માંજલપુર પેટાચૂંટણી: પાંચ વાગ્યા સુધી 34 ટકા મતદાન થયું, ભાજપ-કૉંગ્રેસના એકમેક પર આચારસંહિતા ભંગના આરોપ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુરુવારે ગુજરાતના વડોદરામાં 'ભાજપનો ગઢ' મનાતી માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.

સ્થાનિક ચૂંટણી અધિકારીઓએ બીબીસી સહયોગી હાર્દિકને જણાવ્યા પ્રમાણે સાંજના પાંચ વાગ્યા સુધીમાં બેઠક પર કુલ 34 ટકા મતદાન થયું છે.

લિટલ ફ્લાવર સ્કૂલ નજીક ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને થોડા સમય માટે પરિસ્થિતિ તંગ બની હતી.

હાર્દિકના જણાવ્યા અનુસાર, આ પેટાચૂંટણી દરમિયાન ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાની માહિતી મળી છે.

ભાજપના સમર્થનમાં હોદ્દેદારો અને કાર્યકરો ઢોલ-નગારાં સાથે પ્રચાર કરતા હોવાના કૉંગ્રેસે આરોપ મૂક્યો હતો.

સ્થળ પર હાજર પોલીસ અધિકારીએ કહ્યું કે "સામાન્ય તકરાર થઈ હતી. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. સીસીટીવી કૅમેરા પણ છે. જે કંઈ આરોપ લાગ્યા છે એ અંગે તપાસ ચાલી રહી છે."

જોકે કૉંગ્રેસે હાજર પોલીસની ભૂમિકા સામે પણ સવાલો કર્યા હતા. જોકે, ભાજપે કૉંગ્રેસના આરોપોને નકારી કાઢ્યા છે.

બીજી તરફ ભાજપના નેતાઓએ કૉંગ્રેસ પર સામો પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે કૉંગ્રેસના નેતા મતદાનમાં અવરોધ ઊભો કરવા માગે છે.

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. પ્રકાશ સોનીએ બીબીસી ગુજરાતીના સહયોગી હાર્દિક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે "જ્યારથી મતદાન શરૂ થયું ત્યારથી કૉંગ્રેસના કાર્યકર્તાઓ મતદાનની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી રહ્યા છે."

ડૉ. પ્રકાશ સોનીએ આરોપ લગાવ્યો કે "કૉંગ્રેસ ઇચ્છે છે કે વાતાવરણ ડહોળાય અને મતદાન ઓછું થાય."

તેમણે જણાવ્યું કે આ મામલે ભાજપ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે બપોરે 1 વાગ્યા સુધીમાં અહીં 21 ટકા મતદાન નોંધાયું છે.

નોંધનીય છે કે ગત જૂન માસમાં ભાજપની 'નો રિપીટ થિયરી'ને ઘણી વાર 'નોટ ઍપ્લિકેબલ' સાબિત કરનારા એવા પીઢ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી.

ભારતના ચૂંટણીપંચે 2 જુલાઈના રોજ આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.

ગુરુવારે એટલે કે 30 જુલાઈના રોજ મતદાન બાદ આ પેટાચૂંટણીનું પરિણામ 3 ઑગસ્ટના રોજ જાહેર કરાશે.

પેટાચૂંટણી અંગે જાહેર કરાયેલી માહિતી પ્રમાણે, આ પેટાચૂંટણીમાં બેઠકના 2.19 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 260 મતદાનમથકો ખાતે આ મતદાનપ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

ઉમેદવારોની વાત કરીએ તો આ બેઠક પર ભાજપના સતીશ પટેલ અને કૉંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે સીધો મુકાબલો છે તેમજ રાજકીય નિષ્ણાતો આ બેઠકને બંને પક્ષો માટે મહત્ત્વપૂર્ણ ગણાવી રહ્યા છે.

ભાજપ-કૉંગ્રેસ તરફથી કોણ છે મેદાને?

માંજલપુરની પેટાચૂંટણી માટે કૉંગ્રેસે પોતાના જૂના ઓબીસી નેતા ભીખા રબારીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન સતીશ પટેલને ટિકિટ આપી છે.

ગુજરાત કૉંગ્રેસના ઉપાધ્યક્ષ ભીખા રબારી એક સમયે માધવસિંહ સોલંકીની સરકારમાં ઊર્જા અને ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા છે. જ્યારે સતીષ પટેલ ભાજપમાં સંગઠનની કામગીરી સંભાળે છે અને સહકારી તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ છાણી કો-ઑપરેટિવ બૅન્ક અને અર્બન બૅન્ક ફેડરેશનના ચૅરમૅન પણ છે.

'માંજલપુર બેઠકનાં પરિણામો મહત્ત્વપૂર્ણ બની રહેશે'

માંજલપુર બેઠક પરની પેટાચૂંટણીને કેટલાક રાજકીય વિશ્લેષકો આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોના વલણનો અંદાજ મેળવવા માટે મહત્ત્વપૂર્ણ ગણાવી રહ્યા છે.

વડોદરાના રાજકારણ પર બારીકાઈથી નજર રાખતા રાજકીય વિશ્લેષક વિનોદ ભટ્ટે અગાઉ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "ભીખાભાઈ એ માધવસિંહ સોલંકીના નજીકના સાથીદાર હતા અને તેમની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ઓબીસીમાં આવે છે, પરંતુ આ શહેરી વિસ્તાર છે જ્યાં જ્ઞાતિનું કાર્ડ એટલું પ્રભાવશાળી નથી રહેતું."

તેઓ માને છે કે આવી ચૂંટણીઓમાં ઍન્ટિ-ઇન્કમ્બન્સીનું પરિબળ કેટલું સક્રિય છે તેનો અંદાજ આવતો હોય છે. પેટાચૂંટણીના પરિણામ પરથી બંને પક્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડી શકે છે.

રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ જણાવ્યું હતું કે, "વડોદરામાં ઍન્ટિ-ઇન્કમ્બન્સી છે, પરંતુ કૉંગ્રેસ તેને વોટમાં કેવી રીતે રૂપાંતરિત કરે છે તે જોવાનું રહેશે. બીજી તરફ કૉંગ્રેસ પટેલ વિરુદ્ધ ઓબીસી કાર્ડ રમીને સરકી ગયેલા મતોને અંકે કરવા માગે છે, કારણ કે પટેલ એ ગુજરાતમાં સૌથી પ્રભાવશાળી જ્ઞાતિ છે. તેમનું એક સોશિયલ કૅપિટલિઝમ છે. ભાજપના ઉમેદવાર છાણી નાગરિક બૅન્કના ચૅરમૅન અને એક શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ છે. તેઓ ગુજરાત અર્બન બૅન્ક ફેડરેશનના ડાયરેક્ટર છે, તેથી તેમણે સહકારી બૅન્ક અને શૈક્ષણિક સંસ્થા મારફતે પોતાનું આગવું સોશિયલ કૅપિટલિઝમ ઊભું કર્યું હોય તે તેમના તરફ કેટલું ઝૂકે છે, એ આ પેટાચૂંટણીમાં નક્કી થશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન