અંડર-19 વર્લ્ડકપ: રેકૉર્ડ નવમી વાર ભારત ફાઇનલમાં પહોંચ્યું, સચીન અને ઉદયની બેટિંગ ‘ગેમ ચૅન્જર’ સાબિત થશે?

ભારત ક્રિકેટ વર્લ્ડકપ
    • લેેખક, સંજય કિશોર
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર
  • પ્રકાશિત

અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમ નવમી અને સતત પાંચમીવાર વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચી છે. ઉદય સહારનની કૅપ્ટન્સીમાં ભારત છઠ્ઠું ટાઈટલ જીતવાનો પ્રયત્ન કરશે.

ફાઇનલમાં ભારતની ટક્કર ઑસ્ટ્રેલિયા અથવા પાકિસ્તાન સાથે થશે. બીજી સેમિફાઇનલ 8 ફેબ્રુઆરીએ રમાશે.

બ્લૂ બ્રિગેડ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અપરાજિત રહી છે. ડીફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે ટુર્નામેન્ટમાં સતત છ જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતીય ટીમના દબદબાનો અંદાજો એ જ વાતથી લગાવી શકાય છે કે ત્રણ મૅચ તો તેમણે 200 રનથી વધુ અંતરથી જીત્યા છે.

પ્રથમ સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકાના બૅનોનીમાં રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યજમાન ટીમે ભારતને જીતવા માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 32 રન થયા ત્યાં સુધીમાં ચાર વિકેટ પડી ગઈ હતી. પરંતુ ત્યાર બાદ શાનદાર ફૉર્મમાં ચાલી રહેલા સચિન ધાસે કેપ્ટન ઉદય સહારન સાથે 171 રનની ભાગીદારી કરી હતી.

ઉદય અને સચીનનું શાનદાર પ્રદર્શન

ભારત ક્રિકેટ વર્લ્ડકપ

અંડર-19 વર્લ્ડકપમાં પાંચમી વિકેટ માટે આ નોંધાયેલી સૌથી મોટી ભાગીદારી છે.

શાંત અને સંયમિત સચીને 95 બૉલમાં 96 રન બનાવ્યા હતા જ્યારે ઉદયે 124 બૉલમાં 81 રન બનાવ્યા હતા. તેમણે સાત બૉલ બાકી હતા ત્યાં જ ભારતને બે વિકેટે એક પડકારજનક જીત અપાવી હતી.

ભારતીય કૅપ્ટન ઉદય સહારને મૅચ જીત્યા બાદ કહ્યું, "હું મૅચને અંત સુધી ધીમે ધીમે લઈ જાઉં છું. મારા પિતાજી પણ આ રીતે રમતા હતા. મને મારામાં વિશ્વાસ છે, જરૂર પડ્યે હું છેલ્લે પણ મોટા શૉટ રમી શકું છું. મને લાગે છે કે જ્યાં સુધી હું ઊભો છું ત્યાં સુધી મૅચ આપણા હાથમાં છે."

"શરૂઆતમાં મારે ફોકસ રાખીને બેટિંગ કરવાની હતી. પરંતુ બોલ જૂનો થયા બાદ તે બેટ પર આવવા લાગ્યો હતો."

ઉદય સહારન (100) અને સચીન ધાસે (116) પણ નેપાળ સામે સુપર સિક્સમાં સદી ફટકારી હતી. તે દિવસે 19 વર્ષીય સચીનના પિતાનો જન્મદિવસ પણ હતો.

ધાસ મોટા શૉટથી જાણીતા બન્યા છે. તેમને ટીમમાં ફિનિશરની ભૂમિકા આપવામાં આવી છે. ધાસ મહારાષ્ટ્રના બીડ વિસ્તારના છે.

કોણ છે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ?

ભારત ક્રિકેટ વર્લ્ડકપ

ઉદય સહારન રાજસ્થાનના ગંગાનગરના છે પરંતુ તેઓ પંજાબ તરફથી રમે છે. મિડલ ઑર્ડરના આ બૅટ્સમેને ચૅલેન્જર્સ ટ્રોફી માટે ઈન્ડિયા-બીની કૅપ્ટન્સી કરી હતી.

પાંચ મૅચોમાં 297 રન બનાવીને તેમણે અંડર-19ની કૅપ્ટન્સી મેળવી હતી. સદી ફટકાર્યા બાદ તેઓ ન્યૂઝીલૅન્ડના યુએફસી ફાઈટર ઈસરાઈલ અદેસાન્યાની સ્ટાઈલમાં ઉજવણી કરે છે.

આઈસીસીએ ઇન્સ્ટાગ્રામ પર ઉદયનો ઉજવણી કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે તેમણે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ફાઇનલમાં તેઓ આનું પુનરાવર્તન કરવા ઈચ્છશે.

ઉદય સહારન, મુશીર ખાન (સરફરાઝનો ભાઈ) અને સચિન ધાસ આ અંડર-19 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં પહેલા ત્રણ સ્થાન પર છે. બૉલરોમાં સ્લૉ લેફ્ટ આર્મ ઑર્થોડોક્સ સૌમ્ય પાંડે 17 વિકેટ સાથે બીજા સ્થાને છે.

સૌથી મહત્વની બાબત છે ટીમનું ઓલરાઉન્ડ પ્રદર્શન. બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય ક્ષેત્રોમાં ખેલાડીઓએ આગળ આવીને યોગદાન આપ્યું છે.

ભારત સૌથી સફળ ટીમ

ભારત ક્રિકેટ વર્લ્ડકપ
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારત આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ છે. ભારતીય ટીમ વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022માં ચૅમ્પિયન રહી છે.

આઈસીસીએ 1988માં પ્રથમ વખત અંડર-19 વર્લ્ડકપનું આયોજન કર્યું હતું. પછી તેને યુથ વર્લ્ડકપ કહેવામાં આવ્યું. યજમાન ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ આઠ ટીમોએ ભાગ લીધો હતો.

દસ વર્ષ પછી બીજા વર્લ્ડ કપનું આયોજન થયું હતું. ત્યારથી 50 ઓવરની વન-ડે ટુર્નામેન્ટ દર બે વર્ષે નિયમિતપણે રમાઈ રહી છે. તેમાં સોળ દેશો રમે છે.

વર્ષ 2000માં મોહમ્મદ કૈફની કપ્તાનીમાં ભારતે શ્રીલંકાને હરાવીને પ્રથમ વખત ટુર્નામેન્ટ જીતી હતી. યુવરાજ સિંહ પ્લૅયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા.

2006માં ભારત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. એ ટીમના કૅપ્ટન રવિકાંત શુક્લા હતા. ટીમમાં ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ હતા. કોલંબોમાં રમાયેલી ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે હારી ગયું હતું.

2008માં યજમાન મલેશિયા હતું. દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત બીજી વખત ચૅમ્પિયન બન્યું છે. આ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હતા અને રસપ્રદ વાત એ છે કે આ ટીમમાં જાડેજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

2012માં ઉન્મુક્ત ચંદની કૅપ્ટનશિપમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને ભારત ત્રીજી વખત ચૅમ્પિયન બન્યું હતું. જોકે, તે ટીમનો કોઈ ખેલાડી રાષ્ટ્રીય સ્તરે કોઈ સિદ્ધિ બતાવી શક્યો નહોતો.

2016માં, ભારત વેસ્ટ ઇન્ડીઝ સામે હારીને રનર્સ-અપ થયું હતું. પરંતુ તે ટીમમાં ઋષભ પંત, ઈશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, સરફરાઝ ખાન અને આવેશ ખાન જેવા ખેલાડીઓ હતા.

ભારત 2018માં ચોથી વખત ચૅમ્પિયન બન્યું હતું. પૃથ્વી શોની કૅપ્ટન્સીમાં ભારતે ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. શુભમન ગિલ, રેયાન પરાગ અને શિવમ માવી પણ ટીમમાં હતા.

બાંગ્લાદેશ 2020માં ભારતને હરાવીને ચૅમ્પિયન બન્યું હતું. પ્રિયમ ગર્ગ કેપ્ટન હતા જ્યારે યશસ્વી જયસ્વાલ, રવિ બિશ્નોઈ અને તિલક વર્મા ટીમના સભ્યો હતા.

ગત વખતે ભારતે ટુર્નામેન્ટની ફાઇનલમાં ઇંગ્લૅન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. કેપ્ટન યશ ધુલ હતા.

આ વખતે ઉદય સહારન અને સચિન ધાસની જાણે કે ધાક છે.