World AIDS Day : HIV પૉઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ લાગે? પ્રચલિત ગેરમાન્યતાઓ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

એચઆઈવી ઇન્ફૅક્શન વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના આંકડા મુજબ, આ ચેપના કારણે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડ 30 લાખ લોકોના જીવ ગયા છે.

સમગ્ર વિશ્વમાં ગત વર્ષે જ એચઆઈવીના ચેપના કારણે 6,90,000 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

2019ના અંત સુધી HIVથી સંક્રમિતોનો આંકડો ત્રણ કરોડ 80 લાખ હતો.

એચઆઈવી

જ્યારે એચઆઈવીનો ચેપ લાગે છે ત્યારબાદ તે એઇડ્સમાં પરિવર્તિત થાય છે.

80ના દાયકામાં જ્યારથી આ ચેપ ફેલાવવાની શરૂઆત થઈ, ત્યારથી લઈને આજ સુધી આ રોગ અને તેના ચેપ વિશે ઘણી ગેરસમજો ફેલાયેલી છે.

line

HIV પૉઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ લાગે?

એચઆઈવી માન્યતાઓ
ઇમેજ કૅપ્શન, સ્પર્શવાથી એચઆઈવી પ્રસરતો નથી

લાંબા સમયથી આ પ્રકારની માન્યતાઓ વ્યાપેલી છે. જેના કારણે એચઆઈવીથી પીડિત લોકો પ્રત્યે લોકો ભેદભાવ રાખે છે.

એચઆઈવી અંગેની જાગૃતિના અનેક પ્રયાસો બાદ પણ વર્ષ 2016માં UKમાં 20 ટકા લોકો એવું માનતા હતા કે એચઆઈવીનો ચેપ વ્યક્તિના સ્પર્શથી પ્રસરે છે. પરંતુ એચઆઈવી વ્યક્તિનાં સ્પર્શ, લાળ, આંસું, પરસેવા કે મૂત્રથી પ્રસરતો નથી.

આટલી બાબતોથી એચઆઈવી પ્રસરતો નથી

  • એક સમાન હવાનું શ્વસન કરવાથી
  • આલિંગન કે ચુંબન કે હસ્તધૂનનથી
  • એક જ વાસણમાં જમવાથી
  • એક જ બૉટલમાંથી પાણી પીવાથી
  • વ્યક્તિગત ચીજોના ઉપયોગથી
  • કસરતના સામાનના સરખો ઉપયોગ કરવાથી
  • જાજરૂની બેઠક, દરવાજો કે હૅન્ડલ અડકવાથી

એચઆઈવી પૉઝિટિવ વ્યક્તિનાં લોહી, વીર્ય, યોનીસ્રાવ કે માતાનું દૂધ બીજા વ્યક્તિના શરીરમાં રૂપાંતરિત થાય, ત્યારે તેનો ચેપ લાગે છે.

line

શારીરિક સંબંધ બાદ સ્નાન કરવાથી HIV દૂર થાય?

એચઆઇવી માન્યતાઓ

આ પ્રકારની માન્યતાઓનું વ્યાપક પ્રમાણ જોવા મળે છે, જેમ કે સંભોગ બાદ સ્નાન કરવાથી કે કુંવારી કન્યા સાથે સંભોગ કરવાથી એચઆઈવી દૂર થાય છે.

આ પ્રકારની માન્યતાઓ આફ્રિકાના સહારાના અમુક વિસ્તારોમાં, ભારતમાં અને થાઇલૅન્ડમાં વ્યાપેલી છે.

આ માન્યતાના કારણે અનેક કુંવારી કન્યાઓના બળાત્કાર થાય છે; સાથે જ આ માન્યતાના કારણે બાળકોમાં પણ એચઆઈવીના ચેપનું જોખમ વધ્યું છે.

આ માન્યતાનાં મૂળિયાં 16મી સદીમાં મળે છે, જ્યારે યુરોપિયનોમાં આ પ્રકારનો વહેમ પ્રસરાયો હતો. આ પ્રકારના કીમિયાથી એચઆઈવી દૂર થતો નથી.

જ્યાં સુધી પ્રાર્થના કે રિવાજોની વાત છે, ત્યાં સુધી આ પ્રકારના ઉપચારોથી મનોબળ મજબૂત થઈ શકે છે, પરંતુ વાઇરસ પર તેની કોઈ અસર થતી નથી.

line

મચ્છરોથી HIV પ્રસરે?

એચઆઇવી માન્યતાઓ

લોહીના મારફત એચઆઈવી પ્રસરતો હોય છે, આમ છતાં જંતુઓના કરડવાથી એચઆઈવીનો ચેપ લાગતો નથી.

તેનાં બે કારણો છે:

1. જંતુના કરડવાથી અન્ય વ્યક્તિનું લોહી તમારા શરીરમાં પ્રસરતું નથી.

2. જંતુઓમાં એચઆઈવીનો ચેપ લાંબો સમય ટકી શકતો નથી.

આમ તમે એચઆઈવીગ્રસ્તની આસપાસ રહેતા હોવ અને ત્યાં ખૂબ જ મચ્છર હોય તો તેનાથી તમને ચેપ લાગી શકે નહીં.

line

મુખમૈથુનથી HIV નથી પ્રસરતો?

એચઆઇવી માન્યતાઓ

મુખમૈથુન અન્ય શારીરિક સંબંધો કરતાં ઓછું જોખમી છે. મુખમૈથુનના કારણે એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા 10,000માંથી ચારની છે.

એચઆઈવીગ્રસ્ત સ્ત્રી અથવા પુરૂષ સાથે મુખમૈથુન કરવાથી એચઆઈવી પ્રસરવાની શક્યતા રહેલી છે.

line

નિરોધ પહેરવાથી HIVનો ચેપ લાગતો નથી?

એચઆઇવી માન્યતાઓ

જો સંભોગ સમયે નિરોધ તૂટે તો એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા છે.

જેના લીધે એચઆઈવીના જાગૃતિઅભિયાનમાં ફક્ત નિરોધના ઉપયોગ પર ભાર મૂકવામાં નથી આવતો, પરંતુ એચઆઈવીનું પરીક્ષણ કરાવવાનો આગ્રહ કરાય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, એચઆઈવીગ્રસ્ત ચાર લોકોમાંથી સરેરાશ એક વ્યક્તિ સંક્રમણ અંગે અજાણ હોય છે.

સમગ્ર વિશ્વમાં આ પ્રકારના 94 લાખ લોકો છે, જેના લીધે ચેપ પ્રસરવાની શક્યતા રહેલી છે.

line

લક્ષણો નથી દેખાતાં તો ચેપ નથી?

એચઆઇવી માન્યતાઓ

જો કોઈ વ્યક્તિને એચઆઈવી હોય અને તેનું નિદાન ન થયું હોય તો તે વ્યક્તિ એ જ સ્થિતિમાં 10થી 15 વર્ષ જીવી શકે છે.

આ સ્થિતિમાં વ્યક્તિને અન્ય ચેપગ્રસ્ત રોગોની અસર થાય છે. આવી વ્યક્તિઓને તાવ, નબળાઈ, માથાનો દુખાવો, કફ વગેરે સમસ્યા થઈ શકે છે.

જેમ-જેમ ચેપ પ્રસરાતો જાય તેમ-તેમ અન્ય લક્ષણો સામે આવવા લાગે છે. વજનમાં ઘટાડો થવો, તાવ, ઝાડા-ઊલટી, કફ વગેરની સમસ્યા શરૂ થાય છે.

યોગ્ય સમયે સારવાર ન મળે તો વ્યક્તિને ક્ષયરોગ થવાની શક્યતા રહે છે તથા મગજ અને કરોડરજ્જુ પર સોજો આવી શકે છે. આ ઉપરાંત અન્ય ચેપ લાગવાની શક્યતા પણ વધી જાય છે. આ સ્થિતિમાં કૅન્સર થવાની શક્યતા છે.

line

HIVગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ જલદી થાય છે?

એચઆઇવી માન્યતાઓ

એચઆઈવીગ્રસ્ત વ્યક્તિ સારવાર મેળવે તો ફરી તંદુરસ્ત જીવન જીવી શકે છે.

યુએન એઇડ્સના જણાવ્યા મુજબ, સારવાર લઈ રહેલા 47 ટકા લોકો એવા છે કે જેઓ સંક્રમિત હોય છે છતાં તેમનાં લોહીનાં પરિક્ષણમાં આની જાણ થતી નથી.

જો આવી વ્યક્તિ સારવાર લેવાનું બંધ કરી દે તો તેમનાં લોહીમાંથી એચઆઈવીની હાજરી ફરીથી જોવા મળી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાઓ મુજબ, વર્ષ 2017માં વિશ્વમાં બે કરોડ 17 લાખ લોકોએ ચેપને ડામી દેવાની સારવાર લીધી હતી.

2010માં આ આંકડો 80 લાખ હતો એટલે કે એચઆઈવીગ્રસ્ત લોકો પૈકી 78 ટકા જેટલા લોકોએ આ પ્રકારની સારવાર લીધી હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો