રાહુલ ગાંધીએ કહ્યું, 'વડા પ્રધાન મારા ફોન ટૅપ કરાવડાવે છે' – ન્યૂઝ અપડેટ

રાહુલ ગાંધી, ફોન ટેપિંગ, વડા પ્રધાન ઉપર આરોપ
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીના આરોપો વિશે વડા પ્રધાન કે પીએમઓએ કોઈ પ્રતિક્રિયા નથી આપી
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

કૉંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ફોન ટૅપિંગનો આરોપ મૂક્યો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ આ દાવો કર્યો હતો.

રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે મોદી કહે છે કે તમને વિદેશમાંથી મદદ મળે છે. તો સામે પક્ષે તમે મોદી વિદેશી શક્તિઓના નિયંત્રણમાં હોવાનો આરોપ મૂકો છો. તમારી પાસે શું પુરાવા છે?

તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, "આ પુરાવો છે. અહીં આ ફોનમાં છે. વડા પ્રધાનને ખબર છે, કારણ કે તેઓ મારો ફોન ટેપ કરે છે."

રાહુલ ગાંધીએ કહ્યું, "સામસામે ચર્ચા થશે, તો વિદેશી શક્તિઓના નિયંત્રણમાં કોણ છે તથા દેશવિરોધી કોણ છે, તે સાબિત થઈ જશે."

"તેઓ ક્યારથી દેશવિરોધી બન્યા છે તથા બીજી ઘણી બધી માહિતી જેના વિશે મને ખબર છે, તે મારા ફોનમાં છે."

રાહુલ ગાંધીના આ નિવેદન વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે વડા પ્રધાન કાર્યાલય તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.

ટ્રમ્પે કહ્યું કે ઈરાન પર ફરી હુમલો કરતા અચકાઈશ નહીં

ટ્રમ્પે કહ્યું કે ઈરાન પર ફરી હુમલો કરતા અચકાઈશ નહીં – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે કહ્યું કે જો મને લાગશે કે હાલત વિપરીત દિશામાં જાય છે તો હું ફરી હુમલો કરીશ.

અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો તેમને લાગશે કે ઈરાનમાં સ્થિતિ ખોટી દિશામાં જઈ રહી છે, તો તેઓ ફરીથી સૈન્ય કાર્યવાહી કરતાં પાછળ નહીં હટે.

તેમણે કહ્યું કે, એવું કરવામાં તેમને કોઈ સંકોચ નહીં થાય. ટ્રમ્પે ગુરુવારે 'સેલમ ન્યૂઝ' નેટવર્કને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇરાન વિરુદ્ધ ફરીથી સૈન્ય કાર્યવાહીની શક્યતા પર આ વાત કહી.

તેમણે કહ્યું, "જો મને લાગશે કે સ્થિતિ વિપરીત દિશામાં જઈ રહી છે તો હું એવું કરીશ. બની શકે કે હું અત્યારે પણ એવું કરી દઉં. મને આમાં કોઈ સંકોચ નહીં થાય."

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે જો તેઓ વ્હાઇટ હાઉસ છોડે ત્યાં સુધી ઈરાનની વર્તમાન સરકાર સત્તામાં બનેલી રહે છે તો શું આને તેમની હાર માનવામાં આવશે? આના પર તેમણે કહ્યું, "હા, આ હાર હશે. ચોક્કસપણે."

'સેલમ ન્યૂઝ'ના પત્રકાર હ્યૂ હેવિટે ટ્રમ્પને પૂછ્યું કે જો ઈરાન કોઈ વરિષ્ઠ અમેરિકી અધિકારીની હત્યા કરી દે છે તો વૉશિંગ્ટનની શું પ્રતિક્રિયા હશે?

આના પર ટ્રમ્પે કહ્યું, "એવી પરિસ્થિતિમાં તેમનું કશું જ નહીં બચે."

માઇક્રોસૉફ્ટ આઉટેજ : એવું શું થયું કે 43 કરોડથી વધુ યુઝર્સ પ્રભાવિત થયા

માઇક્રોસૉફ્ટ કેમ બંધ થઈ ગયું? દુનિયાભરના યુઝર્સે કરી ફરિયાદ
ઇમેજ કૅપ્શન, માઇક્રોસૉફ્ટની વેબસાઇટ અનુસાર, 43 કરોડથી વધુ લોકો 'માઇક્રોસૉફ્ટ 365 ઍપ્સ'નો ઉપયોગ કરે છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માઇક્રોસૉફ્ટે તેના તાજેતરના અપડેટમાં કહ્યું છે કે તેની સેવાઓને સુધારવા અને આઉટેજ ઠીક કરવા માટે કરવામાં આવી રહેલા ફેરફારો અપેક્ષા મુજબ કામ નથી કરી રહ્યા.

કંપની આ સમસ્યાને દૂર કરવા માટે અન્ય પદ્ધતિઓનું પરીક્ષણ કરી રહી છે, જેથી તેની સિસ્ટમ પર વધુ દબાણ મૂક્યા વિના વધુ યુઝર્સને તેના પ્લૅટફૉર્મ સુધી પહોંચ આપી શકાય.

આ પહેલાં કંપનીએ ચેતવણી આપી હતી કે ફરીથી શરૂ કરાયેલી સેવાઓ ટ્રાફિક મળતાં ફરીથી કામ કરવાનું બંધ કરી શકે છે.

માઇક્રોસૉફ્ટની વેબસાઇટ અનુસાર, 43 કરોડથી વધુ લોકો 'માઇક્રોસૉફ્ટ 365 ઍપ્સ'નો ઉપયોગ કરે છે. તેમાં આઉટલુક અને ટીમ્સ જેવી સબ્સ્ક્રિપ્શન સેવાઓ સામેલ છે.

કંપનીનું કહેવું છે કે ફૉર્ચ્યુન 500ની 90 ટકાથી વધુ કંપનીઓ તેના એઆઇ ચૅટબૉટ કૉ-પાઇલોટનો ઉપયોગ કરે છે.

ટ્રૅકિંગ પ્લૅટફૉર્મ અનુસાર, માઇક્રોસૉફ્ટ 365નો ઉપયોગ કરતી કંપનીઓની સંખ્યા 30થી 40 લાખ વચ્ચે છે.

ઉલ્લેખનીય છે કે, માઇક્રોસૉફ્ટની અનેક સેવાઓમાં ગુરુવારે કનેક્ટિવિટીની સમસ્યા આવી. દુનિયાભરના યુઝર્સે ટીમ્સ, આઉટલુક અને કંપનીના એઆઇ સૉફ્ટવૅર કો-પાઇલૉટ કામ ન કરતા હોવાની ફરિયાદ કરી.

આ પછી કંપનીએ જણાવ્યું કે તે આ સમસ્યાને ઠીક કરવાનો પ્રયત્ન કરી રહી છે.

માઇક્રોસૉફ્ટે જણાવ્યું કે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક હિસ્સા પર જરૂરિયાત કરતાં વધુ લોડ પડી રહ્યો છે, જેનાથી કનેક્ટિવિટીમાં સમસ્યા આવી રહી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ સમસ્યા સૌથી પહેલાં અમેરિકામાં સામે આવી હતી, પરંતુ તેનાથી કોઈ પણ ક્ષેત્રના યુઝર્સ પ્રભાવિત થઈ શકે છે.

આઉટેજ પર નજર રાખતી વેબસાઇટ ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ, ભારતીય સમય અનુસાર ગુરુવારે રાત્રે 12 વાગ્યે બ્રિટનમાં માઇક્રોસૉફ્ટની સેવાઓને લઈને ફરિયાદોમાં અચાનક વધારો થયો.

અમેરિકામાં પણ ભારતીય સમય અનુસાર ગુરુવારે રાત્રે 11:45 વાગ્યા સુધીમાં માઇક્રોસૉફ્ટ આઉટલુકમાં સમસ્યાને લઈને 1.31 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ હતી.

અત્યાર સુધીના સૌથી મોટા ક્રિપ્ટો હૅકમાં ઉત્તર કોરિયાના હૅકર્સે કેવી રીતે કરી ચોરી

અત્યાર સુધીના સૌથી મોટા ક્રિપ્ટો હૅકમાં ઉત્તર કોરિયાના હૅકર્સે કેવી રીતે કરી ચોરી – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, એફબીઆઇએ દાવો કર્યો કે નોકરીઓની લાલચ આપીને લોકોની ઓળખ ચોરવામાં આવી.

અમેરિકી અધિકારીઓનો દાવો છે કે 400 મિલિયન ડૉલરથી વધુની ક્રિપ્ટોકરન્સી ચોરીના કેસમાં ઉત્તર કોરિયાની સરકારના હૅકર્સનો હાથ છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ચોરી નકલી વિડિયો કૉલ દ્વારા લોકોની ઓળખ ચોરીને કરવામાં આવી હતી.

'એફબીઆઇ'ના જણાવ્યા મુજબ, છેલ્લા 18 મહિનામાં 900થી વધુ લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. તપાસ એજન્સીએ આ છેતરપિંડીની પદ્ધતિને 'ફેસસ્ટીલર' નામ આપ્યું છે.

'એફબીઆઇ'ના સાઇબર ડિરેક્ટર બ્રેટ લીથમૅને કહ્યું, "ઉત્તર કોરિયાનું શાસન પોતાના ગેરકાયદે હથિયાર કાર્યક્રમ માટે મોટા પાયે ક્રિપ્ટોકરન્સીની ચોરીમાંથી મળતી રકમ પર નિર્ભર છે. તાજેતરનાં વર્ષોમાં અબજો ડૉલરની ચોરી કરવામાં આવી છે."

અત્યાર સુધીના સૌથી મોટા ક્રિપ્ટો હૅકમાં ઉત્તર કોરિયાના હૅકર્સે કેવી રીતે કરી ચોરી – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, 'એફબીઆઇ'ના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાના હૅકર્સે 900 લોકોના વિડિયો ગુપ્ત રીતે રેકૉર્ડ કર્યા

આ મામલો દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટો ઍક્સચેન્જ બાઇનાન્સના દાવાઓના એક સપ્તાહ પછી સામે આવ્યો છે.

આમાં કંપનીએ જણાવ્યું હતું કે હૅકર્સે નકલી નોકરીના ઇન્ટરવ્યૂ દ્વારા રેકૉર્ડ 6.3 અબજ ડૉલર (આશરે 59,256 કરોડ રૂપિયા)ની ચોરી કરી હતી.

અમેરિકી કાયદા અમલીકરણ એજન્સીઓએ બાઇનાન્સ પર થયેલા આ હુમલા માટે ઉત્તર કોરિયા સાથે જોડાયેલા હૅકર્સને જવાબદાર ઠેરવ્યા હતા.

આને અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિપ્ટો હૅક માનવામાં આવી રહ્યો છે. જોકે, ઉત્તર કોરિયાએ આ આરોપનો ઇન્કાર કર્યો છે.

સોનમ વાંગચુકનો દાવો; 'મને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો છે'

સોનમ વાંગચુકે કહ્યું કે તેમના ઘરની ચારેય તરફ ડઝનબંધ હથિયારબંધ સુરક્ષાકર્મીઓ તહેનાત છે.
ઇમેજ કૅપ્શન, સોનમ વાંગચુકે કહ્યું કે તેમના ઘરની ચારેય તરફ ડઝનબંધ હથિયારબંધ સુરક્ષાકર્મીઓ તહેનાત છે.

લદાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે દાવો કર્યો છે કે તેમને ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યા છે.

તેમણે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો જાહેર કરીને કહ્યું કે, તેમના ઘરની ચારેય તરફ ડઝનબંધ હથિયારબંધ સુરક્ષાકર્મીઓ તહેનાત છે. વાંગચુકે કહ્યું છે કે, તેમને સરકારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

વાંગચુકે કહ્યું કે, તેમણે ગયા વર્ષે લેહમાં થયેલાં મોતોની ન્યાયિક તપાસ પંચના અહેવાલમાં વિલંબ અને કડકડાટ સરદી વચ્ચે ઉતાવળમાં કાઉન્સિલ ચૂંટણીઓ કરાવવા અંગે સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે દાવો કર્યો કે સમગ્ર લદાખમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.

વાંગચુકે એવો પણ આરોપ લગાવ્યો કે, વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં તેમના ઍક્સ (ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એકાઉન્ટ્સની પહોંચ (રીચ)ને મોટા પાયે મર્યાદિત કરી દેવામાં આવી છે.

યુએઈમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારી, ભારતીય નાગરિકો સહિત 14 લોકોનાં મોત

યુએઇમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારી, ભારતીય નાગરિકો સહિત 14 લોકોનાં મોત - ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ટક્કર બાદ ટ્રકમાં આગ લાગી ગઈ. આગ આસપાસનાં અન્ય અનેક વાહનો સુધી ફેલાઈ ગઈ. (પ્રતીકાત્મક તસવીર)

સંયુક્ત અરબ અમિરાત (યુએઈ)ના ફુજૈરાહમાં એક ટ્રક બેકાબૂ થઈને અનેક વાહનો સાથે અથડાવાના કારણે થયેલા અકસ્માતમાં 14 લોકોનાં મોત થયાં છે અને 30 લોકો ઘાયલ થયા છે.

દેશના ગૃહ મંત્રાલયે આ માહિતી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં કુલ 23 વાહનો સામેલ હતાં, જેમાં પાંચ ટ્રક હતી.

આ દુર્ઘટના ફુજૈરાહના એન્ટ્રી ગેટ પર મધ્યરાત્રિથી થોડા સમય પહેલાં થઈ હતી. તે સમયે રોડ પર વાહનો ધીમી ઝડપે ચાલી રહ્યાં હતાં.

મંત્રાલયે જણાવ્યું કે, ટક્કર બાદ ટ્રકમાં આગ લાગી ગઈ હતી. આગ આસપાસનાં અન્ય અનેક વાહનો સુધી ફેલાઈ ગઈ, જેના કારણે મોટા પાયે જાનહાનિ થઈ.

ફુજૈરાહ પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ 30 લોકોને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં યુએઈના કેટલાક નાગરિકો પણ સામેલ છે. યુએઈસ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું કે અકસ્માતમાં ભારતીય નાગરિકોનાં પણ મોત થયાં છે.

દૂતાવાસે કહ્યું કે તે મૃતકોના પરિવારો સાથે સંપર્કમાં છે અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તેમને દરેક જરૂરી મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન