સુરત બાદ હવે નવસારીમાં જળબંબાકાર, ગુજરાતમાં વરસાદે કયાં કેવી તારાજી સર્જી?

ગુજરાત, વરસાદ. ચોમાસું, સુરત, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, દક્ષિણ ગુજરાતમાં પાણી
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે પાણી ભરાયાં છે તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં તાપી, નવસારી, સુરત અને વલસાડ જિલ્લામાં વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. અતિભારે વરસાદને પગલે વિસ્તારમાં જનજીવનને વ્યાપક અસર પહોંચી છે.

તાપી જિલ્લાના ડોલવાન તાલુકામાં છેલ્લા 24 કલાકમાં લગભગ સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીમાં છ ઇંચ અને સુરતના મહુવા તાલુકામાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

નવસારી જિલ્લાના કલેકટરે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપતા કહ્યું, "રાત્રે શહેરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર છે. નગરપાલિકા, વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે કામગીરી ચાલે છે. નાગરિકોને પાણી ભરેલા રસ્તા પરથી અવરજવર ન કરવા વિનંતી."

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, નવસારીના જિલ્લા કલેક્ટર શિપ્રા એસ. અગ્રેએ અસરગ્રસ્તો માટે બનાવેલાં આશ્રયસ્થળોની મુલાકાત લીધી હતી.

સુરત અને નવસારીમાં અનેક લોકોને રૅસ્ક્યૂ કરાયા

ગુજરાત, વરસાદ. ચોમાસું, સુરત, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, નવસારીમાં પૂર

બીબીસી સહયોગી રૂપેશ સોનવણેએ આપેલી માહિતી અનુસાર સુરતમાં ખાડીપૂરને કારણે અનેક ઘરમાં પાણી ભરાઈ ગયા છે તથા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે.

સુરતના કાંઠાવિસ્તારોના ગામમાં ખાડીપૂરના પાણીને કારણે અનેક ઍપાર્ટમેન્ટ્સના પાર્કિંગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોને દવા, અનાજ જેવી જીવનજરૂરિયાતની ચીજો લેવા માટે પણ બોટનો સહારો લેવો પડે છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીના પાણીમાં ડૂબી જવાને કારણે એક બાળકનું મોત થયું છે.

માત્ર 23 મહિનાના બાળકનાં મૃત્યુથી પરિવાર આઘાતમાં છે.

બીબીસી સહયોગી શીતલ પટેલે આપેલી માહિતી અનુસાર નવસારીમાં પણ ભારે વરસાદને કારણે પૂર્ણા નદી તેની ભયજનક સપાટીએ વહી રહી છે.

નવસારી કલેક્ટરના જણાવ્યા અનુસાર તેમણે રાત્રે જ 110 લોકોને રૅસ્ક્યૂ કરીને શેલ્ટર હૉમમાં શિફ્ટ કરી દીધાં હતાં.

ગુજરાતમાં કયાં કેટલો વરસાદ પડ્યો?

ગુજરાત, વરસાદ. ચોમાસું, સુરત, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, વરસાદનો કેર

એ પહેલાં 24 જુલાઈના રોજ ગુજરાતના 118 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. તેના કારણે કેટલાંક સ્થળોએ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે.

24 જુલાઈના રોજ બોરસદ, વડોદરા, નર્મદા, પાદરા અને ભરૂચ જેવા તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.

બોરસદમાં 24 કલાકમાં 14 ઇંચ અને વડોદરા તથા પાદરા તાલુકામાં આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકામાં પણ આઠ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. ભરૂચ તાલુકામાં પણ સાત ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

ભરૂચની બજારોમાં નદીની માફક ધસમસતાં પાણીનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો.

બીજી તરફ સુરતમાં પણ થયેલા ભારે વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સુરતની ખાડીઓ ઓવરફ્લો થઈ જતાં અનેક વિસ્તારોમાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં પણ સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે?

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં હવે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવા લાગ્યું છે અને બીજી તરફ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સાથે ઉત્તર ગુજરાતમાં સતત વરસાદની રાહ જોવાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં હજી વરસાદની રાહ જોવાઈ રહી છે.

હાલની સ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. આગામી ત્રણ-ચાર દિવસ સુધી અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તથા તેનાથી થોડો વધારે વરસાદ પડે તેવી સંભાવના છે.

વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારે તો કોઈ સ્થળોએ અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.

છોટાઉદેપુર, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના વિસ્તારોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસમાં સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. કોઈ એકાદ સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્ય પ્રકારનો છુટોછવાયો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.