ગુજરાતમાં ચોમાસાની ફરીથી જમાવટ ક્યારે થશે, મુશળધાર વરસાદ કેમ અટકી ગયો?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

હવામાન વિભાગના ડેટા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કચ્છ જિલ્લામાં ઘણી જગ્યાએ વરસાદ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં દમણ, નર્મદા, નવસારી, પંચમહાલ, દાદરા નગર હવેલી, આણંદ, ભરુચ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો છે.

અત્યારે ઉત્તર પશ્ચિમના ઉત્તર પ્રદેશથી લઈને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને ત્યાંથી સાઉથ હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને ગુજરાત સુધી એક ટ્રોફની રચના થઈ છે જે સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ સ્થિત છે.

હવામાન ખાતાની યાદી પ્રમાણે ગઈકાલે સૌરાષ્ટ્ર પર સરેરાશ દરિયાઈ સપાટીથી 4.5 કિમી ઉપર ઉપરી હવાનું ચક્રવાત પરિભ્રમણ ઓછું સ્પષ્ટ થયું છે. જેને કારણે હાલ ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હવામાનની કોઈ ચેતવણી આપવામાં આવતી નથી.

જોકે, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ કે પછી કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

ચોમાસાની સિસ્ટમનું શું થયું?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત

આ ઉપરાંત અમૃતસર, પટિયાલા, મુઝફ્ફરનગર, ખેરીથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી એક મોન્સુન ટ્રોફ જળવાઈ રહ્યો છે જે આ વિસ્તારમાં વરસાદ લાવે છે.

ખાનગી સમાચાર સંસ્થા સ્કાયમેટના અહેવાલ પ્રમાણે બે દિવસ પછી ફરી દેશમાં કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેરળ, કર્ણાટક અને લક્ષદ્વિપમાં ભારે વરસાદ થવાની આગાહી છે.

હરિયાણા અને પંજાબ પરનું સાઇક્લોનિક સરક્યુલેશન નબળું પડ્યું છે.

હાલમાં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે વરસાદ પડવાના કારણે તબાહી સર્જાઈ છે.

આગામી દિવસોમાં કઈ જગ્યાએ વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત

ગુજરાતમાં વરસાદ વિશે સ્કાયમેટે જણાવ્યું કે અત્યારે રાજ્યમાં વરસાદ થવાની શક્યતા ઓછી છે. આગામી બે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશા રાખી શકાય તેમ નથી.

કોઈ કોઈ જગ્યાએ હળવો વરસાદ અથવા છાંટા પડી શકે છે. હવામાન વિભાગની અમદાવાદ સ્થિત કચેરીનો અહેવાલ પણ જણાવે છે કે ગુજરાતમાં ત્રણ-ચાર દિવસ સુધી ક્યાંય ભારે વરસાદની શક્યતા નથી.

જોકે, 6 ઑગસ્ટ, બુધવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં કોઈ કોઈ જગ્યા પર હળવો વરસાદ પડી શકે છે.

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ? શું છે આગાહી?

7 અને 8 ઑગસ્ટે પણ આ તમામ જિલ્લામાં હળવા અથવા મધ્યમ વરસાદની શક્યતા છે, પરંતુ તે વરસાદ છૂટોછવાયો હશે અને આ દરમિયાન પવનની ઝડપ પણ સાધારણ રહેશે. પાંચમી ઓગસ્ટે અમદાવાદ સહિત ઘણી જગ્યાએ સાંજે હળવા ઝાપટા પડ્યા હતા પરંતુ તેમાં કોઈ નોંધપાત્ર વરસાદ થયો નથી.

ગુજરાતમાં અત્યાર સુધીનો વરસાદ

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત

અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 63.78 ટકા વરસાદ પડી ગયો છે.

સૌથી વધારે સાઉથ ગુજરાતમાં સરેરાશ 67.67 ટકા વરસાદ નોંધાયો છે જયારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55.69 ટકા વરસાદ નોંધાયો છે.

કચ્છમાં 64 ટકા, ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો 66 ટકા વરસાદ પડી ગયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન