"ભેંસોનાં દૂધ સુકાઈ રહ્યાં છે, ચારાના ભાવ ત્રણ ગણા થઈ રહ્યા છે," દુષ્કાળના ભણકારા વચ્ચે કચ્છમાં માલધારીઓની શું સ્થિતિ છે?

Gujarat, Kutch, ગુજરાત, કચ્છ, બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

27 ઑગસ્ટની સવારે કચ્છના લખતપત તાલુકાના કલરાવાંઢ ગામમાં એક પ્રકારનો દેકારો મચી ગયો હતો.

ગામની પ્રાથમિક શાળાની અંદર સાઈઠેક વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા તો શાળાની નજીક રોડ પર એક ટ્રક ઊભી હતી અને માલધારીઓ હોકારા પડકાર કરી રહ્યા હતા. હાજી સુવંત જત નામના માલધારીનો પરિવાર તેમની ભેંસો, ગાયો અને ભેંસોના પાડરાને તે ટ્રકમાં ચડાવી રહ્યા હતા.

કેટલાક પાડા ટ્રક નજીક આવવા ન માંગતા હોય તેમ પગ ભરાવી રહ્યા હતા, તો કેટલાક હરણની જેમ ઉન્માદથી દોડાદોડ કરી રહ્યા હતા અને તેમને દોરી રહેલી માલધારી મહિલાઓને પણ દોડાવી રહ્યા હતા.

ટ્રકમાં કેટલીક ભેંસો, ગાયો અને પાડરા ભરાઈ ગયાં એટલે તેમાંથી કેટલાંક પાડરા વાહનમાંથી પાછાં નીચે ઉતારવાનો પ્રયાસ કરવા લાગ્યા.

પરંતુ હાજી સુવંત જતના પાંચ દીકરામાં સૌથી નાના તેવા 28 વર્ષના મામદભાઈ જત અને પરિવારના અન્ય પુરુષો તેમને પકડીને પાછા ધકેલી દેતા.

છેવટે સ્થિતિ બેકાબૂ બનતા પુરુષોએ ટ્રક બંધ કરી. હજુ પણ કેટલાંય પાડરાંને ટ્રકમાં ચડાવવાનાં બાકી હતાં.

ગાયો, ભેંસો અને પાડરું ભરાઈ ગયા એટલે ટ્રક પખા કહેવાતા ઝુંપડાના ફળિયામાં આવી.

ત્યાં મહિલાઓએ બે-ત્રણ ખટલા, કેટલાક ગોદડાં, કપડાં અને વાસણોનો ઢગલો કરી રાખ્યો હતો.

કલરવાંઢમાં પાડરુંને ઊંચકીને ટ્રકમાં ભરી રહેલ મામદભાઈ જત (ડાબે ) તેમના મોટા ભાઈ ગનીભાઈ (ડાબેથી બીજા ) અને અન્ય માલધારી ભાઈઓ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, કલરાવાંઢમાં પાડરુંને ઊંચકીને ટ્રકમાં ભરી રહેલ મામદભાઈ જત (ડાબે ) તેમના મોટા ભાઈ ગનીભાઈ (ડાબેથી બીજા ) અને અન્ય માલધારી ભાઈઓ

તે બધું પણ ટ્રકમાં ચડાવ્યું. છેલ્લે એક ઘોડિયું પણ ટ્રકમાં ચડાવી દીધું અને મામદભાઈનાં પત્ની મેમુનાબાઈ તેમની બે મહિનાની બાળકીને ખોળામાં લઈને ટ્રકમાં બેસી ગયાં. સાથે મામદભાઈનાં માતા સજનબાઈ પણ બેઠાં.

તડકો લાગવાથી ટ્રકમાં ચડાવેલાં પાડરાં હાંફવા લાગ્યાં.

ખાણ-દાણની ગુણો ટ્રક પર લાદતા માલધારી ભાઈઓ પણ હાંફવા લાગ્યા. તડકો વધી રહ્યો છે અને પાડાને તકલીફ પડી રહી છે તેવું સૌને કહેતા મામદભાઈએ ડ્રાયવરને ટ્રક હાંકી મૂકવા કહ્યું.

ઘોંઘાટ કરતી અને ધૂળની ડમરી ઉડાડતી ટ્રક રોડે ચડી.

ગામના ગોંદરામાં આવેલા એક દેશી બાવળના થડ સાથે બાંધેલી એક નાની પાડી અન્ય પાડરું સાથે જવા માટે દોરીમાંથી છૂટવાના પ્રયાસમાં બાવળના થડ ફરતે કૂદાકૂદ કરતી રહી.

પરિવાર અને પરિવારની આજીવિકાનાં સાધનોને ટ્રકમાં ભરાઈને જતા જોઈ પરિવારની અન્ય મહિલાઓ ઢીલી પડતી દેખાઈ.

સિત્તેરેક વરસનાં રબનબાઈની ઊંડી ઊતરી ગયેલી આંખો વધારે ઊંડી ઊતરી ગઈ હોય તેમ લાગ્યું.

કચ્છ, વરસાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, હિજરત કરતી વખતે ઘોડિયાને ટ્રક પર ચડાવી રહેલ કલરાવાંઢના માલધારીઓ

માલધારી કેમ હિજરત કરી રહ્યા છે?

કચ્છ, વરસાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાવરેશ્વર ગામના માલધારી નૂરમોહમ્મદ જત. તેમના ભાઈ તેમના પશુ સાથે હિજરત કરી ગયા છે અને પખા ફરતે ગાંડા બાવળની વાડ કરી બંધ કરતા ગયા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કલરાવાંઢ ટેકરીઓથી ઘેરાયેલું છે.

ચોમાસા દરમિયાન તો તે કવિતાઓમાં વર્ણન કરાતા કોઈ સુંદર ગામ જેવું લાગતું હશે. પરંતુ આ ચોમાસામાં તે બહુ રમણીય લાગતું નથી.

મેં આ ગામની મુલાકત લીધી ત્યારે ટેકરીઓ પર લીલા છમ ઘાસથી ચાદરના બદલે કાળા પથ્થરોની પથારી અને ગાંડા બાવળના વિસ્તારો દેખાયા.

માત્ર ક્યાંક ક્યાંક ઘાસની આછી લીલી ઝાંય દેખાતી હતી. આવાં દૃશ્યોએ કાલરાવાંઢના આશરે 250 રહેવાસીના જીવનમાં ઉચાટ ફેલાવી દીધો છે.

કોટડામઢ જૂથ ગ્રામ પંચાયતનો એક ભાગ તેવું કલરાવાંઢ લખપતના તાલુકા મથક દયાપરથી આશરે 20 કિલોમીટર દૂર આવેલું છે.

આ અંતરિયાળ ગામના બધા રહેવાસી માલધારી છે.

ગાયો-ભેંસો પાળી, તેમનું દૂધ વેચવાનો તેમનો મુખ્ય વ્યવસાય છે.

કેટલાક લોકો ગાંડા બાવળ કાપી તેના બળતણ વેચે છે તો કેટલાક લોકો ગાંડા બાવળના લાકડામાંથી કોલસો બનાવવાના ઉદ્યોગમાં મજૂરી કરે છે.

ગામની આજુબાજુ ચરિયાણના વિશાળ વિસ્તારો છે. પરંતુ આ વર્ષે ઝૂઝ વરસાદ થવાથી ઘાસ ઊગી શક્યું નથી અને જે કંઈ ઊગ્યું હતું તે સુકાઈ રહ્યું છે અથવા પશુઓ ચરી ગયા છે.

કલરાવાંઢ અને આજુબાજુનાં ગામોમાં મામા તરીકે જાણીતા મામદભાઈ અને તેમના ભાઈઓ બન્ની જાતની 100 ભેંસો અને કાંકરેજ જાતની આશરે 150 ગાયો પાળે છે.

ગામની આજુબાજુ ચરિયાણ ન રહેતા તેમના પરિવારના કેટલાક સભ્યો એક અઠવાડિયા પહેલાં ગાયોને લઈને ભુજ તાલુકા તરફ લઈને ચાલી નીકળ્યા.

26 ઑગસ્ટે એક તરફ ઇસ્લામ ધર્મના સૌથો મોટા ધાર્મિક તહેવાર ઈદ-એ-મિલાદ ઉન્ન નબીની ઉજવણી ચાલી રહી હતી અને બીજી તરફ મામદભાઈ અને તેમના કેટલાક ભાઈઓ તેમની ભેંસોને ટ્રકમાં ભરીને ઘાસની શોધમાં દૂર મોકલી રહ્યા હતા.

બુધવારે બપોર પછી શરૂ થયેલું તે કામ ગુરુવારે ઢળતી બપોરે પૂરું થયું.

કચ્છ, વરસાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, લખપત તાલુકાના ચરિયાણ વિસ્તારોમાં ઘાસ વગરની આ પ્રકારની ટેકરીઓ નજરે ચડે છે

બે દિવસ દરમિયાન કુલ છ ટ્રકમાં ભરીને તેમણે તેમની ભેંસોને એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન તરીકે ઓળખાતા બન્ની ગ્રાસલૅન્ડમાં પહોંચાડી.

બીબીસી સાથે વાત કરતા મામદભાઈએ કહ્યું, "સીમમાં ઘાસ નથી અને ભેંસોનાં દૂધ સુકાઈ રહ્યાં છે. જે ભેંસ સામાન્ય રીતે આઠ-દસ લીટર દૂધ આપતી હોય તે અત્યારે બે-ત્રણ લીટર દૂધ આપે છે કારણ કે તે ભૂખી રહે છે."

"બીજી તરફ ચારાના ભાવ ખૂબ વધી ગયા છે. ડાંગરના પરાળની 20 કિલોની ગાંસડી બે-ત્રણ મહિના અગાઉ 60 રૂપિયામાં મળતી તે હવે 300 રૂપિયામાં મળે છે."

"મેં દોઢ લાખ રૂપિયા ખર્ચીને 13 ટન (એક ટન =1000 કિલો) પરાળ ભરેલી ગાડી માગવી. પણ તે ઘાસ 10 દિવસમાં પૂરું થઈ ગયું."

"સરકારે અમને એક વખત થોડુંક ઘાસ આપ્યું. પછી ઘાસનું એક તણખલુંય મળ્યું નથી."

"દૂધ ઘટતું રહ્યું, ચારાનો ખર્ચ વધતો રહ્યો અને ભેંસો પણ દુબળી પાડવા માંડી એટલે હિજરત કરવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ ન રહ્યો."

ઢાળ-ઢોળાવવાળા વાંકા-ચુકા રસ્તા પરથી પસાર થઈ ટ્રક દયાપર પહોંચી અને ત્યાંથી બન્ની ગ્રાસલૅન્ડની વાટ પકડી.

ત્રણેક કલાકમાં આશરે 100 કિલોમીટરનું અંતર કાપીને ટ્રક બન્ની ગ્રાસલૅન્ડના ભીટારા ગામના ભાંઠ વિસ્તારમાં પહોંચી.

બન્નીમાં ઘાસ છે?

કચ્છ, વરસાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, મામદભાઈનાં માતા સજનબાઈ અને તેમની પાછળ ઘોડિયામાં સુતેલી તેમની પૌત્રી બન્નીમાં આવી ગયાં છે

સત્તાવાર આંકડા અનુસાર લખપત તાલુકાની વસ્તી 50,120 છે અને પશુપાલન અને ખેતી લોકોનો મુખ્ય વ્યવસાય છે.

રાજ્યના પશુપાલન વિભાગના આંકડાનો હવાલો આપી લખપતના મામલતદાર નવીનચંદ્ર મારુએ બીબીસીને જણાવ્યું કે આ તાલુકામાં ભેંસોની વસ્તી 62,982 અને ગાયોની વસ્તી 35,056 છે. ઘેટા-બકરા અને ઊંટનું પાલન કરતા માલધારીઓ પણ રહે છે તેમ તેઓ ઉમેરે છે.

પરંતુ લખપતમાં આ વર્ષે 28 ઑગસ્ટ સુધીમાં માત્ર ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. મામલતદાર કહે છે કે આ વર્ષે અત્યાર સુધી માત્ર બે જ દિવસ વરસાદ પડ્યો છે.

આ વરસાદ ખેતી તો ઠીક ગૌચરમાં ઊગતા ઘાસ માટે પણ પૂરતો સાબિત નથી થયો.

તેથી, મામદભાઈ જેવા સેંકડો માલધારીઓને તેમના પશુ અને કુટુંબ-કબીલા લઈને હિજરત કરવાની ફરજ પડી છે.

કલરાવાંઢની જેમ જ બાજુના સુખપુર, સુજાવાંઢ, રાવરેશ્વર વગેરે ગામોના માલધારી તેમના પખા ફરતે ગાંડા બાવળની કંટાળી ડાળીઓની વાડ કરીને તેમનાં ગાયો-ભેંસો લઈને ઘાસ-ચારાની શોધમાં વાંઢે નીકળી ગયા છે.

લખપત જેવી જ સ્થિતિ બાજુના બડાસા અને માંડવી તાલુકાઓની છે.

આ તાલુકાના માલધારીઓ તેમના પશુઓને લઈને બન્ની અને વાગડ તરીકે ઓળખાતા કચ્છના પૂર્વ ભાગમાં આવેલા રાપર તાલુકા તરફ ઘાસ-ચારાની શોધમાં ગયા છે.

ભીટારા પહોંચ્યા એટલે મામદભાઈનાં પત્નીએ પીલુના એક નાના ઝાડ નીચે ઘોડિયું ગોઠવી બે મહિનાની દીકરી અલ્ફાનાને તેમાં સુવડાવી અને ઘર-વખરીની વસ્તુઓ ગોંઠાવવાં મંડ્યાં.

માતા સજનબાઈએ તંબુ ઊભો કરવાનું કામ હાથમાં લીધું. સાંજના ચારેક વાગ્યા એટલે મામદભાઈ અને તેમના ભત્રીજા ગુલહસને ભેંસો દોહવાનું ચાલુ કર્યું.

મામદભાઈ બીબીસીને જણાવે છે કે, "મને લાગે છે કે બન્નીમાં એકાદ મહિનાનું ઘાસ છે. પરંતુ માલ-ઢોરને પીવા માટે બન્નીમાં પાણી બહુ નથી. આ મોટી ચિંતા છે."

તો બન્નીની એક લાખ ભેંસોનું શું થશે?

કચ્છ, વરસાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, મામદભાઈ જત

બન્ની માલધારી ઍસોસિએશનના પ્રમુખ ઈસા મુતવા જણાવે છે કે, ભુજ અને નખત્રાણા તાલુકાના 2,497 વર્ગ કિલોમીટર એટલા કે આશરે 2.5 લાખ હેક્ટરમાં ફેલાયેલું બન્ની પોતે આશરે 1.5 લાખ પાલતુ પશુઓને નિભાવે છે.

તેઓ કહે છે દોઢ લાખ પશુઓમાં પ્રતિષ્ઠિત બન્ની જાતની ભેંસો, આશરે 40 હાજર જેટલી ગાયો અને આશરે 10,000 ઘેટાં-બકરાંનો સમાવેશ થાય છે.

ઘાસ-ચારાની શોધમાં બાજુના તાલુકાઓમાંથી હજારોની સંખ્યામાં ગાયો-ભેંસો આવવા લગતા બન્નીમાં ચરનારા પશુઓની સંખ્યા દરરોજ વધી રહી છે.

પરંતુ બન્નીમાં પણ હાલના દિવસોમાં કેટલાય વિસ્તારોમાં કુણું ઘાસ સુકાતું નજરે ચડે છે.

નીચાણવાળા કે રસ્તાઓના કાંઠાની ગટરો કે ખાડાના કાંઠે ડીલો કહેવાતું ઘાસ જ લીલા કલરનું દેખાય છે.

ઈસા મુતવા બીબીસીને જણાવે છે કે, "આખી બન્નીમાં ક્યાંય સારો વરસાદ નથી વરસ્યો. કચ્છના મોટા રણ તરફના ગોરેવાલી, ધોરડો, ભીટારા વગેરે વિસ્તારોમાં થોડો વરસાદ થયો છે અને થોડું ઘાસ ઊગ્યું છે જયારે સરાડા, શેરવો, હોડકો વગેરે વિસ્તારોમાં વરસાદ બહુ ઓછો થયો છે અને ત્યાં ઘાસ ઓછું છે."

"પરંતુ જ્યાં ઘાસ ઊગ્યું છે તે અપૂરતા વરસાદને કારણે વિકસી નથી શક્યું અને ફરી વાર વરસાદ ન આવતા સુકાઈ રહ્યું છે."

કચ્છ, વરસાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, બન્નીના માલધારી વસાયભાઈ જત

"પરંપરા મુજબ આફતના સમયે કચ્છના વિવિધ વિસ્તારના માલધારીઓ એક બીજાને મદદ કરે છે."

"તેને અનુસરતા બન્નીના માલધારી અન્ય વિસ્તારના માલધારીઓને આવકારી રહ્યા છે, ભોજન વગેરેની મદદ કરી રહ્યા છે. પરંતુ બન્નીમાં એકાદ અઠવાડિયામાં જ ઘાસ ખૂટવા લાગશે."

ભીટારાના માલધારી વસાયભાઈ જત પણ કહે છે કે બન્નીમાં ઘાસ વધારે ટકશે નહીં.

તેઓ કહે છે કે, "જે કંઈ ઘાસ થયું છે તે મહિનો દોઢ મહિનોથી વધારે નહીં ચાલે. પણ આ લોકો આવીને પડ્યા છે અહીં તેમને ત્યાં તો એટલું પણ નથી થયું."

"અમારો એવો સમય હોય અને અમે તેમના વિસ્તારમાં જઈએ તો તેઓ અમને આશરો અને શરણ આપે, આશ્વાસન આપે, મદદ કરે છે."

" જે ઘાસ છે તે તમારી નજર સામે છે. દુઃખના જે દિવસો નીકળશે તે કાઢીશું અને પછી અમે પણ તેમના ભેગા નીકળી જઈશું, ગુજરાત તરફ."

સત્તાવાર આંકડા અનુસાર 27 ઑગસ્ટ સુધી ભુજ તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે જે સામાન્ય વરસાદનો માત્ર 33 ટકા જેટલો થાય છે.

સરકાર શું મદદ કરી રહી છે?

કચ્છ, વરસાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, બન્નીમાં અન્ય વિસ્તારમાંથી માલધારીઓ આવી જતાં ભેંસો અને ગાયોની સંખ્યા દરરોજ વધી રહી છે

સરકારે 17 જુલાઈ, 2026ના રોજ એક ઠરાવ પસાર કરી કચ્છમાં બે રૂપિયા પ્રતિ કિલો એટલે કે 40 રૂપિયા પ્રતિ મણના રાહત ભાવે માલધારીઓને ઘાસ આપવાની જાહેરાત કરી હતી.

સરકારે તેના માટે માલધારી અને પશુપાલકોને ઘાસ કાર્ડ આપ્યા છે.

એવું ઘાસ કાર્ડ ધરાવતા માલધારીને મહત્તમ પાંચ પશુઓ માટે પ્રતિ દિન ચાર કિલોના હિસાબે એક અઠવાડિયાનો 120 કિલો ઘાસનો જથ્થો એક સાથે આપવાનું સરકારે નક્કી કર્યું છે.

પરંતુ લાખપતના સંખ્યાબંધ માલધારીઓએ બીબીને જણાવ્યું કે તેમના માટે આ ઘાસ પૂરતું નથી કારણ કે તેમના ગાય-ભેંસોની સંખ્યા ઘણી વધારે છે અને ઘાસ પણ માત્ર એક વાર જ અપાયું છે કે અમુક કિસ્સાઓમાં એક વાર પણ અપાયું નથી.

લખપત મામલતદારે જણાવ્યું કે તેમના તાલુકામાં 25 ઑગસ્ટ સુધીમાં 5,417 ઘાસ કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે અને આશરે એક લાખ કિલો ઘાસનું વિતરણ કરાયું છે.

તેમણે ઉમેર્યું કે ઘાસ કાર્ડની સંખ્યા મુજબ દૈનિક જરૂરિયાત એક લાખ કિલો એટલે કે 100 ટનની છે.

તેમણે કહ્યું કે,"અમારા તાલુકામાં વન વિભાગના ગોડાઉનમાં આશરે 70000 કિલો ઘાસ હતું તેનું વિતરણ થઈ ગયું છે."

"અમે બીજા સવા લાખ કિલો ઘાસની માંગણી મૂકી હતી. તેની સામે 33073 કિલો ઘાસ મળ્યું છે."

"બાકીનો જથ્થો થોડાક દિવસોમાં આવી જાયે તેવી અપેક્ષા છે."

કચ્છ, વરસાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, લખપતમાં નવા નગર ગામમાં એક વેપારીને ત્યાંથી ખાસ ખરીદી રહેલ માલધારીઓ. વેપારીઓ કહે છે ડીઝલના ભાવ ઘાસની માંગ વધતા ભાવમાં વધારો થયો છે

કોઈ વરસ દરમિયાન જો 31 જુલાઈ સુધીમાં કોઈ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ ન નોંધાય તો રાજ્ય સરકાર તે તાલુકાને અછતગ્રસ્ત તાલુકો જાહેર કરી શકે છે અને ઘાસ-ચારાનું વિતરણ, પશુઓને બચાવી લેવા ઢોરવાડાની સ્થાપના, પીવાનું પાણી પૂરું પાડવા અને લોકોને રોજગારી આપવા માટે વિશેષ રાહત કર્યો હાથ ધરી શકે છે."

"કચ્છમાં આ વર્ષે અબડાસા, લખપત, માંડવી અને મુન્દ્રામાં પાંચ ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે."

તેમ છતાં સરકાર આ તાલુકાઓને સત્તાવાર રીતે અછતગ્રસ જાહેર કેમ નથી કરતી તેવા બીબીસીના સવાલના જવાબમાં કચ્છના જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસીયાએ કહ્યું, "સરકારને આશા છે કે સપ્ટેમ્બરમાં વરસાદ થશે."

"જો કે સત્તાવાર રીતે આ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર ન થયા હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર ત્યાં અછત હોય તે રીતે ઘાસનું રાહત દરે વિતરણ કરી રહ્યું છે."

"જિલ્લામાં 28 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ હતું. તેમાંથી 14 લાખ કિલોનું વિતરણ કરવામાં આવ્યું છે અને 14 લાખ કિલો ઉપલબ્ધ છે."

"તેનું અમે જરૂરિયાત મુજબ વિતરણ કરીશું. અમે પ્રાંત અધિકારીઓ પાસેથી તેમના વિસ્તારોના તાલુકાઓમાં કેટલા ઘાસની જરૂરિયાત છે તેની માંગણી અમારા સુધી મોકલી આપવા સૂચના આપી છે."

"તે આવી જતા અમે ઘાસનું વિતરણ કરીશું. જરૂર પડશે તો સરકાર કચ્છની બહારથી પણ ઘાસ મંગાવશે."

બીબીસી માટે કલેક્ટીવ ન્યુરૂમનું પ્રકાશન