અભિજિત દીપકેએ કહ્યું, "હું સ્કૉલરશીપ લેટર બતાવીશ, શું ભાજપના નેતાઓ તેમની ડિગ્રીઓ બતાવશે?" - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દિપકેએ કહ્યું છે કે તેઓ તેમનો સ્કૉલરશીપ લેટર અને એજ્યુકેશન લોન સંબંધિત દસ્તાવેજો બતાવવા તૈયાર છે.

આ અંગે અભિજિત દીપકે કહ્યું , "મેં જોયું કે એક ભાજપ કાર્યકર્તાએ મારી વિરુદ્ધ RTI દાખલ કરી છે અને તે જાણવા માંગે છે કે મેં મારું ઍજ્યુકેશન કેવી રીતે પૂર્ણ કર્યું. હું તેમને પૂછવા માંગુ છું કે શું તમારા નેતાઓ તેમની ડિગ્રીઓ બતાવશે?"

તેમણે કહ્યું, "હું મારા સ્કૉલરશીપ લેટર અને શિક્ષણ લોન સંબંધિત દસ્તાવેજો બતાવવા તૈયાર છું. પણ શું તમારા નેતાઓ તેમની ઓરિજિનલ ડિગ્રીઓ બતાવશે? મને સમજાતું નથી કે આ લોકોને ઍજ્યુકેશન સાથે આટલી સમસ્યા કેમ છે."

દીપકે કહ્યું, "જો કોઈ સામાન્ય પરિવારનો છોકરો બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને પાછો ફર્યો છે, તો તેઓ શા માટે પરેશાન થઈ રહ્યા છે? તમે લોકો શિક્ષણની વિરુદ્ધ કેમ છો?"

ઉલ્લેખનીય છે કે સુરતના એક RTI કાર્યકર્તા અમિત તિવારીએ શનિવારે દાવો કર્યો હતો કે તેમણે દિપકેના પિતાની આર્થિક સ્થિતિની તપાસ કરાવવાની માંગ કરી છે.

જસપ્રીત બુમરાહ શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર, જમ્મુ-કાશ્મીરના આકિબ નબીને ટીમમાં સામેલ

ભારતીય ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બૉલર આકિબ નબીને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

વાસ્તવમાં બુમરાહ હજુ સુધી ઇંગ્લૅન્ડ સામેની વનડે સિરીઝ દરમિયાન ડાબા ઘૂંટણમાં થયેલી ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી, જેના કારણે તેમને ટીમની બહાર રાખવામાં આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સચિવ દેવજિત સૈકિયા દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આકિબ નબીને પહેલી વાર ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે.

આકિબ નબીએ છેલ્લી બે રણજી ટ્રૉફી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને કુલ 104 વિકેટ લીધી છે. 2025-26 રણજી ટ્રૉફી સિઝનમાં તેમણે 60 વિકેટ લીધી અને જમ્મુ-કાશ્મીરને તેની પ્રથમ રણજી ટ્રૉફી ટાઇટલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી.

આ ઉપરાંત તેઓ તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારત-એ ટીમનો પણ ભાગ હતા, જ્યાં તેમણે બે ફર્સ્ટ-ક્લાસ મૅચમાં છ વિકેટ લીધી હતી.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમઃ

શુભમન ગિલ (કૅપ્ટન), કેએલ રાહુલ (વાઇસ-કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાડ, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન, આકિબ નબી.

માંજલપુર બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ, ભાજપ-કૉંગ્રેસ માટે કેટલું મહત્ત્વનું

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી 30 જુલાઈ 2026ના રોજ મતદાન થયું હતું અને આજે 3 ઑગસ્ટે મતગણતરી થશે.

ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કૉંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી વચ્ચે કાંટાની ટક્કર છે

ભાજપનો ગઢ ગણાતી માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પછી ત્યાં પેટાચૂંટણી યોજાઈ હતી.

આ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની અપેક્ષા કરતાં ઓછું મતદાન થયું હતું.

ગઈ ચૂંટણીમાં જેટલી લીડ ભાજપના ઉમેદવારને મળી હતી, તેનાથી પણ ઓછું મતદાન થયું છે.

આ ચૂંટણીમાં મતદાન માત્ર 37.5 ટકા થયું છે, જ્યારે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલની જીતની લીડ 64.8 ટકા હતી.

રાજકીય નિષ્ણાતોના મતે ઓછું મતદાન થવા પાછળ યુવા મતદાતાઓની ઉદાસીનતા, વરસાદ અને પેટાચૂંટણીમાં બે રાજકીય જૂથો વચ્ચે થયેલી મારામારી છે.

કૉક્રોચ જનતા પાર્ટી પાંચ ઑગસ્ટે શું કરશે?

કૉક્રોચ જનતા પાર્ટીની કોર કમિટીની એક મહત્ત્વપૂર્ણ બેઠક પાંચ ઑગસ્ટના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાશે.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર , સીજેપીનાં સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે આ બેઠકમાં પાર્ટીના ભાવિ એજન્ડા અને આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

આ બેઠક સીજેપીના સ્થાપક અભિજિત દીપકેના નિવાસસ્થાને યોજાશે. બેઠક બાદ સીજેપી એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને તેનાં ભાવિ પગલાં અને લીધેલા નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરશે.

એવું કહેવાય છે કે ગયા મહિને નીટ પેપરલીક કેસ મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે એક મહિના સુધી ચાલેલા વિરોધપ્રદર્શન બાદ સીજેપીએ તેમના કાર્યકરો અને વૉલંટિયરને તેમના પરિવારો સાથે થોડો સમય વિતાવવા કહ્યું હતું.

પીટીઆઇએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કોર કમિટીના સભ્યોને વૉલંટિયર અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા અને તેમનાં સૂચનો એકત્રિત કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી, જેથી તેમને 5 ઑગસ્ટના રોજ મળનારી બેઠકમાં મૂકી શકાય.

નોંધનીય છે કે નીટ પેપરલીક અંગે દિલ્હીના જંતર-મંતર ખાતે સીજેપીની આગેવાની હેઠળના વિરોધપ્રદર્શનને જેન ઝી યુવાનો તરફથી નોંધપાત્ર સમર્થન મળ્યું હતું. આ વિરોધ બાદ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગયા અઠવાડિયે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે, ઈરાન સાથે ક્યારે શરૂ થશે વાતચીત તેનો ખુલાસો કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે સોમવારથી ઈરાન સાથે વાતચીતનો નવો રાઉન્ડ શરૂ થશે.

તેમણે કહ્યું કે પ્રસ્તાવિત મોટા લશ્કરી હુમલાને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે, કારણ કે મધ્યપૂર્વમાં ઈરાન અને અમેરિકાના સાથીઓએ તેનો આગ્રહ કર્યો હતો.

ઍરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે સોમવારે બપોરે વાટાઘાટ શરૂ થશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે આ વાટાઘાટ ક્યાં થશે અથવા કોણ સામેલ થશે.

આ અગાઉ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, "ઈરાન અને મધ્યપૂર્વમાં અમેરિકાના સાથીઓએ તેમને લશ્કરી કાર્યવાહી બંધ કરવા વિનંતી કરી છે, કારણ કે કરારનું માળખું લગભગ તૈયાર છે."

ટ્રમ્પે દાવો કર્યો હતો કે હોર્મુઝની સામુદ્રધુની અને પરમાણુ મુદ્દા પર કરાર થવાની શક્યતા હજુ પણ છે.

જોકે, ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી મેહરે જણાવ્યું હતું કે ઈરાને અમેરિકાને કોઈ પણ લશ્કરી કાર્યવાહી ટાળવા વિનંતી કરી નથી અને ટ્રમ્પનો દાવો 'એક નવું જુઠ્ઠાણું' છે.

ઈરાની મીડિયા અનુસાર, વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે ઓમાનની મધ્યસ્થીથી હોર્મુઝની સામુદ્રધુની સંબંધિત કરાર પર વાટાઘાટ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન