કોલંબિયાના પૂર્વ રાષ્ટ્રપતિ કથિત 'સેક્સ કૉન્ટ્રેક્ટ' વિવાદમાં કેમ ફસાયા, શું છે સમગ્ર મામલો?

કોલંબિયા સેક્સ કોન્ટ્રેક્ટ કોન્ટ્રાક્ટ વિવાદ, કોલંબિયા પૂર્વ રાષ્ટ્રપતિ, ગસ્ટાવો પેટ્રો, કોલંબિયાના રાષ્ટ્રપતિની સેક્સ પાર્ટીઓ, દે લા એસ્પ્રિએલાની જમણેરી સરકાર,
ઇમેજ કૅપ્શન, સ્થાનિક માધ્યમોના અહેવાલો અનુસાર, દેઈસી જિમેનેઝની ઉંમર 26 વર્ષ છે.
    • લેેખક, સૅન્ટિયાગો વાનેગાસ
    • પદ, બીબીસી ન્યૂઝ મુંડો
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

કૉલંબિયાના રાષ્ટ્રપતિ ગસ્તાવો પેત્રો એક મહિલાના આક્ષેપોને કારણે રાજકીય અને માધ્યમોમાં ઊભા થયેલા વિવાદના કેન્દ્રમાં છે. મહિલાનો દાવો છે કે પેત્રો સાથે શારીરિક સંબંધો બાંધવાને કારણે તેને સરકારી કૉન્ટ્રેક્ટ મળ્યા હતા.

આ વિવાદ 25 ઑક્ટોબરે જાહેર થયો હતો. અગાઉ જાહેર જીવનમાં અજાણી એવી દેઈસી જિમેનેઝે પત્રકાર વિકિ દાવિલાને 22 મિનિટની મુલાકાત આપી હતી. દાવિલા 'રેવિસ્ટા સેમાના'નાં ડિરેક્ટર અને પેત્રોનાં વિરોધી તથા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર છે.

આ મુલાકાતમાં જિમેનેઝે દાવો કર્યો હતો કે પેત્રો સાથે તેના પ્રેમસંબંધ હતા અને રાષ્ટ્રપતિના કાર્યકાળ પહેલાં તેમજ દરમિયાન તેને સરકારના અનેક વિભાગોમાં નોકરી આપવામાં આવી હતી.

તેણે એવો પણ દાવો કર્યો હતો કે આવી રીતે લાભ મેળવનારી તે એકમાત્ર મહિલા નહોતી. તેના જણાવ્યા અનુસાર, આવી 30થી 40 મહિલાઓનું એક નેટવર્ક હતું. આ મહિલાઓને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સાથે 'સેક્સ પાર્ટીઓમાં સાથ આપવા'ના બદલામાં સરકારી કૉન્ટ્રેક્ટ અને હોદ્દા મળતા હતા.

જોકે, અત્યાર સુધી બીજી કોઈ મહિલાએ આ અંગે નિવેદન આપ્યું નથી કે આવું કોઈ નેટવર્ક હોવાના પુરાવા પણ મળ્યા નથી.

મુલાકાત પછી જિમેનેઝે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો હતો. તેના દ્વારા પેત્રો સાથે તેના સંબંધો હોવાની વાત સાબિત થતી હોવાનું તેણે જણાવ્યું હતું.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ આ મહિલા સાથેના પોતાના સંબંધોનો ઇનકાર કર્યો નથી, પરંતુ શારીરિક સંબંધોના બદલામાં સરકારી કૉન્ટ્રેક્ટ આપ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. પોતાના ઍક્સ એકાઉન્ટ પરની પોસ્ટમાં તેમણે કહ્યું હતું, "મેં આવું કંઈ પણ કર્યું હોય તો મને મારી જાત પર જ ધિક્કાર છૂટે."

પેત્રોનો દાવો છે કે આ સમગ્ર મામલો દે લા એસ્પ્રિએલા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું એક અભિયાન છે. તેમણે એવો પણ સંકેત આપ્યો છે કે આ આક્ષેપો કરવા માટે જિમેનેઝને નાણાં ચૂકવવામાં આવ્યાં હતાં.

મહિલાના નિવેદન અને વીડિયોના આધારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ વિવિધ ન્યાયિક સંસ્થાઓએ તપાસ શરૂ કરી દીધી છે.

કોલંબિયાના અખબારોએ આ વિવાદને 'સેક્સ કૉન્ટ્રેક્ટ્સ' નામ આપ્યું છે.

કથિત 'સેક્સ કૉન્ટ્રેક્ટ્સ'ના આક્ષેપો કોણે કર્યા?

કોલંબિયા સેક્સ કોન્ટ્રેક્ટ કોન્ટ્રાક્ટ વિવાદ, કોલંબિયા પૂર્વ રાષ્ટ્રપતિ, ગસ્ટાવો પેટ્રો, કોલંબિયાના રાષ્ટ્રપતિની સેક્સ પાર્ટીઓ, દે લા એસ્પ્રિએલાની જમણેરી સરકાર,
ઇમેજ કૅપ્શન, માત્ર ત્રણ મહિના પહેલાં જ રાષ્ટ્રપતિપદ છોડનારા પેત્રો કથિત ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાયા છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'સેમાના' સામયિકને આપેલા પોતાના નિવેદન અનુસાર, દેઈસી જિમેનેઝની પેત્રો સાથે મુલાકાત વેબકૅમ મૉડેલિંગના એક પ્લૅટફૉર્મ પર થઈ હતી. તેણે કહ્યું હતું, " તેઓ પણ બીજા ગ્રાહકોની જેમ જ એક સામાન્ય ગ્રાહક હતા."

જિમેનેઝના જણાવ્યા અનુસાર, પેત્રોએ પોતાની ઓળખ એક ઉપનામથી આપી હતી. જોકે, એક તબક્કે તેમણે પોતાનો કૅમેરા ચાલુ કર્યો અને જિમેનેઝ તેમને ઓળખી ગઈ હતી.

યુવતીના જણાવ્યા અનુસાર, એક મહિના પછી બંનેએ કાલી શહેરની એક હોટેલમાં રૂબરૂ મળવાનું નક્કી કર્યું હતું અને ત્યારથી તેમની વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો.

થોડા સમય પછી તેણે બોગોટા જવાનું નક્કી કર્યું હતું. તેના કહેવા પ્રમાણે, એ પછી જ તેને સરકારી વિભાગો સાથેના કૉન્ટ્રેક્ટ મળવા લાગ્યા હતા.

જોકે, પેત્રોએ આ કૉન્ટ્રેક્ટ તેમના શારીરિક સંબંધો બંધાયા તે પહેલાં આપવાની ઑફર કરી હતી કે પછી, એ વિશે તેણે સ્પષ્ટતા કરી નહોતી.

જિમેનેઝે દાવો કર્યો હતો કે તેના જેવી જ સમજૂતી પેત્રો સાથે 'ઘણી બધી મહિલાઓ'ની હતી. તેના પોતાના શબ્દોમાં કહીએ તો, આવી મહિલાઓની સંખ્યા '30થી 40ની વચ્ચે' હતી.

તેણે કહ્યું હતું, "આપણે બધા ઘણું બધું જાણીએ છીએ."

તેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પેત્રો વિરુદ્ધ સંસદમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ વર્તમાન રાષ્ટ્રપતિના વહીવટી વિભાગ (DAPRE)ના ડિરેક્ટર કાર્લોસ રિઓસે દાખલ કરી હતી.

રાષ્ટ્રપતિ અબેલાર્ડો દે લા એસ્પ્રિએલાના નિકટના વર્તુળના સભ્ય રિઓસે આક્ષેપ કર્યો હતો કે, "ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગસ્તાવો પેત્રો પાસે રાષ્ટ્રપતિ કાર્યાલયમાં 48 મહિલાઓ હતી, જેમનો તેમણે કમનસીબે OPS (સેવા પૂરી પાડવાના કૉન્ટ્રેક્ટ) દ્વારા પોતાના હેતુ માટે ઉપયોગ કર્યો હતો."

આ નિવેદનો અને દેઈસી જિમેનેઝની મુલાકાતના જવાબમાં પેત્રોના વકીલે ફરિયાદી કાર્યાલય સમક્ષ કાર્લોસ રિઓસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વકીલનો આરોપ હતો કે રિઓસ પેત્રો વિરુદ્ધ મહિલાઓ પાસે બનાવટી નિવેદનો અપાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.

આ પહેલાં પેત્રો સરકાર દરમિયાન DAPREનાં ડિરેક્ટર રહેલાં એન્જી રોડ્રિગેઝે પણ એક મુલાકાતમાં કાસા દે નારિનો (રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન)માં કથિત વેશ્યાવૃત્તિના નેટવર્ક વિશે વાત કરી હતી.

રોડ્રિગેઝ વિશે પેત્રોએ કહ્યું છે કે તે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ છે.

અત્યાર સુધી જાહેર થયેલા કથિત પુરાવામાં શું બહાર આવ્યું?

કોલંબિયા સેક્સ કોન્ટ્રેક્ટ કોન્ટ્રાક્ટ વિવાદ, કોલંબિયા પૂર્વ રાષ્ટ્રપતિ, ગસ્ટાવો પેટ્રો, કોલંબિયાના રાષ્ટ્રપતિની સેક્સ પાર્ટીઓ, દે લા એસ્પ્રિએલાની જમણેરી સરકાર,
ઇમેજ કૅપ્શન, પેત્રોએ પોતાની વિરુદ્ધના આક્ષેપો પાછળ રાષ્ટ્રપતિ દે લા એસ્પ્રિએલાનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે.

સેકોપ-2 (ઇલેક્ટ્રૉનિક સરકારી ખરીદપ્રક્રિયા વ્યવસ્થા)માં ઉપલબ્ધ વિગતો અનુસાર, દેઈસી જિમેનેઝે ત્રણ સરકારી વિભાગો સાથે સેવા પૂરી પાડવાના કુલ 10 કૉન્ટ્રેક્ટ કર્યા હતા.

આ કૉન્ટ્રેક્ટ 2021થી 2026 દરમિયાન કરવામાં આવ્યા હતા અને તેમની કુલ કિંમત 12 કરોડ 65 લાખ 44 હજાર 432 કોલમ્બિયન પેસો (હાલના વિનિમય દર પ્રમાણે આશરે 38 હજાર અમેરિકી ડૉલર) થાય છે.

જિમેનેઝે પોતાના નિવેદનમાં આપેલી કેટલીક વિગતો આ કૉન્ટ્રેક્ટમાં નોંધાયેલી માહિતી સાથે મેળ ખાય છે, જ્યારે કેટલીક વિગતો મેળ ખાતી નથી.

દાખલા તરીકે, તેણે કહ્યું હતું કે બોગોટા આવ્યા પછી તેણે સેનેટમાં કામ શરૂ કર્યું હતું. ખરેખર, ઉપલબ્ધ રેકૉર્ડમાં તેનો સૌથી પહેલો કૉન્ટ્રેક્ટ આ સંસ્થા સાથે જ થયો હોવાનું નોંધાયેલું છે.

જોકે, તેના કહેવા પ્રમાણે આ ઘટના 2019માં બની હતી, જ્યારે કૉન્ટ્રેક્ટ પર 29 જુલાઈ, 2021ની તારીખ છે.

નોંધનીય છે કે, 2018થી 2022 દરમિયાન ગસ્તાવો પેત્રો સેનેટર હતા.

જિમેનેઝના નિવેદન અનુસાર, સેનેટમાં તે પેત્રો સાથે સીધેસીધું કામ કરતી નહોતી, પરંતુ પેત્રોના જ પક્ષનાં સભ્ય અને તેમના નિકટનાં સાથીદાર સેનેટર મારિયા જોસે પિસારો સાથે કામ કરતી હતી.

મહિલાએ જણાવ્યું હતું કે ત્યાર પછી તેને સુપરિન્ટેન્ડન્સી ઑફ સર્વેલન્સ ઍન્ડ પ્રાઇવેટ સિક્યૉરિટી અને ગૃહ મંત્રાલયમાં પણ કૉન્ટ્રેક્ટ મળ્યા હતા. સેકોપ-2ના રેકૉર્ડમાં પણ આ કૉન્ટ્રેક્ટ નોંધાયેલા છે.

આ બંને વિભાગો સરકારની કારોબારી શાખા હેઠળ આવે છે. પેત્રો રાષ્ટ્રપતિ હતા એ જ સમયગાળા દરમિયાન જિમેનેઝને ત્યાં કામ મળ્યું હતું. રાષ્ટ્રપતિ કારોબારી શાખાના સર્વોચ્ચ સત્તાધીશ હોય છે.

રેકૉર્ડમાં સૌથી તાજેતરનો કૉન્ટ્રેક્ટ આ વર્ષ (2026)ની 21 જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો અને તેનો અમલ હજી ચાલુ છે. આ કૉન્ટ્રેક્ટ મુજબ, 2026ના સમગ્ર વર્ષ દરમિયાન દેઈસી જિમેનેઝને દર મહિને 26 લાખ 48 હજાર 443 કોલમ્બિયન પેસો (800 અમેરિકી ડૉલર) ચૂકવવાના છે.

જિમેનેઝને હજી પણ સરકાર તરફથી નાણાં મળી રહ્યાં છે કે નહીં, એ સ્પષ્ટ થયું નથી.

જિમેનેઝ અને રાષ્ટ્રપતિ વચ્ચેના કથિત સંબંધો વિશે અત્યાર સુધી જે વિગતો બહાર આવી છે, તે તેણે પોતે જાહેર કરેલા એક વીડિયો અને પત્રકાર ડાર્સી ક્વિને જાહેર કરેલા બીજા એક વીડિયો પરથી મળી છે.

વીડિયો કૅપ્શન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખિકા અરુંધતિ રૉયનો ઇન્ટરવ્યૂ, ગાંધી અને આંબેડકર વિશે શું બોલ્યાં?

પહેલા વીડિયોમાં પેત્રો અને જિમેનેઝ એક રૂમમાં હોવાનું જણાય છે. પેત્રો જૅકેટ પહેરે છે ત્યારે જિમેનેઝ તેમને કહે છે, "તમે પણ બહુ સુંદર લાગો છો." તેના જવાબમાં પેત્રો પૂછે છે, "તમને ખરેખર એમ લાગે છે?"

ત્યાર પછી તેમની વાતચીતમાં એક સેક્સ ટૉયનો ઉલ્લેખ આવે છે, જોકે તે વીડિયોમાં દેખાતું નથી. ત્યાર બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમેનેઝનું માથું પકડીને તેને ચુંબન કરે છે.

દેઈસી જિમેનેઝે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો મૂકીને લખ્યું હતું, "હું આ વીડિયો પુરાવા તરીકે મૂકું છું, જેથી સાબિત થાય કે હું સાચું બોલી રહી છું."

બીજો વીડિયો એક સ્ક્રીન રેકૉર્ડિંગ છે. તે જિમેનેઝના ફોનમાંથી ઉતારવામાં આવ્યો હોવાનું જણાય છે. તેમાં પેત્રો સાથેનો કથિત વીડિયો કૉલ દેખાય છે.

આ રેકૉર્ડિંગ અનુસાર, પેત્રો એક ઉપનામનો ઉપયોગ કરીને જિમેનેઝ સાથે વાત કરે છે. તેઓ કહે છે, "તું સુંદર લાગે છે. ઊભી થા." તેઓ તેને હવામાં ચુંબન પણ મોકલે છે અને ચૂપ રહેવાનો ઇશારો કરે છે.

જિમેનેઝ અને પેત્રો વચ્ચેના કથિત સંવાદો તેમજ પેત્રો દ્વારા ચલાવવામાં આવતાં બનાવટી પ્રોફાઇલ્સ સાથે જિમેનેઝની સોશિયલ મીડિયા પર ફરતી ચૅટ્સની સ્વતંત્ર રીતે ખરાઈ કરવામાં બીબીસી ન્યૂઝ મુંડોને સફળતા મળી નહોતી.

પૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના સાથીઓ શું કહી રહ્યા છે?

કોલંબિયા સેક્સ કોન્ટ્રેક્ટ કોન્ટ્રાક્ટ વિવાદ, કોલંબિયા પૂર્વ રાષ્ટ્રપતિ, ગસ્ટાવો પેટ્રો, કોલંબિયાના રાષ્ટ્રપતિની સેક્સ પાર્ટીઓ, દે લા એસ્પ્રિએલાની જમણેરી સરકાર,
ઇમેજ કૅપ્શન, ભૂતપૂર્વ સેનેટર મારિયા જોસે પિસારોએ સ્વીકાર્યું હતું કે જિમેનેઝે સેનેટના ઉપપ્રમુખ કાર્યાલયમાં કામ કર્યું હતું.

પેત્રોએ જિમેનેઝના આક્ષેપો નકારી કાઢ્યા છે અને પોતાની અંગત જિંદગીનું સન્માન જાળવવાની માગ કરી છે.

મહિલાનું નિવેદન જાહેર થયું એ જ દિવસે બહાર પાડેલા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું, "શારીરિક સંબંધો બાંધવાના બદલામાં મેં ક્યારેય કોઈને કૉન્ટ્રેક્ટ આપ્યો નથી."

તેમણે વધુમાં કહ્યું હતું, "ગરીબ મહિલાઓ, એકલ માતાઓ અને સેક્સ વર્કર્સને જીવનમાં જુદાજુદા વિકલ્પો મળી રહે એ માટે તેમને મદદ કરવી (...) અને સેક્સના બદલામાં કૉન્ટ્રેક્ટ આપતા ફરવું, એ બંને સાવ અલગ બાબતો છે."

"મારી જાતીયતા સત્તાના ઉપયોગ સાથે નહીં, પણ પ્રેમની શોધ સાથે જોડાયેલી છે."

તાજેતરમાં તેમણે એવો દાવો પણ કર્યો હતો કે રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓ ક્યારેય દેઈસી જિમેનેઝને મળ્યા જ નથી. તેમણે સવાલ કર્યો હતો, "શું આશરે આઠ વર્ષ જૂનો એક વીડિયો પુરાવો ગણાય ખરો?"

કાર્લોસ રિઓસ સામેની પોતાની ફરિયાદમાં પેત્રોના વકીલે એવો બચાવ કર્યો છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહિલાઓ પાસે ખોટાં નિવેદનો અપાવવા માટે દેઆ લા એસ્પ્રિએલાની સરકાર તરફથી એક કાવતરું ઘડવામાં આવ્યું છે.

પેત્રોની પાર્ટી 'હિસ્ટોરિક પેક્ટે' પણ આ જ દાવાને આગળ ધપાવ્યો છે.

વીડિયો કૅપ્શન, એ યુવાન નન્સ, જે એકબીજાને મળ્યાં, પ્રેમમાં પડ્યાં ને પરણી ગયાં

આ જ મુદ્દે બહાર પાડેલા પોતાના પહેલા નિવેદનમાં પેત્રોએ કહ્યું હતું, "મારી અંગત જિંદગીની વિગતો બહાર લાવવાનું આ અભિયાન અબેલાર્ડો દેઆ લા એસ્પ્રિએલાની સરકાર તરફથી ચલાવવામાં આવી રહ્યું છે અને એમાં નાણાં પણ સામેલ છે."

આ સોમવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ પોતાની ઍક્સ પોસ્ટમાં રેકૉર્ડ કરેલી વીડિયો કૉલનો એક અંશ ટાંક્યો હતો. આ વીડિયોમાં તેઓ હવામાં ચુંબન ઉડાડતા દેખાય છે. તેમણે લખ્યું હતું: "ચુંબનને પણ ગુનો ગણવામાં આવે છે, જ્યારે તે તો પાયાની બાબત છે."

બીજી તરફ, પેત્રોનાં નિકટના સાથી અને ભૂતપૂર્વ સેનેટર મારિયા જોસે પિસારોએ સ્વીકાર્યું હતું કે દેઈસી જિમેનેઝે તેઓ સેનેટનાં ઉપાધ્યક્ષ હતાં ત્યારે ત્યાં કામ કર્યું હતું.

જોકે, તેમણે કહ્યું હતું કે જિમેનેઝ અને પેત્રો વચ્ચે અંગત સંબંધો હતા તેની તેમને ક્યારેય જાણ નહોતી. તેમણે ફરી સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ પ્રકારના "લાભ"ના બદલામાં કૉન્ટ્રેક્ટની આપ-લે કરવામાં આવી નહોતી.

'હિસ્ટોરિક પેક્ટ'ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ઇવાન સેપેડાએ પૉડકાસ્ટ 'અલ રિપોર્ટે કોરોનેલ'ને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે પેત્રોના જે વર્તનની વિગતો હવે બહાર આવી છે તેની પાર્ટી તપાસ કરશે.

જોકે, સેપેડાએ ઉમેર્યું હતું, "તેઓ આપણી પાસેથી જે કરાવવા માગે છે, એટલે કે આપણી સરકારને ખતમ કરવા માગે છે, એ આપણે થવા નહીં દઈએ."

આ મામલે તપાસ ક્યાં પહોંચી?

કોલંબિયા સેક્સ કોન્ટ્રેક્ટ કોન્ટ્રાક્ટ વિવાદ, કોલંબિયા પૂર્વ રાષ્ટ્રપતિ, ગસ્ટાવો પેટ્રો, કોલંબિયાના રાષ્ટ્રપતિની સેક્સ પાર્ટીઓ, દે લા એસ્પ્રિએલાની જમણેરી સરકાર,
ઇમેજ કૅપ્શન, દેઈસી જિમેનેઝને રિપબ્લિકની સેનેટ, સુપરિન્ટેન્ડન્સી ઑફ સર્વેલન્સ અને ગૃહ મંત્રાલયમાં કૉન્ટ્રેક્ટ મળ્યા હતા.

આ વિવાદને પગલે સરકારી વકીલની કચેરી, સુપ્રીમ કોર્ટ અને ઍટર્ની જનરલની કચેરીમાં વિવિધ પ્રકારની તપાસ શરૂ થઈ ગઈ છે.

દેઈસી જિમેનેઝે પોતે જાહેર કરેલી માહિતી અને સ્થાનિક માધ્યમોએ આપેલા અહેવાલો અનુસાર, તેણે પોતાનો મોબાઇલ ફોન સરકારી વકીલની કચેરીને સોંપ્યો હતો. ત્યાર બાદ ફોનની કેટલાક કલાકો સુધી ફૉરેન્સિક તપાસ કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં તેઓ આ તપાસસંસ્થાને પોતાનું નિવેદન આપે તેવી ધારણા છે.

દરમિયાન, સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે સેનેટમાં જિમેનેઝને આપવામાં આવેલા કૉન્ટ્રેક્ટની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

ન્યાયાધીશ કાર્લોસ રોબર્ટો સોલોર્ઝાનોએ પત્રકારોને કહ્યું હતું, "અંગત વિગતોને બાજુએ રાખીએ તો અહીં મહત્ત્વની વાત એ નક્કી કરવાની છે કે આ મામલે કોઈ ગુનો બન્યો છે કે નહીં, ખાસ કરીને સરકારી નાણાંમાંથી કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યા હતા કે કેમ."

પેત્રો રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં બનેલી ઘટનાઓની ફોજદારી તપાસ સરકારી વકીલની કચેરી અને સુપ્રીમ કોર્ટ કરી શકે છે.

તેમના રાષ્ટ્રપતિપદના કાર્યકાળ દરમિયાન બનેલી ઘટનાઓની તપાસનો અધિકાર 'આરોપ સમિતિ'ને છે. આ સમિતિમાં સંસદસભ્યો હોય છે આ સમિતિમાં સામાન્ય રીતે તપાસ આગળ વધતી નથી.

આમ છતાં, સત્તાધારી 'નૅશનલ સેલ્વેશન' પક્ષના બે સંસદસભ્યોએ પેત્રો સામે આ સમિતિમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પેત્રો પર "ગેરવર્તણૂકને કારણે હોદ્દા પર રહેવાની અયોગ્યતા" દાખવવાનો સંભવિત આરોપ મૂક્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન