ઈરાનનો દાવો - 'યુદ્ધ દરમિયાન ભારતે દવાઓ માટેનો કાચો માલ મોકલ્યો ન હતો' : ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ઈરાનના સ્વાસ્થ્ય મંત્રી મોહમ્મદ રેઝા ઝફરઘાદીએ કહ્યું કે યુદ્ધ દરમિયાન ભારતે ઈરાનને દવાઓ બનાવવાના કાચા માલની એક પણ ખેપ મોકલી નહોતી.

બીબીસી ફારસી મુજબ, તેમણે જણાવ્યું કે ભારતે ઈરાનને દવાઓ મોકલવા માટે કેટલીક શરતો મૂકી હતી.

ઈરાનના સ્વાસ્થ્ય મંત્રીએ દાવો કર્યો કે ભારતે તેના બદલે હોર્મુઝ જળમાર્ગ (સ્ટ્રેટ ઑફ હોર્મુઝ) મારફતે પોતાનાં કેટલાંક જહાજોને પસાર થવા દેવાની શરત મૂકી હતી.

ઈરાનના સ્વાસ્થ્ય મંત્રીએ આ વાતો ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીની હાજરીમાં યોજાયેલી એક બેઠક દરમિયાન કહી હતી.

અરાગચીએ બેઠકમાં જણાવ્યું કે યુદ્ધ દરમિયાન સૌથી મુશ્કેલ કાર્યોમાંનું એક સ્વાસ્થ્ય ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવી, દવાઓ અને તબીબી સાધનોની વ્યવસ્થા કરવી અને તેમને દેશ સુધી પહોંચાડવાની હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયમાં યોજાયેલી આ બેઠકનો હેતુ યુદ્ધમાં નુકસાન પામેલી માળખાકીય સુવિધાઓના પુનર્નિર્માણ માટે કૂટનીતિ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર વચ્ચે સંકલન સ્થાપિત કરવાનો હતો.

ભારતે પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયા વચ્ચેના મક્કા કરાર પર શું પ્રતિક્રિયા આપી

ભારતે પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા 'મક્કા કરાર' પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આ મુદ્દા સંબંધિત પ્રશ્નના જવાબમાં કહ્યું, "અમે પશ્ચિમ એશિયાના સંઘર્ષ સંબંધિત ઘટનાઓ પર સતત નજીકથી નજર રાખી રહ્યા છીએ."

"જ્યાં સુધી આ (મક્કા) કરારનો પ્રશ્ન છે, અમે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાના દૃષ્ટિકોણથી તેના વિવિધ પાસાઓની સમીક્ષા કરી રહ્યા છીએ."

તેમણે આગળ જણાવ્યું, "ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં જરૂરી તમામ પગલાં ભરશે."

શુક્રવારે સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને એક રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ કરાર મુજબ, આ ત્રણ દેશોમાંથી કોઈ એક દેશ પર થયેલો હુમલો ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે.

કંગના રનૌતે રાહુલ ગાંધી માટે 'ભાગેડુ' શબ્દનો ઉપયોગ કરીને શું કહ્યું?

ભાજપનાં સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે સંસદમાં વિદ્યાર્થી આંદોલનના મુદ્દા પર થતી ચર્ચા પર કૉંગ્રેસ અને વિપક્ષ પર નિશાન સાધ્યું છે.

તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે વિદ્યાર્થી આંદોલનના મુદ્દે હવે ચર્ચા થઈ રહી છે, પરંતુ તેઓ ગૃહમંત્રી અમિત શાહનો જવાબ સાંભળવાથી બચી રહ્યા છે.

મંગળવારે સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં કંગના રનૌતે કહ્યું, "પહેલાં આ લોકોએ હોબાળો મચાવ્યો કે તેમને નીટ પરીક્ષાના પ્રદર્શન અંગે ચર્ચા કરવી છે, પરંતુ હવે જ્યારે ચર્ચા થઈ રહી છે ત્યારે રાહુલ ગાંધી ભાગેડુ થઈ ગયા છે. તેઓ અહીં અમિત શાહજીને સાંભળવા માગતા નથી. કહો, સંસદ કેવી રીતે ચાલશે?"

તેમણે વધુમાં કહ્યું, "દેશ જોઈ રહ્યો છે કે તેઓ દેશવિરોધી શક્તિઓના હાથમાં આવી ગયા છે. તેમણે આ વખતે એક પણ દિવસ સંસદને ચાલવા દીધી નથી. આ શરમજનક વાત છે."

હકીકતમાં દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે સતત આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે.

રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ પાસે એ સ્પષ્ટ કરવાની માગ કરી છે કે પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવવાની મંજૂરી કોણે આપી હતી.

બીજી તરફ, સરકાર અને દિલ્હી પોલીસનું કહેવું છે કે જંતર-મંતર પર કોઈ ગોળીબાર કરવામાં આવ્યો નહોતો.

સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સહિત ભાજપના અનેક નેતાઓ વિપક્ષને સંસદની ચર્ચામાં ભાગ લેવા અને ગૃહમંત્રી અમિત શાહનો જવાબ સાંભળવા અપીલ કરી ચૂક્યા છે.

સોનિયા ગાંધીએ કહ્યું, 'ઇતિહાસ ડૉ. મનમોહનસિંહને સારી રીતે યાદ કરશે'

કૉંગ્રેસ ચૅરપર્સન સોનિયા ગાંધીએ પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહને કૉલ બ્લૉક વહેંચણીના કેસમાં મળેલી ક્લીનચિટ અંગે લખ્યું છે.

અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન ઍક્સપ્રેસમાં લખેલા એક લેખમાં તેમણે કહ્યું છે કે, "તાજેતરમાં આવેલો આ ચુકાદો એ આપણા રાજકીય ઇતિહાસમાં મહત્ત્વનો ચુકાદો છે. ડૉ. મનમોહનસિંહ સામે દુર્ભાવનાપૂર્ણ અભિયાન ચલાવાયું હતું. જેમાં અમલદારો, મીડિયા, ન્યાયતંત્ર, સિવિલ સોસાયટીના સભ્યો અને આરએસએસ-ભાજપના લોકો સામેલ હતા."

તેમણે કહ્યું હતું કે તાજેતરમાં પીએમ મોદી ભારતના વિદ્યાર્થીઓને માફી આપી રહ્યા છે તે તેમણે મનમોહનસિંહ સામે આવું અભિયાન ચલાવવા બદલ પોતાને પણ માફ કરી દેવા જોઈએ.

સોનિયા ગાંધીએ લખ્યું હતું કે, "ડૉ. મનમોહનસિંહનો કાર્યકાળ દેશની આર્થિક, રાજકીય અને સામાજિક પ્રગતિ માટે ઇતિહાસમાં નોંધાશે. આજે મને દુ:ખ થાય છે કે તેઓ આ દિવસ જોવા આપણી વચ્ચે નથી. તેમણે જાન્યુઆરી, 2014માં આપેલું નિવેદન જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ સાચું લાગી રહ્યું છે. ઇતિહાસ ડૉ. મનમોહનસિંહને સારી રીતે યાદ કરશે. એક શાંત, સારા વડા પ્રધાન તરીકે જ નહીં, પરંતુ એક પરિણામ આપનારા વડા પ્રધાન તરીકે."

અમેરિકાની કોર્ટે અદાણી પર ચાલી રહેલો ક્રિમિનલ કેસ બંધ કર્યો

અમેરિકાની એક કોર્ટે અદાણી ગ્રૂપના ચૅરમૅન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે કથિત છેતરપિંડી અને લાંચ લેવાના ગુનાહિત આરોપોને કાયમ માટે ફગાવી દીધા છે.

બે વર્ષથી ચાલી રહેલી આ ફોજદારી કાર્યવાહીનો અંત આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર , અમેરિકાના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યૂ યૉર્કના ન્યાય વિભાગ દ્વારા દાખલ કરાયેલા કેસને રદ કરવાની અરજી સ્વીકારી લીધી.

કોર્ટે ગૌતમ અદાણી, સાગર અદાણી અને અદાણી ગ્રીન ઍનર્જી લિમિટેડના ભૂતપૂર્વ સીઇઓ વિનીત જૈન સામેના આરોપોને ફગાવી દીધા છે. તેમાં સિક્યૉરિટીઝ છેતરપિંડીનું કાવતરું, વાયર ફ્રોડનો સમાવેશ થાય છે.

કોર્ટનો આ નિર્ણય "ડિસમિસલ વિથ પ્રિજુડાઇસ" હેઠળ આવ્યો છે. તેનો અર્થ એ થયો કે આ આરોપો પર ફરીથી કેસ દાખલ કરી શકાતા નથી અને ફોજદારી કાર્યવાહી કાયમી ધોરણે સમાપ્ત થઈ ગઈ છે.

ગૌતમ અદાણીએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

તેમણે કહ્યું, "હું એવા બધા લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે ક્યારેય અમારા પર, સિસ્ટમ પર અને ભારતની ન્યાય આપવાની ક્ષમતામાં વિશ્વાસ ગુમાવ્યો નથી. અમે જે સૌથી મહત્ત્વપૂર્ણ છે તે કામ કરવાનું ચાલુ રાખીશું. એ છે આપણા દેશ માટે નિર્માણ, એવા મૂલ્યનું નિર્માણ જે આપણા પછી પણ જીવિત રહે, અને ખુદથી મોટા ઉદ્દેશ્ય માટે કામ કરવું."

ઉલ્લેખનીય છે કે આ કેસ નવેમ્બર 2024માં પ્રકાશમાં આવ્યો હતો.

યુએસ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો હતો કે ગૌતમ અદાણી, સાગર અદાણી, અદાણી ગ્રીન ઍનર્જીના તત્કાલીન સીઇઓ વિનીત જૈન અને અન્ય લોકો ભારતીય સરકારી અધિકારીઓને આશરે 250 મિલિયન ડૉલરની લાંચ આપવાના કાવતરામાં સામેલ હતા.

અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ વર્લ્ડકપ માટે ક્વૉલિફાઈ થઈ

અફઘાનિસ્તાને ત્રીજી વનડેમાં આયર્લૅન્ડને ત્રણ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે જ અફઘાનિસ્તાન 2027ના વનડે વર્લ્ડકપ માટે ક્વૉલિફાઈ થઈ ગયું છે.

સોમવારે આયર્લૅન્ડના બૅલફાસ્ટમાં રમાયેલી મૅચમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો.

તેમણે આયર્લૅન્ડને 46.3 ઓવરમાં 206 રનમાં ઑલઆઉટ કરી દીધું.

જવાબમાં અફઘાનિસ્તાને 44.5 ઓવરમાં માત્ર સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

અફઘાનિસ્તાનની જીતમાં રાશિદ ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે અણનમ 37 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ પણ લીધી.

અફઘાનિસ્તાન હાલમાં વનડે રૅન્કિંગમાં આઠમા ક્રમે છે. આયર્લૅન્ડ સામે ટીમનો આ સતત બીજો વિજય છે. આ જીત સાથે જ અફઘાનિસ્તાન 30 સપ્ટેમ્બર, 2026 સુધી વનડે રેન્કિંગમાં ટોચની આઠ ટીમોમાં રહેશે.

2027ના વનડે વર્લ્ડકપ માટે સીધા ક્વૉલિફાઈ કરવા માટેની આ કટઑફ તારીખ છે.

અફઘાનિસ્તાનના ક્વૉલિફાઈ થવાને કારણે વેસ્ટ ઇન્ડીઝને હવે ક્વૉલિફાયર રમવું પડશે.

અહીં ઉલ્લેખનીય છે કે આઇસીસીએ એલાન કર્યું હતું કે મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027માં 14 ટીમો ભાગ લેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન