નેપાળમાં આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 95 લોકોનાં મૃત્યુ, 133 ભારતીયો સહિત 500થી વધુ લાપતા – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

નેપાળના રસુવા જિલ્લાની ભોટેકોશી નદીમાં આવેલા પૂરને કારણે દેશના અલગ-અલગ જિલ્લામાં ભારે તબાહી થઈ છે.

નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર શાહે પૂરમાં મરનારાની સંખ્યા 95 થઈ હોવાની પુષ્ટિ કરી છે. ત્યાં નેપાળ પર્યટન બોર્ડે કહ્યું છે કે લાપતા લોકોની સંખ્યા 579 થઈ ગઈ છે.

જણાવાય છે કે તેમાં 113 નેપાળી અને 466 વિદેશી નાગરિકો છે. જે પૈકી 133 ભારતીય છે.

ચીનના સરકારી મીડિયા ચૅનલ સીસીટીવીએ તિબેટમાં ભારે નુકસાનની વાત કરી છે. કાઢમાંડૂના ઉત્તરમાં સ્થિત રસુવા વિસ્તારમાં આ પૂર આવ્યું હતું. આ વિસ્તાર તિબેટથી અડીને આવેલો વિસ્તાર છે અને તે ચીન સાથેના નેપાળના મુખ્ય વ્યાપારના માર્ગ પર આવેલો છે.

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે પ્રતિનિધિ સભાને સંબોધિત કરીને કહ્યું છે કે રસુવામાં આ સ્થિતિ ભૂકંપને કારણે આવેલા હિમસ્ખલનને કારણે પેદા થઈ હતી.

નેપાળમાં અમેરિકાના દૂતાવાસે જણાવ્યું છે કે ભોટેકોશી, ત્રિશૂલી અને નારાયણી નદીઓના કિનારે રહેતા લોકો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.

લાપતા લોકોમાં અલગ-અલગ 26 દેશોના નાગરિકો છે. જેમાં ભારતથી 133, અમેરિકાથી 54 અને બ્રિટેનથી 33 લોકો પણ સામેલ છે.

પીએમ મોદીએ નેપાળના વડા પ્રધાન સાથે કરી વાતચીત, શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાતચીત કરી હતી.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉપ્મ ઍક્સ પર તેની જાણકારી આપતા જણાવ્યું, "વડા પ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાત કરી અને નેપાળમાં પૂરને કારણે થયેલી જાનહાનિ પર સંવેદના વ્યક્ત કરી. આ મુશ્કેલીના સમયમાં ભારતના લોકો નેપાળનાં પોતાનાં ભાઈ-બહેનો સાથે મજબૂતીથી ઊભા છે. ભારત નેપાળને તમામ સંભવ માનવીય સહાયતા આપવા માટે તૈયાર છે. અમારી ટીમો રાહત અને બચાવ કાર્યો માટે નેપાળના અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે."

નેપાળમાં બુધવારે વહેલી સવારે આવેલા પૂરમાં સંપત્તિને ભારે નુકસાન થયું હતું અને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 17 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ હતી.

નેપાળની સરકારે લોકોને સાવધાની રાખવાનો આગ્રહ કરીને ક્હયું કે ત્રિશૂલી નદીનો તટીય વિસ્તાર ચિતવન સુધી જોખમમાં છે.

કૃતિ સેનનની રક્ષાબંધનની જાહેરાતને વિવાદ બાદ હટાવાઈ

રક્ષાબંધન પહેલાં એક જ્વેલરી બ્રાન્ડની જાહેરાત પર સોશિયલ મીડિયામાં વિવાદ થયો છે.

જાહેરાતમાં અભિનેત્રી કૃતિ સેનન દેખાઈ રહ્યાં છે. કેટલાક લોકોએ તેમનાં કપડાં સામે વિરોધ વ્યક્ત કર્યો છે તો કેટલાક લોકોને કૂતરાને રાખડી બાંધવાનું ગમ્યું ન હતું.

આ જાહેરાત જ્વેલરી બ્રાન્ડ જીવાની છે. વધતા વિવાદને જોઈને કંપનીએ પોતાની જાહેરાત હટાવવાનો નિર્ણય કર્યો છે.

એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કંપનીએ લખ્યું કે, "અમે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને તહેવારોનું બહુ સન્માન કરી છીએ. એક બ્રાન્ડ તરીકે અમે હંમેશાં સમગ્ર પરિવાર સાથે આ ખુશીની પળોને ઉજવવામાં વિશ્વાસ રાખ્યો છે અને આ વખતે અમે પોતાનાં પાળેલાં જાનવરોને પણ આ પ્રેમ અને ઉજવણીમાં સામેલ કરવા માગતા હતા."

"અમારી તાજેતરની જાહેરાતથી અજાણતા સમાજના કેટલાક વર્ગોની ભાવના દુભાઈ છે તો અમારો ઇરાદો આવો બિલકુલ ન હતો."

"સન્માન વ્યક્ત કરતા, અમે એ જાહેરાતને બધાં પ્લૅટફૉર્મથી હટાવી દીધી છે. આ તહેવારની મોસમમાં તમને બધાને બહુ પ્રેમ અને હકારાત્મકતા."

વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલના વર્તન પર સંજય માંજરેકરે નારાજગી વ્યક્ત કરી

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકરે ભારતીય ખેલાડીઓના મેદાન પરના વર્તન અંગે આઈસીસી અને બીસીસીઆઈ પાસે કાર્યવાહી કરવાની માગ કરી છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જય્સવાલ સાથે જોડાયેલી તાજેતરની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

માંજરેકરે લખ્યું, "પ્રિય આઈસીસી અને બીસીસીઆઈ, પહેલાં વૈભવ અને હવે જયસ્વાલ. જો તમે તેમને આવા વર્તન માટે વારંવાર છોડી દેશો, તો તમે તેમને ફરીથી આવું વર્તન કરવા માટે જ પ્રોત્સાહિત કરી રહ્યા છો."

તેમણે કહ્યું કે આ પ્રકારનું વર્તન ક્રિકેટ માટે તેમજ ખેલાડીઓના પોતાના ભવિષ્ય માટે પણ સારું નથી.

શ્રીલંકાના દંબુલા ખાતે રમાયેલી ઇન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચેની વનડે ટ્રાઇ-સિરીઝની મૅચમાં વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકા-એના વિષેન હાલંબાગે વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. સુપર ઓવરમાં શ્રીલંકા-એની જીત બાદ બંને ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કીની ઘટના પણ બની હતી.

બીજી તરફ, કોલંબોના સિન્હાલીઝ સ્પૉર્ટ્સ ક્લબ મેદાન પર ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મૅચના પ્રથમ દિવસે ભારતીય ઓપનર યશસ્વી જય્સવાલ અને શ્રીલંકાના ઝડપી બૉલર અસીથા ફર્નાન્ડો વચ્ચે પણ મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

માંજરેકરે આ બંને ઘટનાના સંદર્ભમાં ખેલાડીઓના વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ઇસ્લામાબાદની એક હૉસ્પિટલમાં આગ, 14 નવજાતનાં મોત

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આવેલી સરકારી હૉસ્પિટલ પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (પીઆઇએમએસ)ના બાળ વૉર્ડમાં આગ લાગવાથી 14 નવજાત શિશુનાં મોત થયાં છે. હૉસ્પિટલના કાર્યકારી નિયામક ઇમરાન સિકંદરે બાળકોનાં મોતની પુષ્ટિ કરી છે.

ઇસ્લામાબાદ જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, આગ હૉસ્પિટલના એમસીએચ (માતૃ અને બાળ આરોગ્ય) વૉર્ડના ત્રીજા માળે લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

બીબીસી ઉર્દૂના અહેવાલ મુજબ, વહીવટીતંત્રે જણાવ્યું કે આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવાયો છે અને બાળકોને આઇસીયુમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની તપાસ માટે વધારાના ડેપ્યુટી કમિશનર જનરલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરાઈ છે.

આ અગાઉ હૉસ્પિટલની પ્રવક્તા ડૉ. અનીજા જલીલે જણાવ્યું હતું કે કોઈ બાળકના મોતની પુષ્ટિ થઈ નથી.

તેમના જણાવ્યા અનુસાર, આગ ઍર કન્ડિશનિંગ યુનિટમાં લાગી હતી અને ઑક્સિજન કનેક્શનના કારણે ઝડપથી ફેલાઈ ગઈ હતી. અકસ્માત સમયે વૉર્ડમાં 15 બાળકો દાખલ હતાં.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ઇસ્લામાબાદની આગ લાગવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

શહબાઝ શરીફે કહ્યું કે બાળકો સાથે જોડાયેલી આવી ઘટનાની ભરપાઈ શક્ય નથી. તેમણે નિર્દોષ બાળકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને જણાવ્યું કે આ દુર્ઘટનાથી તેઓ અત્યંત દુઃખી છે.

વંદે ભારત ઍક્સપ્રેસ પર સુરત પાસે પથ્થમારો, યુપીનાં રાજ્યપાલ આનંદીબહેન પણ ટ્રેનમાં હતાં

ગુજરાતના સુરત પાસે મુંબઈ-અમદાવાદ વંદે ભારત ઍક્સપ્રેસ પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું, "અમારી વંદે ભારત ઍક્સપ્રેસ (22961) મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી. ઉત્રાણ સ્ટેશન છોડ્યા બાદ ઉત્રાણ અને કોસદ વચ્ચે પથ્થરમારાની ઘટનાની માહિતી મળી હતી. અમે તરત જ જીઆરપીના એસપી (પોલીસ અધીક્ષક)ને જાણ કરી અને રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના જવાનોને ઘટનાસ્થળે રવાના કર્યા હતા."

તેમણે વધુમાં કહ્યું, "અમે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. આરોપી સુરતનો રહેવાસી હોવાનું કહેવાય છે. તેનું નામ પિન્ટુકુમાર છે. તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ તેને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે."

તેમણે એ પણ કહ્યું કે ટ્રેન પર થયેલો પથ્થરમારો બહુ ગંભીર અને દંડનીય અપરાધ છે.

અનુભવ સક્સેનાએ વધુમાં જણાવ્યું, "અમને માહિતી મળી હતી કે રાજ્યપાલ (ઉત્તર પ્રદેશ) આનંદીબહેન પટેલ A1 કોચમાં મુસાફરી કરી રહ્યાં હતાં, જ્યારે પથ્થરમારાની ઘટના C6 અને C10 કોચ પાસે બની હતી. અમે આરોપીની ધરપકડ કરી લીધી છે."

ગર્વનર ઑફ ઉત્તર પ્રદેશના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ ઍક્સ પરથી લખાયું કે આનંદબહેન પટેલે વાપીથી અમદાવાદ સુધી વંદે ભારત ઍક્સપ્રેસમાં મુસાફરી કરી હતી.

ઝોહરાન મમદાણીએ ન્યૂ યૉર્કમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ કર્યો

અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરના મેયર ઝોહરાન મમદાણીએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાનારા તે પ્રસ્તાવિત કાર્યક્રમને સમર્થન આપતા નથી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત ભારતીય મૂળના લોકોના સમૂહને સંબોધન કરવાના છે.

જોકે, તેમણે એમ પણ કહ્યું કે આ ખાનગી કાર્યક્રમને રદ કરવાનો અધિકાર તેમની પાસે હોઈ શકે છે અને નહીં પણ. આ કાર્યક્રમ 29 ઑગસ્ટે થવાનો છે.

મોહન ભાગવત મંગળવારે જ અમેરિકા પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાઈ રહેલા વૈશ્વિક સંપર્ક કાર્યક્રમનો એક ભાગ છે. ન્યૂ યૉર્ક પ્રવાસ દરમિયાન તેઓ 'યુનિવર્સલ વનનેસ' કાર્યક્રમમાં ભાગ લેશે અને શનિવારે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં લગભગ 5,000 લોકોની સભાને સંબોધિત કરશે.

ન્યૂ યૉર્કમાં યોજાયેલી એક પત્રકારપરિષદ દરમિયાન મમદાણીએ કહ્યું, "હું આ રેલીને સમર્થન આપતો નથી, પરંતુ કોઈ ખાનગી કાર્યક્રમને રદ કરવાનો અધિકાર શહેર પાસે છે કે નહીં તેની મને જાણ નથી."

ઝોહરાન મમદાણીનાં માતાપિતા ભારતીય મૂળનાં છે. તેમનાં માતા જાણીતા ફિલ્મ નિર્માતા મીરા નાયર છે.

મંગળવારે મમદાણીને મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આરએસએસના પ્રસ્તાવિત કાર્યક્રમ અને તેના વિરોધમાં થઈ રહેલા દેખાવો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

તેમને પૂછવામાં આવ્યું હતું કે મોહન ભાગવતની એમએસજીમાં યોજાનારી રેલી રદ થવી જોઈએ?

તેના જવાબમાં મમદાણીએ કહ્યું, "હું અહીં મારા શહેરના ઇતિહાસમાં પ્રથમ ભારતીય-અમેરિકન મેયર તરીકે ઊભો છું અને મારી માતાના પરિવારના મોટા ભાગના સભ્યો આજે પણ ભારતમાં રહે છે."

તેમણે કહ્યું કે તેમના પરિવારે તેમને જે ભારતથી પરિચિત કરાવ્યું અને જે ભારતને તેમણે બાળપણથી નજીકથી જાણ્યું, તે "એક બહુલતાવાદી સમાજ અને ધર્મનિરપેક્ષ ગણરાજ્યનું ભારત હતું, જે ભારત સાથે જોડાયેલા દરેક વ્યક્તિને સ્વીકારવામાં વિશ્વાસ રાખતું હતું."

મમદાણીએ વધુમાં કહ્યું, "તેથી કોઈ પણ દેશની આવી બહિષ્કારવાદી વિચારધારા પર આધારિત કોઈ આંદોલનનો ઉદય જોવો એ ચિંતાજનક છે."

"હું તેનો સખત વિરોધ કરું છું, માત્ર એક ભારતીય-અમેરિકન તરીકે જ નહીં, પરંતુ એવા શહેરના મેયર તરીકે પણ, જે દરેક વ્યક્તિના સ્વીકારમાં ઊંડો વિશ્વાસ રાખે છે, ભલે તેનો રંગ, વિચારો, ધર્મ, આસ્થા અથવા મૂળ સ્થળ કંઈ પણ હોય."

અમેરિકાનાં પ્રખ્યાત ગાયિકા ડૉલી પાર્ટનનું 80 વર્ષની વયે નિધન

વિશ્વવિખ્યાત કન્ટ્રી મ્યુઝિક ગાયિકા ડૉલી પાર્ટનનું 80 વર્ષની વયે નિધન થયું છે.

તેમની ટીમે બીબીસીના અમેરિકન સહયોગી સીબીએસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું, "કૅન્સર સામે બહાદુરીપૂર્વક લડત આપ્યા બાદ ડોલીએ આજે પોતાના સ્વજનોની હાજરીમાં વેન્ડરબિલ્ટ-ઇન્ગ્રામ કૅન્સર સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધા."

ડૉલી પાર્ટનની છ દાયકાથી વધુ લાંબા કારકિર્દી દરમિયાન વિશ્વભરમાં તેમના 10 કરોડથી વધુ રેકર્ડ્સ વેચાઈ હતી. તેમણે 3,000થી વધુ ગીતો લખ્યાં અને ગાયાં હતાં.

તેઓ માત્ર એક મહાન ગાયિકા અને ગીતકાર જ નહોતાં, પરંતુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો અને પોતાની આગવી શૈલી માટે જાણીતાં હતાં. તેમણે ગ્લાસ્ટનબરી જેવા મોટા સંગીત મહોત્સવોમાં પણ ચાહકોના દિલ જીતી લીધાં હતાં.

ડૉલીનો જન્મ અમેરિકાના ટેનેસી રાજ્યના સ્મોકી માઉન્ટેન્સ વિસ્તારમાં એક ગરીબ પરિવારમાં થયો હતો.

તેમણે બાળકોના શિક્ષણ અને સાક્ષરતા માટે લાંબા સમય સુધી કાર્ય કર્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ડૉલી પાર્ટનના સન્માનમાં સમગ્ર અમેરિકા ખાતે રાષ્ટ્રીય ધ્વજ એક અઠવાડિયા સુધી અડધી કાઠીએ ફરકાવાશે. આ આદેશ મંગળવાર સાંજથી અમલમાં આવશે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર ડૉલી પાર્ટનના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમણે જણાવ્યું, "આ લાખો લોકો માટે ખૂબ મોટી ખોટ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન