ઈરાન યુદ્ધને કારણે ભારતમાં કૉન્ડોમની કિંમત વધી શકે, જાણકારોએ કેમ ચિંતા વ્યક્ત કરી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પૂર્વ, ઈરાન, ઈરાન જંગ
ઇમેજ કૅપ્શન, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર કૉન્ડોમની કિંમતો પર પણ પડી શકે છે (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઈરાન યુદ્ધની અસર કૉન્ડોમ ઇન્ડસ્ટ્રી પર પણ પડી છે.

કૉન્ડોમનાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતાં પેટ્રો-કેમિકલ પ્રોડક્ટ, એમોનિયા અને સિલિકૉન ઑઇલના પુરવઠામાં પેદા થયેલા અવરોધને કારણે હવે તેની કિંમતમાં વધારા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેની અસર છૂટક વેચાણ પર પણ જોવા મળી શકે છે.

ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં સૂત્રો પ્રમાણે, ભારતના આઠ હજાર કરોડ રૂપિયાથી વધુની ઇન્ડસ્ટ્રીના સપ્લાયર્સ તરફથી એવા પૂરતા સંકેત મળી રહ્યા છે કે એમોનિયાની કિંમતોમાં 40-50 ટકા સુધીનો વધારો થઈ શકે છે, જેના કારણે સિલિકૉન ઑઇલની કિંમતો પણ વધી શકે છે.

ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું, "કોઈએ નહોતું વિચાર્યું કે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ તકલીફ પડશે, કારણ કે કૉન્ડોમ હવે એક લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ બની ચૂક્યું છે અને તેના વેપારની લોકો પર અસર પડે છે."

લેટેક્સને સ્ટેબલાઇઝ કરવા અને વધારાનાં પ્રોટીનને હઠાવવા માટે એમોનિયાનો ઉપયોગ કરાય છે. સિલિકૉન ઑઇલની કોટિંગ કૉન્ડોમ પર એક લુબિક્રેન્ટ (ચીકણા પ્રવાહી) તરીકે કામ કરે છે.

પરંતુ કાચા માલની કિંમતમાં થયેલો વધારો અને તેના કારણે છૂટક વેચાણ પર તેની અસર જ આ કડીનું એકમાત્ર ચિંતાજનક પાસું છે.

ઇન્ડસ્ટ્રીમાં આવેલી આ તકલીફોની અસર એ લોકો માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે, જેઓ વસ્તી અને હેલ્થ સ્ટડીઝ (જેમ કે, પરિવારનિયોજન કાર્યક્રમ અને એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ) સાથે સંકળાયેલા છે.

પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાનાં કાર્યકારી નિદેશક પૂનમ મુતરેજાએ બીબીસીને જણાવ્યું, "સારાં હેલ્થ રિઝલ્ટ હાંસલ કરવા માટે ગર્ભનિરોધક સુધી પહોંચને મજબૂત કરવી અને ગર્ભનિરોધમાં પુરુષોની જવાબદારીને સામાન્ય બનાવવું અત્યંત જરૂરી છે. તેથી કૉન્ડોમની કમી કે કિંમતોમાં વધારાથી ગર્ભધારણના મામલામાં પણ વધારો થઈ શકે છે."

કૉન્ડોમની કિંમતોમાં વધારો કેમ થઈ શકે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પૂર્વ, ઈરાન, ઈરાન જંગ
ઇમેજ કૅપ્શન, કાચા માલની કિમતોમાં વધારો અને તેના કારણે કૉન્ડોમના છૂટક વેચાણ પર અસર પડવાની આશંકા છે (ફાઇલ તસવીર)
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એચએલએલ લાઇપ કેર લિમિટેડના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે, "પીવીસી ફૉઇલ, ઍલ્યુમિનિયમ ફૉઇલ, પૉલી કેમિકલ્સ અને પૅકેજિંગ મટિરિયલ જેવા મુખ્ય ઇનપુટના પુરવઠામાં અવરોધ અને કિંમતોમાં ઉતારચઢાવની સાથોસાથ લૉજિસ્ટિક્સમાં અવરોધને કારણે ઉત્પાદન અને ઑર્ડર પૂરા કરવાના કામ પર અસર થઈ શકે છે."

એચએલએલ હેડક્વાર્ટર કેરળના તિરુવનંતપુરમમાં છે. એ એક 60 વર્ષ જૂની જાહેર ક્ષેત્રની મોટી કંપની છે. તેને કેન્દ્ર સરકારે દેશના પરિવારનિયોજન કાર્યક્રમમાં સહયોગ આપવાના હેતુ સાથે સ્થાપિત કરી હતી.

કેરળના પ્રચુર રબર ફાર્મ્સના કારણે તેને ત્યાં સ્થાપિત કરાઈ હતી. ગત કેટલાંક વર્ષોમાં એચએલએલનો વિસ્તાર અલગ અલગ સાત જગ્યા સુધી થઈ ગયો છે.

હવે એ કૉન્ડોમ, હૉસ્પિટલમાં ઉપયોગમાં લેવાતી પેદાશો અને દવા બનાવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં મહિલાઓના સ્વાસ્થ્યને બહેતર બનાવવાનો છે.

જાહેર ક્ષેત્રની આ કંપની દર વર્ષે લગભગ બે અબજ કૉન્ડોમ બનાવે છે. જે દેશમાં બનતાં કુલ કૉન્ડોમના લગભગ 50 ટકા છે.

2025-26 દરમિયાન, એચએલએલે પરિવારનિયોજન કાર્યક્રમ અને રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ માટે 100 કરોડ રૂપિયા કરતાં વધુ કિંમતના મેલ કૉન્ડૉમ મફત ઉપલબ્ધ કરાવ્યાં.

કંપની પોતાની પેદાશોની 87 દેશોમાં નિકાસ કરે છે.

ઇન્ડસ્ટ્રીમાં તણાવનું મુખ્ય કારણ યુદ્ધના કારણે પેદા થયેલી વહેંચણી અને લૉજિસ્ટિક્સ સાથે સંકળાયેલી સમસ્યા છે.

એક અધિકારીએ કહ્યું, "ગ્લોબલ શિપિંગ કન્ટેનરોની કમીના કારણે વિદેશમાં ગ્રાહકો સુધી સામાન મોકલવામાં વિલંબ થઈ રહ્યો છે. સમુદ્રી ટ્રાન્સપૉર્ટેશન માટે લાગતો સમય વધે છે, કારણ કે હોર્મુઝની સામુદ્રધુનીથી મોટાં જહાજોની અવરજવર રોકી દેવાઈ છે."

'કૅપ ઑફ ગુડ હોપ'ના રસ્તેથી જહાજોને મોકલવામાં 15-20 દિવસ વધુ લાગી રહ્યા છે. મધ્ય પૂર્વમાં હવાઈ ક્ષેત્ર પર લાદેલી પાબંદીઓના કારણે માલના હવાઈ ટ્રાન્સપૉર્ટેશનની ક્ષમતા ઘટી ગઈ છે, જેના કારણે તૈયાર માલના ઢગલાબંધ કન્સાઇનમેન્ટ જમા થઈ રહ્યાં છે."

ઇન્ડસ્ટીનાં સૂત્રોનું કહેવું છે કે, "હાલ કાચા માલના પુરવઠામાં આવેલી કમીનો ઠીકઠાક અંદાજો લગાડવો મુશ્કેલ છે. અનિશ્ચિતતા જળવાયેલી છે. એક તો ઇનપુટ મટિરિયલની વાત છે. ઇનપુટ ખર્ચ, પછી પ્રોડક્ટનો ખર્ચ અને એ બાદ ડિસ્ટ્રિબ્યૂશનમાં પેદા થયેલો અવરોધ. સ્પષ્ટ છે કે પુરવઠા પર તેની અસર પડશે જ."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પૂર્વ, ઈરાન, ઈરાન જંગ
ઇમેજ કૅપ્શન, એચએલએલ દર વર્ષે બે અબજ કૉન્ડોમ બનાવે છે (ફાઇલ તસવીર)

ખરેખર, મહારાષ્ટ્રના માલેગાંવમાં સ્થિત ક્યૂપિડ લિમિટેડને પણ આનું પરિણામ ભોગવવું પડી શકે છે.

ક્યૂપિડ લિમિટેડના સિનિયર જનરલ મૅનેજર આર. બાબુએ બીબીસીને જણાવ્યું, "સિલિકૉન ઑઇલ અને ઍલ્યુમિનિયમ ફૉઇલની કિંમતો કાબૂમાં નથી. સામાન્યપણે આ દરમિયાન લેટેક્સની કિંમતો પણ વધી શકે છે. તેથી, તેની અસર મૅન્યુફૅક્ચરિંગના ખર્ચ પર પડી રહી છે. મુશ્કેલી એ છે કે અમે કિંમતનો આ વધારો વેન્ડરો પર ન નાખી શકીએ, કારણ કે તેઓ આના માટે તૈયાર નથી. તેથી આ એક મોટી સમસ્યા છે."

આર. બાબુએ કહ્યું, "અમે અમારાં કુલ ઉત્પાદનનો 80 ટકા ભાગ મુખ્યપણે રશિયા, દક્ષિણ આફ્રિકા, યુરોપ અને બ્રાઝીલને નિકાસ કરીએ છીએ. આ જગ્યાઓ સુધી સામાન પહોંચાડવામાં માટે શિપિંગ જહાજો મળવામાં પણ અમને મુશ્કેલી પડી રહી છે."

ફાર્મા સેક્ટરમાં ચિંતા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પૂર્વ, ઈરાન, ઈરાન જંગ
ઇમેજ કૅપ્શન, ઘણી એવી દવાઓ છે જેની સામગ્રી પેટ્રોકેમિકલ્સ પર આધારિત હોય છે

કૉન્ડોમ ઇન્ડસ્ટ્રીમાં જે અનિશ્ચિતતા છે, એ સામાન્ય દવા બનાવતા સેક્ટરમાં પણ દેખાઈ રહી છે. આ સેક્ટરે બે પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇન્ડિયન ડ્રગ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન (આઇડીએમએ)ના પ્રવક્તા વિરંચી શાહે બીબીસીને જણાવ્યું, "એક પડકાર નિકાસના મોરચા પર છે. આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપ જેવા દેશોમાં નિકાસ કરવા માટે જહોજની ઉપબલબ્ધતા અંગે એક ગંભીર સમસ્યા છે. પછી એ ભલે સમુદ્ર માર્ગ હોય કે હવાઈ માર્ગથી. તેનું મુખ્ય કારણ એ છે કે ટ્રાન્સપૉર્ટની ઉપલબ્ધતાની ફ્રિક્વન્સી ઘટી ગઈ છે. ફ્રિક્વન્સી ઘટવાને કારણે, તેનો ખર્ચ વધી ગયો છે."

શાહનું કહેવું છે કે, "આ એક એવું ક્ષેત્ર છે, જેના પર નજર રાખી શકાય છે. તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. પરંતુ જ્યાં સુધી ભારતમાં દવાની ઉપલબ્ધતા કે દવાની નિકાસની વાત છે, તેમાં કોઈ પડકાર નથી."

પરંતુ આ ઉદ્યોગ સામે પડકાર એ છે કે ઘણી એવી દવાઓ છે જેની સામગ્રી પેટ્રોકેમિકલ્સ પર આધારિત હોય છે, જેમ કે, સૉલ્વન્ટ્સ કે સિન્થેટિક દવાઓ.

અમદાવાદના શાહે કહ્યું, "હાલ અટકળોની લહેર ચાલી રહી છે. અટકળોએ એવી આશંકા પેદા કરી છે કે કમી હોઈ શકે છે. આના કારણે કિંમતો વધી ગઈ છે. હાલ તેના અસલ કમીથી વધુ અટકળો સાથે લેવાદેવા છે."

તેઓ કહે છે કે, "એક પ્રકારે ડરનો માહોલ છે. હકીકતમાં તો લોકોને એ વાતનો કંઈ ખબર નથી કે કાલે શું થશે."

કૉન્ડોમ ઇન્ડસ્ટ્રી પરની અસર કેટલી ગંભીર?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પૂર્વ, ઈરાન, ઈરાન જંગ
ઇમેજ કૅપ્શન, વસ્તી અને પરિવારનિયોજન કાર્યક્રમ, એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકોમાં કૉન્ડોમની કિંમતો વધવાની આશંકાથી ચિંતા છે

પરિવારનિયોજન ક્ષેત્રે કૉન્ડોમની કિંમતોમાં વધારો કે તેના ઉત્પાદનમાં કમી અંગે એક ચિંતા છે.

પૂનમ મુતરેજાએ કહ્યું, "ભારતના ગર્ભનિરોધક વિકલ્પોનો વિસ્તાર કરવા અને તેની પહોંચ વધારવાની જરૂર છે. સાથે જ દેશમાં કૉન્ડોમનો ઉપયોગ અને પરિવારનિયોજનમાં પુરુષોની ભાગીદારી વધારાવાની પણ જરૂર છે. જો કિંમતો વધે કે ઉપલબ્ધતામાં અવરોધ પેદા થાય, તો કૉન્ડોમનો ઉપયોગ ઓછો થવાની આશંકા છે. ખાસ કરીને યુવાનો અને ઓછી આવકવાળા સમૂહો વચ્ચે. આના કારણે અત્યાર સુધી થયેલી પ્રગતિને નુકસાન પહોંચી શકે છે."

તેમણે કહ્યું, "આવું કરવાથી ન માત્ર અનૈચ્છિક ગર્ભાધાનનું જોખમ વધે છે, બલકે મહિલાઓ પર ગર્ભધારણ કરવાનો જે અસમાન બોજો છે, એ પણ વધી જશે, જેને ભારત ઠીક કરવાની કોશિશ કરી રહ્યું છે."

ભારતમાં કૉન્ડોમનો ઉપયોગ 'ઘણો ઓછો' છે. એક વધુ સંતુલિત અને ન્યાયસંગત પરિવારનિયોજનની રીત તરીકે આને વધારવું જરૂરી હતું.

પૂનમ મુતરેજાએ કહ્યું, "નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ) - 5થી ખબર પડી કે હાલ પરિણીત યુગલો પૈકી લગભગ નવ ટકા જ કૉન્ડોમને પરિવારનિયોજનની મુખ્ય રીત માને છે. એ કૉન્ડોમના મહત્ત્વ અને તેના વિસ્તારની ઘણી સંભાવના દેખાડે છે."

તેમણે કહ્યું, "ઘણા યુવાનો પણ કૉન્ડોમનો ઉપયોગ કરે છે."

તેઓ કહે છે કે, "ભારત જેવા દેશમાં, જ્યાં જાહેર સ્વાસ્થ્ય કાર્યક્રમ મોટા પાયે ખરીદી પર આધારિત છે, ત્યાં કૉન્ડોમની થોડા સમય માટે સર્જાયેલી કમી પણ એ લોકો સુધી તેની પહોંચ પર અસર કરી શકે છે, જેઓ મફત કે રાહત કિંમતે મળતાં કૉન્ડોમ પર આધારિત છે."

અંતે સવાલ એ છે કે ઉપભોક્તાઓને કૉન્ડોમ માટે પણ વધુ કિંમત ક્યારથી ચૂકવવી પડશે?

ઇન્ડ્રસ્ટ્રીના અધિકારી હવે હતાશ જણાય છે. તેમાંથી એકે કહ્યું, "આ યુદ્ધ જેટલી જલદી ખતમ થઈ જાય, એટલું જ બધા માટે સારું રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન