You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"મને 14 વર્ષની ઉંમરે ચોથા સ્ટેજનું કૅન્સર હતું અને આજે હું ડૉક્ટર છું"
- લેેખક, સિયાન ફિલ્ચર
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ડૉક્ટર ઍલી વોટર્સ-બાર્ન્સે બ્રિટનની વચ્ચોવચ આવેલા સ્ટેફોર્ડશાયરમાં આવેલી કીલ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન પૂરું કર્યું છે.
કિશોરાવસ્થામાં કૅન્સરનો સામનો કર્યા પછી તબીબી ક્ષેત્રનો અભ્યાસ કરવાનો નિર્ણય કરનારાં ઍલી હવે તેમની યુનિવર્સિટીના ગ્રૅજ્યુએશનની ઊજવણી કરી રહ્યાં છે. 14 વર્ષની વયે સોફ્ટ ટિશ્યૂ કૅન્સર હોવાનું નિદાન થયા પછી વોટર્સ-બાર્ન્સના બચવાની શક્યતા પાંચમાંથી એક જ હતી. પણ આ અનુભવે તેમને તેમની વ્યાવસાયિક કારકિર્દી ઘડવામાં મદદ પૂરી પાડી ને તેમના જણાવ્યા પ્રમાણે, આ અનુભવે તેમને એક એવો "સુપરપાવર" આપ્યો છે, જે તમામ ડૉક્ટરો પાસે નથી હોતો.
અત્યારે 25 વર્ષની વયનાં અને કેટલીક શારીરિક તકલીફો ધરાવતાં ઍલી હમણાં જ ગ્રૅજ્યુએટ થયાં છે અને તેઓ કહે છે કે, સારવારમાંથી પસાર થવાના તેમના પોતાના અનુભવે તેમને દર્દીઓએ કેવી યાતનામાંથી પસાર થવું પડે છે, તેની બહેતર સમજ મેળવવામાં મદદ કરી છે.
સપ્ટેમ્બર, 2015માં જ્યારે તેમને ખબર પડી કે તેમને ચોથા સ્ટેજનું એલ્વીઓલર રેબ્ડોમાયોસારકોમા કૅન્સર છે, ત્યારે તેમના જીવનમાં ઊથલપાથલ મચી ગઈ હતી. તેઓ કહે છે, "હું એકદમ તંદુરસ્ત અને ફિટ કિશોરી હતી, તેમાંથી સીધી જ સઘન સારવાર હેઠળ આવી ગઈ, જેના કારણે હું ઘણી બીમાર થઈ ગઈ હતી."
નોટિંગહામના ક્વીન્સ મેડિકલ સેન્ટર ખાતે તેમની 18 મહિના સુધી સારવાર ચાલી હતી. તેમની કૅન્સરની સારવાર 18 મહિના સુધી ચાલી હતી, જેમાં નવ મહિનાની સઘન કીમોથેરેપીનો પણ સમાવેશ થતો હતો.
"મારું વજન ઘણું ઊતરી ગયું હતું, મારા વાળ ખરી ગયા હતા અને મારે નળી વાટે ખોરાક લેવો પડતો હતો," એમ તેઓ કહે છે. "પહેલા નવ મહિના સઘનપણે કીમોથેરેપીના રહ્યા. એ પછી મને રેડિયોથેરેપીનાં 28 સેશન્સ આપવામાં આવ્યાં અને એક વર્ષ સુધી મેન્ટેનન્સ કીમોથેરેપી ચાલી," એમ તેમણે કહ્યું હતું.
"હવે હું ઈશ્વરની કૃપાથી સંપૂર્ણપણે સાજી થઈ ગઈ છું, પણ તે સમયે કૅન્સર ખૂબ આક્રમક હતું. આજે હું અહીં હોવા બદલ મારી જાતને ભાગ્યશાળી માનું છું."
અન્ય આડઅસરોની સાથે-સાથે તેમની સારવારને પગલે તેમણે 15 વર્ષની વયે મેનોપોઝનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત પણ અન્ય આરોગ્યલક્ષી સમસ્યાઓ સર્જાઈ હતી, જે આજીવન તેમની સાથે રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તે સમયે મને મેનોપોઝ એવી મોટી વાત નહોતી લાગી," એમ તેમણે કહ્યું હતું. "15 વર્ષની વયે તો મને તેના વિશે માહિતી પણ નહોતી. તે સમયે મારાં માતાને પણ હજુ મેનોપોઝ આવ્યો ન હતો. મને લાગ્યું હતું કે, તે સાવ સરળ બાબત હશે."
"મારા ઓન્કોલોજિસ્ટ્સે મને સમજાવ્યું નહોતું કે તેનો અર્થ શું થાય છે અને તેનાં લક્ષણો કયાં હોય છે," એમ તેમણે કહ્યું હતું.
'મારો છૂટકારો અભ્યાસમાં હતો'
"તે સમયે હું એવું માનતી હતી કે, મારું માસિક બંધ થઈ ગયું છે, બસ એટલું જ, પણ તે પછીનાં વર્ષોમાં મને રાતના સમયે ખૂબ પરસેવો વળવો, ત્વચામાં ખંજવાળ આવવી અને શુષ્કતા તથા અચાનક ગરમી લાગવી જેવી ગંભીર સમસ્યાઓ નડવા લાગી."
તેઓ જણાવે છે કે, તે સમયે તેમને સમજાયું નહોતું કે, તે અસરો મેનોપોઝના લીધે ઉદ્ભવી રહી હતી.
જોકે, વોટર્સ-બાર્ન્સ જાણતાં હતાં કે, તેમને હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કરવામાં મુશ્કેલી પડી રહી હતી અને એ પણ એવા મહત્ત્વના તબક્કે, જ્યારે તેઓ મેડિકલ સ્કૂલમાં ઍડ્મિશન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યાં હતાં.
કૅન્સરની સારવારના તેના પોતાના પડકારો રહેલા હોય છે. વોટર્સ-બાર્ન્સે હાઇ સ્કૂલમાં દસમું ધોરણ રિપીટ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, બ્રિટનમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી યુવાનો જે પરીક્ષા આપે છે, તે GCSE ની પરીક્ષાઓ તેમના માટે એક પ્રકારે મુક્તિનું સાધન બની ગઈ હતી.
"કૅન્સરમાં જે થઈ રહ્યું હતું, તે મારા હાથમાં નહોતું, પણ હું મારી જાતને ભણવા માટે પ્રોત્સાહન આપી શકતી હતી," એમ તેમણે કહ્યું હતું. "હકીકતમાં મને તેમાં ઘણી મજા આવતી હતી, કારણ કે જ્યારે હું કેમિસ્ટ્રી અને ગણિતના અઘરા દાખલાઓ સોલ્વ કરતી હોઉં, ત્યારે હું મારી સમસ્યાઓ ભૂલી શકતી હતી."
"આથી જ મને ઘણા સારા માર્ક્સ આવ્યા, કારણ કે મારામાં મારાં મિત્રો સાથે બહાર જઈને સામાન્ય યુવાનો જેવી પ્રવૃત્તિઓ કરવાની શક્તિ ન હતી; બસ અભ્યાસ એ જ મારો એકમાત્ર છૂટકારો હતો."
હૉસ્પિટલની સારવાર પાછળ વર્ષો વિતાવ્યાં હોવા છતાં તે અનુભવે તેમની કારકિર્દીની પસંદગી નક્કી નહોતી કરી, બલ્કે સારવાર પરથી ધ્યાન હટાવવાના તેમના પ્રયાસે તેમની કારકિર્દીને દિશા આપી હતી. તેમણે જણાવ્યા અનુસાર, "ટ્રીટમેન્ટ રૂમમાં તમામ લોકો ઘણા પ્રેમાળ હતા, પણ હું પાછી જઈને તે યાદોથી ઘેરાઈ જવા નહોતી માગતી."
"જોકે, જ્યારે મારી સારવાર પૂરી થઈ ગઈ, ત્યારે હું મેડિકલ ડૉક્યુમેન્ટ્રીઝ જોવાનું બંધ ન કરી શકી. હું ભારે ઉત્કંઠા સાથે તે જોતી હતી." તેઓ જણાવે છે કે, તેના કારણે તેમને તબીબી ક્ષેત્રમાં ઊંડો રસ જાગ્યો હતો.
"હું જે બાબતોમાંથી પસાર થઈ હતી, તેના પર સંશોધન કરવાનું મેં શરૂ કર્યું. મને લાગે છે કે મારી અંદર લોકોને મદદ કરવાની ભાવના પણ વિકસી હતી."
તેઓ જણાવે છે કે, જ્યારે તેઓ કૅન્સરના અનુભવમાંથી પસાર થયાં, ત્યારે તેમની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ. વોટર્સ-બાર્ન્સ કહે છે, "મને સમજાયું કે, લોકો અત્યંત લાચાર સ્થિતિમાં હોય, તે સમયે કરવામાં આવતી મદદ ધન કમાવવા કરતાં વધુ સંતોષજનક હતી."
"હું ભાગ્યશાળી હતી કે, મને જ્યારે કૅન્સર થયું, ત્યારે અદ્ભુત ડૉક્ટરો અને નર્સોએ મારી સારવાર કરી. કોઈ પણ શંકા વિના તમે દર્દીની પ્રાથમિકતાઓ સમજી શકો છો, તેમને શું જોઈએ છે અને તેમના માટે શું મહત્ત્વનું છે, એ સમજી શકો છો. તેમાં કોઈ શંકા નથી કે, આ બાબત નબળાઈ નહીં, બલ્કે મોટી તાકાત છે."
પ્રારંભિક નિદાન થયાનાં દસ વર્ષ કરતાં વધુ સમય બાદ, વર્ષનાં ઍલી હજુય નિયમિત મેડિકલ ચેક-અપ કરાવે છે, પણ તેઓ રોયલ સ્ટોક યુનિવર્સિટી હૉસ્પિટલ ખાતે એક ટ્રેની ડૉક્ટર તરીકે તેમની તબીબી તાલીમને આગળના સ્તરે લઈ જવા માગે છે. તેમને આશા છે કે, તેમના અનુભવો તેમને એક બહેતર ડૉક્ટર બનાવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન