ખામેનેઈએ પોતાના લેખિત સંદેશમાં જણાવ્યું, "આ કરાર અંગે મારી અલગ દૃષ્ટિ હતી. પરંતુ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને મને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ ઈરાની જનતા અને વિરોધી શક્તિઓ સામે ઊભેલા લોકોના હકોનું રક્ષણ કરશે. તેમણે તેની જવાબદારી પણ સ્વીકારી હતી. તેથી જ મેં મંજૂરી આપી."

ખામેનેઈએ કહ્યું કે પેઝેશ્કિયાને તેમને જણાવ્યું હતું કે જો અમેરિકી પક્ષ વધુ માંગણીઓ કરશે તો તેઓ તેને સ્વીકારશે નહીં.

ખામેનેઈએ સંદેશમાં લખ્યું, "હવે આપણે બધા, હું અને આપણો ગૌરવશાળી દેશ, જણાવવામાં આવેલી શરતો પૂર્ણ થવાની રાહ જોશું."

આ સંદેશમાં ખામેનેઈએ સીધા રીતે ઈરાની અને અમેરિકી અધિકારીઓ વચ્ચેની ચર્ચાઓને પણ મંજૂરી આપી છે.

આ પહેલી વખત છે જ્યારે મોજતબા ખામેનેઈએ આ કરાર અંગે જાહેર પ્રતિક્રિયા આપી છે. માર્ચમાં સર્વોચ્ચ નેતાનું પદ સંભાળ્યા પછીથી તેઓ જાહેરમાં દેખાયા નથી.

તેમના પિતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલના હુમલામાં અવસાન થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન