You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : આ કૂવાનું પાણી આપોઆપ કેવી રીતે હિલોળા લેવા માંડ્યું? વાયરલ વીડિયો પાછળ હકીકત શું છે
મોરબી જિલ્લામાં આવેલા વીરપરડા ગામમાં એક કૂવાનું પાણી એની 'જાતે જ હિલોળા લઈ રહ્યું' હોવાનું અહીંના સ્થાનિકોએ જણાવી રહ્યા છે.
સોશિયલ મીડિયાના આ કૂવાનો વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં જોવા મળે છે કે કથિત રીતે કોઈ કારણસર કૂવાનું પાણી આપમેળે હિલોળા લઈ રહ્યું છે.
જોકે કેટલાક સમય માટે પાણી સ્થિર થઈ જાય છે અને પછી થોડાક કલાકો પછી પાછું સતત હિલોળા લેતું દેખાય છે.
બીબીસીના સહયોગી પત્રકાર રાજેશ આંબલિયાએ આ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાત કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આવું કેમ થઈ રહ્યું છે.
હિલોળા લેતા પાણીનો વીડિયો વાઇરલ થયા બાદ અનેક લોકો પણ જોવા માટે પહોંચ્યા હતા.
તો કલેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
બપોર પછી પાણી હિલોળે ચડે, પછી સ્થિર થઈ જાય
ખેતરના માલિક પ્રાણજીવન સાદરિયાએ મીડિયાને કહ્યું કે "હું રવિવારે (2 ઑગસ્ટ) અને સોમવારે (3 ઑગસ્ટ) પણ અહીં આવેલો છે. ત્યારે પણ પાણી હાલકડોલક થતું હતું."
સ્થાનિકોનું કહેવું છે કે બપોર પછીના સમયમાં કૂવામાંનું પાણી હિલોળે ચડે છે અને પછી શાંત થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો રાજેશ આંબલિયા કહે છે કે મંગળવારે આખો દિવસ કૂવાનું પાણી શાંત હતું. અને પછી પાંચમી અને છઠ્ઠી ઑગસ્ટે પાછું પાણી હાલકડોલક થવા લાગ્યું હતું.
સંબંધિત અધિકારીઓએ પણ કૂવાની મુલાકાત લીધી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આવું શા માટે થઈ રહ્યું છે.
આ દરમિયાન લોકોમાં અનેક પ્રકારની વાતો પણ ઊડી રહી છે. કેટલાક તેને 'ભૂકંપ સંબંધિત ઘટના' સાથે પણ સાંકળી રહ્યા છે.
નવાઈની વાત એ છે કે આ કૂવાની બાજુમાં બે-ત્રણ કૂવા પણ આવેલા છે, જેનું પાણી સ્થિર છે.
પ્રાથમિક તપાસમાં એ શક્યતા લાગી રહી છે કે કૂવાની અંદર રહેલી હવાને કારણે આવું થઈ રહ્યું છે.
કૂવાનું પાણી હિલોળા કેમ લઈ રહ્યું છે?
મોરબીના ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરે આ સ્થળની મુલાકાત લીધી હતી અને મીડિયા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે "પાણી હલે છે એ મામલે અમે ભૂકંપ સંશોધન સંસ્થા ગાંધીનગર સાથે પરામર્શ કર્યો છે. અહીં કોઈ ભૂકંપ સંબંધિત ગતિવિધિ જેવું જોવા મળ્યું નથી."
"પાણી હલવાનું પ્રાથમિક કારણ એ છે કે ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ થાય ત્યારે ગ્રાઉન્ડ વૉટર (ભૂગર્ભજળ) રિચાર્જ થતું હોય છે."
"રિચાર્જ સમયે જે પથ્થરો (પોલાણ) હોય એમાંથી હવા નીકળતી હોય એના કારણે પણ થતું હોય છે. અન્ય કોઈ બાબત ધ્યાને આવી નથી."
અન્ય કૂવામાં નહીં ને આ એક કૂવામાં આવું કેમ થઈ રહ્યું છે, એવો સવાલ કરતા તેમણે કહ્યું કે "આપણે જોઈએ છીએ કે આજુબાજુમાં અન્ય કૂવા પણ છે, પણ જે કૂવામાં પથ્થરમાંથી હવા રિલીઝ થતી હોય તેવા આવું થવું એ સામાન્ય છે."
તો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્થળની મુલાકાત બાદ કહ્યું કે "જિયોલૉજિસ્ટની ટીમે પણ અહીં મુલાકાત કરી છે. પ્રાથમિક વિગતો એવી છે કે વરસાદને કારણે હવામાં જે પ્રમાણે મૂવમેન્ટ થાય એ પ્રમાણે પાણીમાં હલચલ થાય છે. અમુક લોકોને એવી શંકા હતી કે આમાં ભૂકંપ સંબંધિત કોઈ ગતિવિધિ છે, તો એવું કશું ધ્યાને આવેલું નથી. "
મોરબી જિલ્લા કલેક્ટરે મીડિયાના માધ્યમથી લોકોને તમામ પ્રકારની અફવાથી પણ દૂર રહેવા અપીલ કરી હતી.
તેમણે એવું પણ કહ્યું કે "આ માટે ભૂગર્ભજળ સંબંધિત વિભાગને પણ જાણ કરાઈ છે, તેઓ આગામી દિવસોમાં સ્થળની મુલાકાત લેશે અને હકીકતમાં આવું કેમ થઈ રહ્યું છે એ અંગે આપણને અવગત કરશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન