You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'બોર્ડ ઑફ પીસે હમાસને હથિયાર છોડવા રાજી કર્યું', ટ્રમ્પના આ દાવા પર હમાસે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમના 'બોર્ડ ઑફ પીસે' ગાઝામાં હમાસ અને અન્ય સશસ્ત્ર જૂથો સાથે એક સમજૂતી કરી છે. આ સમજૂતી અંતર્ગત તેઓ હથિયાર છોડી દેશે.
હમાસના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે સંગઠને ગાઝામાં પૂર્ણ પ્રકારે હથિયારો છોડવાના 'બોર્ડ ઑફ પીસ'ના પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે આ મામલે આધિકારિક નિવેદન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
જોકે, ઇઝરાયલ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી. ટ્રમ્પે કહ્યું કે જેમ-જેમ નિરસ્ત્રીકરણનું કામ પૂરું થતું જશે, ઇઝરાયલી સેના પરત ફરશે.
આ સમજૂતીને તેમણે ગાઝામાં અંતત: નવી પેલેસ્ટાઇન સરકારના શાસનની દિશામાં એક 'મહત્ત્વપૂર્ણ પગલું' ગણાવ્યું.
અમેરિકાની મધ્યસ્થતા ધરાવતા 'ગાઝા સીઝફાયર પ્લાન'ના બીજા ચરણમાં હમાસને હથિયાર છોડવા માટે મનાવવાનું સામેલ હતું. આ ચરણમાં જ ગાઝાનું પુનર્નિર્માણની યોજના પણ છે.
ઇઝરાયલનું વલણ સ્પષ્ટ નહીં
તો સમાચાર એજન્સી રૉયટર્સે અજ્ઞાત સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા કે અમેરિકાની મધ્યસ્થતાવાળી ગાઝા શાંતિ યોજના લાગુ કરવા મુદ્દે કાહિરામાં મધ્યસ્થો અને હમાસના નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે.
તેમણે કહ્યું કે લાંબા સમય બાદ કેટલીક પ્રગતિ થઈ છે, પરંતુ એક ઇઝરાયલી અધિકારીએ કહ્યું કે જે શરતો રાખવામાં આવી છે, એ સંતોષકારક નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પ તરફથી હમાસના નેતાઓ હથિયાર છોડવા માટે રાજી હોવાની જાહેરાત કર્યા બાદ ધ ટાઇમ્સ ઑફ ઇઝરાઇલટે એક અજ્ઞાત સૂત્રના હવાલાથી સમાચાર આપ્યા કે હમાસના વાટાઘાટ કરનારા, બોર્ડ અને મધ્યસ્થ દેશોના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થઈ ગયા છે.
જોકે રિપોર્ટમાં કહેવાયું કે 'ઇઝરાયલી ઑફિસ' તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયું કે નિરસ્ત્રીકરણનો પ્રસ્તાવ ઇઝરાયલની માગો પર ખરો ઊતરતો નથી.
અગાઉ ઇઝરાયલ મીડિયામાં ચાલતા રિપોર્ટોમાં કહેવાયું હતું કે ઇઝરાયલ હમાસ સાથે ચર્ચાઈ રહેલા કરારની વિરુદ્ધ હતું.
શાંતિ બોર્ડે સમજૂતીને 'ઐતિહાસિક સફળતા' ગણાવી
બોર્ડ તરફથી સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
બોર્ડ કહે છે કે આ સમજૂતી "ગાઝામાં નવું શાસન, સુરક્ષા, માનવતાવાદી રાહત, પુનર્નિર્માણ અને આર્થિક પુનઃપ્રાપ્તિ સ્થાપિત કરવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિઝનને આગળ વધારવા માટે મહિનાઓ સુધી ચાલેલી સઘન, સદ્ભાવનાપૂર્ણ વાટાઘાટ"ને પૂર્ણ કરે છે.
બોર્ડ કહે છે કે આ સમજૂતી "ગાઝાના લોકોને નોંધપાત્ર લાભ પહોંચાડવાનું વચન આપે છે."
"રોડમેપ એક ઐતિહાસિક સફળતા દર્શાવે છે. પહેલી વાર હમાસે સત્તાવાર રીતે તેનાં તમામ શસ્ત્રો છોડી દેવા માટે એક કાર્યક્ષમ યોજના માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જે પછી ગાઝામાંથી ઇઝરાયલ સૈનિકો પાછા જશે."
નિવેદન એમ કહીને સમાપ્ત થાય છે કે બોર્ડનું ધ્યાન હવે અમલીકરણ પર છે.
ગાઝામાં ઇઝરાયલ અને હમાસનો સંઘર્ષ
ઉલ્લેખનીય છે કે હમાસે 2023ની સાતમી ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયલ પર કરેલા હુમલાના જવાબમાં ઇઝરાયલી સૈન્યે ગાઝામાંનું અભિયાન શરૂ કર્યું હતું.
તેમાં અત્યાર સુધીમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા છે અને 251ને બંધક બનાવવામાં આવ્યા હતા.
ગાઝામાં હમાસના નિયંત્રણ હેઠળના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 66,055 લોકો માર્યા ગયા છે.
ગાઝા સિટીમાં દુકાળની સ્થિતિ હોવાની પુષ્ટિ સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત એક સંસ્થાએ તાજેતરમાં જ કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રની એક તપાસ સમિતિએ આ મહિને એવું તારણ કાઢ્યું હતું કે ઇઝરાયલે ગાઝામાં નરસંહાર કર્યો છે. અલબત્ત, ઇઝરાયલે તેને આકરા શબ્દોમાં ફગાવી દીધું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન