You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યશસ્વી જયસ્વાલે શ્રીલંકાના બૉલર સાથે થયેલી બોલાચાલી પર શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
ભારતીય ક્રિકેટ ટીમના બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલે શ્રીલંકાના ઝડપી બૉલર અસિથા ફર્નાંડો સાથે થયેલી બોલાચાલી મામલે થઈ રહેલી આલોચનાનો જવાબ આપ્યો છે.
તેમણે કહ્યું કે લોકોએ આ ઘટના પર નિર્ણય આપવા પહેલાં એ જાણવું જોઈએ કે ફર્નાંડોએ શું કહ્યું હતું.
કોલંબો ટેસ્ટમૅચ દરમિયાન યશસ્વી જયસ્વાલ 45 રન બનાવીને આઉટ થવા પર અસિથા ફર્નાંડો સાથે ઝઘડી પડ્યા હતા. આ બદમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી ક્રિકબઝની એક પોસ્ટ પર કોમેન્ટ કરતાં જયસ્વાલે લખ્યું, "જો તમને એ નથી ખબર કે તેમણે શું કહ્યું, તો કૃપા કરીને નિર્ણય ન લો. જો કોઈ હદ પાર કરે છે, તો અમારે તેને જણાવવું પડશે કે ભારત લડશે અને જવાબ આપશે."
ઉલ્લેખનીય છે કે જયસ્વાલે જે વીડિયો પોસ્ટ પર કોમેન્ટ કરી, તેમાં જાણીતા કૉમેન્ટ્રેટર હર્ષા ભોગલે કહી રહ્યા હતા કે જયસ્વાલ માટે સરળ એ હોત કે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હોત.
અમેરિકાની 'સૌથી મોટા આર્થિક હુમલા' કરવાની ધમકી પર ઈરાની સેનાએ શું કહ્યું?
અમેરિકાએ 'ઈરાન પર સૌથી મોટો આર્થિક હુમલો' કરવાની ચેતવણી આપી છે, જેના પર ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી)એ પ્રતિક્રિયા આપી છે.
આઈઆરજીસીના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ હુસૈન મોહેબીબીએ કહ્યું કે આ પ્રકારની ધમકી આપવી એક રીતે અમેરિકાની નિષ્ફળતા છે.
અમેરિકાના નાણા મંત્રી સ્કૉટ બેસેંટે કહ્યું હતું કે અમેરિકા ઈરાન પર અત્યારસુધીનો સૌથી મોટો આર્થિક હુમલો કરવા જઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના પર આઈઆરજીસીના પ્રવક્તાએ કહ્યું, "અમેકિરા તરફથી આર્થિક હુમલાની વાત કરવી હકિકતમાં સૈન્ય મોરચા પર મોટી નિષ્ફળતાનો અપ્રત્યક્ષ સ્વીકાર છે."
મોહેબીબીએ કહ્યું છે કે "દુશ્મન તાકતોએ પોતાનાં જહાજોને ઘણા પાછળ હઠવા માટે મજબૂર થવું પડ્યું છે. જ્યારે કે હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા કે ઈરાનની સંરક્ષણ વ્યવસ્થા તોડવાની કોશિશો પણ અસફળ રહી છે."
ઈરાની સમાચાર એજન્સી આઈઆરએનએ અનુસાર, આઈઆરજીસીના પ્રવક્તાએ ઈરાની મીડિયાને અપીલ કરી કે તેઓ યુદ્ધની અસલી સ્થિતિ તથા સામેલ પક્ષોની યોગ્ય જાણકારી લોકોને આપે.
મહેસાણાના સુરેશ પટેલની અમેરિકામાં ગોળી મારીને હત્યા
મહેસાણાના આખજ ગામના વતની અને છેલ્લા લગભગ 30 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા વેપારી સુરેશ પટેલની હત્યા થઈ ગઈ છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આધેડવયના આ વેપારીને ટેનેસીના જૅક્સનમાં આવેલા તેમના સ્ટોરમાં જ ગોળી મારી દેવાઈ હતી.
ગત ગુરુવારે 20 ઑગસ્ટના રોજ એક બુકાનીધારી વ્યક્તિ તેમના સ્ટોરમાં પ્રવેશી હતી અને ડ્રૉઅરમાંથી પૈસા લૂંટ્યા હતા અને પછી સુરેશ પટેલને ગોળી મારી દીધી હતી.
મહેસાણાથી બીબીસી સહયોગી કેતન પટેલે આપેલી માહિતી અનુસાર, આ ઘટના દરમિયાન મૃતક સુરેશ પટેલનાં 19 વર્ષીય દીકરી સ્ટોર પર જ હતાં.
આખજ ગામમાં સ્થિત મૃતકના કાકા બળદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં 30 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતા.
આખજ ગામના અને તાલુકા પંચાયતના સભ્ય દિનેશ સુથારે જણાવ્યું હતું કે, "સુરેશભાઈએ 20 ઑગસ્ટના રોજ જ ટેનેસીમાં આ સ્ટોર ચાલુ કર્યો હતો. એ સ્ટોર બંધ કરીને તેમની દીકરી સાથે નીકળતા હતા ત્યારે આ ઘટના બની હતી."
દિનેશભાઈએ માહિતી આપી હતી કે તેમના પરિવારમાં છ ભાઈઓ છે અને તેમણે આ લિકર સ્ટોર તાજેતરમાં જ ખોલ્યો હતો.
પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફને ક્રિકેટ જગતના 21 પૂર્વ કૅપ્ટનોએ પત્ર કેમ લખ્યો?
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને ક્રિકેટ જગતના 21 પૂર્વ કૅપ્ટનોએ પીએમ શહબાઝ શરીફને પત્ર લખ્યો છે.
પૂર્વ કૅપ્ટનોએ ઇમરાન ખાનને યોગ્ય આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.
ક્રિકઇન્ફોના જણાવ્યા મુજબ, પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને હૉસ્પિટલમાં લઈ જઈ મેડિકલ બોર્ડ દ્વારા તેમની તપાસ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
આ બોર્ડમાં ઇમરાન ખાનના ખાનગી ડૉક્ટરો સાથે તેમનાં બહેન ડૉ. ઉઝમા ખાનને પણ સામેલ કરવાનાં હતાં. અદાલતે તેમના પરિવાર સાથેની સાપ્તાહિક મુલાકાતો પણ ફરી શરૂ કરી હતી.
પૂર્વ કૅપ્ટનોએ દાવો કર્યો કે ઇમરાન ખાનને હૉસ્પિટલમાં માત્ર થોડા કલાકો માટે જ રાખવામાં આવ્યા હતા. તેમની તપાસ અદાલતના નિર્દેશ મુજબ રચાયેલા મેડિકલ બોર્ડના બદલે સરકાર દ્વારા નિમાયેલી ટીમે કરી હતી. ટીમે તેમને 'મેડિકલી ફિટ' જાહેર કરીને ફરી અદિયાલા જેલમાં મોકલી દીધા હતા.
આ વડા પ્રધાન શહબાઝ શરીફને પૂર્વ કૅપ્ટનો દ્વારા મોકલાયેલો બીજો પત્ર છે. આ પહેલાં આ જ વર્ષે ફેબ્રુઆરીમાં 14 પૂર્વ કૅપ્ટનોએ ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં પત્ર લખ્યો હતો. તે સમયે ઇમરાન ખાનના પરિવારે દાવો કર્યો હતો કે આંખની સમસ્યાને કારણે તેમની એક આંખની દૃષ્ટિ લગભગ સંપૂર્ણપણે જતી રહી છે અને જેલમાં તેમને યોગ્ય સારવાર મળી રહી નથી.
આ 21 કૅપ્ટનોએ લખ્યો પત્ર
માઇકલ આથર્ટન, ઍલેક્સ બ્લૅકવેલ, ઍલન બૉર્ડર, માઇકલ બ્રિયરલી, ગ્રેગ ચૅપલ, ઇયાન ચૅપલ, બૅલિન્ડા ક્લાર્ક, ઍલિસ્ટર કુક, સુનીલ ગાવસ્કર, લી જર્મન, ઍડમ ગિલક્રિસ્ટ, ડૅવિડ ગૉવર, કિમ હ્યુઝ, નાસિર હુસૈન, ક્લાઇવ લૉયડ, કપિલ દેવ, અર્જુના રણતુંગા, ઍન્ડ્રુ સ્ટ્રૉસ, દિલીપ વેંગસરકર, સ્ટીવ વૉ અને જૉન રાઇટ.
ભારતીય મહિલા હૉકી ટીમ વર્લ્ડકપમાંથી બહાર
ભારતીય મહિલા હૉકી ટીમ વર્લ્ડકપની સેમિફાઇનલમાં સ્થાન બનાવી શકી નથી. નેધરલૅન્ડ્સના એમસ્ટેલવીનમાં આવેલા વેગનર હૉકી સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી મૅચ 0-0થી ડ્રૉ રહી હતી.
ભારતને સેમિફાઇનલમાં પહોંચવા માટે આ મૅચમાં જીત નોંધાવવી જરૂરી હતી, પરંતુ ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી. જ્યારે ઑસ્ટ્રેલિયાએ ડ્રૉ બાદ ટૉપ-4માં સ્થાન મેળવી લીધું.
આ સતત ત્રીજી મૅચ છે, જેમાં ભારતીય ટીમ ગોલ કરી શકી નથી. આ પહેલાં નેધરલૅન્ડ્સે ભારતને 0-2થી હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લૅન્ડ સામેની મૅચ પણ 0-0થી ડ્રૉ રહી હતી.
ભારત તરફથી છેલ્લો ગોલ 18 ઑગસ્ટે દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં આવ્યો હતો. તે મૅચમાં ભારતીય ટીમે 6-1થી જીત નોંધાવી હતી.
ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની આશાઓ નેધરલૅન્ડ્સ અને ચીન વચ્ચેની મૅચના પરિણામ પર પણ નિર્ભર હતી. નેધરલૅન્ડ્સે ચીનને 4-1થી હરાવીને ભારત માટે સમીકરણ સરળ બનાવી દીધું હતું. આવી સ્થિતિમાં ઑસ્ટ્રેલિયા સામે જીત હાંસલ કરવાથી ભારતીય ટીમ ટૉપ-4માં પહોંચી જાત.
નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયા સામે ડ્રૉ બાદ ભારત, ઑસ્ટ્રેલિયા અને ચીનના ખાતામાં 2-2 અંક રહ્યા. ગોલ અંતરના મામલે પણ ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ બરાબરી પર રહી. જોકે, ઑસ્ટ્રેલિયાએ વધુ ગોલ કર્યા હતા, જેના આધારે તેને સેમિફાઇનલમાં સ્થાન મળી ગયું.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન