'દલિત છીએ એ તેમને નથી ગમતું,' ડૉક્ટર સાથે પ્રેમલગ્ન કરનાર પાટીદાર દીકરીનું માબાપે જ 'અપહરણ' કર્યાનો આરોપ, શું છે કેસ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગત 18 ઑગસ્ટના રોજ દલિત સમાજના દીકરા સાથે લગ્ન કર્યા બાદ પાટીદાર સમાજની દીકરીને તેના પિયર પક્ષવાળા દ્વારા પતિના ઘરેથી 'અપહરણ' કરી લઈ ગયાની ફરિયાદ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

ગત એપ્રિલ માસમાં દલિત સમાજમાંથી આવતાં ડૉ. સ્મિત પરમાર અને પાટીદાર સમાજમાંથી આવતાં ચાંદનીએ રાજીખુશી પ્રેમલગ્ન કર્યાં હતાં.

જોકે, લગ્નના લગભગ ચાર માસ બાદ ડૉ. સ્મિતના પરિવારના આરોપ મુજબ ચાંદનીના પરિવારજનો તેમના પતિના ઘરેથી તેમને 'બળજબરીપૂર્વક લઈ જવાનો' પ્રયાસ કર્યો હતો.

તેમજ સામેની બાજુએ ચાંદનીના પરિવારજનોનું કહેવું છે કે તેઓ દીકરીએ પ્રેમલગ્ન કરી લીધાં હોઈ તેમને 'સમજાવવા' તેમના પતિના ઘરે પહોંચ્યા હતા.

દલિત પરિવારનો આરોપ છે કે તેમના દીકરાએ સામા પક્ષની દીકરી સાથે પ્રેમલગ્ન કરી લીધેલ હોઈ અને પરિવાર અનુસૂચિત જાતિમાંથી આવતો હોવાની વાત સામા પક્ષને પસંદ ન હોવાને કારણે ગત 18 ઑગસ્ટના રોજ ચાંદનીને તેના પરિવાજનો 'અપહરણ કરીને લઈ ગયા' હતા અને તેમને રોકવાનો પ્રયાસ કરતાં સામા પક્ષે ઝપાઝપી કરી અને 'જાતિસૂચક શબ્દો' બોલ્યા હતા.

તેમજ સામે પક્ષે ચાંદનીના પરિવારે પોતે લખાવેલી ફરિયાદમાં કહ્યું છે કે, "દીકરીએ તેમની મરજી વિરુદ્ધ અને જાણ બહાર ડૉ. સ્મિત સાથે લગ્ન કર્યાં છે, જેથી તેઓ ઘટનાના દિવસે ત્યાં દીકરીની શોધખોળ કરી સમજાવવા ત્યાં પહોંચ્યા હતા."

આ મામલો વધુ ઉગ્ર ત્યારે બન્યો જ્યારે ડૉ. સ્મિત પરમારના પરિવારજનો સહિત દલિત સમાજના લોકોએ ચાંદનીને પરત લાવવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશને ધરણાં કર્યાં, સામે પક્ષે પાટીદાર સમાજના લોકોએ પણ પોલીસ દ્વારા ચાંદનીનાં માતાની ફરિયાદ પણ સ્વીકારવામાં આવે એ માટે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરાયો હતો.

નોંધનીય છે કે પોલીસે આ મામલામાં કાર્યવાહી કરીને ચાંદનીને પરત તેમનાં પતિ ડૉક્ટર સ્મિતના ઘરે મોકલી આપ્યાં હતાં અને આ મામલામાં સાત લોકોની ધરપકડ કરી હતી.

જોકે, સામે પક્ષે હજુ સુધી ડૉ. સ્મિતના પરિવારજનો સામે પોલીસ કાર્યવાહી કરાઈ નથી.

પોલીસ ફરિયાદમાં શું લખાયું છે?

ડૉ. સ્મિતનાં માતા ઉષાબહેને આ કેસમાં ફરિયાદ લખાવતાં પોલીસને જણાવ્યું હતું કે તેમના દીકરા સ્મિતે 23 એપ્રિલ 2026ના રોજ પાલનપુરના રહેવાસી જિતેન્દ્રભાઈ પટેલનાં પુત્રી ચાંદની સાથે પ્રેમલગ્ન કર્યાં છે.

તેમણે લખાવ્યું છે કે, "ચાંદનીનાં માતાપિતા અને સગાંસંબંધી આ બાદથી ત્રણ-ચાર વખત ચાંદનીને મળવા અમારા ઘરે આવી ચૂક્યાં છે. બનાવના દિવસે પણ ચાંદનીનાં માતાપિતા બીજા બે જણ સાથે અમારા ઘરે આવ્યાં હતાં અને ચાંદનીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી."

"અમે ચાંદનીને બોલવતાં તેનાં માતાપિતા સાથે આવેલા અન્ય ચારેક માણસો ઘરમાં ઘૂસી આવી અને ચાંદનીને બળજબરીપૂર્વક ખેંચીને અમારા ઘરમાંથી બહાર લઈ જવા લાગ્યા, જતાં જતાં આ લોકોએ અમને જાતિસૂચક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને બાદમાં ચાંદનીને સાથે લાવેલી ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા."

સામેની બાજુએ ચાંદનીનાં માતા નીતાબહેને પણ ગત 21 ઑગસ્ટના રોજ પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં સ્મિત પરમારના ઘરના સભ્યો સામે 'મારામારી અને કપડાં ખેંચી માર મારવાનો' આરોપ કર્યો હતો, અને દાવો કર્યો હતો કે તેઓ માત્ર પોતાની દીકરીને 'સમજાવવા' ડૉ. સ્મિતના ઘરે પહોંચ્યાં હતાં.

ડૉ. સ્મિત પરમારે આ સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે મારી પત્ની ડૉક્ટર ચાંદનીને તેનાં માતાપિતા, અન્ય સંબંધી અને અજાણ્યા લોકો અમારા ઘરે આવીને અપહરણ કરીને લઈ ગયાં હતાં. જે બાદ મેં 112 બોલાવીને ફરિયાદ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ લખાવી હતી."

ડૉ. સ્મિત પરમારના કાકા પીયૂષ પરમારે ઘટના બાદ કહ્યું હતું કે, "આજથી ત્રણ માસ પહેલાં ડૉ. સ્મિતે પાલનપુર નિવાસી એવાં ડૉ. ચાંદની સાથે કોર્ટ મૅરેજ કર્યાં હતાં. ડૉ. ચાંદનીનું તેમના પરિવારના લોકો અને અસામાજિક તત્ત્વોએ અપહરણ કર્યું છે. આ પહેલાં પણ અમારા પર વારંવાર ધમકી આપતા ફોન આવ્યા છે, પરંતુ અમે તેના પર ધ્યાન નહોતું આપ્યું, જેનું આ પરિણામ આવ્યું છે."

નોંધનીય છે કે, પોલીસે ડૉ. સ્મિતનાં માતાની ફરિયાદ બાદ આ મામલામાં ચાંદનીના પરિવારજનો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 140 (3), 189 (2), 191 (2) અને 314 અંતર્ગત તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની કલમ 3 (1) (r) અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાટીદાર સમાજના આગેવાનો સાથે આવી પહોંચેલા સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)ના ગુજરાત પ્રદેશપ્રમુખ રિંકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આ મામલા અંગે કહ્યું હતું કે, "બે દિવસ પહેલાં અમારા પાટીદાર સમાજની દીકરીનો જે બનાવ બન્યો, તેમાં અમારા પાટીદાર સમાજના યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા, ખોટી કલમો લગાવવામાં આવી. પોલીસે આમાં એકતરફી વલણ દાખવ્યું છે."

"અમારી માગણી છે કે દીકરીનાં માતાને આ બનાવમાં ઘરમાં બાંધીને મારવામાં આવ્યાં છે, તેથી સામા પક્ષની પણ ફરિયાદ લેવામાં આવે."

પાટીદાર સમાજના અન્ય એક આગેવાને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "આ છોકરીએ ભાગીને લગ્ન કર્યાં ત્યારે એનાં માબાપ અને ભાઈઓને ધ્રાસકો પડ્યો અને તેની શોધખોળ માટે આ લોકો છોકરાના પરિવારના ત્યાં ગયા, ત્યાં આ લોકો સમજાવતા હતા,પરંતુ છોકરી ન માનતાં, તેના ભાઈઓ છોકરીને ત્યાંથી લઈને નીકળી ગયા અને ત્યાં છોકરીની મમ્મી રહી જતાં તેને ગડદાપાટુ અને લાકડી વડે માર મારવામાં આવ્યો છે."

"તેમજ તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે.આ સામાજિક પ્રશ્ન હતો અને અપહરણ અને ઍટ્રોસિટીનો ગુનો ખોટી રીતે દાખલ કરાયો છે."

નોંધનીય છે કે પાટીદાર સમાજના આગેવાનોની રજૂઆત બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાંદનીનાં માતા નીતાબહેન પટેલની ફરિયાદને આધારે સ્મિત પરમારના પરિવારજનો અને અજાણ્યા લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115 (2), 74 અને 54 અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન