'કિસિંગનો દેશ?': અહીં છડેચોક કિસ કરવામાં યુગલો શરમાતાં કેમ નથી?

સ્પેનમાં જાહેરમાં ચુંબન કરવું આટલું સામાન્ય કેમ છે?
    • લેેખક, લ્યુસી લવેલ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

સ્પેનમાં જાહેર સ્થળોએ કિસ કરવી એ રોજિંદી વાત છે. પરંતુ જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવા અંગે દેશનો આ સહજ અભિગમ દમન અને બળવાના આશ્ચર્યજનક ઇતિહાસને ઉજાગર કરે છે.

સ્પેનમાં કિસ જાણે સર્વત્ર જોવા મળે છે. કોઈને મળો ત્યારે ગાલ પર બે વાર ચુંબન કરીને આવકારવાની વાત તો સ્વાભાવિક છે. પરંતુ અહીં પ્રેમીઓની કિસ પણ એટલી જ સામાન્ય છે. એક વાર હું શહેરના વ્યસ્ત મુખ્ય માર્ગ પર એક આધેડ યુગલની પાછળ અટવાઈ ગઈ હતી. તેઓ રસ્તાની વચ્ચોવચ્ચ ઊભાં રહીને એકબીજાને ચૂમવામાં મશગુલ હતાં. તડકાથી ઝળહળતા બગીચામાં કિશોર-કિશોરીઓને ચુંબન કરતાં જોઈને મને જૂના દિવસો યાદ આવી ગયા. વેલેન્સિયાના 'લાસ ફાયાસ' ઉત્સવ દરમિયાન ફટાકડા ફૂટતા હોય ત્યારે નશામાં ચકચૂર પ્રેમી યુગલો એકબીજાને ભેટીને કિસ કરતાં હોય, તો તેમની વચ્ચેથી રસ્તો કાઢીને પણ મારે પસાર થવું પડ્યું છે. મારા એકાઉન્ટન્ટ પણ ઇમેઇલના અંતે 'besos' (ચુંબનો) લખીને વિદાય લે છે.

સ્પેનમાં છ વર્ષથી વધુ સમય વિતાવ્યા પછી જાહેરમાં પ્રેમ વ્યક્ત કરતાં આવાં યુગલો જોવાની મને ટેવ પડી ગઈ છે. પરંતુ જાપાનની મુલાકાત લઈને વેલેન્સિયા પાછી ફરેલી મારી એક મિત્રની નજરે આ દૃશ્યો તરત જ ચડી ગયાં. રેલવે સ્ટેશનની બહાર પગ મૂકતાં જ તેણે એક યુગલને બાંકડા પર બેસીને એકબીજાને કિસ કરતા જોયું. જાહેરમાં પ્રેમનું આવું પ્રદર્શન પ્રમાણમાં ઓછું જોવા મળતા દેશમાં થોડો સમય વિતાવ્યા પછી આ દૃશ્ય જોઈને તેને હાશકારો થયો. તેને થયું, 'હું ઘરે પાછી આવી ગઈ છું.'

કિસ માત્ર રોમાન્સની અભિવ્યક્તિ નથી

સ્પેનમાં જાહેરમાં ચુંબન કરવું આટલું સામાન્ય કેમ છે?
ઇમેજ કૅપ્શન, સ્પેનનાં જીવંત જાહેર ચોક દેશના સામાજિક જીવનનું મહત્ત્વનું કેન્દ્ર છે

તો શું ખરેખર સ્પેન 'કિસિંગ' નો દેશ છે? અને જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવાની આ રીતો તેની સંસ્કૃતિ, ઇતિહાસ અને આત્મીયતા પ્રત્યેના અભિગમ વિશે શું કહી જાય છે?

આનું એક કારણ સ્પેનવાસીઓ જાહેર જગ્યાઓનો જે રીતે ઉપયોગ કરે છે તેમાં છુપાયેલું હોઈ શકે છે. દેશના ઘણા વિસ્તારોમાં લોકોનું રોજિંદું જીવન ઘરની ચાર દીવાલો કરતાં બહાર, ધમધમતા રસ્તાઓ, કાફે અને બગીચામાં વધુ જિવાય છે.

યુનિવર્સિટી ઑફ વૉરિકના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું સ્પેન એવા દેશોમાં સામેલ છે, જ્યાં નવા પરિચિત સાથે મળતી વખતે પણ લોકો એકબીજાથી સૌથી ઓછું અંતર રાખવાનું પસંદ કરે છે. અંગત અંતરની બાબતમાં તેઓ ખાસ આગ્રહ રાખતા નથી. આ બાબતમાં તે ભૂમધ્ય સમુદ્રના દક્ષિણ ભાગમાં આવેલા પોતાના પાડોશી દેશો ગ્રીસ, ઇટાલી અને પોર્ટુગલ કરતાં પણ આગળ છે. સ્પેનના ધમધમતા જાહેર ચોકમાં આ વલણ સ્પષ્ટ જોવા મળે છે. ત્યાં કાફે અને રેસ્ટોરાંનાં ખુલ્લાં ધાબા પર મિત્રો ખભેખભા મિલાવીને બેઠા હોય છે અને તડકામાં કાન્યા (બિયર)ની ચૂસકીઓ લેતા હોય છે.

મેડ્રિડની કૉમ્પ્લુટેન્સ યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્રનાં પ્રોફેસર અમ્પારો લાસેન કહે છે કે ઉત્તર યુરોપના લોકોની સરખામણીએ સ્પેનવાસીઓ શારીરિક હાવભાવ દ્વારા લાગણી વ્યક્ત કરવામાં વધુ મુક્ત હોય છે. તેઓ કહે છે, 'નોર્ડિક દેશો કે ઇંગ્લૅન્ડ સાથે સરખામણી કરો ત્યારે આ તફાવત વધુ સ્પષ્ટ જણાય છે.'

કદાચ સ્પેનવાસીઓ બીજા દેશોના લોકો કરતાં વધુ લાગણીશીલ નથી, પરંતુ પોતાની લાગણીઓ જાહેર કરવામાં વધુ સહજ છે. જાહેરમાં કિસ કરવી તેમના માટે કોઈ મોટી રોમૅન્ટિક અભિવ્યક્તિ નથી; તે રોજિંદા જીવનનો સહજ અને સ્વીકાર્ય હિસ્સો છે.

યુગલો માટે એકાંત શોધવું મુશ્કેલ

સ્પેનમાં જાહેરમાં ચુંબન કરવું આટલું સામાન્ય કેમ છે?
ઇમેજ કૅપ્શન, સ્પેનમાં જાહેર સ્થળોએ પ્રેમ વ્યક્ત કરતાં યુગલો જોવા મળવાં તદ્દન સામાન્ય બાબત છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રહેવાની રીતભાત પણ આમાં ભાગ ભજવતી હોઈ શકે છે. સ્પેનની આશરે 65 ટકા વસ્તી ફ્લૅટમાં રહે છે. યુરોપિયન યુનિયનમાં આ પ્રમાણ સૌથી વધુ છે. બીજી તરફ, મિલકતોના આસમાને પહોંચેલા ભાવને કારણે યુવાનો માટે માતાપિતાનું ઘર છોડીને અલગ રહેવાનું વધુ ને વધુ મુશ્કેલ બન્યું છે.

લાસેનના મતે, ઘરમાં પ્રાઇવસીની મર્યાદિત તક હોવાને કારણે લોકો અંતરંગ પળો જાહેર સ્થળોએ શોધતા થયા છે. તેઓ કહે છે, "સ્પેનમાં મકાનોની કટોકટી છે. એટલે અમે મિત્રો સાથે મળવા માટે પોતાનાં ઘરોને બદલે બહાર જવા, બારમાં કે રેસ્ટોરાંમાં મળવા વધુ ટેવાયેલા છીએ." તેઓ ઉમેરે છે કે હવે યુગલોએ એકાંતની થોડીક પળો માણવા માટે કોઈ અવાવરું બાંકડો શોધવો પડે છે. અલબત્ત, ત્યાં પણ સંપૂર્ણ એકાંત મળે જ એવું નથી.

પરંતુ લાસેનના મતે, જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવા પાછળ મકાનોની કટોકટી મૂળભૂત કારણ નથી. તેના કરતાં વધુ મહત્ત્વનું કારણ આ બાબતે દેશનો હળવો અને સ્વીકાર્ય અભિગમ છે. તેઓ કહે છે, કોઈ તમને ખરાબ નજરે ન જુએ અથવા તમે તેની પરવા ન કરો, તો જાહેરમાં આ રીતે પ્રેમ વ્યક્ત કરવાનું સહેલું બની જાય છે.'

28 વર્ષનાં ઇસાબેલ નીયેટો તૂસ ત્રણ વર્ષ પહેલાં વિદેશમાં રહીને પાછાં ફર્યાં હતાં અને ફરી માતાપિતા સાથે રહેવા લાગ્યાં હતાં. એકાંતની પૂરતી તક ન હોય ત્યારે ડેટિંગ કરવું કેટલું અઘરું બની શકે છે તેનો તેમને અનુભવ છે. તેઓ કહે છે, "હું મારાં માતાપિતાને કહેવા નહોતી માગતી કે હું કોઈના ઘરે રાત રોકાવા જઈ રહી છું, કારણકે એ થોડું અજુગતું લાગતું હતું. એટલે હું તેમને કહેતી કે હું એક મિત્રના ઘરે રોકાવાની છું."

જાહેરમાં કિસ કરવા બદલ યુગલોને દંડ થતો

જાપાન, ફ્રાન્સ, જર્મની અને ટ્યૂનિશિયામાં રહી ચૂકેલાં તૂસ માને છે કે સ્પેનમાં ડેટિંગ કરવાની રીત જુદી છે. અહીં શરૂઆતથી જ એક પ્રકારની આત્મીયતા જોવા મળે છે. તેઓ કહે છે, "લોકો બહુ ઝડપથી એકબીજાની નજીક આવી જાય છે અને સ્પર્શ કરવામાં પણ સંકોચ રાખતા નથી. કદાચ તમે કોઈની સાથે માત્ર નામ પૂરતા સંબંધમાં હો, બે જ તેને વાર મળ્યા હો, છતાં જાહેરમાં હાથમાં હાથ નાખીને ફરતાં હો અને એકબીજાની ખૂબ નજીક રહેતા હો એમ બનવું સ્વાભાવિક છે."

તેઓ ઉમેરે છે, "મારા મતે, સામાન્ય રીતે જાહેરમાં ચુંબન કરવું અહીં બહુ સ્વીકાર્ય છે. ઘરની અંદર અને બહાર એવો કોઈ ભેદ રાખવામાં આવતો નથી. લોકો ઘરની અંગત જગ્યામાં જે રીતે વર્તે છે, એ જ રીતે બહારની જાહેર જગ્યામાં પણ વર્તે છે."

આજે સ્પેનમાં જાહેરમાં પ્રેમ વ્યક્ત કરતાં યુગલો જોવા મળવાં સામાન્ય વાત છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે જાતીયતા અને તેની અભિવ્યક્તિ પર કડક નિયંત્રણો હતાં. ફ્રાન્સિસ્કો ફ્રાન્કોની સરમુખત્યારશાહી (1939-1975) દરમિયાન રૂઢિચુસ્ત કૅથલિક માન્યતાઓ અને કડક કાયદાઓને કારણે લોકોના જાહેર વર્તન પર કડક નિયંત્રણો હતાં. સમલૈંગિક સંબંધોને ગુનો ગણવામાં આવતો હતો અને જાહેરમાં પ્રેમ વ્યક્ત કરનારાઓ પર પણ નજર રાખવામાં આવતી હતી. જાહેરમાં કિસ કરવા બદલ યુગલોને દંડ પણ થઈ શકતો હતો.

1975માં ફ્રાન્કોના મૃત્યુ પછી સ્પેનમાં મોટું સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું. મેડ્રિડમાં 'લા મોવિદા મેદ્રિલેના' નામે ઓળખાતી એક ઉલ્લાસભરી વૈકલ્પિક સાંસ્કૃતિક ચળવળે સ્વતંત્રતા અને પોતાની અભિવ્યક્તિની ઉજવણી કરી. પેદ્રો અલ્મોદોવાર જેવા ફિલ્મસર્જકોએ ભૂતકાળનાં રૂઢિચુસ્ત મૂલ્યોને પડકાર્યાં. આ ચળવળનો વ્યાપ વધતો ગયો તેમ જાહેર જીવનમાં પ્રેમ અને જાતીયતાની અભિવ્યક્તિ પણ વધુ ને વધુ દેખાવા લાગી.

જ્યારે જાહેરમાં કિસ કરવા બદલ મહિલાઓની ધરપકડ થઈ

સ્પેનમાં જાહેરમાં ચુંબન કરવું આટલું સામાન્ય કેમ છે?
ઇમેજ કૅપ્શન, ફ્રાન્કોની સરમુખત્યારશાહી દરમિયાન દાયકાઓ સુધી દમન સહન કર્યા પછી કિસ સ્પેનમાં નવેસરથી મળેલી સ્વતંત્રતાની અભિવ્યક્તિ બની ગઈ

પરંતુ આ મોટું પરિવર્તન આપમેળે આવ્યું નહોતું. એલજીબીટી અધિકારના કાર્યકરો દાયકાઓથી વિરોધપ્રદર્શનો કરી રહ્યા હતા. તેમના સંઘર્ષે વધુ ખુલ્લા અને ઉદાર સમાજનો માર્ગ મોકળો કર્યો હતો. આવું જ એક મહત્ત્વનું વિરોધપ્રદર્શન 23 ફેબ્રુઆરી, 1987ના રોજ મેડ્રિડમાં યોજાયું હતું. તેના એક વર્ષ પહેલાં મેડ્રિડના પુએર્તા દેલ સોલ વિસ્તારમાં બે મહિલાઓની જાહેરમાં કિસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 'એસ્કાન્ડાલો પુબ્લિકો' (જાહેર ઉપદ્રવ) કાયદા હેઠળ તેમને બે દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યાં હતાં.

આ ઘટનાને પગલે સ્થાનિક કાર્યકરોએ આ કેસ તરફ લોકોનું ધ્યાન દોરવા માટે સામૂહિક ચુંબન કાર્યક્રમનું આયોજન કર્યું. એ વર્ષથી લઈને 1990ના દાયકા સુધી મેડ્રિડની દરેક પ્રાઇડ માર્ચનો અંત પુએર્તા દેલ સોલ ખાતે સામૂહિક ચુંબન સાથે આવતો હતો. આમ, શેરીઓમાં ચુંબન કરવું શાંતિપૂર્ણ વિરોધનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું. 1988માં જાહેર ઉપદ્રવ સાથે સંકળાયેલો આ અપરાધ પણ ખતમ કરી દેવાયો.

આજે સ્પેનમાં ઠેરઠેર જાહેરમાં પ્રેમ વ્યક્ત કરતાં યુગલો જોવા મળે છે, પરંતુ આ સ્વતંત્રતાનો અનુભવ દરેકને સરખી રીતે થતો નથી. લાસેનના જણાવ્યા અનુસાર, જાહેર બાંકડા પર ચુંબન કરતાં વૃદ્ધ યુગલ તરફ લોકોનું ધ્યાન વધુ ખેંચાઈ શકે છે, જ્યારે સમલૈંગિક યુગલોને વધુ ટીકાત્મક નજરોનો સામનો કરવો પડી શકે છે. તેઓ કહે છે, "પોતાના સંબંધને જાહેરમાં વ્યક્ત કરવામાં દરેક વ્યક્તિ સરખી સહજતા અનુભવતું નથી."

'કિસિંગ તો જાણે હિમશિલાની ટોચ છે'

વેલેન્સિયામાં વેડિંગ ફોટોગ્રાફર તરીકે કામ કરી ચૂકેલાં પૌલા ફ્યુરિયો માટે કિસિંગ એ એનાથી ઘણી મોટી બાબતનું પ્રતીક છે. તેઓ કહે છે, "હજી ઘણું કામ કરવાનું બાકી છે, પરંતુ એકંદરે સ્પેનનો સમાજ ઘણો ખુલ્લો છે. કિસિંગ તો જાણે હિમશિલાની ટોચ છે. તે તમને સ્પેનમાં કેવા પ્રકારની સ્વતંત્રતા મળી શકે છે તેનો અહેસાસ કરાવે છે. તે સ્વતંત્રતાની અભિવ્યક્તિ છે."

આ વાતે મને જાપાનથી પાછી ફરેલી મારી મિત્રની ફરી એક વાર યાદ અપાવી. બાંકડા પર એક યુગલને ચુંબન કરતા જોઈને તેને જે હાશકારો થયો હતો, તે કદાચ માત્ર ઘરે પાછા ફર્યાનો આનંદ નહોતો. તેને એવા દેશમાં પાછા ફર્યાનો આનંદ હતો, જ્યાં શિષ્ટાચાર કરતાં પોતાની લાગણીઓ અને સ્વાભાવિકતા વધુ મહત્ત્વનાં છે. કદાચ સ્પેનમાં ચુંબન કરવાની બાબતમાં સૌથી આશ્ચર્યજનક વાત એ જ છે કે હવે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું રહ્યું નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન