ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છતાં 17 જુલાઈએ વરસાદ કેમ ના પડ્યો, હવે કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ?

ગુજરાત હવામાન, ચોમાસું
પ્રકાશિત

ગુજરાતમાં હાલ વરસાદનો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. 15 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદનું જોર અને પ્રમાણ વધવાનું શરૂ થયું હતું.

જે બાદ 16 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જે બાદ હવામાન વિભાગે આગાહી કરી હતી કે 17 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે.

આગાહી અતિભારે વરસાદની હોવા છતાં રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ પડ્યો ન હતો અને કચ્છના લખપતમાં માત્ર એક ઇંચ વરસાદ નોંધાયો હતો એ સિવાયના જિલ્લાઓમાં 1 ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો ન હતો.

ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ હજી બેથી ત્રણ દિવસ સુધી ચાલશે અને હજી પણ આવનારા દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે પરંતુ ગુજરાત રીજનમાં આવનારા ઘણા જિલ્લાઓમાં હજી પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં 17 તારીખે અચાનક વરસાદ કેમ બંધ થઈ ગયો?

ચોમાસું

હવામાન વિભાગે 17 તારીખના રોજ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. જોકે, રાજ્યમાં 17 જુલાઈના રોજ માત્ર એક તાલુકામાં એક ઇંચ અને ત્રણ તાલુકામાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

જે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી ત્યાં તડકો જોવા મળ્યો હતો અને કોઈ જિલ્લામાં છુટોછવાયો સાવ હળવો વરસાદ પડ્યો હતો.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં હાલનો જે ભારે વરસાદનો રાઉન્ડ છે તે બંગાળની ખાડીમાં સર્જાયેલી અને પછી ઓડિશા અને મધ્ય પ્રદેશ પરથી ગુજરાત પર આવેલી સિસ્ટમને કારણે થઈ રહ્યો છે.

17 જુલાઈના રોજ આ લૉ-પ્રેશર એરિયા મધ્ય પ્રદેશ પર હતો અને ત્યાંથી આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી હતી. જેથી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હતો.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર રામાશ્રય યાદવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે મધ્ય પ્રદેશ પર જે સિસ્ટમ હતી તેની અસર 17 તારીખની રાત્રીથી ગુજરાત પર થવાની શક્યતા હતી. આ સિસ્ટમ આગળ વધી રહી હતી પરંતુ તેની પ્રગતિ ધીમી પડી ગઈ.

તેમણે કહ્યું, "આ સિસ્ટમ ધીમી પડી જતાં તેની અસર 17 જુલાઈના રોજ ગુજરાત પર થઈ નહીં અને તેના કારણે રાજ્યમાં આગાહી છતાં વરસાદ પડ્યો નહીં. તેમના કહેવા પ્રમાણે ગુજરાતમાં 18 જુલાઈના રોજ સવારથી આ સિસ્ટમની અસર થવાની શરૂઆત થઈ છે. જેથી હવે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદનું જોર વધશે."

મધ્ય પ્રદેશથી ગુજરાત આવતા સુધીમાં આ સિસ્ટમ થોડી નબળી પડી હતી જેના કારણે તેની અસર વહેલી થવાને બદલે એક દિવસ મોડી થઈ હતી.

ગુજરાતમાં હવે ક્યાં પડશે ભારે વરસાદ?

ચોમાસું

17 જુલાઈના રોજ મધ્ય પ્રદેશ પર રહેલી સિસ્ટમ હવે આગળ વધીને ગુજરાત પર પહોંચી ગઈ છે અને તેની અસર 18 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં આવનારા ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે 18 જુલાઈના રોજ રેડ ઍલર્ટ જારી કર્યું છે એટલે કે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.

18 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી ભાવનગર અને કચ્છમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. આ જિલ્લાઓના કોઈ વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિભારે વરસાદ પણ થઈ શકે છે.

આ ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે અને કોઈ જગ્યાએ મધ્યમ કરતાં વધારે વરસાદ પડવાની પણ શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ સુધી હજી ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે એટલે કે ઘણા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થાય તેવી સંભાવના છે.

19 અને 20 જુલાઈના રોજ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે, જે બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.

ગુજરાતમાં ફરી આવશે વરસાદનો નવો રાઉન્ડ?

ચોમાસું
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળી ખાડીમાં ફરી નવી સિસ્ટમ સર્જાશે અને 24 કલાકની અંદર તે લૉ-પ્રેશર એરિયામાં બની જશે. જેના કારણે ફરી મધ્ય ભારતમાં વરસાદની શરૂઆત થશે.

આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આવશે તો ફરી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિમાં બે દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘટશે પરંતુ તે બાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધવાના શક્યતા હાલ દેખાઈ રહી છે.

ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે પરંતુ હજી કેટલાક એવા વિસ્તારો છે જેમાં વરસાદની ઘટ છે. રાજ્યમાં સામાન્ય રીતે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ચોમાસાનો સૌથી વધારે વરસાદ પડે છે.

જો લૉ પ્રેશર એરિયા ગુજરાત કે રાજસ્થાન તરફ આવે તો મૉન્સૂન ટ્રફ ફરીથી ગુજરાત તરફ નીચે આવી શકે છે અને તેના કારણે રાજ્યમાં ફરીથી વરસાદ વધી શકે છે.