You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાંદીપુરા વાઇરસને ફેલાતો અટકાવવા ગાય, ભેંસ કે બકરીની તપાસ કેમ કરાઈ રહી છે?
ગુજરાતમાં પાછલા કેટલાક દિવસોથી ફરી એક વાર ચાંદીપુરા વાઇરસના કેસો સતત સામે આવી રહ્યા છે. ઑગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીની માહિતી પ્રમાણે રાજ્યમાં 22 બાળકોનાં મૃત્યુ ચાંદીપુરા વાઇરસને કારણે થઈ ચૂક્યાં છે.
હજી આ વાઇરસનો શંકાસ્પદ ચેપ ધરાવતાં બાળકો વિવિધ સરકારી હૉસ્પિટલોમાં સારવાર હેઠળ છે, અને દરમિયાન નવા કેસો પણ નોંધાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હાલમાં આ વાઈરસનો ફેલાવો જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે 3 ઑગસ્ટ 2026ની રાજ્ય સરકારની એક પ્રેસ નોટ પ્રમાણે રાજ્યમાં ચાંદીપુરાના કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાંથી 35 કેસ ચાંદીપુરા પૉઝિટિવ આવ્યા હતા.
હાલની સ્થિતિ પ્રમાણે પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વગેરે જેવા જિલ્લાઓમાં આ રોગના દર્દી વધુ જોવા મળી રહ્યા છે.
આ રોગ ફેલાવતા વાઇરસને સમજવા માટે કેન્દ્ર સરકારે નૅશનલ જૉઇન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ (એનજેઓઆરટી)ને ગુજરાત અને રાજસ્થાન મોકલી છે. જેમાં નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ (એનસીડીસી), ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને ડિપાર્ટમેન્ટ ઑફ ઍનિમલ હસબન્ડરી ઍન્ડ ડેરિઇંગ (ડીએએચડી)ના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
આમ તો, સેન્ડફ્લાય કે માટીની માખીને ચાંદીપુરા વાઇરસ માટે રોગવાહક માનવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં 2024ના ફેલાવા દરમિયાન તપાસવામાં આવેલા વેક્ટર સેમ્પલ્સમાં ચાંદીપુરા નહોતો મળી આવ્યો અને કોઈ ચોક્કસ વેક્ટરની ઓળખ થઈ શકી નહોતી. હવે 2026ના ફેલાવા દરમિયાન વૈજ્ઞાનિકો સેન્ડફ્લાય ઉપરાંત મચ્છર, બગાઈ અને માઇટ જેવી અન્ય જીવાતોની પણ સંભવિત ભૂમિકાની તપાસ કરી રહ્યા છે.
રાજ્યમાં આ રોગની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં એક પ્રેસ નોટ મારફતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી, અને હાલ ગાંધીનગર, સાબરકાંઠા -હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હૉસ્પિટલોમાં દાખલ તમામ બાળકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે."
પરાંત મચ્છર, ટિક અને માઇટ જેવી અન્ય જીવાતોની પણ સંભવિત ભૂમિકાની તપાસ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેન્ડફ્લાય ઉપરાંત બીજા કોઈ વાહક દ્વારા પણ ચાંદીપુરા ફેલાઈ શકે છે?
આ વર્ષના ફેલાવા બાદ નિષ્ણાતોને એ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે જો સેન્ડફ્લાય ચાંદીપુરા વાઇરસનો સ્થાપિત વાહક છે, તો ગુજરાતમાં વારંવાર ફેલાતા ચાંદીપુરા વાઇરસની તપાસ છતાં સ્થાનિક સ્તરે વાઇરસ કયા વાહક મારફતે ફેલાઈ રહ્યો છે.
કેન્દ્ર સરકારના માહિતી ખાતા પ્રમાણે નિષ્ણાતો હાલ વાઇરસની ટ્રાન્સમિશન સાઇકલને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. તપાસ કરવામાં આવી રહી છે કે શું મચ્છર, બગાઈ અને માઇટ્સ જેવા અન્ય જીવજંતુઓ પણ આ વાઇરસના સંક્રમણમાં કોઈ ભૂમિકા ભજવી શકે છે કે કેમ.
અસરગ્રસ્ત વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં એકત્ર કરવામાં આવેલા વેક્ટર સેમ્પલ્સનું હાલમાં લૅબોરેટરી ઍનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.
બીબીસી ગુજરાતી સાથેની અગાઉની વાતચીત દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર, ડૉ. રાજકુમાર સુતરિયાએ જણાવ્યું હતું કે, "જ્યારથી આ વાઇરસનો ફેલાવો જોવા મળ્યો છે, એ બાદથી જે વિસ્તારમાં કોઈ શંકાસ્પદ કેસ જોવા મળે છે, ત્યાંના જીવજંતુની સાથે સાથે ગાય, ભેંસ, બકરી વગેરેનાં સેમ્પલ પણ લેવામાં આવી રહ્યાં છે."
અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે વૈજ્ઞાનિક તપાસ પૂર્ણ થાય તે પહેલાં વર્તમાન ફેલાવા માટે જવાબદાર વેક્ટરની ઓળખ કરવી આ તબક્કે મુશ્કેલ છે.
એટલે કે આ વાઇરસને ફેલાવનારા વાહક સુધી પહોંચવા માટે હાલમાં રાજ્યમાં ઍૅનિમલ સર્વેલન્સનો વ્યાપ પણ વધારાયો છે, જેથી નિષ્ણાતો એ વાત જાણી શકે કે વાઇરસ ઘરે રખાતાં પશુઓમાં ફેલાઈ રહ્યો છે કે નહીં અને શું તે સંભવિત રીતે સ્રોત તરીકે કામ કરી શકે છે કે કેમ.
પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરોની એક પ્રેસ નોટ પ્રમાણે ટેસ્ટિંગ માટે ગાય, ભેંસ કે બકરીના બ્લડ સેમ્પલ્સ સાથે દૂધના નમૂના પણ લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આશરે 70 એનિમલ બ્લડ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે અને તેના પર ચાંદીપુરા વાઇરસ માટે તથા અન્ય સંબંધિત તપાસો કરવામાં આવી રહી છે.
'રાજ્યને સારી માળખાકીય સુવિધાઓની જરૂર'
આ પ્રકારની તપાસથી ખરેખર કેટલો ફરક પડશે, તે અંગે કેટલાક નિષ્ણાતોના મનમાં શંકા પણ છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ભૂતપુર્વ ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર કોરોના વાઇરસના સંક્રમણ સમયે ગુજરાત સરકાર સાથે મળીને મહામારી સામેના અભિયાનમાં ભૂમિકા ભજવી હતી.
તેઓ માને છે કે, જ્યાં સુધી રાજ્યમાં જરૂરી એપિડેમિયોલૉજી (રોગશાસ્ત્ર) અને વૈજ્ઞાનિક માળખું વિકસિત નહીં થાય, ત્યાં સુધી લોકોને એક પછી બીજા વાઇરસનો ભોગ બનવું પડશે.
તેમનું કહેવું છે કે ગુજરાતમાં કાર્ડિયોલૉજી અને કિડની જેવાં વિશિષ્ટ ક્ષેત્રો માટે સંસ્થાઓ છે, પરંતુ ચેપી રોગો અને એપિડેમિયોલૉજી પર કામ કરવા માટે પૂરતી સંસ્થાકીય વ્યવસ્થા અને નિષ્ણાતોની ટીમ નથી.
તેમના મતે, રોગચાળા અંગેના રિપોર્ટ્સ, સેન્ડફ્લાય સર્વેલન્સ અને તેના સંબંધિત ડેટા નિયમિત રીતે ઉપલબ્ધ નથી હોતા, કે સરકાર કોઈ નિયમિત વાર્ષિક હેલ્થ રિપોર્ટ નથી બહાર પાડતી, જેમાં રોગચાળા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય.
ડૉ. માવળંકરે કહ્યું કે, "આપણે ઘણી વખત આગ લાગે ત્યારે જ પાણી શોધીએ છીએ, એટલે કે, રોગચાળો ફેલાય ત્યારે જ સરકાર અને તંત્ર સક્રિય બને છે, પરંતુ રોગચાળો શમી જાય પછી તેની તૈયારી અને સંશોધનને ભૂલી જવાય છે."
ચાંદીપુરા વાઇરસ અને ગુજરાત
ચાંદીપુરા વાઇરસ અંગે લખાયેલા એક શોધ પેપર, ઇન્વેસ્ટિગેશન્સ ઇન્ટુ ધ આઉટબ્રેક ઑફ ચાંદીપુરા વાઇરસ એન્સેફલાઇટિસ ગુજરાત પ્રમાણે વર્ષે 2024માં ચાંદીપુરા વાઇરસ કન્ફર્મ થયેલા કેસો પૈકી 52.63 ટકાને તાવ હતો, 58.33 ટકામાં ચીડિયાપણું જોવા મળ્યું હતું, જ્યારે 93.33 ટકામાં ખેંચ અથવા તો બેભાન જેવી અવસ્થામાં જતા રહેવા જેવાં લક્ષણો જોવા મળ્યાં હતાં.
પેટ અને આંતરડાંની સમસ્યામાં ઊલટી અને ઝાડા જેવાં લક્ષણો જોવા મળ્યાં હતાં. જ્યારે શ્વાસોચ્છવાસને લગતાં લક્ષણોમાં ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફનાં લક્ષણો ઓછા કેસોમાં જોવા મળ્યાં હતાં.
આ શોધ પેપર પ્રમાણે ગુજરાતના 14 જિલ્લાઓમાંથી એકત્ર કરવામાં આવેલાં 422 એનિમલ સેમ્પલ્સમાંથી 37માં — જેમાં 20 ગાય, સાત ભેંસ, નવ બકરી અને એક ઘોડાનો સમાવેશ થાય છે, એમાંના સીરમમાં ચાંદીપુરા વાઇરસ ન્યૂટ્રલાઇઝિંગ ઍન્ટિબૉડીઝ (શરીરની રોગપ્રતિકારક શક્તિ દ્વારા બનાવાતા વિશેષ ડિફેન્સ પ્રોટીન) જોવા મળ્યા હતા.
જોકે, આ ઍન્ટિબૉડીઝની હાજરી પ્રાણીઓમાં અગાઉ ચાંદીપુરા વાઇરસનો ચેપ અથવા તેના સંપર્કનો પુરાવો આપી શકે છે, પરંતુ તે પ્રાણીઓ વાઇરસથી સંક્રમિત છે કે વાઇરસના ફેલાવામાં તેમની ભૂમિકા છે તે આનાથી સાબિત નથી થતું.
જોકે, અગાઉનાં વર્ષે ફાટી નીકળેલા રોગચાળાના અનુભવ પરથી શીખીને હાલમાં વૈજ્ઞાનિકો એ વાતની પણ નજીકથી તપાસ કરી રહ્યા છે કે 2024ની સરખામણીએ 2026માં આ વાઇરસમાં કોઈ જિનેટિક બદલાવ થયા છે કે નહીં.
વર્તમાન પ્રસારમાંથી મળેલા વાઇરસ સેમ્પલ્સનું હૉલ-જિનોમ સિક્વન્સિંગ (સંપૂર્ણ જિનોમ સિક્વન્સિંગ તપાસ) ગુજરાત બાયૉટૅકનૉલૉજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) ગાંધીનગર ખાતે કરવામાં આવી રહી છે. પ્રાથમિક વિશ્લેષણમાં નાના જિનેટિક બદલાવ જોવા મળ્યા છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં ફેલાઈ રહેલો વાઇરસ અગાઉના પ્રસાર સાથે સંકળાયેલા સ્ટ્રેન્સમાંથી ઉત્ક્રાંતિ પામ્યો છે કે નહીં તે નક્કી કરવા માટે વધુ વિગતવાર કમ્પેરેટિવ જિનોમિક સ્ટડીઝની જરૂર છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન