You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મમતા બેનરજીએ ભવાનીપુર ચૂંટણી પરિણામને કોર્ટમાં પડકાર્યું – ન્યૂઝ અપડેટ
પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજીએ આજે ભવાનીપુર બેઠક પર તેમની હારને કલકત્તા હાઈકોર્ટમાં પડકારી છે.
મમતા બેનરજીએ ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારીની જીતને પડકારતી અરજી અને સોગંદનામું દાખલ કર્યું છે.
તૃણમૂલ કૉંગ્રેસ સાથે સંકળાયેલાં સૂત્રોએ આ માહિતી આપી છે.
મંગળવારે બપોરે મમતા બેનરજી અચાનક પાર્ટી નેતા ડોલા સેન અને ધારાસભ્ય કુણાલ ઘોષ સાથે હાઈકોર્ટ પહોંચ્યાં હતાં.
વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછી મમતા બેનરજી બીજી વખત કોર્ટમાં હાજર થયાં હતાં. ગત મહિનાની શરૂઆતમાં, જ્યારે તેઓ એક કેસની દલીલ કરવા પહોંચ્યાં હતાં, ત્યારે વકીલોના એક જૂથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમનો વિરોધ કર્યો હતો.
એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં, શુભેંદુ અધિકારીએ ભવાનીપુર બેઠક પરથી મમતા બેનરજીને 15 હજારથી વધુ મતોના માર્જિનથી હરાવ્યાં હતાં.
ચૂંટણીપરિણામો પછી, મમતાએ ભવાનીપુર બેઠક પર મતગણતરીમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો.
મમતા બેનરજી અગાઉ 2021માં નંદીગ્રામ બેઠક પરથી પણ શુભેંદુ સામે હારી ગયાં હતાં. તેમણે તે પરિણામને પણ કોર્ટમાં પડકાર્યું હતું, અને આ કેસ હજુ પણ ચાલુ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીટ યુજી રીઍક્ઝામ પહેલાં સરકારે ટેલીગ્રામ પર લગાવ્યો પ્રતિબંધ – ન્યૂઝ અપડેટ
નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ કહ્યું છે કે ઇલેક્ટ્રૉનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટેલીગ્રામ પર 22 જૂન સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.
એનટીએના જણાવ્યા પ્રમાણે, સરકારે આ પગલું 21 જૂને થનારી નીટ (યુજી) 2026 ફેરપરીક્ષાને ધ્યાનમાં લઈને ઉઠાવ્યું છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અને એએઆઈએ એનટીએ તરફથી જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ પોસ્ટ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે આઈટી ઍક્ટ 2000ની કલમ 69એ અંતર્ગત ટેલીગ્રામ પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ ઉપરાંત સરકારે ટેલીગ્રામને એ નિર્દેશ પણ આપ્યો છે કે ભારતમાં પહેલાથી પોસ્ટ કરવામાં આવેલા મૅસેજને ઍડિટ કરવાની સુવિધા 30 જૂન, 2026 સુધી બંધ કરવામાં આવે.
એનટીએના જણાવ્યા પ્રમાણે, આ પગલું એ સુવિધાને ધ્યાનમાં રાખીને ઉઠાવવામાં આવ્યું છે, જેમાં આ પ્લૅટફૉર્મનો ઉપયોગ રાષ્ટ્રીય પરીક્ષાઓમાં 'પેપર લીક' સાથે જોડાયેલા પુરાવા એકઠા કરવા માટે કરવામાં આવે છે.
આ વર્ષે થયેલી નીટ (યુજી) પરીક્ષામાં પેપર લીકની ફરિયાદ બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ મામલે દેશભરમાં વિરોધ જોવા મળ્યો હતો.
એનટીએએ 21મી જૂને ફરીથી પરીક્ષા કરાવવાનો નિર્ણય લીધો છે.
નેતન્યાહૂએ અમેરિકા-ઈરાનની સમજૂતી પર શું કહ્યું?
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના ઍલાન બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે જેરુસલેમમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી.
તેમણે કહ્યું કે "તેમની સરકારે ઇઝરાયલને પૂર્ણ પ્રકારે બરબાદ થતાં બચાવી લીધું છે. પરંતુ લડાઈ હજુ સમાપ્ત થઈ નથી."
જોકે, તેમણે એમ પણ કહ્યું કે ઇઝરાયલને સતર્ક રહેવું પડશે અને જરૂર પડે તો પોતાનું રક્ષણ અને બચાવ કરવો પડશે.
નેતન્યાહૂનું નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે ઇઝરાયલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલને લઈને અસહજતા દેખાઈ રહી છે.
આ સમજૂતીના ઍલાન બાદ ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી અને કટ્ટર દક્ષિણપંથી નેતા ઇતામાર બેન-ગ્વેરે કહ્યું કે તેમનો દેશ આ 'સમજૂતીને માનવા માટે બાધ્ય નથી.'
ત્યાં, ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇસરાઇલ કાત્ઝે કહ્યું છે કે "વડા પ્રધાન નેતન્યાહૂ અને હું એક સ્પષ્ટ નીતિ પર કામ કરી રહ્યા છે. જે અંતર્ગત ઇઝરાયલી સેના લેબનોન, સીરિયા અને ગાઝાના બફર ઝોનમાં અનિશ્ચિત સમય સુધી રહેશે."
નેતન્યાહૂએ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં એમ પણ કહ્યું કે "ઇઝરાયલ પોતાની સુરક્ષા માટે જ્યારે જરૂર પડશે ત્યાં સુધી સિક્યૉરિટી ઝોનમાં બનેલું રહેશે."
તેમણે કહ્યું કે એવા કેટલાક મામલામાં તેમની અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિચાર એકસમાન નથી હોતા. પરંતુ તેઓ ઇઝરાયલનાં હિતોનું રક્ષણ કરશે.
તેમણે કહ્યું કે જ્યારે જરૂર પડી ત્યારે તેઓ ઇઝરાયલની પડખે ઊભા રહેશે.
નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે ઉત્તર ઇઝરાયલના લોકોની સુરક્ષા માટે તેઓ પ્રતિબદ્ધ છે, જે વિસ્તારના લોકો લેબનોનની સરહદ પાસે રહે છે.
કૅલિફોર્નિયામાં અમરિકાના વાયુસેનાનું વિમાન ક્રૅશ, આઠ લોકોનાં મૃત્યુ
દક્ષિણ કૅલિફોર્નિયામાં ઍડવર્ડ્સ ઍરફોર્સ બેઝથી ઉડાન ભર્યાના થોડા સમય બાદ અમેરિકાની વાયુસેનાનું એક બી-52 બૉમ્બર પ્લેન ક્રૅશ થઈ ગયું છે. જેમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.
આ અકસ્માત સોમવારે સ્થાનિક સમયાનુસાર સવારે 11-20 કલાકે થયો. જ્યારે વિમાન એર રૂટિન ટેસ્ટ મિશન પર હતું ત્યારે આ અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ આકાશમાં ઊંચે ઉઠેલો ધુમાડો દૂર સુધી દેખાતો હતો.
કર્નલ જૅમ્સ હેજે પત્રકારોને કહ્યું, "આજે ઍડવર્ડ્સ ઍરફોર્સ બેઝમાં ભયાનક દુર્ઘટના ઘટી. જેમાં અમે આઠ ગ્રેટ અમેરિકનોને ખોયા છે."
તેમણે કહ્યું કે મૃતકોમાં સૈન્ય કર્મચારી, સરકારી કર્મચારી અને સરકારી ઠેકેદાર સામેલ છે.
ટ્રમ્પે અમેરિકા-ઈરાન ડીલ પર હસ્તાક્ષર થવાની વાત કહી, સમજૂતી મામલે તેમણે વધુમાં શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયલ-ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે એક પ્રારંભિક સમજૂતી પર પહેલાં જ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. આ સમજૂતીનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં સાર્વજનિક કરવામાં આવશે.
સોમવારે જી-7 શિખર સંમેલન દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોંની સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે કહ્યું, "મને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે તેના પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. સમજૂતી પર તમામ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે."
અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓએ પણ સમજૂતીની કેટલીક જાણકારી સાર્વજનિક કરવી શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલી દેવામાં આવશે. જે દિવસે જિનેવામાં આ સમજૂતી પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ટૅક્નિકલ મામલાની વાતચીત આ સપ્તાહે ફરીથી શરૂ થવાની આશા છે. ત્યાં, પ્રતિબંધોમાં કોઈ પ્રકારની રાહત કે સંપત્તિને રિલીઝ કરવાની બાબતો એ વાત પર નિર્ભર કરશે કે ઈરાન સમજૂતી અંતર્ગત પોતાનાં વચનો પૂરાં કરે છે કે નહીં.
ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે સોમવારે સીએનએનના જૅક ટૅપરની વાતચીતમાં કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા એમઓયુ લગભગ દોઢ પાનાંનો છે. તે બહુ સામાન્ય દસ્તાવેજ છે.
વેન્સે એ પણ કહ્યું કે તેની ઘણી જાણકારી ભવિષ્યની વાતચીત દરમિયાન નક્કી કરવામાં આવશે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન રાખવા પર સહમત થઈ ગયું છે.
આ ઉપરાંત તે દાવાને ફગાવી દેવામાં આવ્યા છે, જેમાં અમેરિક તરફથી ઈરાનને 30 કરોડ ડૉલરની રકમ આપવાની વાત કહેવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન