એલપીજીથી લઈને આધારકાર્ડ સુધીઃ પહેલી ડિસેમ્બરથી આટલા નિયમો બદલાઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ડિસેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. 1 ડિસેમ્બરથી દેશમાં કેટલાક નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની અસર સામાન્ય લોકો પર પણ પડશે. પછી તે વેપારી હોય, પગારદાર હોય, પેન્શનર હોય કે પછી પ્રોફેશનલ, તમામને આ નિયમો ક્યાંકને ક્યાંક અસર કરી શકે છે.
આગામી મહિને લાગુ થનારા નવા નિયમોના કારણે રસોડાના ખર્ચથી લઈને વાહનોના ભાવ અને ટૅક્સ પ્રક્રિયા સહિતની બાબતો પર અસર થવાની શક્યતા છે.
સામાન્ય રીતે મોટા નાણાકીય નિયમો 1 જાન્યુઆરી અથવા 1 એપ્રિલથી લાગુ થતા હોય છે. પરંતુ હવે ઘણી ચીજો એવી છે જેના નિયમો વર્ષની અધવચ્ચેથી પણ બદલાતા હોય છે.
અહીં એવા જ મુખ્ય ફેરફારો વિશે જાણીએ, જે 1 ડિસેમ્બરથી લાગુ થવાના છે.
આધારકાર્ડ માટે ઈ-મેઇલને અપડેટ કરો

ઇમેજ સ્રોત, Getty Images
આધારકાર્ડમાં ઈ-મેઇલ ઍડ્રેસ અપડેટ કરવા માટે હાલમાં રૂપિયા 75ની ફી માફ કરવામાં આવી છે. આ સુવિધા 31 ડિસેમ્બર 2026 સુધી જ ઉપલબ્ધ રહેશે.
એટલે કે જો તમારે આધારમાં ઈ-મેઇલ સંબંધિત સુધારો કરવો હોય, તો તમારી પાસે એક જ મહિનાનો સમય છે.
જોકે, ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે માત્ર સત્તાવાર 'આધાર મોબાઇલ ઍપ' દ્વારા કરવામાં આવેલા અપડેટ પર જ આ ફી માફી મળશે. અન્ય કોઈ પણ આધાર અપડેટ સર્વિસ માટે ફી માફ કરવામાં આવી નથી.
31 ડિસેમ્બર પછી નિયમિત (રેગ્યુલર) ફી ભરીને જ ઈ-મેઇલ અપડેટ કરાવી શકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈ-મેઇલ ઍડ્રેસ અપડેટ કરવા માટે સત્તાવાર આધાર ઍપ ધરાવતો સ્માર્ટફોન, ઇન્ટરનેટ કનેક્શન અને આધાર સાથે લિંક થયેલા મોબાઇલ નંબર પર આવતા OTP (ઓટીપી)ની જરૂર પડશે.
આ અંગેની વધુ વિગતો UIDAI (યુઆઇડીએઆઇ)ના સત્તાવાર પૉર્ટલ પરથી મળી શકશે.
એલપીજીના ભાવ ફરી વધશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દેશમાં LPG (એલપીજી)ના ભાવ એક સંવેદનશીલ મુદ્દો છે. મધ્યપૂર્વની કટોકટી પછી રાંધણગૅસના ભાવમાં ભારે વધારો થયો છે.
ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ હાલમાં ભાવવધારાના અણસાર આપ્યા નથી, પરંતુ સામાન્ય રીતે દર મહિનાની શરૂઆતમાં જ ભાવમાં ફેરફાર થતો હોય છે. તેથી 1 ડિસેમ્બરે એલપીજીના ભાવ અંગે કોઈ જાહેરાત થાય છે કે નહીં તે જોવાનું રહેશે.
છેલ્લે જૂન મહિનામાં ઘરવપરાશ માટેના રાંધણગૅસના ભાવ વધ્યા હતા. જોકે, કૉમર્શિયલ ગૅસના 19 કિલોના સિલિન્ડરના ભાવમાં નિયમિત ફેરફાર થતો હોય છે.
એલપીજીની સાથે સાથે 1 ડિસેમ્બરથી વિમાનોમાં વપરાતા ATF (ઍવિયેશન ટર્બાઇન ફ્યૂઅલ)ના ભાવમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે.
આ ઉપરાંત, ઑક્ટોબર મહિનાથી સબસિડીના દરે ડૉમેસ્ટિક એલપીજી સિલિન્ડર મેળવવા માટે આધાર આધારિત e-KYC (ઈ-કેવાયસી) કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ગ્રાહકો આ કામ ગૅસ સિલિન્ડરની ડિલિવરી વખતે એલપીજીની સત્તાવાર ઍપ પર ફેસ ઑથેન્ટિકેશન દ્વારા કરાવી શકે છે. તેમાં ઇન્ડિયન ઑઇલ, હેલો BPCL (બીપીસીએલ) અને HP (એચપી) પે વગેરે ઍપ્સ સામેલ છે.
આ બાયૉમેટ્રિક ઈ-કેવાયસી માટે આધાર ફેસ ID (આઈડી)નો ઉપયોગ કરવામાં આવશે. અથવા તો ગ્રાહકો વિતરકની ઑફિસે જઈને પણ ઈ-કેવાયસી કરાવી શકે છે.
જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવવું સરળ

ઇમેજ સ્રોત, Getty Images
GST (જીએસટી - ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) હેઠળ નોંધાયેલા જે કરદાતાઓ પોતાનું જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવવા માગે છે, તેમના માટે હવે આ કામ ઘણું સરળ થઈ જશે.
1 ડિસેમ્બરથી કરદાતાઓએ જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવવા માટે ઑફિસે રૂબરૂ જવાની જરૂર નહીં પડે, કારણ કે સરકાર ઑનલાઇન જીએસટી કૅન્સલેશન સેવા શરૂ કરી રહી છે.
કેન્દ્રીય નાણા મંત્રાલયે CGST (સીજીએસટી) રૂલ્સ, 2017માં આ સુધારો કર્યો છે અને આ નવા નિયમો 1 ડિસેમ્બરથી જ અમલમાં આવશે.
નવા નિયમો અનુસાર, કરદાતાઓ જરૂરી તમામ રિટર્ન ફાઇલ કરીને અને બાકી નીકળતી તમામ રકમ ચૂકવ્યા પછી જીએસટીના કોમન પૉર્ટલ પરથી જ રજિસ્ટ્રેશન રદ કરાવી શકશે. આ સમગ્ર પ્રક્રિયા કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી જીએસટી પૉર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જોકે, કરદાતાઓએ એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જીએસટી રજિસ્ટ્રેશન ઑટોમેટિક રદ થઈ ગયા પછી પણ ભૂતકાળની બાકી નીકળતી રકમ તો ભરવાની જ રહેશે.
કોમોડિટી ટ્રેડિંગના માર્જિનમાં ફેરફાર
કોમોડિટી ટ્રેડિંગ માટે શૅરબજારની નિયમનકાર સંસ્થા SEBI (સેબી)એ માર્જિનના નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 1 ડિસેમ્બરથી અમલમાં આવશે.
નવા નિયમો અનુસાર, કૃષિ કોમોડિટી માટેનું લઘુતમ માર્જિન હવે બિનકૃષિ કૅટેગરીની કોમોડિટી જેટલું જ કરી દેવાયું છે. સેબીના આ નિયમો 1 વર્ષ સુધી અમલમાં રહેશે.
આ ફેરફારના કારણે કૃષિ કોમોડિટીમાં ટ્રેડિંગનો ખર્ચ ઘટશે અને વધુ ખાતેદારો (ટ્રેડર્સ) તેમાં ભાગ લઈ શકશે તેમ માનવામાં આવે છે.
SEBIએ કરેલા ફેરફાર મુજબ, ઓછી અસ્થિરતા—એટલે કે વૉલેટિલિટી (Volatility)—ધરાવતી કોમોડિટીમાં લઘુતમ પ્રારંભિક માર્જિન 8 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યું છે.
જ્યારે મધ્યમ વૉલેટિલિટી ધરાવતી કોમોડિટીમાં આ માર્જિન 10 ટકાથી ઘટાડીને 8 ટકા અને ઉચ્ચ વૉલેટિલિટી ધરાવતી કોમોડિટીમાં 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યું છે.
આરબીઆઈ વ્યાજદરમાં ફેરફાર કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસીય બેઠક ચોથી ડિસેમ્બરે પૂર્ણ થશે અને પછી આરબીઆઈ તેના વ્યાજદર અંગે નિર્ણય જાહેર કરશે. હાલમાં 5.50 ટકા રેપો રેટ ચાલે છે અને છેલ્લે ઑક્ટોબરમાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થયો હતો. તેના કારણે હોમ-ઑટો લોન વગેરે મોંઘી થઈ ગઈ છે.
ભારતમાં લાંબા સમય સુધી વ્યાજના દર નીચા રહેવાથી લોનના દર નીચા હતા, પરંતુ હવે રેટ વધવાની સાઇકલ શરૂ થઈ હોય તેમ લાગે છે.
આગામી મહિને પણ આરબીઆઈ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરે અને 2027 દરમિયાન પણ વધારો ચાલુ રહેશે એવી અટકળો લગાવવામાં આવે છે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે આરબીઆઈ હવે રેપો રેટને તબક્કાવાર 6.50 ટકા સુધી લઈ જાય તેવી ધારણા છે. આવા સંજોગોમાં હોમ-ઑટો લોન વગેરેના હપતા વધી જશે.
આ ઉપરાંત અમુક કંપનીઓ તેમના ક્રૅડિટ કાર્ડ ફીમાં પણ ડિસેમ્બરથી વધારો કરવાની છે.
ડિસેમ્બર મહિનો ઑટોમોબાઇલ કંપનીઓ માટે પણ ચર્ચાસ્પદ રહેશે કારણ કે ટાટા, હ્યુન્ડાઈ જેવી કંપનીઓએ ડિસેમ્બરથી કારના ભાવ વધારવાની જાહેરાત કરી છે. ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ તાજેતરમાં ભાવ વધારો જાહેર કરી દીધો છે, જ્યારે લક્ઝરી કાર ઉત્પાક ઑડી પહેલી જાન્યુઆરી 2027થી કારના ભાવ વધારશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























