IAS પતિ અને IPS પત્ની પર 40 બંગલા-કૉટેજ ખરીદ્યાંનો આરોપ, વિપક્ષે ગણાવ્યો - 'મોટો ગોટાળો'

બીબીસી ગુજરાતી
    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, બીબીસી માટે, જયપુરથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

રાજસ્થાનના સિનિયર આઇએએસ અધિકારી શિખર અગ્રવાલ અને તેમનાં આઇપીએસ પત્ની ડૉ. પ્રશાખા માથુર પર ઉદયપુર અને અલવરના અનંતા રિસૉર્ટમાં 40 વિલા અને કૉટેજ ખરીદવાના આરોપ લાગ્યા છે.

આરોપ છે કે તેમણે આ સંપતિઓ રિસૉર્ટ ચલાવનારી ગોયલ ફૅશન્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ખરીદી અને સરકારી પદો પર રહેતા કંપનીને નિયમ વિરુદ્ધ લાભ પહોંચાડ્યો.

મામલો મીડિયામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

રાજસ્થાન સરકારે આ મામલાની તપાસ ઍન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)ને સોંપી દીધી છે. પતિ-પત્નીને તેમનાં પદો પરથી હઠાવીને 'અવેઇટિંગ પોસ્ટિંગ ઑર્ડર' (એપીઓ) કરી દીધાં છે. એટલે કે હવે તેઓ નવી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યાં છે.

રાજ્ય સરકારે 2 નવેમ્બરના રોજ આદેશ જાહેર કરીને ગોયલ ફૅશન્સ પ્રાઇવેટ લિમિટેડને અપાઈ રહેલી સરકારી છૂટ પર પણ રોક લગાવી દીધી છે.

પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગહલોતે આને ભજનલાલ શર્મા સરકારના કાર્યકાળમાં સામે આવેલો મોટો ભ્રષ્ટાચારનો મામલો ગણાવ્યો છે. તેમણે આની તપાસ સીબીઆઇ અને ઇડી પાસેથી કરાવવાની માગ કરી છે.

અત્યાર સુધી શું કાર્યવાહી થઈ?

બીબીસી ગુજરાતી

આ મામલામાં 28 ઑક્ટોબરના રોજ બંને અધિકારીઓને તેમનાં પદો પરથી હઠાવી દેવાયાં. હાલ તેમને કોઈ નવી જવાબદારી નથી સોંપાઈ.

એ બાદ 30 ઑક્ટોબરના રોજ સરકારે આઇએએસ અધિકારી શિખર અગ્રવાલ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસને મંજૂરી આપી. ઍન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ 31 ઑક્ટોબરના રોજ મામલો દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી.

શિખર અગ્રવાલ અને તેમનાં પત્ની હાલ અમેરિકામાં છે. અમે ફોન કરીને તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની સાથે વાત ન થઈ શકી.

બીબીસી ન્યૂઝે અનંતા રિસૉર્ટ ઉદયપુર સાથે પણ ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે પણ વાત ન થઈ શકી.

કુલ કેટલાં વિલા અને કૉટેજ ખરીદવામાં આવ્યાં?

બીબીસી ગુજરાતી

એસીબીના મહાનિદેશક ગોવિંદ ગુપ્તાએ એક પ્રેસ નોટ જાહેર કરીને જણાવ્યું કે હોટલ અને રિસૉર્ટ ચલાવનારી ગોયલ ફૅશન્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ઉદયપુર અને અલવરમાં 40 વિલા અને કૉટેજ ખરીદવામાં આવ્યાં.

તેમાં ઉદયપુર જિલ્લાના બુઝડા ખાતે સ્થિત એક રિસૉર્ટનાં 20 કૉટેજ અને અલવર જિલ્લાના અજબગઢસ્થિત એક રિસૉર્ટના 20 વિલા સામેલ છે.

મીડિયા રિપોર્ટો અનુસાર, ઉદયપુરના રિસૉર્ટમાં સપ્ટેમ્બર 2023માં 20 કૉટેજ ખરીદવામાં આવ્યાં હતાં. આરોપ છે કે શિખર અગ્રવાલ અને પ્રશાખા માથુરે આ કૉટેજ દસ-દસ લાખ રૂપિયામાં ખરીદ્યાં.

એસીબીની પ્રેસ નોટમાં જણાવાયું કે અલવરના રિસૉર્ટમાં માર્ચ 2026 20 વિલા ખરીદવામાં આવ્યા. તેમાં આઠ-આઠ વિલા પતિ-પત્નીના નામે, બે વિલા તેમનાં દીકરા અને બે પ્રશાખા માથુરનાં માતાપિતાના નામે ખરીદવામાં આવ્યા.

એક વિલાની કિંમત લગભગ 15 લાખથી સાડા 16 લાખ રૂપિયા વચ્ચે હોવાનું જણાવાઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટોમાં આરોપ કરાઈ રહ્યો છે કે તમામ 40 વિલા અને કૉટેજ કુલ 6.16 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યાં.

જે કંપની પાસેથી ખરીદ્યાં, તેને જ ભાડે આપ્યાં

આ ખરીદી સાથે સંકળાયેલી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જે કંપની પાસેથી આ 40 સંપત્તિઓ ખરીદવામાં આવી, બાદમાં કથિતપણે એ જ કંપનીને લીઝ પર આપી દેવાઈ.

મીડિયા રિપોર્ટો અનુસાર, ઉદયપુરના પ્રત્યેક કૉટેજનું વાર્ષિક ભાડું ચાર લાખ રૂપિયા અને અલવરના પ્રત્યેક વિલાનું ભાડું પાંચ લાખ રૂપિયા છે.

દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત સમચારો પ્રમાણે, 20 કૉટેજમાંથી વાર્ષિક 80 લાખ રૂપિયા અને 20 વિલામાંથી એક કરોડ રૂપિયાનું ભાડું મળી રહ્યું છે. આવી રીતે આ સંપત્તિઓથી વાર્ષિક કુલ 1.80 કરોડ રૂપિયાનું ભાડું મળવાની વાત કરાઈ છે.

સંપત્તિઓની ખરીદી પર ખર્ચાયેલી રકમની સરખામણીએ એક વર્ષનું ભાડું લગભગ 29 ટકા સુધી બેસે છે.

આ ખરીદી અને લીઝની પ્રક્રિયાના કારણે સવાલ ઊઠ્યા છે કે કંપનીએ પોતાની સંપત્તિઓ અધિકારીઓના પરિવારનો વેચીન ફરી વાર લીઝ પર કેમ લીધી અને આ સોદા સમયે સંપત્તિઓની વાસ્તવિક બજારકિંમત શું હતી?

શિખર અગ્રવાલ પર કંપનીને લાભ પહોંચાડવાનો આરોપ

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મામલો સામે આવ્યા બાદ શિખર અગ્રવાલની સંપત્તિઓ અને સરકારી પદો પર રહેતા કંપનીને કથિતપણે લાભ પહોંચાડવાની વાત અંગે સવાલ ઊઠી રહ્યા છે.

એસીબીએ પ્રારંભિક તપાસ અંગે જાહેર કરેલ પ્રેસ નોટમાં દાવો કર્યો કે શિખર અગ્રવાલે જુદાં જુદાં પદો પર રહેતાં ગોયલ ફૅશન્સના નિદેશકો સાથે મળીને કંપનીને અયોગ્ય રીતે લાભ કરાવ્યો.

શિખર અગ્રવાલ મુખ્ય મંત્રી ભજનલાલ શર્માના કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ પણ રહી ચૂક્યા છે. આ જ કારણે વિપક્ષ આ મામલા અંગે રાજ્ય સરકારને ઘેરી રહ્યો છે.

એસીબી પ્રમાણે, શિખર અગ્રવાલ પર રિસૉર્ટમાં નિર્માણ સાથે સંકળાયેલી શરતોમાં કથિત છૂટ અપાવવાનો, જરૂરી પ્રમાણપત્રોની તપાસ કર્યા વગર મંજૂરી આપવાનો અને કંપનીને વિશેષ છૂટ ફાયનાન્સિયલ પૅકેજ અપાવવાનો આરોપ છે.

એસીબીનું કહેવું છે કે આનાથી રાજ્ય સરકારને આર્થિક નુકસાન થવાની આશંકા છે.

એસીબીના મહાનિદેશક ગોવિંદ ગુપ્તા પ્રમાણે, બ્યૂરોએ મીડિયા રિપોર્ટો, ઉદ્યોગ વિભાગ પાસેથી મળેલા તથ્યાત્મક રિપોર્ટ અને ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી જાણકારીને જોઈ હતી.

આ બાદ પ્રથમ દૃષ્ટિએ તપાસયોગ્ય તથ્ય સામે આવ્યા બાદ પ્રારંભિક રિપોર્ટ દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો.

મામલો સામે કેવી રીતે આવ્યો?

આ મામલો દૈનિક ભાસ્કરના ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર અવધેશ આકોદિયાના એક રિપોર્ટ બાદ જાહેર થયો.

આ બીબીસી ન્યૂઝ સાથે વાત કરતાં કહે છે, "40 વિલાના આ મામલામાં 14 વિલા શિખર અગ્રવાલના નામે હોવાની જાણકારી જાહેર પૉર્ટલથી મળી. આ બાદ આગળની તપાસમાં વધુ જાણકારીઓ સામે આવી."

તેઓ જણાવે છે કે, "પૉર્ટલ પર 14 સંપત્તિઓની ખરીદી અને તેમાંથી મળતા વાર્ષિક ભાડાની તપાસ કરતાં ખબર પડી કે માત્ર શિખર અગ્રવાલ જ નહીં, પરંતુ તેમનાં પત્નીના નામ પર પણ વિલા અને કૉટેજ છે, પરંતુ તેમનાં પત્નીના નામની સંપત્તિઓની જાણકારી આઇપીઆર પૉર્ટલ પર નથી અપાઈ."

અવધેશ આકોદિયા કહે છે, "તપાસમાં સામે આવ્યું કે તેમનાં પુત્રો અને સાસુ-સસરાનાં નામે પણ કૉટેજ અને વિલા ખરીદવામાં આવ્યાં. આમ, સમગ્ર મામલાનો ખુલાસો થયો."

અવધેશ આકોદિયાએ પોતાના અહેવાલ માટે શિખર અગ્રવાલનો પક્ષ પણ લીધો હતો.

તેમના પ્રમાણે, શિખર અગ્રવાલે કહ્યું કે તેમાં કંઈ ખોટું નથી. સંપત્તિઓની જાણકારી આઇપીઆર પૉર્ટલ પર અપાઈ છે અને આવકવેરા રિટર્નમાં પણ તેનો ઉલ્લેખ કરાયો છે.

જોકે, પત્નીના નામે થયેલી સંપત્તિઓની જાણકારી આઇપીઆર પૉર્ટલ પર ન હોવાના સવાલ અંગે શિખર અગ્રવાલે કહ્યું કે એ કદાચ કોઈ અન્ય જગ્યાએ અલલોડ થઈ ગઈ હશે.

આકોદિયા કહે છે, "જાણકારી કોઈ અન્ય જગ્યાએ અપલોડ થઈ જાય એવું નથી થતું, કારણ કે એ માહિતી સીધી પૉર્ટલ પર ભરવામાં આવે છે. તેમાં કંઈ અપલોડ કરવાનું નથી હોતું."

તેમના પ્રમાણે, વર્ષ 2023માં શિખર અગ્રવાલનાં પત્ની આઇપીએસ ડૉ. પ્રશાખા માથુરના નામે ઉદયપુરમાં દસ કૉટેજ ખરીદવામાં આવ્યાં હતાં, પરંતુ તેમણે આની જાણકારી આરટીઆઇમાં પણ ન આપી.

આકોદિયાનું કહેવું છે કે જ્યારે શિખર અગ્રવાલનાં બંને દીકરા અને સાસુ-સસરાનાં નામ પરની સંપત્તિઓ અંગે સવાલ કરાયો, તો તેમણે કહ્યું કે બધાએ પોતપોતાના સ્તરે આ ખરીદી કરી છે.

અશોક ગહલોતે મુખ્ય મંત્રીને શું પૂછ્યું?

બીબીસી ગુજરાતી

મામલો સામે આવ્યા બાદ પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગહલોતે રાજ્યની ભાજપ સરકારને ઘેરી.

તેમણે 30 ઑક્ટોબરના રોજ જયપુરમાં પોતાના ઘરે મીડિયા સાથેની વાતચીતમાં આને ભજનલાલ શર્મા સરકારના કાર્યકાળમાં સામે આવેલો સૌથી મોટો ગોટાળો કહ્યો.

તેમણે કહ્યું કે માત્ર અધિકારીને એપીઓ કરવા એ પૂરતું નથી. મામલાની તપાસ સીબીઆઇ અને ઇડી પાસેથી કરાવવી જોઈએ.

તેમણે મુખ્ય મંત્રી ભજનલાલ શર્માની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવતાં આરોપ કર્યો કે સંબંધિત કંપનીને લાભ પહોંચાડવાના નિર્ણય પાછળ મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં થયેલી બેઠકો અને મુખ્ય મંત્રી કાર્યાલયની ભૂમિકાની તપાસ થવી જોઈએ.

3 ઑક્ટોબરના રોજ ગહલોતે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પણ મુખ્ય મંત્રીને સવાલ કર્યા.

તેમણે કહ્યું, "મુખ્ય મંત્રીજી, સવાલ હજુ પણ એ જ છે, અનંતા રિસૉર્ટને વિશેષ પૅકેજ આપવામાં તમારી શું ભૂમિકા છે? અને આ પ્રકરણની તપાસ એસીબીના સ્થાને સીબીઆઇને કેમ નથી સોંપી રહ્યા?"

ગહલોતે સરકારને મામલા અંગે સ્પષ્ટીકરણ આપવા અને અત્યાર સુધી કરાયેલી કાર્યવાહીનું વિવરણ જાહેર કરવાની પણ માગ કરી.

તેમનું કહેવું છે કે મામલાની ગંભીરતાને જોતા માત્ર એસીબી તપાસ પૂરતી નહીં કહેવાય. આની સાથે સંકળાયેલા તમામ નિર્ણયો નાણાકીય લેવડદેવડની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.

ભાજપના ધારાસભ્ય બાલમુકુંદાયાર્યે મીડિયાને કહ્યું કે એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે.

તેમણે કહ્યું કે આ ઝીરો ટૉલરન્સવાળી સરકાર છે અને જો કોઈ દોષિત મળી આવે, તો તેની સામે કડક કાર્યવાહી થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન