ઓમાન કાંઠા પાસે ભારતીય ધ્વજવાળા જહાજ પરથી તમામ 14 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

ઓમાનમાં મોજૂદ ભારતીય દૂતાવાસે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે ઓમાનના સમુદ્ર કાંઠાની પાસે એક ભારતીય ધ્વજવાળા જહાજનું એન્જિન ફેઇલ થયા બાદ તેના પર સવાર તમામ 14 ભારતીય ક્રૂ મેમ્બરને સફળતાપૂર્વક બચાવી લેવાયા છે.

ઓમાનમાં ભારતીય દૂતાવાસે એક્સ પર જણાવ્યું કે "ભારતીય ધ્વજવાળા એમએસવી વિરાટ 1નું બચાવઅભિયાન સફળતાપૂર્વક પૂરું થઈ ચૂક્યું છે. તમામ 14 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા છે અને તેઓ હાલ જબલ અલી 9 પર સવાર થઈને મુંબઈ જઈ રહ્યા છે. ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને તેમનું સ્વાસ્થ્ય સારું છે."

તેમજ રવિવારે બપોરે ભારતીય દૂતાવાસે એક્સ પર લખ્યું હતું, "મિશનને ઓમાનના તટ પાસે ભારતીય ધ્વજવાળા જહાજ વિરાટ-1 સાથે સંકળાયેલી એક ઘટનાની માહિતી મળી છે. જહાજ પર ચાલકદળના 14 ભારતીય સવાર હતા. તેમાંથી 11ને બચાવી લેવાયા છે."

અમુક સમય બાદ ભારતીય દૂતાવાસે લખ્યું, "એક બહેતરીન અને નિરંતર બચાવઅભિયાન મારફતે એમએસસી વિરાટ-1ના 14 ચાલકદળના સભ્યોમાંથી 11ને બચાવી લેવાયા છે. તેમને એમવી જબલ અલી-9 પર સુરક્ષિત પહોંચાડી દેવાયા છે."

"ચાલકદળના અન્ય સભ્યોને બચાવવાનું અભિયાન પણ ચાલું છે અને તે જલદી પૂરું થાય તેવી આશા છે."

દૂતાવાસે વધુ એક પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે જહાજનું એન્જિન ખરાબ થઈ ગયું હતું. જોકે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે જહાજ ડૂબી ગયં છે, પરંતુ બીબીસી તેની પુષ્ટિ નથી કરતું.

રામમંદિરમાં દાનની કથિત ગરબડ અંગે એસઆઇટી બનાવાઈ, નૃપેન્દ્ર મિશ્રાએ શું જણાવ્યું?

અયોધ્યના રામમંદિરમાં દાનના વિવાદની તપાસ માટે બનાવાયેલી વિશેષ તપાસ ટીમ (એસઆઇટી)ના સમાચાર અંગે રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાનું નિવેદન આવ્યું છે.

નૃપેન્દ્ર મિશ્રા પ્રમાણે, ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની તપાસ માટે 24 કલાકની અંદર એસઆઇટીનું ગઠન કર્યું છે.

આ પહેલાં રવિવારે સમાચાર એજન્સી એએનઆઇએ સમાચાર આપ્યા કે યુપી સરકારે રામમંદિરમાં કથિત દાનવિવાદ અંગે તપાસ માટે ત્રણ સભ્યોવાળી એસઆઇટીની રચના કરી છે.

એજન્સી પ્રમાણે, આ ટીમમાં આઇએએસ વિજય વિશ્વાસ પંત, આઇપીએસ કિરણ એસ અને નાણા વિભાગના સચિવ નીલ રતન સામેલ છે.

એએનઆઇ પ્રમાણે, યુપી સરકારે રામજન્મભૂમિક મંદિર ટ્ર્સ્ટની વિનંતી બાદ તપાસ દળની રચના કરી છે.

એ બાદ રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું, "એ વાતની પ્રશંસા થવી જોઈએ કે રાજ્ય સરકારે 24 કલાકથી ઓછો સમય લીધો અને એસઆઇટીની રચના કરી નાખી. એસઆઇટીમાં ખૂબ વરિષ્ઠ અધિકારીઓને રખાયા છે."

તેમણે કહ્યું, "આપણે આ પહેલનું સમર્થન કરવું જોઈએ, કારણ કે રાજ્ય સરકાર જે ઝડપથીથી કામ કરી રહી છે, તેમણે માત્ર 15 દિવસની સમયમર્યાદા નક્કી કરી છે. સરકારે સાત દિવસમાં પ્રારંભિક રિપોર્ટ અને 15 દિવસમાં અંતિમ રિપોર્ટ સોંપવાનો સમય આપ્યો છે."

થોડા દિવસ પહેલાં રામમંદિરમાં દાન અંગે કથિત ગરબડોના આરોપ લાગ્યા હતા.

સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, એ બાદ રામમંદિર ટ્ર્સ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસના ઉત્તરાધિકારી મહંત કમલનયનદાસે કોઈ પણ કથિત અનિયમિતતાની નિષ્પક્ષ તપાસની માગ કરી હતી.

માર્કો રુબિયોના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું, 'ન અફસોસ, ન માફી, પરંતુ આદેશ'

પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓનાં મૃત્યુ બાદ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોના નિવેદન પર ભારતમાં તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે.

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું, "અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓનાં મૃત્યુના થોડા જ દિવસો પછી કોઈ અફસોસ નથી, ન કોઈ માફી. તેનાથી વિપરીત અમેરિકાએ આદેશો આપવાનું ચાલુ રાખ્યું છે."

તેમણે લખ્યું, "તેમના શબ્દો વાંચો: 'તાત્કાલિક અમેરિકન સૈન્યના આદેશોનું પાલન કરો' કોઈપણ ઉલ્લંઘન 'સહન' કરવામાં આવશે નહીં."

વિપક્ષના નેતાએ કહ્યું કે 'એક સ્વતંત્ર દેશ આવી ભાષા ક્યારેય સહન કરશે નહીં.' પરંતુ આપણા વડા પ્રધાન 'ચૂપ'છે અને તેમના આદેશોનું પાલન કરે છે."

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું, તેમણે ભારતીય ખલાસીઓનાં મૃત્યુ અંગે અમેરિકાના વિદેશ મંત્રી સમક્ષ 'સખત વિરોધ' નોંધાવ્યો છે.

જોકે, શનિવારે અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, માર્કો રુબિયોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે "બધા કૉમર્શિયલ જહાજોએ સ્ટ્રેટમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો પ્રયાસ કરતી વખતે અમેરિકન લશ્કરી આદેશોનું તાત્કાલિક પાલન કરવું જોઈએ."

તેમણે ઉમેર્યું હતું કે "અમેરિકન નાકાબંધીનું ઉલ્લંઘન અને ઈરાની ઑઇલના ગેરકાયદેસર પરિવહનને સહન કરવામાં આવશે નહીં."

પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત ફ્રાન્સમાં થઈ શકે છે

ફ્રાન્સમાં યોજાનારી જી-7 બેઠકથી અલગ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થાય તેવી શક્યતા છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ અમેરિકન મીડિયાને ટાંકીને આ માહિતી આપી છે.

અમેરિકન મીડિયાએ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક બુધવાર 17 જૂને થશે. ટ્રમ્પ સોમવારે સવારે જી-7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સ રવાના થશે.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વૉશિંગ્ટનમાં તેમની મુલાકાત પછી બંને નેતાઓ વચ્ચે હવે મુલાકાત થશે.

આ દરમિયાન સમાચાર એજન્સી એએનઆઈએ એક વરિષ્ઠ અમેરિકન અધિકારીનું નિવેદન બહાર પાડ્યું છે, જેમાં બુધવાર 17 જૂને બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકનો પણ ઉલ્લેખ છે.

આ મુલાકાતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ગલ્ફમાં ત્રણ ભારતીય ખલાસીઓનાં મોતને લઈને ભારત અને અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવ છે.

તાજેતરમાં, ઓમાનના અખાતમાં એક કાર્ગો જહાજ પર થયેલા હુમલામાં ત્રણ ભારતીયોનાં મોત થયાં હતાં. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાત કરી હતી અને આ ઘટનાનો "સખત શબ્દોમાં વિરોધ" વ્યક્ત કર્યો હતો.

જોકે, અમેરિકા તરફથી એક નિવેદનમાં આવ્યું કે અમેરિકન નાકાબંધીનું ઉલ્લંઘન અને ઈરાની ઑઇલના 'ગેરકાયદેસર પરિવહન'ને સહન કરવામાં આવશે નહીં.

પીએમ મોદીની ફ્રાન્સ મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર 13 જૂને ફ્રાન્સના નીસમાં ઉતર્યા પછી કહ્યું કે તેઓ આ મુલાકાત દરમિયાન અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકો અને કાર્યક્રમોમાં ભાગ લેશે.

તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોંને મળવા વિશે પણ વાત કરી.

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી 13થી 18 જૂન સુધી ફ્રાન્સ અને સ્લૉવાકિયામાં રહેશે. તેઓ 13થી 14 જૂન સુધી ફ્રાન્સના નીસ અને 16થી 18 જૂન 2026 દરમિયાન ઍવિયાન અને પેરિસની મુલાકાત લેશે.

આ દરમિયાન, તેઓ 14થી 16 જૂન સુધી સ્લૉવાકિયાની સત્તાવાર મુલાકાત લેશે.

અમેરિકા સાથે સંભવિત સમજૂતી સામે ઈરાનમાં વિરોધપ્રદર્શન

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર થશે તેવી જાહેરાતો અને અટકળો સામે ઈરાનમાં વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં છે. આ સંભવિત સમજૂતી સામે કેટલાક વિરોધીઓએ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બગર ગાલિબાફ સામે વિરોધપ્રદર્શન કર્યાં હતાં.

મનાય છે કે આ પ્રદર્શનકારીઓ 'પર્સિસ્ટન્ટ ફ્રન્ટ'ના નજીકના ચહેરાઓ હતા. બીબીસી ફારસી સેના પ્રમાણે આ સંગઠન ઈરાનમાં એક 'કટ્ટરવાદી સંગઠન' તરીકે ઓળખાય છે.

આ પ્રદર્શનકર્તાઓએ ઈરાનની રાજધાની તહેરાનના ઇબ્ન-સિના સ્ક્વૅરમાં આ પ્રદર્શન યોજ્યાં હતાં. પ્રદર્શનકારીઓ 'શરમ કરો..શરમ કરો'ના નારા પોકારતા હતા.

ઈરાનના મશહદમાં પણ આ પ્રકારે જ પ્રદર્શનો યોજાયાં હતાં.

ફાર્સ ન્યૂઝ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયો અનુસાર વિરોધીઓએ અરાઘચી વિરોધમાં સુત્રોચ્ચાર પોકાર્યા હતા. તેમનું કહેવું હતું કે આ કરાર ઈરાનનાં હિતમાં નથી અને તેનાથી હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાનનું વર્ચસ્વ ઘટશે.

બીબીસી ઉર્દુએ લખ્યું છે કે સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો, જેની એએફપી પણ સ્વતંત્ર ચકાસણી કરી શક્યું નથી, તેમાં સંસદના સ્પીકર અને ઈરાનના મુખ્ય વાટાઘાટકારો પૈકીના એક મોહમ્મદ બગર ગાલિબાફ સામે સુત્રોચ્ચાર કરી રહ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે આજે સમજૂતી થશે તેવી વાત કરી, ઈરાને શું કહ્યું?

ફારસની ખાડીમાં સંઘર્ષ સમાપ્ત કરવા અંગે ટ્રમ્પે દાવો કર્યો કે રવિવારે એટલે કે આજે બંને પક્ષો વચ્ચે સમજૂતી માટે હસ્તાક્ષર થશે, જ્યારે ઈરાને કહ્યું છે કે હસ્તાક્ષર માટે હજુ સુધી કોઈ ચોક્કસ સમય નક્કી થયો નથી.

ઈરાની સરકારી મીડિયાના અનુસાર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ શનિવારે કહ્યું કે અમેરિકા સાથેના કરાર પર હસ્તાક્ષર કરવાનો સમય હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી.

તેમણે એક નિવેદનમાં કહ્યું, "સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરવા માટેના ચોક્કસ સમય માટે અમારે રાહ જોવી પડશે."

તેમણે કહ્યું કે રવિવારે હસ્તાક્ષર નહીં થાય, "જોકે, આવનારા દિવસોમાં હસ્તાક્ષર થવાની સંભાવનાને નકારી શકાય નહીં. અન્ય પક્ષના વલણમાં અસંગતતાને ધ્યાનમાં રાખીને, અમારે આ પ્રક્રિયા અંગે કોઈપણ નિવેદન આપતી વખતે સાવચેતી રાખવી જોઈએ."

જોકે બકાઈના નિવેદનના થોડા કલાકો બાદ જ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, "સમજૂતી પર કાલે (રવિવારે) હસ્તાક્ષર થવાના છે, અને જેમ જ આ પર હસ્તાક્ષર થઈ જશે, હોર્મુઝ સામુદ્રધુની બધા માટે ખુલ્લી થઈ જશે."

ઈરાનના સંવર્ધિત યુરેનિયમના ભંડાર તરફ ઇશારો કરતા ટ્રમ્પે કહ્યું કે "યોગ્ય સમયે, જ્યારે બધું શાંત થઈ જશે, ત્યારે અમે ત્યાં જઈશું અને 'ન્યુક્લિયર ડસ્ટ' મેળવીશું."

આ પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ મધ્યસ્થની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાને પણ શનિવારે કહ્યું હતું કે સમજૂતીને આવનારા 24 કલાકની અંદર અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી આશા છે અને બંને દેશો 'ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર માટે તૈયારી કરી રહ્યા છે.'

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પણ શનિવારે કહેલું કે અમેરિકા અને ઈરાન સમાધાનની ખૂબ નિકટ પહોંચી ચૂક્યા છે.

તેમણે એક્સ પર લખ્યું, "અમે પહેલાં કરતા શાંતિ સમાધાનથી ખૂબ નિકટ છીએ."

"આગામી 24 કલાકમાં તે ફાઇનલ થવાની આશા છે, જેના બિલકુલ બાદ પાકિસ્તાન શાંતિ સમાધાન પર ઇલેક્ટ્રૉનિક રીતે સહી કરવાની તૈયાર કરી રહ્યું છે. એ બાદ આગામી અઠવાડિયે તકનીકી સ્તરની વાતચીત થશે."

તેમણે આગળ કહ્યું, "અમે વાતચીત દરમિયાન સતત સહયોગ માટે અમેરિકા અને ઈરાનનો આભાર વ્યક્ત કરવા માગીએ છીએ, અને આ ક્ષેત્રમાં રહેલા પોતાના ભાઈઓનો પણ તેમના સમર્થન માટે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ."

પીએમ શહબાઝ શરીફે કહ્યું કે તેમને પૂરો વિશ્વાસ છે કે આ ઐતિહાસિક શાંતિ સમાધાન સ્થાયી શાંતિ માટે એક મજબૂત આધાર બનશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન