You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના પ્રથમ Gen-Z આંદોલને પોતાના પ્રતીક તરીકે ડૉ. આંબેડકરને શા માટે પસંદ કર્યા?
- લેેખક, વિનાયક હોગાડે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
"ડૉ. આંબેડકર અને જય ભીમ આ દેશની દરેક શોષિત અને વંચિત વ્યક્તિનો અવાજ છે. કૃપા કરીને તેમને એક સમૂહ પુરતા મર્યાદિત રાખવાની ભૂલ કરશો નહીં."
અભિજિત દીપકેએ એક ઇન્ટરવ્યૂમાં આવું કહ્યું હતું. કૉક્રોચ જનતા પાર્ટીના આંદોલન દરમિયાન આપેલી સેંકડો મુલાકાતો દરમિયાન પણ આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે દીપકે આવું જ કહેતા જોવા મળ્યા હતા.
આંદોલનના રિપોર્ટિંગ માટે હું જ્યારે-જ્યારે જંતરમંતર જતો હતો ત્યારે-ત્યારે મને એક છબી અને એક એક સૂત્ર ઠેકઠેકાણે જોવા-સાંભળવા મળતા હતા.
તે પ્રતિમા અને સૂત્ર એટલે ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ફોટો અને 'જય ભીમ' સૂત્ર.
અલબત, જંતરમંતર પર આવેલો પ્રત્યેક પ્રદર્શનકર્તા આંબેડકરવાદી હતો અથવા અભિજિત દીપકેએ ડૉ. આંબેડકર વિશે વ્યક્ત કરેલા વિચારો સાથે બધા સંમત હતા, એવું માનવું મુર્ખામીભર્યું હશે.
વ્યાપક અર્થમાં આ આંદોલને ડૉ. બાબાસાહેબ આંબેડકરના ચહેરા અને 'જય ભીમ' સૂત્રને પોતાની ઓળખ તરીકે નિઃશંકપણે અપનાવ્યું હતું.
'ડૉ. આંબેડકરને દલિતો પૂરતા મર્યાદિત ન રાખો'
અભિજિત દીપકે કૉક્રોચ જનતા પાર્ટી નામના નવા તોફાન સાથે દિલ્હી ઍરપૉર્ટ પર ઊતર્યા ત્યારે ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બધા મીડિયા કૅમેરા તેમના રાહ જોઈ રહ્યા હતા.
માથે ટોપી, કાનમાં હેડફોન, ટી-શર્ટ અને હાથમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ફોટો ધરાવતું પુસ્તક મીડિયા કૅમેરાને દર્શાવતાં તેમણે જંતરમંતર ભણી કૂચ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારથી લઈને 29 જુલાઈએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ખાતેના તેમના ઘરે પાછા ફર્યા ત્યાં સુધી અભિજિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા.
તેમણે શરૂઆતથી જ સ્પષ્ટ કહ્યું હતું કે "હું દલિત છું. હું ડૉ. બાબાસાહેબ આંબેડકરને માનું છું. આજે હું જે કંઈ પણ છું તે તેમના કારણે જ છું."
પ્રસ્તુત આંદોલનમાં જોરદાર સંઘર્ષનો તબક્કો આવ્યો ત્યારે આ જેન-ઝી આંદોલનકર્તાઓના નેતા અભિજિતે સંઘર્ષના પ્રતિભાવ તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકરને પ્રતીક સ્વરૂપે આગળ કર્યા હતા.
મને આ આંદોલનની આવી ત્રણ ઘટનાઓ સ્પષ્ટપણે યાદ છે.
પહેલી ઘટના ઉપર ઉલ્લેખ કર્યો તે ઍરપૉર્ટ પરની પહેલી ઍન્ટ્રીની છે. બીજી શાહી ફેંકવાની ઘટના અને ત્રીજી, તેઓ સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે તેમના ટ્રકને અટકાવવાની ઘટના.
અભિજિત દીપકે પર શાહી ફેંકવાની ઘટનાનો વીડિયો ફરીથી જોયો ત્યારે મને એક વાત ખૂબ જ રમુજી લાગી હતી.
શાહી ફેંકવામાં આવી રહી હતી ત્યારે અભિજિત દીપકે કહેતા હતા કે "આ આંદોલન ગાંધી અને આંબેડકરના માર્ગે ચાલશે. તેમની છબી સાથે ચાલશે અને બંધારણના માર્ગ પર ચાલશે."
આ વાક્ય પછી એક મહિલાએ દીપકે પર શાહી ફેંકી હતી. એ ઘટનાનો પ્રતિસાદ આપતાં અભિજિતે કહ્યુ હતું કે "વાદળી મારો રંગ છે. જય ભીમ."
તેઓ સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમનો રસ્તો રોક્યો હતો.
તેમની ટ્રકના ટાયરમાંથી હવા કાઢી નાખવામાં આવી હતી અને લાઠીચાર્જ પણ કર્યો હતો. એ અંધાધૂંધી દરમિયાન પણ અભિજિતના હાથમાં આંબેડકરનો ફોટો હતો.
આંદોલનમાં ગાંધી, ભગતસિંહ અને ફૂલેની પણ ચર્ચા કેમ થઈ
આંદોલનમાં માત્ર બાબાસાહેબ જ નહીં, પરંતુ ભગતસિંહ, મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા ગાંધીના ફોટા પણ ધ્યાન ખેંચતા હતા.
જંતરમંતર પર સોનમ વાંગચુક જે જગ્યાએ ઉપવાસ પર બેઠા હતા ત્યાં મુખ્ય મંચના ટેબલ પર બાબાસાહેબ આંબેડકર, બુદ્ધ અને ગાંધીના ફોટા હતા.
આંદોલનમાંના આવા પ્રકારની સામગ્રીનું વેચાણ કરતી એક મહિલા પણ જંતરમંતર પર હતી.
"આ બધામાંથી સૌથી વધુ શું વેચાઈ રહ્યું છે," એવો સવાલ કર્યો ત્યારે એ મહિલાએ કહ્યું હતું કે "બંધારણ અને બાબાસાહેબનો ફોટો."
આંદોલન દરમિયાન તિરંગાની સાથે સાથે સૌથી વધુ સંખ્યામાં એક ધ્વજ હતો. તે વાદળી ધ્વજ હતો અને તેના પર જય ભીમ લખ્યુ હતું.
અભિજિતે એક મુલાકાતમાં કહ્યું હતું કે "જય ભીમનો અર્થ સમજવા માટે તમારે ડૉ. આંબેડકરને સમજવા પડશે."
"ડૉ. આંબેડકર ફક્ત દલિતોનો અવાજ નથી. તેઓ આ દેશમાંના તમામ પીડિત અને શોષિત લોકોનો અવાજ છે."
આ આંદોલનમાંથી ઘણા ચહેરાઓ ઊભરી આવ્યા. ઇરફાન મોહમ્મદ એક સરળ, અશિક્ષિત વ્યક્તિ છે, જે બરફ વેચે છે. રાહુલ ગાંધી તેમને મળવા તેમના ઘરે ગયા હતા.
તેમણે બંધારણની પ્રસ્તાવના, તેમના વર્તમાન પ્રતિનિધિત્વ અને વંચિતોની જિંદગી ક્યારે બહેતર બનશે એ બાબતે પોતાનો રોષ વ્યક્ત કર્યો અને તેઓ રાતોરાત વાયરલ થઈ ગયા. આ વાત તેમનાં ભાષણોથી વધારે સ્પષ્ટ થઈ ગઈ.
આંબેડકર અને ગાંધીના વેશમાં આવેલા લોકો પણ આંદોલનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
મુંબઈથી ડૉ. આંબેડકરના વેશમાં આવેલા સુરેશ ગવઈએ એક મુલાકાતમાં કહ્યું હતું કે "આજે આંબેડકર હોત તો દેશની આવી દશા ન થઈ હોત."
"કોઈની સાથે અન્યાય ન થાય એટલા માટે તેમણે બંધારણ લખ્યું હતું, પરંતુ એ ખોટા હાથોમાં જઈ પડ્યું એટલે આપણે આજે આ દિવસો જોવા પડે છે."
'આંબેડકર જાતિનું નહીં, પરંતુ મુક્તિ, આઝાદી અને ન્યાયનું પ્રતીક છે'
આંદોલનનું એક સ્થળ જંતરમંતર હતું એવી જ રીતે બીજું મહત્ત્વનું સ્થળ સોશિયલ મીડિયા હતું.
વાસ્તવમાં કૉક્રોચ જનતા પાર્ટીની શરૂઆત સોશિયલ મીડિયા મારફત થઈ હતી અને ત્યાં બનેલી ઘટનાઓ પણ મહત્ત્વની થઈ ગઈ.
સવાલ એ છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જય ભીમનો નારો આઈકોન શા માટે? આ વિશે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ વિવાદ દેખાતો હતો.
"ડૉ. આંબેડકરે એવું તે શું કર્યું છે કે ક્રાંતિની લહેર આવે છે ત્યારે ડૉ. આંબેડકર તેનો ચહેરો બની જાય છે," આ વાત દોઢ મિનિટમાં આસાન શબ્દોમાં સમજાવતી જોવા મળી હતી.
એ કહેતી હતી કે "જય ભીમનો નારો હવે સમતા અને આઝાદીનું પ્રતિનિધિત્વ કરે છે."
વાસ્તવમાં અનેક કન્ટેન્ટ ક્રિએટર્સે આંદોલન દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે આવી અનેક રીલ્સ બનાવી હતી.
અનુબ જ્યૉર્જ કહે છે કે "કૉક્રોચ જનતા પાર્ટીની સમાંતરે 'રિઝર્વેશન હટાઓ આંદોલન' નામનું નવું પેજ લૉન્ચ કરવાનું મુખ્ય કારણ એ છે કે આ આંદોલનમાં ડૉ. આંબેડકર એક આઇકૉન બન્યા છે."
અનુબ જ્યૉર્જ પુણેમાં આંદોલનમાં સામેલ થયા હતા.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "વાસ્તવમાં આ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓમાં ફૂટ પડાવવા માટે રિઝર્વેશન હટાવવાના નેરેટિવને આગળ વધારવામાં આવતું હતું, પરંતુ તે જરાય સફળ થયું નહીં, કારણ કે આંદોલનમાં જે તાકાત બની હતી એ તાકાતને જય ભીમનો નારો પોકારવામાં કોઈ મુશ્કેલી જણાતી ન હતી."
તેમણે ઉમેર્યું હતું કે, "ડૉ. આંબેડકરનો ચહેરો મોટાભાગે રિઝર્વેશનના મુદ્દા સાથે જોડાયેલો રહ્યો છે, પરંતુ આ આંદોલનની ખાસ વાત એ હતી કે તે કોઈ ખાસ સમાજનું આંદોલન ન હતું."
"આ આંદોલને ધર્મની સાથે સાથે જાતિના ભેદને પણ પાર કર્યો હતો."
"એ સિવાય આ આંદોલન અરાજકીય હતું. તેથી અહીં જે નારા લગાવવામાં આવ્યા તે ઓર્ગેનિક હતા. કોઈએ તેને જબરજસ્તી થોપ્યા ન હતા."
"આંદોલનની ભીડે જાતે જ જય ભીમ જેવા નારા લગાવ્યા હતા."
મુંબઈમાં થયેલા આંદોલનમાં સહભાગી બનેલાં સામ્યા કોરડેએ જણાવ્યું હતું કે આંબેડકર પ્રતિક કોઈ જાતિ પૂરતું મર્યાદિત રહ્યું નથી, એ આ આંદોલને સ્પષ્ટ રીતે દેખાડ્યું છે.
સામ્યાએ કહ્યું હતું કે, "શીખો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો, એવું બાબાસાહેબે પોતે કહ્યું હતું અને આ આંદોલનમાં ગામડાથી માંડીને શહેરી વિસ્તારો સુધીના વિદ્યાર્થીઓ હતા તથા એ બધાએ જય ભીમના નારા લગાવ્યા હતા."
"અમે આંદોલન બંધારણીય મર્યાદામાં રહીને કરી રહ્યા છીએ, એ દેખાડવા માટે આંબેડકરનો ફોટોગ્રાફ પ્રતીક સમાન લાગે છે. એ સિવાય જ્યાં અન્યાય થાય છે ત્યાં આ ફોટો સંઘર્ષનું પ્રતિક બની જાય છે."
દલિત અધિકાર કાર્યકર અને વિદ્વાન કેશવ વાધમારેના કહેવા મુજબ, આ આંદોલનમાં નવી પેઢીએ આંબેડકરનો ઉપયોગ જાતિના પ્રતીક તરીકે નહીં, પરંતુ મુક્તિ, આઝાદી અને ખરા અર્થમાં ન્યાયની સાથે-સાથે આધુનિકતાના પ્રતીક તરીકે કર્યો છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "90ના દાયકા સુધી આંબેડકરને એક જાતિના નેતા તરીકે દર્શાવવામાં આવતા હતા."
"મરાઠવાડાનું નામ બદલવાના આંદોલન જેવા ઉદાહરણ દર્શાવે છે કે મહારાષ્ટ્રે આંબેડકરને કેટલા 'કલંકિત' કર્યા છે, પરંતુ જેન-ઝીની વર્તમાન પેઢી જાતિને ભેદભાવથી થોડી દૂર છે."
"પાછલી પેઢીના જાતિગત પૂર્વગ્રહો જેટલા સ્ટ્રૉંગ છે, એટલા નવી પેઢીના નથી."
"તાજેતરના સમયમાં આંબેડકર માત્ર એક દલિત આઇકન જ નહીં, પરંતુ એક એવી વ્યક્તિ બની ગયા છે, તેમણે ભારતીય સમાજને આધુનિકતા શીખવાડી, આઝાદી શીખવાડી, લોજિક અને બંધારણ શીખવાડ્યું. આ સંદર્ભમાં આંબેડકર દમનના આ સમયમાં આઝાદીનું પ્રતીક બની ગયા છે."
"આ આંદોલનમાં નવી પેઢી તેમને જાતિના પ્રતીક તરીકે નહીં, પરંતુ 'આઇડિયા ઑફ ઇન્ડિયા' તરીકે ઉજવી રહી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન