You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇબોલાનો પ્રકોપ : 'દર 30 મિનિટે એક મોત', આ દેશમાં બે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
- લેેખક, ઑટિલી મિશેલ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
જાહેર આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડીઆર કૉંગોમાં ઇબોલાનો પ્રકોપ હવે તેના ઇતિહાસમાં સૌથી ઘાતક બની ગયો છે.
15 મેના રોજ તેની જાહેરાત કરવામાં આવી ત્યારથી લઈને કુલ 2,325 લોકો વાઇરસથી મૃત્યુ પામ્યાં છે, જે દેશના અગાઉના 2018-2020ના પ્રકોપના મૃત્યુઆંકને વટાવી ગયો છે.
ગયા અઠવાડિયે યુ.એન. હ્યુમેનેટેરિયનના વડા ટૉમ ફ્લૅચરે જણાવ્યું હતું કે શરૂઆતથી જ આ પ્રકોપ અત્યાર સુધીનો સૌથી ઝડપી ફેલાતો પ્રકોપ હતો.
તેમણે ચેતવણી આપી હતી કે "આ રોગચાળો દર 30 મિનિટે કોઈ ને કોઈ વ્યક્તિનો જીવ લઈ રહ્યો છે".
વર્તમાન મહામારી માટે જવાબદાર બુંદિબુગ્યો પ્રજાતિ માટે હાલ કોઈ મંજૂર રસી ઉપલબ્ધ નથી, પણ ઘણી રસીઓ વિકસાવાઈ રહી છે. તેમાં ઍસ્ટ્રાઝેનેકા કોવિડ-19 રસી વિકસાવવા માટે વપરાયેલી ટૅક્નૉલૉજી પર આધારિત એક રસીનો પણ સમાવેશ થાય છે.
વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે
ડીઆર (ડેમૉક્રેટિક રીપબ્લિક) કૉંગોની ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થે રવિવારે જણાવ્યું હતું કે તેણે 4,945 નિશ્ચિત થયેલા કેસ નોંધ્યા છે." તેમાં અગાઉના 24 કલાકમાં 101 કેસનો સમાવેશ થાય છે.
સરખામણીએ દેશની બહાર ઓછા કેસો ઓળખાયા છે: 12 ઑગસ્ટ સુધીમાં, પાડોશી દેશ યુગાન્ડામાં 20 કેસોની પુષ્ટિ થઈ હતી, જ્યારે બે લોકોની જર્મનીમાં સારવાર કરવામાં આવી હતી અને ફ્રાન્સમાં એક કેસ ઘોષિત કરવામાં આવ્યો હતો.
જો કે, ડીઆર કૉંગોમાં વાયરસનો ફેલાવો ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. આ વાયરસ 26માંથી છ પ્રાંતોમાં ફેલાઈ ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના ફેલાવાની ગતિને 'અસાધારણ' ગણાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૉયટર્સના જણાવ્યા અનુસાર, 2014-2016ના પશ્ચિમ આફ્રિકાના સૌથી ઘાતક ઇબોલા પ્રકોપમાં 1,000 લોકોનાં મૃત્યુ થવામાં લગભગ પાંચ મહિના લાગ્યા હતા. જ્યારે હાલના પ્રકોપમાં માત્ર ત્રણ મહિનામાં 2,000 લોકોનાં મૃત્યુ થયાં છે. જો કે, સંશોધકોનું માનવું છે કે આ વાયરસ ફેબ્રુઆરીથી જ ધીમે-ધીમે ફેલાઈ રહ્યો હોઈ શકે છે.
ડીઆર કૉંગોમાં ઇબોલાની શોધ થયાને 50 વર્ષ થયાં છે. દેશમાં ફેલાયેલો ઇબોલાનો આ 17મો પ્રકોપ છે. વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષ અને લોકોની સતત અવરજવરને કારણે રોગને રોકવાનું કામ વધુ મુશ્કેલ બન્યું છે.
ઇબોલાનાં લક્ષણો કેવાં હોય છે?
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે તેને આશા છે કે ત્રણ મહિનામાં રોગનો ફેલાવો રોકી શકાશે.
જોકે, તેણે ચેતવણી આપી છે કે એનો અર્થ રોગનો ફેલાવો રોકવાનો છે, નહીં કે રોગચાળો સંપૂર્ણપણે ખતમ થવાનો.
ઇબોલા એક દુર્લભ, પણ જીવલેણ વાયરસજન્ય રોગ છે. બુંદિબુગ્યો પ્રજાતિ તેનાથી પણ વધુ દુર્લભ છે. અગાઉ આ પ્રજાતિના માત્ર બે પ્રકોપ નોંધાયા છે.
ઇબોલાનાં લક્ષણો ફ્લૂ કે મેલેરિયા જેવાં હોય છે. તેમાં તાવ, માથાનો દુ:ખાવો અને થાકનો સમાવેશ થાય છે. ચેપ લાગ્યાના 2થી 21 દિવસમાં આ લક્ષણો અચાનક શરૂ થઈ શકે છે.
રોગ આગળ વધે તેમ ઊલટી અને ઝાડા થઈ શકે છે, જેના કારણે શરીરનાં મહત્ત્વપૂર્ણ અંગો ખોટકાઈ જઈ શકે છે. લોહી અથવા ઊલટી જેવા ચેપગ્રસ્ત શરીરના પ્રવાહીના સંપર્કમાં આવવાથી વાયરસ ફેલાય છે.
યુકેના ઔષધ નિયામક એમ.એચ.આર.એ. દ્વારા બુંદિબુગ્યો માટેની રસીનાં પ્રથમ માનવ પરીક્ષણોને મંજૂરી આપવામાં આવી છે.
આ રસી ઑક્સફર્ડ યુનિવર્સિટીની એક ટીમ દ્વારા બનાવાઈ રહી છે. તેને બનાવવા માટે ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકા કોવિડ રસી જેવી જ ટૅક્નૉલૉજીનો ઉપયોગ થઈ રહ્યો છે. અન્ય ત્રણ જૂથો પણ બુંદિબુગ્યો માટે અલગ-અલગ રસીઓ વિકસાવી રહ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) ડીઆર કૉંગોમાં એક અલગ ક્લિનીકલ પરીક્ષણ માટે આર્થિક મદદ કરી રહી છે. તેમાં તપાસ થઈ રહી છે કે અગાઉથી ઉપલબ્ધ બે ઍન્ટિવાયરલ દવાઓથી દર્દીઓને બચાવવામાં મદદ મળી શકે કે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન