'સાળીનાં લગ્ન, માબાપ બીમાર હતાં,' રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર રહેલા ગુજરાત યૂથ કૉંગ્રેસના હોદ્દેદારોએ સસ્પેન્શન બાદ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images/IYC
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
થોડા દિવસ પહેલાં દિલ્હીમાં રાહુલ ગાંધીની 'વોટ બચાવો, દેશ બચાવો' રેલીમાં ગેરહાજર રહેવા બદલ ગુજરાત યૂથ કૉંગ્રેસના 49 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
શિસ્તભંગના પગલારૂપે કરાયેલી આ કાર્યવાહીથી કૉંગ્રેસ સંગઠનમાં ભારે ચર્ચા જામી છે.
કેટલાક કાર્યકરોનું કહેવું છે કે 'મેડિકલ અને અંગત અગત્યનાં કારણોસર' હાજરી અપાઈ નહોતી જેની અગાઉથી પાર્ટીને જાણ કરવામાં આવી હતી.
બીબીસી ગુજરાતીને યૂથ કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા ઘણા કાર્યકરોએ જણાવ્યું કે તેમણે પાર્ટી માટે સતત કામ કર્યું છે, પાર્ટીએ તેમની વાત સાંભળવી જોઈએ, વાજબી કારણોસર માત્ર એક વાર ગેરહાજરી એ તેમના સસ્પેન્શનનું કારણ ન હોવું જોઈએ.
સામેની બાજુએ કેટલાકે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે પાર્ટી તેના આ પગલા પર ફરી વિચાર કરીને નિર્ણય લે તેવી એમની આશા છે.
યૂથ કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો અને નેતૃત્વ સાથે આ મામલે બીબીસી ગુજરાતીએ વિગતવાર વાત કરીને સમગ્ર મુદ્દાને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
યૂથ કૉંગ્રેસના 49 કાર્યકરો સસ્પેન્ડ

ઇમેજ સ્રોત, IYC
વાત એવી છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગત 1 નવેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી 'વોટ બચાવો, દેશ બચાવો' રેલી યૂથ કૉંગ્રેસના ગુજરાતના 49 જેટલા હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા, જે બાદ આ 'કડક કાર્યવાહી' કરવામાં આવી છે.
સંગઠનના રાષ્ટ્રીય નેતૃત્વના આદેશ બાદ 3 નવેમ્બરના રોજ સસ્પેન્શનના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી ગુજરાતના યુવા કૉંગ્રેસ સંગઠનમાં ચર્ચા અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય યુથ કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વના નિર્દેશો અનુસાર ગેરહાજર રહેલા હોદ્દેદારો સામે આ ગેરહાજરીને 'સંગઠનાત્મક અનુશાસનહીનતાનો મુદ્દો' ગણાવી કાર્યવાહી કરવામાં આવી છે.
રેલીમાં હાજર ન રહેવા પાછળનાં કારણો અંગે સંબંધિત હોદ્દેદારો પાસેથી સંતોષકારક ખુલાસો મળ્યો ન હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
આથી તેમને તાત્કાલિક અસરથી આગામી સૂચના ન મળે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે કે, હાલ પૂરતું તેમને સંગઠનમાં સોંપવામાં આવેલી જવાબદારીઓથી દૂર રાખવામાં આવ્યા છે.
યૂથ કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો શું કહી રહ્યા છે?

ઇમેજ સ્રોત, IYC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યૂથ કૉંગ્રેસમાં સંગઠન મંત્રી ગૌરાંગ મકવાણાનું નામ પણ આ સસ્પેન્શન લિસ્ટમાં સામેલ છે. ગૌરાંગ મકવાણા બીબીસી ગુજરાતી સાથેની વાત કરતાં જણાવે છે :
"1 નવેમ્બરની રેલી અગાઉ અમારી જ્યારે ઝૂમ મિટિંગ મળી હતી ત્યારે પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ લોકોએ ફરજિયાત આ રેલીમાં આવવાનું છે. તેના ભાગરૂપે અમે દિલ્હી જવાની ટિકિટો પણ કરાવી. મેં મારી ટિકિટ પ્રદેશ પ્રમુખના ગ્રૂપમાં પણ મોકલી હતી."
"પરંતુ એક દિવસ અગાઉ જ મારી તબિયત ખરાબ થઈ ગઈ હોવાથી હું ત્યાં પહોંચી શક્યો ન હતો."
તેઓ આગળ કહે છે, "4 નવેમ્બરના રોજ જ મને જાણ થઈ કે મને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધો છે."
ગૌરાંગ જણાવે છે કે, "મારું કહેવું છે કે અમે પક્ષવિરોધી કોઈ પ્રવૃત્તિ નથી કરી. જોકે, અમારું માનવું છે કે પક્ષ અમારો પણ એક વખત અભિપ્રાય લે અને ન આવવાનું કારણ જાણવાનો પ્રયાસ કરે."
"જો ગેરહાજર રહેવાનું કોઈ વાજબી કારણ હોય તો રાખો અને ના હોય તો પક્ષ જે પણ નિર્ણય લે તે મારા માટે શિરોમાન્ય છે."
"અમને પક્ષ પાસેથી આશા હતી કે એ અમારું સાંભળશે, પણ પક્ષે આ જે કાર્યવાહી કરી છે તે અમારા વિસ્તારમાં ચર્ચાનું કારણ બની છે, જોકે, અમે કોઈ પક્ષવિરોધી પ્રવૃત્તિ નથી કરી."
ગૌરાંગ કહે છે, "અમે સંગઠનને વિનંતી કરીશું કે આ બાબતે પુનઃ વિચાર કરવામાં આવે."
'અમારા ધર્મગુરુ ક્ષેત્રમાં આવવાના હતા'
પંચમહાલમાંથી યૂથ કૉંગ્રેસના જિલ્લાપ્રમુખના માઇકલ જૉસેફનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેઓ જણાવે છે કે તેમનું ખરેખર 15 દિવસ પહેલાં જ એક કાર્યક્રમમાં હાજરી આપવાનું નક્કી હતું, જેના કારણે રેલીમાં તેઓ નહોતા જોડાઈ શક્યા.
તેઓ કહે છે, "મને આ કાર્યક્રમનો 28 ઑક્ટોબરના રોજ આમંત્રણપત્ર આવ્યું હતું."
"એ કાર્યક્રમમાં અમારા ધર્મગુરુ બિશપ ન્યુટન પરમાર ગોધરા આવવાના હતા અને બાળકોની એક હૉસ્ટેલનું ઉદ્ઘાટન હતું."
તેઓ પોતાની ગેરહાજરીના કારણ અંગે વધુ જણાવતાં કહે છે, "હવે જ્યારે પાંચ-સાત રાજ્યના બિશપ આવવાના હોય તો ત્યાં હાજર રહેવું જરૂરી હતું.એ આમંત્રણ કાર્ડ પણ મેં પાર્ટીને મોકલ્યું હતું અને 28 તારીખે જ જાણ કરી હતી કે હું નહીં આવી શકું."
"ઘણાં વર્ષોથી હું પાર્ટી સાથે જોડે જોડાયેલો છું, યૂથ કૉંગ્રેસમાં આ મારી ત્રીજી ટર્મ છે. હું 12 વર્ષ કરતાં વધુ સમયથી હોદ્દાઓ પર જ છું."
તેઓ કહે છે, "પાર્ટીએ જે ખરેખર વાજબી કારણોને લીધે રેલીમાં હાજર ન રહી શકનાર કાર્યકરોને સાંભળવા જોઈએ."
"એ બાદ પાર્ટીનો જે નિર્ણય હશે તે શિરોમાન્ય રહેશે, પણ અમને વાત કરવાની એક તક અપાય. 11 તારીખ પછીની વાત થઈ છે એટલે અમે અમારી વાત રજૂ કરીશું અને અમારા પ્રભારી અને પ્રમુખ સાથે વાત થઈ છે."
ગુજરાત પ્રદેશમાં મહામંત્રી રહેલા અવધ પટેલ કહે છે કે, તેમના સગાં સાળીનાં લગ્ન હોઈ તેઓ રેલીમાં હાજરી નોંધાવી નહોતા શક્યા.
"તેના પુરાવા અને ફોટા મેં દિલ્હી સુધી મોકલાવ્યા છે, પ્રમુખ પ્રવીણસિંહને પણ એ મોકલી આપ્યા હતા. મને આશા છે કે જે લોકો વાજબી કારણોસર હાજર નથી રહી શક્યા તેમનું સસ્પેન્શન રદ કરાશે, આ વાત પાર્ટીએ પણ કરી છે."
'માતાપિતાની તબિયત ખરાબ હતી તેથી...'

ઇમેજ સ્રોત, GAURANG MAKWANA
વડોદરા શહેર યૂથ કૉંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "રેલીમાં ન જવાના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેમાં મારે ન જવાનું મુખ્ય કારણ મારા 67 વર્ષીય પિતાની આંખનું ઑપરેશન હતું. તેમનું ઑપરેશન 28 ઑક્ટોબરના રોજ થયું હતું."
"તેમને ઉંમરના કારણે આંખમાં સમસ્યા થઈ હતી. તેથી મને 15 દિવસ સુધી તેમની સાથે રહેવાનું ડૉક્ટરે જણાવેલું."
"મારા માટે બીજી બહુ મોટી મજબૂરી એ હતી કે મારાં માતાને પણ સંધિવાની બીમારી છે. એમના હાથપગના આંગળાઓ વળી ગયા છે, તેથી કોઈ પણ વસ્તુ સીધા હાથે પકડી શકતાં નથી. આ પ્રકારની મેડિકલ સમસ્યાઓને કારણે રેલીમાં હાજરી અપાઈ શકાઈ નહોતી."
"આ બાબતની જાણ મેં મારા નેતૃત્વને પણ કરી હતી.આ બાબતે મારી રાજ્યપ્રમુખ પ્રવીણસિંહ સાથે વાત થઈ છે, અને તેમણે પણ મને આશ્વાસન આપ્યું છે."
ગુજરાત યૂથ કૉંગ્રેસનું શું કહેવું છે?
ગુજરાત યૂથ કૉંગ્રેસના પ્રમુખ પ્રવીણસિંહ વણોલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે 1 નવેમ્બરે દિલ્હીમાં જે રેલી યોજાઈ હતી, એ બાદ બીજી નવેમ્બરે નૅશનલ ઑફિસ બેરરની મિટિંગ હતી, જેમાં ઑલ ઇન્ડિયા સ્ટેટ પ્રેસિડેન્ટ અને ઇન્ડિયા યૂથ કૉંગ્રેસ (આઇવાયસી)ના સેક્રેટરી, જનરલ સેક્રેટરી અને આઇવાયસી પ્રમુખ અને આઇવાયસી ઇન્ચાર્જ મનીષ શર્માની હાજરીમાં આ નિર્ણય લેવાયો હતો.
"તેમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજ્યમાં જે ઑફિસ બેરર અને જિલ્લાપ્રમુખ હોય અને જેઓ દિલ્હી ના આવી શક્યા હોય એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની સૂચના મળી હતી."
તેઓ કહે છે કે, "તેમજ આગામી દિવસોમાં જે લોકો વાજબી કારણોસર હાજર નહોતા રહી શક્યા અને જે સક્રિય કાર્યકર છે, તેમને એક અઠવાડિયાની અંદર બોલાવીને તેમનું સસ્પેન્શન રદ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે."
શું હતો દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમનો હેતુ?
દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરના રોજ કૉંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા 'વોટ બચાવો, દેશ બચાવો' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક નેતાઓ જોડાયા હતા.
ચૂંટણીપ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) મુદ્દે વિરોધ નોંધાવવો એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.
આ દરમિયાન મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ પણ ઉઠાવવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























