CAA પર સુપ્રીમ કોર્ટ : સુનાવણી વગર એકપક્ષીય પ્રતિબંધ નહીં

સુપ્રીમ કોર્ટ
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

નાગરિક્તા સંશોધન કાયદો (સીએએ) વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કાયદાને તત્કાળ અસરથી અટકાવવાનો ઇન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખંડપીઠે કહ્યું કે સુનાવણી વગર આ મામલે એકપક્ષીય રીતે પ્રતિબંધ લાદી ન શકાય.

નાગરિક્તા સંશોધન કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કાયદાના સર્મથનમાં અને વિરોધમાં 144 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

આમાંથી 141 જેટલી અરજીઓ કાયદાના વિરુદ્ધમાં હતી, એક અરજી કાયદાની તરફેણમાં હતી. જ્યારે એક અરજી કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરાઈ હતી.

સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટની બહાર કેટલીક મહિલાઓએ સંબંધિત કાયદાના વિરુદ્ધમાં પ્રદર્શન પણ કર્યું હતું.

વડા ન્યાયાધીશ એસ. એ. બોબડે કહ્યું, "હાલમાં અમે સરકારને કામચલાઉ નાગરિક્તા આપવા માટે કહી શકીએ છીએ. અમે એકપક્ષીય રીતે રોક લગાવી શકીએ નહીં."

line

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

નાગરિક્તા સંશોધન કાયદા પર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ પાંચ સભ્યોની બંધારણીય પીઠનું ગઠન કરશે.

ચાર સપ્તાહ બાદ જ આ મામલે કોઈ અંતિમ રાહત આપી શકાશે.

કોઈ પણ હાઈકોર્ટમાં સીએએ સંબંધિત કોઈ પણ મામલે સુનાવણી નહી કરી શકે.

કેન્દ્રને આ મામલે જવાબ રજૂ કરવા માટે ચાર સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.

line

સુનાવણી દરમિયાન શું થયું?

ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સીએએ મામલે સુનાવણી દરમિયાન કોર્ટમાં ભીડને લઈને ફરિયાદ કરી. તેમણે સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ એસ. એ. બોબડેને કહ્યું કે 'માહોલ શાંત રહેવો જોઈએ. ખાસ કરીને સુપ્રીમ કોર્ટમાં.'

તેમણે કહ્યું, "સુનાવણી દરમિયાન કોણ-કોણ આવી શકે એ માટે કોર્ટે આદેશ આપવો જોઈએ. આ મામલે કોઈ નિયમ બનાવવા જોઈએ." કપિલ સિબ્બલે પણ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરી.

વડા ન્યાયાધીશે કહ્યું કે તેઓ કોર્ટમાં ભારે ભીડને લઈને કંઈક કરી રહ્યા છે. ઍટર્ની જનરલનું કહેવું હતું કે અમેરિકા અને પાકિસ્તાનમાં પણ સુપ્રીમ કોર્ટમાં મુલાકતીઓ માટે કેટલાક નિયમો છે.

સિબ્બલે જણાવ્યું કે કોર્ટે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે શું આ મામલાને બંધારણિય પીઠને મોકલવો જોઈએ કે કેમ? તેમણે કહ્યું, 'નાગરિક્તા એક વખત આપી દેવાયા બાદ પરત લઈ શકાય નહીં. '

line

શું છે CAA?

નાગરિકઅધિકારો માટે કામ કરતા લોકો કહે છે કે નવા કાયદાને કારણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા ગેર-મુસ્લિમ શરણાર્થીને આશરો મળે છે.

સરકારનું કહેવું છે કે આ કાયદા દ્વારા ત્રણેય દેશોમાં ધાર્મિક લઘુમતી તરીકે અત્યાચારો સહન કરનારા આ લોકોને આશરો અપાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે વારંવાર કહ્યું છે કે આ કાયદો મુસ્લિમો વિરુદ્ધ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો