સેક્સવર્કરની જિંદગી: એ મહિલા જે સિએરા લિયોનમાં બે વખત અપહરણ અને માનવતસ્કરીનો ભોગ બની

નાતા મેકઅપ કરી રહી છે.
ઇમેજ કૅપ્શન, નાતાની દીકરી કહે છે કે તે મોટી થઈને વકીલ બનવા માગે છે.
    • લેેખક, ટાયસન કોન્ટેહ, મકેની અને કોર્ટની બેમ્બ્રિજ, લંડન
    • પદ, બીબીસી આફ્રિકા આઈ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઇસાતા સિંગલ મધર છે. વીસેક વર્ષનાં આ યુવતી સિએરા લિયોનમાં સેક્સવર્કર તરીકે કામ કરતાં મહિલાઓના જીવનની ભયાનક વાસ્તવિકતાનું પ્રતીક છે.

તેમને માર મારવામાં આવ્યો છે, લૂંટી લેવાયાં, અને તેમનું અપહરણ કરવામાં આવ્યું છે, તેમને બીજા દેશમાં દેહવેપાર માટે તસ્કરી કરીને લઈ જવામાં આવ્યાં છે, ત્યાંથી તેમને બચાવવામાં આવ્યાં, એ બાદ તેઓ ફરી તસ્કરીનો ભોગ બન્યાં છે અને તેમને ફરી બચાવવામાં આવ્યાં છે.

આ બધાની વચ્ચે તેમને કુશ નામના એક ખતરનાક નશીલા પદાર્થની લત લાગી ગઈ. આ પદાર્થ પશ્ચિમ આફ્રિકાના આ દેશમાં ભારે વિનાશ વેરી રહ્યો છે.

બીબીસી આફ્રિકા આઈએ સિએરા લિયોનના પાટનગર ફ્રીટાઉનથી આશરે 200 કિલોમીટર દૂર આવેલા મેકેની શહેરમાં દેહવેપાર કરતાં કેટલાંક મહિલાઓના જીવનની ચાર વર્ષ સુધી નજીકથી નોંધ લીધી.

આ શહેર હીરાની ખાણો ધરાવતા વિસ્તારમાં આવેલું છે. આ હીરા સિએરા લિયોનમાં થયેલા ગૃહયુદ્ધનું એક મોટું કારણ બન્યા હતા. આ સંઘર્ષની વિનાશક અસરો આજે પણ અનુભવાઈ રહી છે.

મેકેનીમાં સેક્સવર્કર તરીકે કામ કરતાં સેંકડો મહિલાઓ પૈકીની ઇસાતા પણ એક છે. અમે જે મહિલાઓ સાથે વાત કરી, તે તમામે પોતાની ઓળખ માત્ર પ્રથમ નામથી જ આપવાનું પસંદ કર્યું છે.

તેમણે કહ્યું, "હું જે કંઈ સહન કરું છું, જે કંઈ બલિદાન આપું છું, એ મારી દીકરી માટે કરું છું. શેરીઓમાં મેં ખૂબ પીડા સહન કરી છે."

"હું એક ક્લબમાં એક માણસને મળી હતી. તેણે મારાં કપડાં ફાડી નાખ્યાં. મારી બ્રામાંથી પૈસા કાઢી લીધા. મેં તેનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો. તેણે પોતાની બંદૂકના કુંદાથી મારા માથાના પાછળના ભાગે માર્યું. તે મને મારી નાખવા માગતો હતો."

આ અત્યંત જોખમી જીવન છે. અમે જે મહિલાઓને મળ્યાં, તેઓ એચઆઇવીગ્રસ્ત પણ છે.

કેટલાંક મહિલાઓની હત્યા પણ થઈ ચૂકી છે.

પરંતુ ઘણાં મહિલાઓને લાગે છે કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

2020માં વધુ સુખી દિવસો દરમિયાન ઇસાતા અને તેની દીકરી.
ઇમેજ કૅપ્શન, ઇસાતા કહે છે કે પોતાની દીકરીની સંભાળ રાખવા માટે પૈસા કમાવા તેમણે દેહવેપારનો આશરો લીધો.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શહેરના એક અવાવરું અને કાદવયુક્ત ભેજવાળા વિસ્તારમાં બે સેક્સવર્કર મહિલાઓએ અમને એક જગ્યા બતાવી. ત્યાં જમીન પર અનાજની ખાલી બોરીઓ પાથરેલી હતી.

તેમાંથી એક યુવતી માબિન્ટીએ અમને જણાવ્યું કે તેઓ બંને ત્યાં સાથે મળીને કામ કરતાં હતાં. એક રાતમાં તેઓ દસ જેટલા પુરુષો સાથે સંબંધ બાંધતાં હતાં.

દરેક પુરુષ તેમને એક ડૉલર આપતો હતો.

તેઓ પોતાનાં બાળકોના ભરણપોષણ માટે પૂરતા પૈસા કમાવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમને છ બાળકો હતાં, પરંતુ તેમાંથી ત્રણનાં મૃત્યુ થઈ ગયાં છે.

બાકીનાં ત્રણ બાળકો ભણે છે.

તેમણે કહ્યું, "મારાં એક બાળકે હમણાં જ પરીક્ષા આપી છે. તેના આગળના અભ્યાસ માટે મારી પાસે પૈસા નથી. હું દેહવેપાર કરું તો જ તેના ભણતરનો ખર્ચ કાઢી શકું. આ જ મારી વ્યથા છે."

સિએરા લિયોનમાં હજારો મહિલાઓએ દેહવેપારનો આશરો લીધો હોવાનું અનુમાન છે.

તેમાંની ઘણી યુવતીઓ ગૃહયુદ્ધમાં અનાથ બની હતી. 2002માં યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં આ સંઘર્ષમાં 50,000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને દેશની લગભગ અડધી વસ્તીને પોતાનાં ઘર છોડીને વિસ્થાપિત થવું પડ્યું હતું.

સખાવતી સંસ્થાઓનું કહેવું છે કે ઇબોલા રોગચાળા અને કોરોના મહામારીની આર્થિક અસરોનો સામનો કરી રહેલા દેશમાં દેહવેપારમાં સંડોવાયેલી નાની ઉંમરની છોકરીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

અન્ય અનેક કટોકટીઓની જેમ આ બંને રોગચાળાની સૌથી વધુ અસર પણ મહિલાઓએ વધુ વેઠવી પડી છે.

દેશમાં વેશ્યાવૃત્તિ ગેરકાયદેસર નથી, પરંતુ આ મહિલાઓને સમાજમાં બહિષ્કૃત ગણવામાં આવે છે. સરકાર કે સમાજ તરફથી તેમને બહુ ઓછી મદદ મળે છે.

2020માં અમે ઇસાતાને મળ્યા તેના થોડા જ સમય પછી એક ગુનેગારોની એક ટોળકીએ તેમનું અપહરણ કર્યું હતું. તેમને બળજબરીપૂર્વકથી સેક્સ ગુલામીમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં. આ ટોળકી તેમને પહેલાં ગામ્બિયા, પછી સેનેગલ અને છેવટે માલી લઈ ગયાં હતાં.

તેઓ કોઈક રીતે એક ફોન મેળવવામાં સફળ થયાં અને ત્યાંના પોતાના જીવન વિશે અમને જણાવ્યું.

તેમણે કહ્યું, "તેઓ અમારી પાસે જે રીતે આવે છે, તેનાથી એવું લાગે છે કે જો અમે તેમની વાત નહીં માનીએ તો તેઓ અમને મારી નાખશે."

"હું ખૂબ પીડા વેઠી રહી છું."

એ પછી બીબીસી આફ્રિકા આઇએ તેમને શોધી કાઢ્યાં. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશન (આઇઓએમ)ની મદદથી ઇસાતા સિએરા લિયોન પાછાં ફરી શક્યાં.

તેમણે દેહવેપાર છોડી દીધો હતો. પરંતુ 2021માં અમે તેમને ફરી મળ્યાં ત્યારે તેઓ સ્થાનિક રસોડામાં રસોઈનું કામ કરીને પોતાની દીકરીના ભરણપોષણ માટે પૂરતા પૈસા કમાવા મથી રહ્યાં હતાં.

2023માં ઇસાતા વિશે ફરી સમાચાર મળ્યા ત્યારે તેઓ વેશ્યાવૃત્તિમાં પાછી ફર્યા હતાં. તેનું કારણ હતું કુશ નામના નશીલા પદાર્થની લત. આ વ્યસનકારક પદાર્થોનું મિશ્રણ સસ્તા ભાવે વેચાય છે અને તેમાં માનવહાડકાં પણ હોઈ શકે છે.

સિએરા લિયોનમાં આ નશીલા પદાર્થની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે દેશના રાષ્ટ્રપતિએ તેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.

કુશના નશાની લતમાં ફસાયેલી ઇસાતાએ પોતાના ચાર મહિનાના દીકરાને પણ છોડી દીધો હતો. તેમનાં માતા પોશેહ આ બાળકની સંભાળ રાખતાં હતાં. પોશેહે કહ્યું, "શેરીઓમાં જીવવાના તણાવે તેને કુશ પીવા તરફ ધકેલી છે. તણાવને કારણે જ આમ થાય છે."

ઇસાતા સીધી કૅમેરા સામે જોઈ રહી છે.
ઇમેજ કૅપ્શન, માનવ તસ્કરોએ ઇસાતાને મોટી રકમ ચૂકવીને પોતાની મુક્તિ મેળવવાનું કહેવામાં આવ્યું હતું.

નાતા પણ વીસેક વર્ષનાં એક સિંગલ મધર છે.

તેમને ત્રણ દીકરીઓ છે.

અમે તેમને ઘરે મળ્યા હતા. તેઓ કામ પર જવા માટે તૈયાર થઈ રહ્યાં હતાં.

તેમણે કહ્યું, "હું ઇચ્છું છું કે મારાં બાળકો જીવનમાં સારું કરે. મને આશા છે કે ઈશ્વર મારી પ્રાર્થના સાંભળશે."

તેની દીકરી પોતાની માતાને મેકઅપ કરતી જોઈ રહી હતી. અમે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે મોટી થઈને તે વકીલ બનવા માગે છે.

તેણે કહ્યું, "મારી મમ્મીને મદદ કરવા માટે."

શહેરના બીજા છેડે અમે આશરે દસ વર્ષની એક છોકરી રુગિયાતુને મળ્યા.

તેનાં માતા જીના પણ સેક્સવર્કર હતાં.

2020માં માત્ર 19 વર્ષની ઉંમરે તેમની હત્યા થઈ ગઈ હતી.

હવે રુગિયાતુ પોતાનાં વૃદ્ધ દાદી સાથે રહે છે.

રુગિયાતુએ કહ્યું, "હવે મારાં માતાપિતા બંને મૃત્યુ પામ્યાં છે. હવે મારા જીવનમાં દાદી સિવાય કોઈ નથી. જો દાદીનું પણ મૃત્યુ થઈ જાય, તો મારી પાસે શેરીમાં જઈને ભીખ માગવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે."

"હું નથી ઇચ્છતી કે શેરીમાં મારી પણ હત્યા થઈ જાય."

એ બાદ જ્યારે અમે નાતાને ફરી મળ્યાં ત્યારે તેમને ઓળખવાં પણ મુશ્કેલ હતાં. તેમને પણ કુશની લત લાગી ગઈ હતી.

તેઓ અમને કહે છે, "આવી હાલતમાં રહેવું મને ગમતું નથી, પણ હું ઝાઝું વિચારવા માગતી નથી."

"ક્યારેક મને જૂની વાતો યાદ આવે ત્યારે હું રડી પડું છું. એટલે બધું ભૂલી જવા માટે હું નશો કરું છું."

તેની ત્રણેય દીકરીઓને સંબંધીઓ સાથે રહેવા જવું પડ્યું છે.

રુગિયાતુ
ઇમેજ કૅપ્શન, રુગિયાતુને ચિંતા છે કે તેનાં માતાપિતાની જેમ તેની પણ હત્યા થઈ શકે છે

એ બાદ 2024ની શરૂઆતમાં ઇસાતા વિશે વધુ એક દુઃખદ સમાચાર મળ્યા.

તેઓ ફરી એક વાર માનવતસ્કરીનો ભોગ બન્યાં હતાં. કેટલાંક મહિલાઓના એક જૂથને ઘાનામાં લઈ જવાનું વચન આપવામાં આવ્યું હતું. તેમને ત્યાં ઘરમાં બાળકોની સંભાળ રાખવાનું કામ અપાવવાની લાલચ આપવામાં આવી હતી. પરંતુ તેમને માલી લઈ જવામાં આવ્યાં અને ત્યાં સોનાની ખાણો ધરાવતા વિસ્તારમાં દેહવેપાર કરવા મજબૂર કરવામાં આવ્યાં.

ઇસાતા ફોન પર અમને કહે છે, "મને ઘરે પાછી મોકલી દો. હું આજીજી કરું છું. મને મારી ભૂલનો પસ્તાવો છે."

તેમણે જણાવ્યું કે બાળકોની સંભાળનું કામ અપાવવાનું વચન આપનાર માણસે મુસાફરી દરમિયાન દરેક તબક્કે પોલીસની તપાસચોકીઓ અને સરહદ પરનાં નાકાં ટાળ્યાં ત્યારે તેમને શંકા ગઈ હતી.

તેમણે કહ્યું, "એ માણસે અમને જોય નામની એક નાઇજિરિયન મહિલાને સોંપી દીધાં."

"અમે પૂછ્યું, 'તમે તો અમને કહ્યું હતું કે બાળકોની સંભાળ રાખવાનું કામ કરવા ઘાના જઈ રહ્યાં છીએ. તો શું આ ઘાના છે?'"

"જોયે અમને પૂછ્યું, 'શું તમને કહેવામાં નહોતું આવ્યું કે આપણે દેહવેપાર કરવા જઈ રહ્યાં છીએ?' ત્યારે મેં કહ્યું, 'ના.'"

"તેણે કહ્યું, 'જાઓ અને પૈસા કમાઈને લાવો અને મને આપો.'"

માનવ તસ્કરીનો ભોગ બનેલાં બીજાં ઘણાં મહિલાઓની જેમ ઇસાતાને પણ કહેવામાં આવ્યું હતું કે પોતાની સ્વતંત્રતા પાછી મેળવવા માટે તેમણે તસ્કરોને મોટી રકમ ચૂકવવા જેટલા પૈસા કમાવા પડશે.

તસ્કરોએ તેમને 1,700 ડૉલર (લગભગ દોઢ લાખ રૂ.) ચૂકવવાનું કહ્યું હતું.

આટલી રકમ કમાવવા માટે તેમણે સેંકડો પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવા પડે તેમ હતું.

તસ્કરોએ તેમને આ રકમ ચૂકવવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો.

માનવતસ્કરીનો ભોગ બનેલા લોકોને મદદ કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા આઇઓએમના જણાવ્યા અનુસાર, બાળકો સહિત સિએરા લિયોનના હજારો લોકો દર વર્ષે માનવતસ્કરીનો ભોગ બને છે.

તેમનું અપહરણ કરવામાં આવે છે અથવા વધુ સારી નોકરીની લાલચ આપીને દેશની બહાર લઈ જવામાં આવે છે.

પરંતુ બીજા દેશોમાં તેમને વિદેશી લોકોને વેચી દેવામાં આવે છે અને તેમની પાસે બળજબરીથી મજૂરી કરાવવામાં આવે છે અથવા તેમનું જાતીય શોષણ કરવામાં આવે છે.

તેમાંથી ઘણાને કદાચ ફરી ક્યારેય પોતાનું ઘર જોવા મળતું નથી.

સદ્નસીબે, ઇસાતા આખરે મેકેની પાછાં ફરી શક્યાં છે. હવે તેઓ પોતાનાં માતા અને બે બાળકો સાથે રહે છે.

બીબીસી આફ્રિકા આઇની સંપૂર્ણ દસ્તાવેજી ફિલ્મ 'સેક્સ વર્કર્સઃ લાઇવ્ઝ ઇન ધ શેડોઝ'ને બીબીસી આફ્રિકાની યૂટ્યૂબ ચૅનલ પર અથવા યુકેમાં આઇપ્લેયર પર જોઈ શકાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન