પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાથી વાહનોની માઇલેજ ઘટી જાય, કેવા આરોપ લાગ્યા?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયે પણ આ વિવાદ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે પેટ્રોલ પંપો પરથી લેવાયેલા નમૂના નિર્ધારિત ધોરણો અનુસાર હોવાનું જાણવા મળ્યું છે (ફાઇલ તસવીર)
    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી ન્યૂઝ માટે, બેંગ્લુરુ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

પેટ્રોલમાં ઇથેનોલની ભેળસેળ અંગે ઑઇલ માર્કેટિંગ કંપનીઓ અને કર્ણાટકની કૉંગ્રેસ સરકાર વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે.

કર્ણાટક સરકારનો દાવો છે કે રાજ્યના સાત જિલ્લામાંથી પેટ્રોલના નમૂના લેવામાં આવ્યા હતા અને માન્યતાપ્રાપ્ત પ્રયોગશાળાઓમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી જગ્યાએ ઇથેનોલનું પ્રમાણ નિર્ધારિત 20 ટકા કરતાં વધુ જોવા મળ્યું હતું.

કર્ણાટક સરકારના જણાવ્યા અનુસાર, કેટલાક નમૂનામાં આ પ્રમાણ 31.2 ટકા જેટલું ઊંચું નોંધાયું છે. જોકે, પ્રમુખ ઑઇલ કંપનીઓએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયે પણ આ વિવાદ પર એક નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે સમગ્ર દેશમાં કરાયેલાં પરીક્ષણોમાં, પેટ્રોલના તમામ નમૂનાઓ નિર્ધારિત ધોરણો અનુસાર હોવાનું જાણવા મળ્યું છે.

આ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે, "જો પેટ્રોલમાં 20 ટકાથી વધુ ઇથેનોલ ભેળવવામાં આવી રહ્યું છે, તો સંબંધિત ઑઇલ કંપનીઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે?"

કર્ણાટક સરકારનો ઇથેનોલ ભેળસેળ અંગેનો દાવો

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય પેટ્રોલિયમ ઍન્ડ નૅચરલ ગૅસ મંત્રાલયના મંત્રી હરદીપસિંહ પુરી

કર્ણાટકના ખાદ્ય અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રિઝવાન અરશદે શુક્રવારે એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી.

તેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ગ્રાહક બાબતોના વિભાગે 63 સ્થળોએથી પેટ્રોલના નમૂના એકત્રિત કર્યા હતા.

તેમાં બેગલુરુ, ચિક્કાબલ્લાપુર, બેગલુરુ ગ્રામીણ, રામનગરા, મેંગલુરુ અને તુમકુર સહિત અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું, "પ્રમુખ ઑઇલ કંપનીઓના પેટ્રોલ પંપમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં ઇથેનોલનું પ્રમાણ 20 ટકાથી વધુ જોવા મળ્યું. બે કંપનીઓના નમૂનાઓમાં, આ પ્રમાણ 31.2 ટકા અને 30.6 ટકા નોંધાયું. કુલ 14 સ્થળોના ડેટામાં, ફક્ત ત્રણ સ્થળોએ ઇથેનોલનું પ્રમાણ 20 ટકાથી ઓછું જોવા મળ્યું."

"શરૂઆતમાં, નમૂનાઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડની આંતરિક પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, આ પ્રયોગશાળાઓના અહેવાલોમાં ઇથેનોલના વાસ્તવિક જથ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ત્યાર બાદ, નમૂનાઓનું માન્યતાપ્રાપ્ત પ્રયોગશાળાઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું."

રિઝવાન અરશદે સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર ઇથેનોલ ભેળવવાની વિરુદ્ધ નથી, પરંતુ નિર્ધારિત મર્યાદાથી વધુ ઇથેનોલ ભેળવવાથી ગ્રાહકો પર નાણાકીય બોજો વધી રહ્યો છે.

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રિઝવાન અરશદ કહે છે કે ભારતીય બજારમાં ઉપલબ્ધ વાહનો આટલા વધુ ઇથેનોલ મિશ્રિત ઈંધણનો ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યાં નથી.

તેમણે કહ્યું, "ઘણી કાર કંપનીઓએ કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમનાં વાહનો દસ ટકા ઇથેનોલમિશ્રિત પેટ્રોલ માટે તૈયાર છે. એપ્રિલ 2023 પછી વેચાયેલાં વાહનોને ફક્ત E20, એટલે કે 20 ટકા ઇથેનોલમિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે."

"ઇથેનોલની વધુ માત્રાથી વાહનોનાં ફિલ્ટર, ઈંધણ પંપ, ઇન્જેક્ટર, પાઇપ અને સીલને નુકસાન પહોંચાડી શકે છે. આના પરિણામે ગ્રાહકોને રૂ. 39,000 કરોડનો વધારાનો વાહન રિપૅરિંગ ખર્ચ ભોગવવો પડે છે."

તેમણે કહ્યું કે ઇથેનોલ બ્લેન્ડિંગને કારણે માઇલેજ લગભગ દસ ટકા ઘટે છે.

પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટર ગણીને તેમણે દાવો કર્યો કે આનાથી ગ્રાહકોને વાર્ષિક આશરે 62 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.

અરશદના મતે, બંને પ્રકારના નુકસાનને જોડીને, ગ્રાહકો વાર્ષિક આશરે 1.01 લાખ કરોડ રૂપિયાના વધારાના નાણાકીય બોજો વેઠી રહ્યા છે.

રિઝવાન અરશદે માંગ કરી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ખરેખર કેટલું ઇથેનોલ ઉમેરવામાં આવી રહ્યું છે તે સ્પષ્ટ કરે. તેમણે કહ્યું કે 20 ટકાથી વધુ ઇથેનોલ ભેળવતી ઑઇલ કંપનીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

ઑઇલ કંપનીઓએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એક નિવેદન જાહેર કરીને કર્ણાટક સરકારના દાવાને ખોટા ગણાવ્યા છે (ફાઇલ ફોટો)

આ ઑઇલ કંપનીઓએ જણાવ્યું હતું કે કર્ણાટક સહિત દેશભરમાં સપ્લાય કરવામાં આવી રહેલ E20 પેટ્રોલ ભારતીય માનક બ્યૂરો (બીઆઇએસ) દ્વારા નિર્ધારિત ધોરણ IS 17021 મુજબ છે.

આ માપદંડ ઇથેનોલમિશ્રિત પેટ્રોલ માટે નક્કી કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એક નિવેદન જાહેર કરીને કર્ણાટક સરકારના દાવાને ખોટા ગણાવ્યા છે.

કંપનીએ જણાવ્યું હતું કે કેટલાક પેટ્રોલ પંપ પર નિર્ધારિત મર્યાદાથી વધુ ઇથેનોલ ભેળવવાના તાજેતરના દાવા નિર્ધારિત પરીક્ષણ પ્રક્રિયાઓ હેઠળ કરવામાં આવેલાં પરીક્ષણો સાથે મેળ ખાતા નથી.

કંપનીના જણાવ્યા અનુસાર, દેશનાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 893 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આમાં કર્ણાટકના 56 નમૂના પણ સામેલ હતા. કંપનીનો દાવો છે કે બધા નમૂનામાં ઇથેનોલનું પ્રમાણ 19થી 21 ટકાની નિર્ધારિત મર્યાદામાં મળી આવ્યું હતું

સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે, "ઇન્ડિયન ઑઇલ, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ સાથે મળીને, વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે સંયુક્ત અને પારદર્શક તપાસ કરવા માટે કર્ણાટક સરકારને પ્રસ્તાવ મૂક્યો છે."

કંપનીએ ગ્રાહકોને સત્તાવાર સ્રોતો પાસેથી મળેલી વેરિફાય કરાયેલી માહિતી પર વિશ્વાસ કરવા પણ અપીલ કરી છે.

પેટ્રોલિયમ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારી ઑઇલ કંપનીઓ દ્વારા વેચવામાં આવતું E20 પેટ્રોલ નિર્ધારિત ગુણવત્તા માપદંડો પર ખરું ઊતરી રહ્યું છે (ફાઇલ તસવીર: પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી)

આ વિવાદ વચ્ચે, પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારી ઑઇલ કંપનીઓ દ્વારા વેચવામાં આવતું E20 પેટ્રોલ નિર્ધારિત ગુણવત્તાના માપદંડોને પૂર્ણ કરે છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, "સરકારી ઑઇલ કંપનીઓ દ્વારા વેચવામાં આવી રહેલું E20 પેટ્રોલ નિર્ધારિત ગુણવત્તા માપદંડો પર ખરું ઊતરી રહ્યું છે. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લેવામાં આવેલા 893 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે તમામ નિર્ધારિત માપદંડો અનુસાર હોવાનું જાણવા મળ્યું હતું."

"કર્ણાટકમાં તપાસાયેલા તમામ 56 નમૂનાઓ IS 17021 ધોરણોનું પાલન કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આમાં ઇથેનોલનું પ્રમાણ 19થી 20 ટકાની વચ્ચે જોવા મળ્યું છે."

મંત્રાલયે જણાવ્યું હતું કે તેની અંતર્ગત આવતું સેન્ટર ફૉર હાઇ ટૅકનૉલૉજી (સીએચટી) ઑઇલ કંપનીઓના પેટ્રોલ પંપ પર ઇથેનોલ મિશ્રણ અને પેટ્રોલની ગુણવત્તા પર સતત નજર રાખે છે.

રાહુલ ગાંધીએ પૂછ્યું - કાર્યવાહી ક્યારે થશે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે 14માંથી 11 નમૂનાઓમાં 20 ટકાથી વધુ ઇથેનોલ હોવાનું જાણવા મળ્યું છે (ફાઇલ તસવીર)

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ વિવાદ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે કર્ણાટકના અનેક જિલ્લાઓમાં પેટ્રોલની તપાસ કરાવતાં માલૂમ પડ્યું હતું કે E20 પેટ્રોલમાં 20 ટકાથી વધુ ઇથેનોલ છે.

તેમણે એક્સ પર લખ્યું , "મોદી સરકાર કહે છે કે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ હોય છે. કર્ણાટક સરકારે સાત જિલ્લામાંથી પેટ્રોલના નમૂના એકત્રિત કર્યા અને તેનું માન્યતાપ્રાપ્ત પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવ્યું."

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે 14માંથી 11 નમૂનામાં 20 ટકાથી વધુ ઇથેનોલ હતું. આમાંથી, આઇઓસીએલના એક નમૂનામાં 31.2 ટકા ઇથેનોલ અને એચપીસીએલના એક નમૂનામાં 30.5 ટકા ઇથેનોલ હતું.

રાહુલ ગાંધીએ કહ્યું, "તમે મોંઘા પેટ્રોલ માટે પૈસા ચૂકવી રહ્યા છો અને ટાંકીમાં ઇથેનોલ ભરવામાં આવી રહ્યું છે. નુકસાન તમારું છે."

રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું કે 20 ટકાથી વધુ ઇથેનોલ ભેળવતી કંપનીઓ સામે ક્યારે કાર્યવાહી કરાશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન