રાહુલ ગાંધીએ કહ્યું, "અમે પીએમ મોદીને હરાવીને સત્તા ઉપરથી હઠવવાના છીએ" - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Rahul Gandhi
લોકસભામાં વિપક્ષના નેતા તથા કૉંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ શનિવારે દાવો કર્યો હતો કે વિપક્ષ સત્તારૂઢ સરકારને સત્તા પરથી હઠાવી શકે એમ છે.
હૈદરાબાદમાં તેલંગણા સરકાર દ્વારા આયોજિત ભારત સમિટ 2026ને સંબોધિત કરતી વેળાએ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશભરમાં, વિશેષ કરીને દિલ્હીમાં લોકોમાં અસંતોષ પ્રવર્તમાન છે.
જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ રાજકીય પરિવર્તનના સંકેતરૂપ છે.
તેમણે કહ્યું, "હું તમને પૂર્ણ વિશ્વાસ સાથે જણાવી રહ્યો છું કે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાના છીએ તથા સત્તા પરથી હઠાવવાના છીએ. તમે એ જોઈ શકો છો. તમે આને રસ્તા ઉપર જોઈ શકો છો. દિલ્હીમાં જોઈ શકો છો. તમે વડા પ્રધાન તથા ગૃહ મંત્રી અમિત શાહના ભયમાં પણ તેને જોઈ શકો છો. હવે આ નક્કી છે."
રાહુલગાંધીએ વડા પ્રધાન મોદી તથા ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ઉપર આક્રમણ કરતા રાજકારણ અને કૉર્પોરેટ વચ્ચે સાંઠગાંઠનો આરોપ મૂક્યો.
રાહુલ ગાંધીએ કહ્યું, "હાલ આ દેશમાં એક ઉદ્યોગપતિ છે. ભાજપ સત્તા ઉપર આવ્યો, એ પહેલાં અદાણી દુનિયાના 600મા ક્રમની અમીર વ્યક્તિ હતા. અમુક જ મહિનાની અંદર તેઓ દુનિયાના બીજા ક્રમાંકના સૌથી ધનવાન બની ગયા. તેઓ આટલા ધનિક કેવી રીતે બન્યા? રાજકારણ અને વેપારની વચ્ચે સાંઠગાંઠથી. અદાણી અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચેની રેખા હવે ભૂંસાઈ ગઈ છે."
રાહુલ ગાંધીએ ઉમેર્યું, "તેની અસર રાજકીય ફંડિંગ ઉપર પણ જોઈ શકાય છે. અદાણીની સંપત્તિમાં થયેલા વધારા ઉપર પણ તેની અસર જોવા મળે છે. તેનું પરિણામ છે કે એક દાયકામાં ભાજપની સંપત્તિ 11 ગણી વધી છે."
ગુરનૂર બરાડને ન્યૂઝિલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સ્થાન, કુલદીપ યાદવ 'આઉટ'

ઇમેજ સ્રોત, Getty Images
તા. 19 નવેમ્બરથી વૅલિંગ્ટન ખાતે ભારત અને ન્યૂઝી લૅન્ડ વચ્ચેની ટેસ્ટ મૅચની સિરીઝ શરૂ થશે, બે મૅચની આ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટીએ ગુરનૂર બરાડને ટીમમાં સામેલ કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીસીસીઆઈ (ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ ઑફ ઇન્ડિયા)એ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર આના વિશે માહિતી આપી હતી.
આ સિવાય વિકેટકિપર-બૅટ્સમૅન ઋષભ પંતને પણ વૅલિંગ્ટન ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.
બીજી બાજુ, કુલદીપ યાદવને ટેસ્ટ ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે. તેઓ દેશમા સ્થાનિક ક્રિકેટમાં ભાગ લેશે.
ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમ
શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (ઉપકપ્તાન), દેવદત્ત પડિક્કલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, સાઈ સુદર્શન, નીતીશકુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ તથા ગુરનૂર બરાડ.
ગુરનૂરે ટેસ્ટ ટીમના ખેલાડીઓ સાથે રમવાનું હોવાથી તેઓ પાંચમી વનડે મૅચ માટે ઉપલબ્ધ નહીં હોય.
અંડર-19 એશિયા કપ ફાઇનલ : પાકિસ્તાને ભારતને આપ્યું 338 રનનું લક્ષ્યાંક

ઇમેજ સ્રોત, ACC
અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાને ભારત સામે જીતવા માટે 338 રનનું લક્ષ્યાંક મૂક્યું છે.
પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 337 રન બનાવ્યા.
પાકિસ્તાન તરફથી ઓપનર ઉસ્માન ખાને 107 રન બનાવ્યા. અબ્દુલ કાદિરે 80 અને કૅપ્ટન ફરહાન યુસુફે 63 રનની ઇનિંગ રમી.
ભારત તરફથી કાવ્ય પરેશ પટેલે ચાર વિકેટ લીધી. ચિગુરુપતિ વેંકટને ત્રણ વિકેટ મળી.
ગયા વર્ષે પણ બંને ટીમો અંડર-19 એશિયા કપની ફાઇનલમાં આમને-સામને હતી, જ્યાં પાકિસ્તાને જીત મેળવી હતી.
ઇલોન મસ્કની સ્પેસઍક્સને ઝટકો : સ્ટારશિપ રૉકેટ સાથે જોડાયેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો

ઇમેજ સ્રોત, Reuters
ઇલોન મસ્કની કંપની સ્પેસઍક્સને તાજેતરના સ્ટારશિપ રૉકેટ ટેસ્ટિંગમાં આંચકો લાગ્યો છે. કંપની રૉકેટના નીચેના હિસ્સાને પાછા લૉન્ચ ટાવર પર પકડી શકી નથી.
સ્પેસઍક્સની યોજના હતી કે રૉકેટના નીચેના હિસ્સાને લૉન્ચ ટાવર પર લાગેલા બે મોટા યાંત્રિક હાથ વડે પકડવામાં આવે. આ હાથને 'ચૉપસ્ટિક્સ' કહેવામાં આવે છે.
પરંતુ કંપનીએ રૉકેટના આ ભાગને સમુદ્ર તરફ મોકલી દીધો હતો. નીચે પડતી વખતે તેમાં આગ લાગી ગઈ.
રૉકેટનો ઉપરનો હિસ્સો હવે અંતરીક્ષ તરફ પોતાની યાત્રા આગળ ધપાવી રહ્યો છે. સ્પેસઍક્સ શનિવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 3:15 વાગ્યે એ નિર્ણય કરશે કે શું તે રૉકેટના આ હિસ્સાને પણ પાછો પકડવાનો પ્રયાસ કરશે કે કેમ.
પોતાના રૉકેટને સંપૂર્ણપણે પાછું મેળવવાનો કંપનીનો આ પહેલો પ્રયાસ છે. કંપની ઇચ્છે છે કે સ્ટારશિપનો વારંવાર ઉપયોગ કરી શકાય. તેનાથી દરેક વખતે રૉકેટ લૉન્ચ કરવાનો ખર્ચ ઘટશે.
બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું બનવાની આશંકા, હવામાન વિભાગે શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, IMD
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 નવેમ્બરની સાંજ સુધીમાં નીચા દબાણનો વિસ્તાર (લૉ પ્રેશર એરિયા) ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 13 નવેમ્બરે સવારે 5:30 વાગ્યે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર સર્જાયો હતો. સવારે 8:30 વાગ્યે પણ તે એ જ વિસ્તારમાં સ્થિત હતો.
આ નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. 14 નવેમ્બર સુધીમાં તે વધુ તીવ્ર બનીને 'ડીપ ડિપ્રેશન'માં પરિવર્તિત થવાની શક્યતા છે.
ત્યારબાદ 15 નવેમ્બરની સવારે તે વધુ મજબૂત દબાણ પ્રણાલીમાં બદલાઈ શકે છે. 16 નવેમ્બરની સાંજ સુધીમાં મધ્ય બંગાળની ખાડીના વિસ્તારમાં તે ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય આંદમાન સમુદ્ર અને તેની આસપાસ આવેલા આંદમાન-નિકોબાર દ્વીપસમૂહ પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે.
પુતિન અને શી જિનપિંગ સાથે ટ્રમ્પ આગામી સપ્તાહે ચીનમાં કરશે મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ આગામી સપ્તાહે મુલાકાત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ માહિતી વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી છે.
આ બેઠક ચીનમાં યોજાનાર એક શિખર સંમેલન દરમિયાન થઈ શકે છે. ત્રણેય નેતાઓની આ પ્રથમ સંયુક્ત બેઠક હશે.
વાઇટ હાઉસનાં પ્રવક્તા ઓલિવિયા વેલ્સે જણાવ્યું છે કે, આ મુલાકાત ચીનના દક્ષિણી શહેર શેનઝેનમાં યોજાશે.
અહીં એશિયા-પેસિફિક ઇકૉનૉનોમિક કો-ઑપરેશન (APEC)નું શિખર સંમેલન યોજાઈ રહ્યું છે.
ઓલિવિયા વેલ્સે જણાવ્યું કે, ટ્રમ્પ આ બેઠકમાં વિશ્વભરમાં પરમાણુ હથિયારોની સંખ્યા ઘટાડવાના મુદ્દે ચર્ચા કરશે. ટ્રમ્પનું માનવું છે કે પરમાણુ શસ્ત્રોનો પ્રસાર અત્યંત જોખમી છે.
એવું માનવામાં આવે છે કે બેઠકમાં ઇરાનનો મુદ્દો પણ ચર્ચામાં આવી શકે છે. જોકે, યુક્રેન અંગે ચર્ચા થવાની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. રશિયા અને ચીને હજુ સુધી આ બેઠક અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
સમાચાર એજન્સીઓ 'એપી' અને 'રૉયટર્સ' અનુસાર, અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આ બેઠક પછી કોઈ મોટા કરાર અથવા સમજૂતી થવાની અપેક્ષા નથી. અધિકારીએ પોતાની ઓળખ જાહેર કરી નહોતી.
ગુરુવારે ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે અલગથી દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે. વર્ષ 2025માં ફરી પ્રમુખ બન્યા બાદ બંને નેતાઓ વચ્ચેની આ ચોથી મુલાકાત હશે.
અમેરિકાના ન્યૂ ઑર્લિયન્સમાં મોટો અકસ્માત, ટૅન્કર અને મુસાફરોથી ભરેલા ક્રૂઝ વચ્ચે ટક્કર

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના ન્યૂ ઑર્લિયન્સમાં મિસિસિપી નદી પર એક ટેન્કરે ક્રૂઝ જહાજને ટક્કર મારી હતી.
આ અકસ્માત પછી જહાજમાં સવાર આશરે 130 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ટક્કર બાદ 'અમેરિકન હેરિટેજ' નામનું ક્રૂઝ જહાજ નદીમાં એક બાજુ ઝૂકી ગયું હતું. ટૅન્કરનું નામ 'ઍટલાન્ટિક ઍસ્ફાલ્ટ' છે.
આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, કોઈને ગંભીર ઈજા પહોંચી નથી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
અધિકારીઓએ આ બચાવ કામગીરીને 'મિસિસિપી નદી પરનો ચમત્કાર' ગણાવી છે.
અમેરિકન કોસ્ટગાર્ડનાં કૅપ્ટન મૅલાની બર્નહેમે જણાવ્યું હતું કે, અધિકારીઓ અકસ્માતનું કારણ શોધી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે જહાજની સ્ટિયરિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























