સુરત: એક જ પરિવારના 7 લોકોએ આત્મહત્યાની ઘટનામાં પોલીસે એસઆઈટીની રચના કેમ કરી?

સુરત આત્મહત્યા
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ શનિવારે 28 ઑક્ટોબરના રોજ સામૂહિક રીતે જીવન ટૂંકાવી લીધું. પાલનપુર પાટિયા વિસ્તારમાં નૂતન રો-હાઉસની સામે આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમૅન્ટના સી-૨ બ્લોકમાં રહેતા સોલંકી પરિવારના છ સભ્યોએ ઝેરી પદાર્થ ગટગટાવી જ્યારે એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

આત્મહત્યા કરનાર આ પરિવારના મૃતકોમાં મિસ્ત્રીકામના કૉન્ટ્રેક્ટર મનીષ સોલંકી (37 વર્ષ), તેમનાં પત્ની રીટાબહેન (35), પિતા કનુભાઈ (72), માતા શોભનાબહેન (70) અને 6થી 13 વર્ષની ઉંમરનાં ત્રણ બાળકો દીક્ષા, કાવ્યા અને કુશલ સામેલ છે.

આપઘાત બાદ ઘટનાસ્થળેથી મળેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, પરંતુ તેમાં કોઈના નામ ન હોવાને કારણે તથા આપઘાતનું કારણ સ્પષ્ટ ન હોવાને કારણે મામલો વધુ ગૂંચવાયો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા એ જ દિવસે પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે.

એ પરિવાર સાથે શું બન્યું હતું?

સુરત આત્મહત્યા
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

મનીષભાઈ સોલંકી ફર્નિચર બનાવવાનું કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની સાથે લગભગ 35 કારીગરો કામ કરતા હતા.

બીબીસી ગુજરાતીના સહયોગી રિઝવાન કાઝીએ આપેલી માહિતી અનુસાર આ ઘટના બની તે દિવસે તેમને ત્યાં ફર્નિચરનું કામ કરતા કારીગર મુન્નાએ મનિષભાઈના ઘરે આવીને દરવાજો ખખડાવ્યો હતો. પણ કોઈએ દરવાજો ન ખોલતાં તેણે ઘરની પાછળના ભાગે જઈ બારીનો કાચ તોડીને જોતાં મનીષભાઈ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં દેખાયા હતા.

ત્યારબાદ આસપાસના લોકોએ અને સંબંધીઓએ અંદરથી લૉક કરવામાં આવેલો દરવાજો ખોલ્યો હતો જ્યાં તેમણે એકસાથે 7 લોકોની લાશ જોઈ હતી.

પોલીસ પ્રમાણે સોલંકી પરિવારના લોકોએ આત્મહત્યા કર્યાનો મૅસેજ આવ્યા બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચતાં આ બાબત હકીકત હોવાનું તેમને માલૂમ પડ્યું હતું.

આપઘાતનું રહસ્ય અકબંધ

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસે આ ઘટના અંગે વધુ વિગત આપતાં કહ્યું હતું કે પરિવારના અંતિમ લખાણને જોતાં લાગી રહ્યું છે કે તેમને કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના નીકળતા હતા, પરંતુ એ પૈસા તેમને મળી રહ્યા નહોતા.

પરિવારે અંતિમ ચિઠ્ઠીમાં કોઈના નામનો ઉલ્લેખ કર્યો ન હોવાનું પોલીસે જણાવ્યું છે.

સ્યુસાઇડ નોટમાં પરિવારે લખ્યું છે કે, “અમે આ પગલું ભરવા પાછળનાં કારણો કે જવાબદાર લોકોના નામ લેવા માંગતા નથી. અમે મર્યા પછી કોઇને હેરાન કરવા માંગતા નથી. રૂપિયા લીધા પછી કોઈ પાછા આપતું નથી. મારો પરોપકારી અને ભલમનસાઈનો સ્વભાવ મને નડ્યો છે. મારી જિંદગીમાં મેં ઘણા લોકોને મદદ કરી છે. કોઈના પણ નામ લખવામાં અમને સંકોચ થઈ રહ્યો છે. કુદરત બધું જાણે છે અને એ પરચો બતાવશે.”

આમ, સ્યુસાઇડ નોટ પરથી પૈસાની લેતીદેતીનો મામલો હોય તેવું જણાઈ રહ્યું છે.

આ સિવાય મૃતક મનીષ કોઈ તાંત્રિક પાસે બેઠા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે, તથા તેમણે લોકોને ઉધાર આપેલી રકમ ખૂબ મોટી અંદાજે લાખો રૂપિયામાં હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.

બીબીસી ગુજરાતીના સહયોગી રિઝવાન કાઝીએ આપેલી માહિતી અનુસાર આ પ્રકારની વાતો પણ ચર્ચામાં છે અને પોલીસ આ ઘટનામાં કોઈ આ પ્રકારના ઍન્ગલ જવાબદાર છે કે કેમ તેની તપાસ પણ કરી રહી છે. એ દિશામાં આજે પોલીસે મૃતકોના મોબાઇલને આધારે તપાસ હાથ ધરી છે.

સુરતના ડીસીપી રાકેશ બારોટે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં ઘટનાની પુષ્ટિ કરતાં કહેલું કે, “મૃતકોએ અંતિમ ચિઠ્ઠી લખી છે. અમે આ પાછળનાં કારણોની તપાસ કરી રહ્યા છીએ. મોટા ભાગે આ આર્થિક સમસ્યાનો મામલો લાગી રહ્યો છે. આગળની તપાસ ચાલુ છે.”

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે કહ્યું હતું કે, "પરિવારના છ સભ્યોએ ઝેરી પદાર્થ ગટગટાવી જ્યારે એક વ્યક્તિએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે. સ્યુસાઇડમાં તેમણે કારણ લખ્યું નથી. હવે અમે મોબાઇલ ચેક કરીશું ત્યારે વધુ વિગતો જાણવા મળશે."

એસઆઇટીની રચના

આ સમગ્ર ઘટનાની તપાસ માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (એસઆઈટી) રચના કરાઈ છે.

આ માટેના પત્રમાં લખાયું છે કે, “અડાજણ પોલીસ સ્ટેશન અકસ્માત મોત નં 62/2023 સીઆરપીસી કલમ 174 મુજબના કામે 28 ઑક્ટોબર 2023ના રોજ અડાજણ વિધ્યાકુંજ સ્કૂલની પાછળ સિદ્ધેશ્વર ફ્લૅટના જી-1 રૂમ નં. સી/2 ખાતે રહેતા એક જ પરિવારના સાત સભ્યો દ્વારા અમુક અગમ્ય કારણસર સામૂહિક આત્મહત્યા કર્યાનો ગંભીર અને ચકચારી બનાવ બન્યો છે.”

“આ બનાવ ખૂબ ગંભીર હોવાથી તમામ પાસાં આવરી લઈ ઊંડાણપૂર્વક-ન્યાયિક તપાસ થાય એ માટે પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાય છે.”

નાયબ પોલીસ કમિશનર ઝોન-5, સુરત શહેરને આ એસઆઈટીનું અધ્યક્ષપદ અપાયું છે. સાથે જ એસઆઈટીના સભ્યો અને તપાસઅધિકારી તરીકે અનુક્રમે એસીપી, કે ડિવિઝન, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ અને અડાજણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને જવાબદારી સોંપાઈ છે.

ઘટના બાદ મૃતકોના પોસ્ટમૉર્ટમ કરાતાં તેના રિપોર્ટમાં માલૂમ પડ્યું હતું કે મનીષ અને રીટાબહેનના મોટાં પુત્રી અને માતાને ફાંસો અપાયો હતો. જ્યારે બાકીના તમામ સભ્યોને ઝેરી દવા અપાઈ હતી.