સુરત: '4 મહિનાથી કોઈ પત્તો નથી...', રશિયન સેનામાં જોડાયેલા પતિની પત્ની કરી રહી છે શોધખોળ

ઇમેજ સ્રોત, Sheetal Sarkhala
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
રોજગારીની શોધમાં રશિયા ગયેલા એક યુવાનનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હોવાની વધુ એક ઘટના સુરતમાં બની છે.
સુરતમાં રહેતા અંદાજે 39 વર્ષીય રમણિકભાઈ સરખળા દોઢ વર્ષ અગાઉ હીરા ઉદ્યોગમાં મંદીથી કંટાળીને સારી નોકરીની શોધમાં 2025માં રશિયા ગયા હતા. ત્યાં તેમણે થોડો સમય ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કામ કર્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓ રશિયન આર્મીમાં જોડાયા હતા.
છેલ્લાં ચાર મહિનાથી તેમનો કોઈ પતો ન મળતાં રમણિકભાઈનો પરિવાર ગાંધીનગર અને નવી દિલ્હીના ધક્કા ખાઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી તેમને કોઈ મદદ મળી નથી.
ગયા 24 જૂને તેમણે પોતાની પત્ની શીતલબહેન સાથે છેલ્લી વાર વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ રશિયન સેનામાં જોડાયા છે અને ફૂડ સપ્લાયર તરીકે કામ કરવાના છે, તેથી ચિંતા કરવાની જરૂર નથી. જોકે, 24 જૂન પછી તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
'મને કહ્યું હતું કે બૉર્ડર પર જાઉં છું'

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
રમણિક સરખળાનાં પત્ની શીતલબહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, તેમનો પરિવાર મૂળ અમરેલીના લાઠી ગામના પ્રતાપગઢનો છે અને લગભગ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી સુરતમાં રહે છે. સુરતમાં તેમના પતિ હીરા ઘસવાનું અને બીજું નાનું-મોટું કામ કરતા હતા, પરંતુ કેટલાક સમયથી મંદી હોવાના કારણે તેમણે રશિયા જવાનો નિર્ણય લીધો હતો.
તેમણે કહ્યું કે, "તેઓ એક મિત્રની સાથે વિઝિટર વિઝા પર રશિયા જઈને નોકરી શોધવાના હતા. તેમના મિત્રને ત્યાં સેટ ન થઈ શક્યું, તેથી તેઓ પરત આવી ગયા, પરંતુ રમણિકે ગમે તેમ કરીને રશિયામાં જ નોકરી શોધવાનો નિર્ણય લીધો હતો, તેથી તેઓ રોકાઈ ગયા."
રમણિક પાસે શરૂઆતમાં ત્રણ મહિનાના બિઝનેસ વિઝા હતા, જેને પછી એક વર્ષ માટે લંબાવવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
શીતલબહેનના કહેવા પ્રમાણે, તેમના પતિએ રશિયામાં ગુજરાન ચલાવવા માટે છૂટક નોકરી કરી હતી અને અંતે એપ્રિલ મહિનામાં સુરત પાછા આવી જવાના હતા. પરંતુ પછી તેમણે રશિયન સેનામાં સપોર્ટ સ્ટાફ તરીકે નોકરી શોધી લીધી અને મિલિટરીમાં જોડાઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શીતલબહેન કહે છે કે, "રમણિકે મને ખાતરી આપી હતી કે તેઓ કોઈ જોખમી કામ નહીં કરે, માત્ર ફૂડ સપ્લાયનું કામ કરશે."
શીતલબહેન વધુમાં જણાવે છે કે "24 જૂને અમારી સાથે વાત કરી ત્યારે કહ્યું હતું કે, 'હવે અમારી તાલીમ શરૂ થવાની છે, તેથી થોડા સમય માટે નેટવર્કનો ઇશ્યૂ રહેશે. પછી નેટવર્ક આવશે ત્યારે ફોન કરીશ.' તેમણે એક વખત ગન ચલાવતા શીખ્યા હોવાનું પણ કહ્યું હતું. જોકે, રમણિકે મને એટલું જ કહ્યું કે, તેઓ માત્ર સેફ્ટી માટે ગન ચલાવતા શીખ્યા છે."
શીતલબહેનના જણાવ્યા અનુસાર, છેલ્લે વાત થઈ ત્યારે રમણિકે એવું કહ્યું હતું કે, 'હવે 10-15 દિવસ સુધી કદાચ સંપર્ક નહીં કરી શકું, પરંતુ પછી સામેથી સંપર્ક કરીશ.'
આ વાતને લગભગ ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને તેથી રમણિકભાઈનો પરિવાર હવે તેમની શોધખોળ કરી રહ્યો છે.
'પતિ સાથે સંપર્ક કપાયા પછી જીવન અસ્તવ્યસ્ત'

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શીતલબહેન તેમના 16 વર્ષીય પુત્ર સાથે કતારગામની એક સોસાયટીમાં રહે છે અને તેમનો પુત્ર 11મા ધોરણમાં અભ્યાસ કરે છે.
તેઓ કહે છે કે, તેમના પતિ સાથે સંપર્ક કપાયા પછી તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. થોડા મહિના સુધી તેમના બૅન્ક ખાતામાં રૂપિયા હતા, પરંતુ પછી તે પણ ખતમ થઈ ગયા. સ્કૂલમાં ભણતા પુત્ર માટે ફીની વ્યવસ્થા કરવાનું પણ મુશ્કેલ થઈ જાય છે. હાલમાં તેઓ ઘરમાં જ સિલાઈકામ કરીને થોડીઘણી આવક મેળવી શકે છે.
તેમણે જણાવ્યું કે "મારા પતિ રશિયા જેવા મોટા દેશમાં ગયા છે, પરંતુ હાલમાં ક્યાં છે તેની અમને કોઈ ખબર નથી. અમે શરૂઆતમાં રાજ્યના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી આ વાત પહોંચાડી, ત્યાર પછી કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઑફિસ સુધી પણ રજૂઆતો કરી છે. તાજેતરમાં અમે નવી દિલ્હી ગયા હતા, જ્યાં વિદેશ મંત્રાલય, રશિયન દૂતાવાસ અને વડા પ્રધાન કાર્યાલય સુધી રજૂઆતો કરી છે."
રમણિકભાઈના નાના ભાઈ મહેશભાઈ કહે છે કે, "અમે દિલ્હીથી મૉસ્કો સુધી અનેક ઑફિસમાં ઢગલાબંધ ઇ-મેઇલ કર્યા અને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ રમણિક વિશે કોઈ ભાળ મળી નથી. મારો ભાઈ લગભગ દોઢ વર્ષથી રશિયામાં હતો. ત્યાર પછી આ વર્ષે છઠ્ઠા મહિનામાં તે રશિયન આર્મીમાં જોડાયો અને લગભગ ત્રણેક અઠવાડિયાં સુધી સંપર્કમાં હતો. ઘણી વખત સીધી વાત થતી ન હતી, પરંતુ વૉઇસ મૅસેજ દ્વારા સંપર્ક થતો હતો. મારા ભાઈએ છેલ્લે શ્રીલંકાના કોઈ અર્જુન નામના વ્યક્તિનો નંબર આપ્યો હતો અને અર્જુનને પોતાના ટ્રેનર તરીકે ઓળખાવ્યો હતો."
ટ્રેનરનો સંપર્ક કરવા કહેવાયું હતું

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
મહેશભાઈ કહે છે કે, "રમણિકે અમને કહ્યું હતું કે, મારા વિશે કંઈ જાણવું હોય તો અર્જુનને પૂછજો. ત્યારબાદ અમે અર્જુનનો સંપર્ક કર્યો, તો તેણે કોઈ નક્કર માહિતી ન આપી અને તે ગોળગોળ જવાબ આપતો રહ્યો. છેલ્લે તેણે એવું કહી દીધું કે, તેણે નોકરી બદલી નાખી છે, તેથી મારા ભાઈ વિશે તેને કંઈ ખબર નથી."
પરિવાર પાસે હાલમાં રમણિકની કેટલીક તસવીરો તથા તેણે મોકલેલા રશિયન પાસપૉર્ટની નકલો છે. ભારતનો નાગરિક હોવા છતાં રમણિકને રશિયાનો પાસપૉર્ટ કઈ રીતે મળી ગયો, તે બાબત ગૂંચવણભરી છે.
મહેશભાઈના કહેવા મુજબ, રમણિકભાઈની સાથે રશિયામાં બીજા કેટલાક ભારતીયો પણ હતા અને એક રૂમમાં ચાર-પાંચ જણા રહેતા હતા.
તેમના જણાવ્યા પ્રમાણે, રમણિકભાઈ મૉસ્કો નજીકના કોઈ વિસ્તારમાં હતા અને તેમને ત્યાં રહેવાનો તથા જમવાનો ખર્ચ ઘણો આવતો હોવાથી તેઓ બહુ ઓછા રૂપિયા બચાવી શકતા હતા. જો સુરતમાં સારી આવક મળી રહી હોત, તો તેમણે ક્યારેય રશિયા જવાનું વિચાર્યું ન હોત.
રમણિકભાઈનો પતો મેળવવા માટે શું કરવું તે બાબતે પરિવાર મુંઝવણમાં છે.
શીતલબહેન કહે છે કે, તેમની પાસે હવે રશિયા જવાનો જ વિકલ્પ છે, પરંતુ તેમાં મોટો ખર્ચ થઈ શકે તેમ છે. જો અહીંથી જ તેમના પતિનો સંપર્ક થઈ શકે, તો સૌથી સારું રહેશે. પરંતુ ચાર મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી, તેમના પરિવારમાંથી કોઈએ હવે રશિયા જવું જ પડશે એવું લાગે છે.
ભારત સરકારનું શું વલણ છે?

ઇમેજ સ્રોત, Ministry of External Affairs India
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા પછી, ભારતના ઘણા યુવાનોને રશિયન સેનામાં જોડવામાં આવ્યા હોવાના અહેવાલો નિયમિતપણે આવતા રહે છે.
અગાઉ જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને આ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક મહિનામાં અમને જાણવા મળ્યું છે કે કેટલાક ભારતીયોને રશિયન આર્મીમાં ભરતી કરવામાં આવ્યા છે. અમે આ બાબત ફરી એક વખત રશિયન સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવી છે અને તેમને શક્ય તેટલી ઝડપથી મુક્ત કરવા વિનંતી કરી છે."
તેમણે ઉમેર્યું હતું કે, "અમે રશિયન સત્તાવાળાઓ તથા આ લોકોના પરિવારો સાથે સંપર્કમાં છીએ અને તેમને આ મામલે અપડેટ આપીએ છીએ. અમે લોકોને કહેવા માગીએ છીએ કે રશિયન આર્મીમાં જોડાવાની ઑફરને ટાળવામાં આવે, કારણ કે તેમાં જીવનું જોખમ રહે છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અમે જોયું છે કે અમારી વારંવારની ચેતવણી છતાં લોકો તેમાં જોડાતા હોય છે. ભૂતકાળમાં ભારતમાં સત્તાધારી એજન્સીઓએ આ મામલે સખત પગલાં લીધાં છે, જેથી કોઈને રશિયન આર્મીમાં જોડાવા માટે લલચાવવામાં ન આવે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























