ગુજરાતમાં રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા, કેવી ઝાંકીઓ જોવા મળી

બીબીસી ગુજરાતી રથયાત્રા અમદાવાદ રાજકોટ ભગવાન જગન્નાથ
ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં રથયાત્રા દરમિયાન એક શ્રદ્ધાળુ
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અષાઢી બીજના તહેવાર નિમિત્તે આજે અમદાવાદ, રાજકોટ, સુરત સહિતનાં શહેરોમાં જગન્નાથ મંદિરેથી રથયાત્રા કાઢવામાં આવી છે.

ગુજરાતમાં અમદાવાદની રથયાત્રાનું ખાસ મહત્ત્વ છે. આજે અમદાવાદના જગન્નાથ મંદિરેથી 149મી રથયાત્રા નીકળી છે.

બીબીસી ગુજરાતી રથયાત્રા અમદાવાદ રાજકોટ ભગવાન જગન્નાથ
ઇમેજ કૅપ્શન, રાજકોટની રથયાત્રાનું દૃશ્ય

અમદાવાદમાં સવારે ચાર વાગ્યે મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી, ત્યાર પછી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને તેની સાથે રથયાત્રા શરૂ થઈ હતી.

અમદાવાદમાં લગભગ 30 હજાર પોલીસ કર્મચારીઓના સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રથયાત્રા કાઢવામાં આવી છે.

આ ઉપરાંત સેંકડો સીસીટીવી કેમેરા અને ડ્રોન પણ રથયાત્રા પર નજર રાખી રહ્યા છે.

બીબીસી ગુજરાતી રથયાત્રા અમદાવાદ રાજકોટ ભગવાન જગન્નાથ
ઇમેજ કૅપ્શન, રાજકોટમાં રથયાત્રા દરમિયાન લોકો અલગ અલગ વેશભૂષામાં જોવા મળ્યા હતા.

અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે મંગળા આરતી પછી ભગવાનને ખીચડાનો ખાસ પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો.

ત્યાર પછી દર વર્ષની જેમ જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર તથા સુભદ્રા નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નીકળ્યાં છે.

બીબીસી ગુજરાતી રથયાત્રા અમદાવાદ રાજકોટ ભગવાન જગન્નાથ
ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં આજે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળી છે.

અમદાવાદની રથયાત્રાનો ઇતિહાસ જોવામાં આવે તો લગભગ પોણા પાંચસો વર્ષ પહેલાં હનુમાનદાસજી નામના સાધુ અહીં આવ્યા હતા અને તેમણે શહેરની ભીડભાડથી દૂર સાબરમતી નદી પાસે ગાઢ જંગલોની વચ્ચે હનુમાનની મૂર્તિની સ્થાપના કરી હોવાનું કહેવાય છે.

બીબીસી ગુજરાતી રથયાત્રા અમદાવાદ રાજકોટ ભગવાન જગન્નાથ
ઇમેજ કૅપ્શન, રથયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ શણગારાયેલી મૂર્તિઓ લઈને હાજર રહ્યા હતા.

લગભગ અઢીસો વર્ષ પહેલાં ગુજરાતમાં પહેલી રથયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પહેલાં ભરૂચના ભોઈ સમાજે રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.

અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે, વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરાવવામાં આવી હતી.

અમદાવાદના જગન્નાથ મંદિરમાં ગૌસેવા સિવાય દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા, સંતનિવાસ, અપંગાશ્રમ, ઑડિટોરિયમ, ભંડારા જેવા સેવાકાર્યો પણ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલે છે.

બીબીસી ગુજરાતી રથયાત્રા અમદાવાદ રાજકોટ ભગવાન જગન્નાથ
ઇમેજ કૅપ્શન, રથયાત્રામાં સામેલ થયેલા કેટલાક ટ્રકમાં આ રીતે ક્રિકેટની થિમ જોવા મળી છે.
બીબીસી ગુજરાતી રથયાત્રા અમદાવાદ રાજકોટ ભગવાન જગન્નાથ
ઇમેજ કૅપ્શન, રાજકોટમાં અલગ અલગ વેશભુષા ધારણ કરીને નૃત્ય કરતા લોકોએ આકર્ષણ પેદા કર્યું હતું.

15થી 20 જેટલા સુશોભિત હાથી આ રથયાત્રામાં જોડાય છે. ત્રણ અલગ-અલગ રથમાં બેસીને જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા નગરચર્યા કરવા માટે નીકળે છે. યાત્રામાં ડઝનબંધની સંખ્યામાં ટ્રક પણ જોડાય છે, જેમાં અલગ-અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવે છે.

અખાડાઓ દ્વારા તલવારબાજી, મલખમ તથા અન્ય અંગકસરતના દાવ રજૂ કરવામાં આવે છે. તેમની પાછળ રાસમંડળીઓ અને ભજનમંડળીઓ જોડાય છે.

બીબીસી ગુજરાતી રથયાત્રા અમદાવાદ રાજકોટ ભગવાન જગન્નાથ
ઇમેજ કૅપ્શન, રાજકોટમાં રથયાત્રામાં સામેલ થયેલા લોકો

સરસપુરમાં ભગવાનનું મોસાળું છે, જ્યાં બપોરના ભાગે રથયાત્રા ભોજન માટે રોકાય છે.

જ્યાં રથયાત્રિકોને, સ્થાનિકોને તથા સાધુ-સંતોને જમાડવામાં આવે છે. જેમાં મગ, જાંબુ અને કાકડી સહિતના પ્રસાદનું માહાત્મય રહેલું છે. આ સિવાય ગાંઠિયા, પૂરી, શાક, માલપુઆ, ખીચડી, મોહનથાળ અને લાડવા જેવા પ્રસાદ પણ ધરવામાં આવે છે.

બીબીસી ગુજરાતી રથયાત્રા અમદાવાદ રાજકોટ ભગવાન જગન્નાથ

રાજકોટમાં જગન્નાથ મંદિરે રાજવી માંધાતાસિંહના હાથે પહિંદવિધિ કરવામાં આવી હતી અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે રથયાત્રા શરૂ થઈ હતી.

બીબીસી ગુજરાતી રથયાત્રા અમદાવાદ રાજકોટ ભગવાન જગન્નાથ

રાજકોટમાં રથયાત્રા લગભગ 22 કિલોમીટરના રૂટ પર ફરશે. આ દરમિયાન કેટલાક લોકોએ આકર્ષક વેશભૂષા ધારણ કરી છે તથા કેટલાક ભાવિકો કરતબ દેખાડી રહ્યા છે.

બીબીસી ગુજરાતી રથયાત્રા અમદાવાદ રાજકોટ ભગવાન જગન્નાથ

અમદાવાદમાં કોરોનાને કારણે વર્ષ 2020માં 143મી રથયાત્રા નીકળી શકી ન હતી. પરંતુ ત્યાર પછી નિયમિત રથયાત્રા કાઢવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન