મોરબી : 'ખેતરમાં મોટા ખાડા ખોદી નાખ્યા, હવે પાક ક્યાં લેવો?'- જેતપરથી બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ

ખેડૂતો, આંદોલન, મોરબી, જેતપર, વીજ થાંભલા, ટ્રાંસમિશન લાઇનનો વિરોધ બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, નેહુલ નામના ખેડૂત પોતાના ખેતરમાં વીજળીના થાંભલા માટે ખોદવામાં આવેલા ખાડામાં ભરાયેલાં પાણીને જોઈ રહ્યા છે, તેમનું કહેવું છે કે આ ખાડાને કારણે તેઓ ચોમાસું પાક નથી લઈ શક્યા.
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

મોરબીના જેતપર ગામમાં વચ્ચોવચ આવેલો ચોક બસ સ્ટેન્ડ ચોક તરીકે જાણીતો છે, જોકે, છેલ્લા દોઢ – બે મહિનાથી તે આંદોલન છાવણી તરીકે વધુ જાણીતો થયો છે. કારણકે, ત્યાં 9 જૂનથી એટલે કે છેલ્લા ત્રણ મહિનાથી સતત ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.

આસપાસનાં અનેક ગામના લોકો પણ ત્યાં ટ્રૅક્ટર કે ખટારા જોડીને આંદોલનમાં સાથ પૂરાવવા આવતા રહે છે.

બહેનો ગરબા ગાય છે અને ભાઈઓ રામધૂન બોલાવે છે. આમ આ આંદોલન સતત ચાલુ જ છે. વચ્ચે વચ્ચે રાકેશ ટિકૈત, યુદ્ધવીરસિંહ, રઘુનાથદાદા પાટીલ જેવા ખેડૂત નેતા પણ આવીને આંદોલનને સંબોધી જાય છે.

ચોકની આસપાસ પાનની અને ચાની દુકાનો પર કેટલાંક પાટીયાં મૂકવામાં આવ્યાં છે. જેમાં સરકાર અને ખાનગી કંપનીનો વિરોધ કરવામાં આવ્યો છે.

જેમાં લખ્યું છે કે, "દેશના વિકાસ માટે અમે અમારી જમીન આપવા તૈયાર છીએ, પરંતુ ખાનગી કંપનીના વિકાસ માટે નહીં."

જેતપરનું ખેડૂતોનું આ આંદોલન શા માટે ચાલી રહ્યું છે?

ખેડૂતો, આંદોલન, મોરબી, જેતપર, વીજ થાંભલા, ટ્રાંસમિશન લાઇનનો વિરોધ બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, ખેડૂતોના આંદોલન દરમિયાન મહિલાઓ ગરબા કરતી જોવા મળે છે.

કચ્છના ખાવડામાં સૂર્ય પ્રકાશ અને પવનની મદદથી વીજળીનું ઉત્પાદન કરવા માટે હાઇબ્રિડ રિન્યૂએબલ ઍનર્જી પાર્ક તૈયાર થઈ રહ્યો છે. જેના માટે ખાવડાથી મોરબી જિલ્લાના હળવદ સુધી વહન કરવા 300 કિલોમીટર લાંબી વીજલાઇન નંખાઈ રહી છે.

સરકાર અને ખાનગી કંપનીના આ સંયુક્ત ઉપક્રમ માટે થાંભલા નંખાઈ રહ્યા છે. મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો અદાણી ગ્રૂપની 'હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ' નામની કંપની દ્વારા તેમની જમીનમાં વીજળીના વહન માટેની લાઇનના થાંભલા ઊભા કરવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે.

અદાણી કંપનીએ જુલાઇ મહિનાના પ્રથમ સપ્તાહમાં ડૅક્કન હેરલ્ડ અખબારને જણાવ્યું હતું કે, "તેમની કંપની જમીનમાલિકો સાથે મસલત કરવા અને કાયદા હેઠળ નાગરિક વહીવટ દ્વારા નક્કી કરાયેલું વાજબી વળતર ચૂકવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, પરંતુ કેટલાંક સ્થાપિત હિતો જમીનમાલિકોને ઉશ્કેરી રહ્યાં છે."

'દીકરીનાં લગ્ન માથે છે, થાંભલાને લીધે પાક નથી લઈ શકાયો'

ખેડૂતો, આંદોલન, મોરબી, જેતપર, વીજ થાંભલા, ટ્રાંસમિશન લાઇનનો વિરોધ બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, ખેડૂતો તેમની જમીનમાં વીજળીના વહન માટેની લાઇનના થાંભલા ઊભા કરવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જેતપર આંદોલન છાવણીમાં જે આંદોલન ચાલે છે. તેમાં ખેડૂત નેહુલ અમૃતિયાએ સળંગ 19 દિવસના અનશન કર્યાં હતાં.

નેહુલભાઈનું ખેતર 14 વીઘાનું છે. જેમાં થાંભલા ખોદવા માટે ચાર મોટા ખાડા કરવામાં આવ્યા છે. અત્યારે એ ખાડા વરસાદી પાણીથી ભરાઈ ગયા છે.

ચાર ખાડા બતાવીને નેહુલભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "અત્યારે આ ખેતરમાં અમારી ચોમાસું પાકની તૈયારી ચાલતી હોય. મગફળી અને કપાસના કોટા ફૂટી ગયા હોય, પણ હાલ અહીં ઝાડી-ઝાંખરાં ને બાવળીયાં ઊગી નીકળ્યાં છે. હું સમજણો થયો ત્યારથી આ ખેતરમાં ચોમાસામાં પાકનું વાવેતર ન થયું હોય તેવી આ પહેલી સિઝન જોઈ છે. દુઃખ થાય છે. થાંભલાની માથાકૂટને લીધે ઉનાળુ અને ચોમાસું એમ પાકની સિઝન નિષ્ફળ ગઈ છે."

નેહુલભાઈની બાજુમાં જ અઘારા પરિવારનું ખેતર છે. તેમના ખેતરમાં પણ ઉનાળુ ને ચોમાસું પાક લેવાયા નથી. ત્યાં પણ ખેતરની વચ્ચોવચ વીજળીના થાંભલા માટેના ચાર ખાડા છે.

ધર્મેન્દ્રભાઈ અઘારા બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "આ મારા ભાઈનું ખેતર છે. ભાઈ ગુજરી ગયાને દસ મહિના થઈ ગયા. એક છોકરો ને એક છોકરી છે. બે વર્ષ પછી છોકરીને પરણાવવી છે, તો ખર્ચ કાઢવો ક્યાંથી? ભાઈનું ઘર આ ખેતર પર નભે છે."

જે ખાડા કરવામાં આવ્યા છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયાં છે. ધર્મેન્દ્રભાઈએ વ્યંગ કરતાં કહ્યું હતું કે, "સરકારે અમારા ખેતરમાં સ્વિમિંગ પુલ બનાવી દીધો છે. ખેડૂતો તો નહીં બનાવી શકે. છોકરાં આમાં મજા કરે છે."

ગુજરાત સરકારનું જેતપર આંદોલન મામલે શું કહેવું છે?

ખેડૂતો, આંદોલન, મોરબી, જેતપર, વીજ થાંભલા, ટ્રાંસમિશન લાઇનનો વિરોધ બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ટ્રાન્સમિશન કંપની થાંભલા ઊભા કરવા માટે થાંભલા દીઠ ખેડૂતોની આશરે 492 ચોરસ મીટર જમીન વાપરી રહી છે (4037 ચોરસ મીટર=1 એકર). તે જ રીતે આ થાંભલા પર લટકાવવામાં આવનાર તાર ખેડૂતોની જમીન ઉપર આશરે 67 મીટર એટલે કે આશરે 220 ફૂટ પહોળો પટ્ટો રચશે.

શરૂઆતમાં સરકારે વળતરપેટે જંત્રીના બમણા ભાવ ચૂકવવાની જાહેરાત કરી હતી. જેની સામે ખેડૂતોએ એક થઇને આંદોલન શરૂ કર્યું હતું.

ખેડૂતએ વિરોધ કરતાં કહ્યું હતું કે વળતર માટે જંત્રીના બમણા જ કેમ? બજારભાવના આધારે વળતર કેમ નહીં? તે પછી સરકાર ડઘાઈ ગઈ હતી. આંદોલનની ગંભીરતાને જોઈને સરકારે ચાર જુલાઈએ એક પરિપત્ર જાહેર કર્યો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે હવે જમીનના બજારકિંમતના બમણા ભાવ ચૂકવવામાં આવશે. રાજ્યના કૃષીમંત્રી જીતુભાઈ વાઘાણીએ તેને 'ખેડૂતો માટેનો હિતલક્ષી નિર્ણય' ગણાવ્યો હતો.

જમીનની બજારકિંમત નક્કી કરવા માર્કેટ રેટ કમિટી (એમ.આર.સી.) બનાવવાની જાહેરાત પણ કરાઈ હતી.

સરકારની જાહેરાત પ્રમાણે, જમીનનું વૅલ્યૂએશન (મૂલ્યાંકન) પણ ખેડૂતના વૅલ્યૂઅર તરફથી, વીજકંપનીના વૅલ્યૂઅર તરફથી અને કલેક્ટર તરફથી થશે તથા ત્યારબાદ ત્રણેય વચ્ચે સામંજસ્ય બેસાડીને આખરી નિર્ણય કરવામાં આવશે. આ ઉપરાંત, જો કલેક્ટરને જરૂર જણાય તો અન્ય બે પ્રતિનિધિઓની નિમણૂક કરાશે.

જોકે, ખેડૂતો આ જાહેરાતનો પણ વિરોધ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે સરકારની જાહેરાત શંકાસ્પદ જણાય છે.

નેહુલ અમૃતિયાએ કહ્યું હતું કે, "સરકાર બજાર કીમતના બમણા ભાવ આપવાની જે વાત કરે છે તે મારા ખેતરમાં થાંભલાના જે પાયા ખોદાયેલા છે એટલી જગ્યાના જ બમણા આપવા તૈયાર છે. મારા ખેતરમાં સાડા પાંચથી છ વિઘામાં કૉરીડોર આવવાનો છે. મારે 493 ચોરસ મીટર જ ખાડા કે ફાઉન્ડેશન છે. એના સિવાયની મોટા ભાગની જમીન તો કૉરીડોરમાં આવે છે. એના તો મને બજારકીંમતનો ત્રીજો ભાગ એટલે કે 33.33 ટકા પણ નથી આપતી. સરકાર ફક્ત ત્રીસ ટકા જ આપે છે. જેના ત્રીસ ટકા જ મળવાના છે એની કેમ જાહેરાત નથી કરતી? ખેતરમાં થાંભલો આવે એટલે તેનું મૂલ્ય અડધું થઈ જાય."

જોકે, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વારંવાર કહ્યું છે કે રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે સકારાત્મક અને સંવેદનશીલ છે. પરંતુ નેહુલભાઈના આ સવાલો મામલે તેઓ મૌન છે.

ખેડૂતોને કેટલું વળતર મળશે?

ખેડૂતો, આંદોલન, મોરબી, જેતપર, વીજ થાંભલા, ટ્રાંસમિશન લાઇનનો વિરોધ બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, જેતપરની આંદોલન છાવણી

કલેક્ટરે પંદર ઑગષ્ટે જણાવ્યું હતું કે વેગડવાવ ગામના સર્વે નંબર પંદરનું મૂલ્યાંકન પૂરું થઈ ગયું છે. તેમાં જૂની પદ્ધતિ કરતાં નવી પદ્ધતિમાં વળતર ચાર ગણાથી વધારેના ભાવે મળવા પાત્ર છે.

જોકે, કલેક્ટરે જણાવ્યું હતું કે, દરેક જમીનના ચાર ગણા ભાવ નહીં મળે ક્યાંક બે ગણા પણ મળે અને ક્યાંક એટલા ન પણ મળે. જો જમીન રોડની નજીકની હોય તો એનો ઊંચો ભાવ મળે અને અંતરિયાળ હોય તો એટલો ભાવ ન પણ મળે.

કલેક્ટરના જણાવ્યા પ્રમાણે, માર્કેટના જે ખરેખર ભાવ હોય તેની વિગતો સાંકળીને ભાવ નક્કી કરવામાં આવે છે.

કલેક્ટરે વિનંતિ કરી હતી કે મોરબી જિલ્લાના ખેડૂતો એમઆરસીમાં જોડાય.

ખેડૂતોનો એક બહોળો વર્ગ સરકારથી નારાજ છે ત્યારે કેટલાક ખેડૂતો સરકાર સાથે સંમત છે.

વેગડવાવ ગામના ભાવેશ ચાવડાએ પંદર ઑગષ્ટે કલેક્ટર ઑફીસે મીડિયાને જણાવ્યું હતું કે, "ટાવરવાળી જમીન પર અગાઉ જંત્રી મુજબ 15.5 લાખ વળતર મળતું હતું તે હવે 44 લાખ મળે છે. અમે ખુશ છીએ."

ભાવેશભાઈએ એમ પણ કહ્યું હતું કે, "હું કોઈ આંદોલન સાથે જોડાયેલો નથી."

ખેડૂતો, આંદોલન, મોરબી, જેતપર, વીજ થાંભલા, ટ્રાંસમિશન લાઇનનો વિરોધ બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, કેટલાક ખેડૂતો સરકારની વળતરની જાહેરાતથી ખુશ છે.

નેહુલ અમૃતીયાએ કહ્યું હતું કે "જૂની જંત્રી પદ્ધતિ મુજબ પંદર લાખ મળતા હોય તે ખેડૂતને હવે નવી આકલન પદ્ધતિ મુજબ વધારે મળતા હોય તો એમાં રાજી થવા જેવું નથી. ખેડૂતે એ સમજવું જઈએ કે તેને 3 કરોડ 93 લાખનું નુકસાન છે. 25 વીઘાનું ખેતર, ખેડૂત ખાતેદારનું હોય તેની વૅલ્યૂએશન અડધી થઈ જાય. સરકાર જે નાણાં આપી રહી છે તેની સામે સમગ્ર ખેતરનું નુકસાનના સંદર્ભમાં તો બહુ મોટું છે. સરકારની નીતિમાં ભોળવાવાની જરૂર નથી."

ભાજપ સામે ખેડૂતોની નારાજગી

ખેડૂતો, આંદોલન, મોરબી, જેતપર, વીજ થાંભલા, ટ્રાંસમિશન લાઇનનો વિરોધ બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, જેતપરની આસપાસનાં ગામોમાં આ પ્રકારે વિરોધનાં બૅનરો અને પોસ્ટરો લાગેલાં છે.

જેતપરના આંદોલનના પડઘા મોરબી જિલ્લાનાં વિવિધ ગામોમાં પડ્યા છે. મોરબીના કેટલાંય ગામોમાં નાકા પર એવાં બૅનરો અને પોસ્ટરો મૂકાયાં હતાં કે "આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે મત માગવા આવવું નહીં."

મીતાણા, ધ્રોલીયા, જીવાપર, રાજપર, હજનાણી, મોડપર, પીપળીયા, આમરણ, શાપર વગેરે ગામે ખેડૂતોએ આ પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો.

શાપર ગામના વડીલ ઘનુભાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, અમે પેહેલેથી ભાજપ તરફી જ હતા. અમારા ગામમાં ભાજપ તરફી જ જુવાળ હતો. તે છતાં પણ અમારી જમીનો સાથે સરકાર આવું કરે તે કેમ ચાલે? ભાજપવાળાએ વિચારવું જોઈએ?

શાપર ગામના ખેડૂત ઘનશ્યામભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, જમીન અમારા બાપદાદાની છે. પરંપરાગત ચાલી આવે છે. સરકાર અમને વળતર પેટે દઈ દઈને શું દેશે? જમીનની ભરપાઈ ન થઈ શકે.

'મોરબીના ખેડૂતો કંઈ થશે તો અમે દિલ્હીનો ઘેરાવ કરીશું'

ખેડૂતો, આંદોલન, મોરબી, જેતપર, વીજ થાંભલા, ટ્રાંસમિશન લાઇનનો વિરોધ બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

2020-21માં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો હતો.

તે આંદોલનનો જાણીતો ચહેરો તેમજ 'ભારતીય કિસાન યુનિયન'ના નેતા રાકશ ટિકૈત આઠ ઑગષ્ટે જેતપર ગયા હતા અને જેતપરના આંદોલનને ટેકો આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "ગુજરાતમાં કોઈ આંદોલન કરવા તૈયાર જ નહોતું ત્યાં એટલી મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન પર બેઠા છે. અહીં ખેડૂતોને કંઈ થશે તો અમે દિલ્હીમાં ઘેરાવ કરશું. અહીં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો અમે અમારા પ્રદેશમાં પોલીસ થાણા પર ઘેરાવ કરશું."

રાકેશ ટિકૈતની સાથે ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ યુદ્ધવીરસિંહ પણ હતા.

મહારાષ્ટ્રના શેતકરી સંગઠન એટલે કે ખેડૂત સંગઠનના પ્રમુખ રઘુનાથદાદા પાટીલ પણ ઑગષ્ટના બીજા સપ્તાહમાં જેતપર આંદોલન છાવણી ગયા હતા.

તેમણે કહ્યું હતું કે, "જો ખેડૂતોની જમીન જોઈતી હોય તો ભાવ પણ ખેડૂત કહે તે ચૂકવવો પડે."

ખેડૂતોની ચીમકી

ખેડૂતો, આંદોલન, મોરબી, જેતપર, વીજ થાંભલા, ટ્રાંસમિશન લાઇનનો વિરોધ બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, જેતપરની આસપાસનાં ગામડાંના લોકો પણ ખટારા અને ટ્રક જોડીને આંદોલનમાં હાજરી પુરાવે છે.

નીટ પેપર લીકના વિરોધમાં કેન્દ્રિય શિક્ષણ પ્રદાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન 6 જૂનથી શરૂ થયું હતું. 28 જૂને પર્યાવરણવિદ્ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગ્ચુકે ત્યાં ભૂખ હડતાળ શરૂ કરી હતી. 25 જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હતું. તે પછી આંદોલન સમાપ્ત થઈ ગયું હતું.

સીજેપીનું આંદોલન શરૂ થયું ત્યારે તેના આંદોલનના મુખ્ય કાર્યકર્તાઓની રજૂઆત એવી હતી કે સરકાર કે તેમના પ્રતિનિધિ આંદલનકર્તા સાથે વાત કરે, પરંતુ શરૂઆતના દિવસોમાં સરકારના પ્રતિનિધિ આવ્યા જ નહોતા. જ્યારે જેતપરના આંદલનમાં સરકારના પ્રતિનિધિઓ પછી તે કલેક્ટર હોય કે મામલતદારે વગેરે આંદોલનકર્તાઓ સાથે ચર્ચા કરતા હતા.

સીજેપીના આંદોલનમાં સોનમ વાંગ્ચુક વગેરે અનશન પર ઉતર્યા હતા. જેતપર છાવણીમાં ખેડૂત નેહુલ અમૃતિયા તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા વગેરે અનશન પર બેઠા હતા.

જેતપરમાં ખેડૂતોનું આંદોલન 9 જૂને શરૂ થયું હતું. 6 જૂને શરૂ થયેલું સીજેપીનું આંદોલન સમાપ્ત થઈ ગયું છે, પણ જેતપરના ખેડૂતોનું આંદોલન હજી પણ યથાવત્ છે.

સીજેપીના આંદોલનનો ઉલ્લેખ કરીને નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે "અમે સરકારને એટલું જ કહેવા માગીએ છીએ કે, ખેડૂત જગતનો તાત છે. દિલ્હીમાં જે આંદોલન થયું એ અમારા ખેડૂતોના દીકરાઓનું જ આંદોલન હતું. એ યુવાનો ઉગ્ર બન્યા તો 20-22 દિવસમાં તમે એની માગ પૂરી કરી દીધી. અમે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છીએ. એનો મતલબ એ ન સમજતા કે ખેડૂતો ઢીલા છે. ખેડૂતો ધારશે તો એક મંત્રીનું રાજીનામું નહીં લે, તમારી આખી સરકાર જશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન