ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હોર્મુઝમાં ફસાયેલાં જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢીશું - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનું નૌકાદળ સોમવારથી હોર્મુઝમાં ફસાયેલાં જહાજોને સુરક્ષિત બહાર કાઢવાનું શરૂ કરશે.

તેમણે ચેતવણી આપી હતી કે આ પ્રક્રિયામાં કોઈ પણ દખલગીરીનો કડક જવાબ આપવામાં આવશે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે 'પ્રોજેક્ટ ફ્રીડમ'નો હેતુ હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલાં વિદેશી જહાજોને મદદ કરવાનો છે અને તેનો મધ્યપૂર્વની ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ઘણા દેશો જેમને મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ સાથે કોઈ લેવાદેવા નથી, તેમણે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેમનાં જહાજોને બહાર કાઢવા માટે મદદ માગી છે. ઈરાન, મધ્યપૂર્વ અને અમેરિકાના સારા માટે અમે આ દેશોને કહ્યું છે કે અમે તેમનાં જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢીશું, જેથી તેઓ તેમનું કામ સરળતાથી કરી શકે."

"મેં મારા પ્રતિનિધિઓને કહ્યું છે કે આ દેશોને જણાવે અમે તેમનાં જહાજો અને ક્રૂના સુરક્ષિત સ્થળાંતરની ખાતરી કરવા માટે શક્ય તેટલું બધું કરીશું. 'પ્રોજેક્ટ ફ્રીડમ' નામની આ પ્રક્રિયા સોમવાર સવારે શરૂ થશે."

ટ્રમ્પે આગળ લખ્યું, "ઘણાં જહાજોમાં ખોરાક, પાણી અને આવશ્યક પુરવઠો ઓછો થઈ રહ્યો છે, જેના કારણે મોટા ક્રૂને યોગ્ય રીતે જાળવવાનું મુશ્કેલ બની રહ્યું છે. મારું માનવું છે કે આ પગલું છેલ્લા કેટલાક મહિનાઓથી સતત લડત ચલાવી રહેલા બધા લોકોમાં વિશ્વાસ અને ઇરાદામાં વધારો કરશે. જોકે, આ માનવતાવાદી પ્રયાસમાં કોઈ પણ અવરોધનો કડક પ્રતિસાદ આપવામાં આવશે."

હોર્મુઝની સામુદ્રધુની એ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંની એક છે, અહીંથી વિશ્વના લગભગ 20 ટકા તેલ અને ગૅસનું પરિવહન થાય છે. જોકે, મધ્યપૂર્વમાં યુદ્ધ પછી આ માર્ગ પ્રભાવિત થયો છે.

નેપાળે લિપુલેખના રસ્તે માનસરોવર યાત્રા પર વાંધો ઉઠાવ્યો, ભારતે આ જવાબ આપ્યો

નેપાળ વિદેશ મંત્રાલયની ટિપ્પણીઓ બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે.

રણધીર જયસ્વાલે કહ્યું કે આ મુદ્દા પર ભારતનું વલણ હંમેશાં સ્પષ્ટ રહ્યું છે, ભારત વાતચીત અને રાજદ્વારી દ્વારા તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવા તૈયાર છે.

હકીકતમાં, નેપાળના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદન જાહેર કર્યું કે, "નેપાળ સરકાર સતત ભારત સરકારને આ વિસ્તારમાં રસ્તાઓનું નિર્માણ કે વિસ્તરણ, સરહદ વેપાર અને પરિવહન જેવી કોઈ પણ પ્રવૃત્તિઓ ન કરવા વિનંતી કરી રહી છે."

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું , "આ બાબતે ભારતનું વલણ હંમેશાં સ્પષ્ટ રહ્યું છે. લિપુલેખ પાસ 1954થી કૈલાસ માનસરોવર યાત્રા માટેનો જૂનો રસ્તો રહ્યો છે અને આ માર્ગ દ્વારા યાત્રા ઘણા દાયકાઓથી ચાલી રહી છે. આ કોઈ નવી બાબત નથી."

"જ્યાં સુધી સરહદી દાવાઓનો સંબંધ છે, ભારતે હંમેશાં કહ્યું છે કે આવા દાવા પાયાવિહોણા છે અને ઇતિહાસ કે પુરાવા પર આધારિત નથી. સરહદી દાવાઓનું આ એકપક્ષીય અને કૃત્રિમ વિસ્તરણ સ્વીકાર્ય નથી."

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું, "ભારત નેપાળ સાથે તમામ મુદ્દાઓ પર સકારાત્મક વાતચીત માટે તૈયાર છે, જેમાં બાકીના સંમત સરહદ મુદ્દાઓને વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલવાનો સમાવેશ થાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન