ભારતે અફઘાનિસ્તાનને બીજી વન-ડે મૅચમાં 170 રનથી હરાવ્યું : ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

ભારતીય ક્રિકેટ ટીમે બુધવારે લખનૌમાં રમાયેલી બીજી વન-ડે મૅચમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું હતું.

ભારતે પહેલાં બૅટિંગ કરતાં 402 રન બનાવ્યા હતા. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ 232 રન પર જ ઑલ આઉટ થઈ ગઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન શુભમન ગિલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.

ભારત તરફથી શુભમને સૌથી વધારે 154 રન બનાવ્યા હતા. ઇશાન કિશને 79 બૉલમાં 125 રન બનાવ્યા હતા.

દહેરાદૂન: નીટની તૈયાર કરતી યુવતી મૃત મળી આવી, સુસાઇડ નોટ પણ મળી

ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂનમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટની તૈયારી કરી રહેલી યુવતી પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી છે.

પોલીસ અનુસાર, પટેલનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચંદ્રબનીસ્થિત સેવલા કલા વિસ્તારમાં રહેતાં 23 વર્ષીય રિયાએ મંગળવારે સવારે આત્મહત્યા કરી લીધી.

(આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે તણાવ કે માનસિક પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા હો તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800-233-3330 પર સંપર્ક કરીને સહાયતા લઈ શકો છો. તમે તમારા મિત્રો, પરિવારજનો કે કોઈ માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સાથે પણ વાત કરી શકો છો.)

પરિવારજનોએ જણાવ્યું કે તેઓ સોમવારે રાત્રે પોતાના રૂમમાં વાંચ્યા પછી સૂઈ ગયાં હતાં. મંગળવારે સવારે લગભગ 10:30 વાગ્યે જ્યારે ઘણી વાર સુધી રૂમનો દરવાજો ન ખૂલ્યો તો પરિવારના લોકોએ તેમને બૂમ પાડીને બોલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈ જવાબ ન મળતાં દરવાજો ખોલવામાં આવ્યો, જ્યાં રિયા મૃત અવસ્થામાં મળ્યાં.

માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો.

પોલીસે શું જણાવ્યું?

દેહરાદૂન સદરના સીઓ અંકિત કંડારીએ બીબીસીને જણાવ્યું કે રિયા પાસે અંગ્રેજીમાં લખેલી એક ટૂંકી સુસાઇડ નોટ મળી આવી છે, જેની તપાસ કરાઈ રહી છે.

સીઓ કંડારી અનુસાર, રિયાના પિતા સૈન્યમાંથી નિવૃત્ત છે અને માતા ગૃહિણી છે. તેમનો નાનો ભાઈ અને એક બહેન છે.

તેઓ દેહરાદૂન ડીએવી કૉલેજથી સ્નાતકનું શિક્ષણ મેળવી રહ્યાં હતાં અને સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરી રહ્યાં હતાં.

પોલીસનું કહેવું છે કે હાલ આત્મહત્યાનું કારણ સ્પષ્ટ નથી. પરિવારજનોએ પણ પોલીસને જણાવ્યું કે રિયા કોઈ ખાસ તણાવમાં નહોતાં.

અધિકારીઓ પ્રમાણે, પોસ્ટમૉર્ટમ અને તપાસની અન્ય હકીકતોના આધારે આગળની કાર્યવાહી કરાશે.

અલવરની નીટ વિદ્યાર્થિનીએ દિલ્હીમાં આત્મહત્યા કરી, અશોક ગહેલોતે કહ્યું, 'મોદી સરકારની આ ફેઇલ સિસ્ટમ કેટલા જીવ લેશે?'

નીટ પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરી દેવાઈ હતી. હવે આ પરીક્ષા 21 જૂનના રોજ થશે, પરંતુ એ પહેલાં, ગત બે દિવસમાં રાજસ્થાનના બે નીટ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે.

થોડા દિવસ પહેલાં સીકરમાં એક નીટ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી અને હવે અલવરનાં રહેવાસી રેણુ મીણાએ દિલ્હીમાં આત્મહત્યા કરી લીધી છે. પેપર લીક થયા બાદથી અત્યાર સુધીમાં નવ વિદ્યાર્થીઓના આત્મહત્યાના સમાચાર સામે આવી ચૂક્યા છે.

(આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે તણાવ કે માનસિક પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા હો તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800-233-3330 પર સંપર્ક કરીને સહાયતા લઈ શકો છો. તમે તમારા મિત્રો, પરિવારજનો કે કોઈ માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સાથે પણ વાત કરી શકો છો.)

વિદ્યાર્થિનીની આત્મહત્યાના મામલામાં અશોક ગહેલોતે નિવેદન જાહેર કરીને કહ્યું, "નીટ પેપર લીક અંગે કેન્દ્ર સરકારની નિષ્ફળતાએ વધુ એક બાળકીનો જીવ લઈ લીધો છે. દિલ્હીમાં તૈયારી કરી રહેલી અલવરના ભનોખર ગામની રેણુ મીણાની આત્મહત્યા અત્યંત દુખદ છે."

અશોક ગહેલોતે આગળ કહ્યું, "મીડિયામાં આવેલી જાણકારી અનુસાર, નીટ પરીક્ષા રદ થવાને કારણે એ નિરાશ હતી."

"મોદી સરકારની આ નિષ્ફળ સિસ્ટમ હજુ કેટલા જીવ લેશે? કાલે જ ઉમેશ માલીની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા હતા, જ્યારે આ પહેલાં પ્રદીપ મેઘવાલે પણ જીવ આપી દીધો હતો."

તેમણે આગળ કહ્યું, "જે બાળકો આવતી કાલે ડૉક્ટર બનીને દર્દીઓના જીવ બચાવી રહ્યા હોત, તેઓ આજ ખુદ આત્મહત્યા કરી રહ્યા છે."

"આનાથી વધુ નિરાશાજનક સ્થિતિ શું હોઈ શકે છે? પરંતુ મોદી સરકારને આની પડી નથી."

ટ્રમ્પે કહ્યું- 'ઈરાન સાથે થયેલી સમજૂતી અંતિમ નથી, ફરીથી 'બૉમ્બમારો' કરવાની ધમકી'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે જે સમજૂતી થઈ છે તે અંતિમ સમજૂતી નથી.

જી7 શિખર સંમેલનમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી સાથે ઊભા હતા ત્યારે ટ્રમ્પે કહ્યું કે, "જો તેઓ (ઈરાન) યોગ્ય વ્યવહાર નહીં કરે, તો અમે સીધા ફરીથી તેમના માથા પર બૉમ્બમારો કરીશું."

તેમણે ફરીથી કહ્યું કે અમેરિકા ઈરાનમાં રોકાણ નથી કરી રહ્યું. એવા રિપોર્ટ્સ બાદ આ વાત સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે ફાઇનલ સેટલમેન્ટ માટે તૈયાર થવા બદલ ઈરાન માટે એક ઇન્વેસ્ટમેન્ટ ફંડની મંજૂરી આપવા માટે તૈયાર હતું.

મંગળવારે અમેરિકાના રષ્ટ્રપતિએ કહ્યું કે ડીલ હેઠળ "ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય."

આ નિવેદન એવા સમયમાં આવ્યું છે કે અમેરિકા અને ઈરાન શુક્રવારે સ્વિટ્ઝરલૅન્ડમાં સમજૂતી પર હસ્તાક્ષર માટે મળવાના છે.

જોકે, સમજૂતીની વિગતો હજુ સુધી સાર્વજનિક નથી કરવામાં આવી.

આ સમજૂતી પર સહમતી અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થીમાં રવિવારના થઈ.

સોમવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે "સમજૂતી પર પૂર્ણ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે" અને તેનો સમગ્ર પાઠ "બહુ જલ્દી" પ્રકાશિત કરવામાં આવશે.

આ સંઘર્ષ વિરામને આવનારા 60 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે જે દરમિયાન બંને પક્ષો અંતિમ સમજૂતીની વિગતો પર વાટાઘાટો થશે.

સંજય માંજરેકરે કેમ કહ્યું કે, 'હું કોચ હોત તો વૈભવને અફઘાનિસ્તાન સામેની ટીમમાં ન લીધા હોત'

ભારતના પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર સંજય માંજરેકરે ઍક્સ પર પોસ્ટમાં લખ્યું કે જો હું ઇન્ડિયા-એનો કોચ અથવા મૅનેજર હોત તો અફઘાનિસ્તાન સામે રમાયેલી મૅચ માટે વૈભવ સૂર્યવંશીને ટીમમાં સામેલ ન કર્યા હોત.

સોમવારે શ્રીલંકા-એ સામે સુપર ઓવરમાં ભારત-એની હાર બાદ વૈભવની મેદાન પર વિપક્ષી ટીમ શ્રીલંકાના ક્રિકેટર સાથે ઉગ્ર બોલાચાલી અને ધક્કા-મુક્કી થઈ ગઈ હતી. ત્યાર બાદ વૈભવની ઘણી ટીકા થઈ હતી.

બુધવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ વૈભવે 28 બૉલમાં 38 રન બનાવ્યા હતા.

સંજય માંજરેકરે ઍક્સ પર લખ્યું કે, "જો હું ભારત A ટીમનો કૉચ અથવા મૅનેજર હોત, તો અફઘાનિસ્તાનની વિરુદ્ધ આ મૅચ માટે વૈભવ સૂર્યવંશીને ટીમમાં સામેલ ન કર્યા હોત."

"એવું માત્ર તેમને એટલું સમજાવવા માટે કર્યું હોત કે મેદાન પર શારીરિક રીતે આક્રમક હોવું અથવા હાથચાલાકી કરવી ઠીક નથી, પછી ઉકસાવવા માટે કોઈપણ કારણ રહ્યું હોય."

અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા બે નાવિકના મૃતદેહ ભારત લવાયા

ઓમાનની ખાડીમાં એમટી સેટેબેલો જહાજ પર થયેલા હુમલામાં જીવ ગુમાવનાર આદિત્ય શર્મા અને શિવાનંદ ચૌરસિયાના મૃતદેહ ભારત લવાયા છે.

મસ્કતમાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે.

દૂતાવાસે ઍક્સ પર લખ્યું કે "આ સંકટ સમયમાં અમારી ઊંડી સંવેદના તેમના પરિવારો સાથે છે."

અંદાજે એક અઠવાડિયા પહેલાં ઓમાનની ખાડીમાં એમટી સેટેબેલો જહાજ પર અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીય નાવિકનાં મોત થયાં હતાં. આ જહાજ પર 24 ભારતીય ક્રૂ મેમ્બર હતા, જેમાંથી 21ને બચાવી લેવાયા હતા.

મૃતકોમાં ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી શિવાનંદ ચૌરસિયા, હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના રહેવાસી આદિત્ય શર્મા અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના રહેવાસી પટનાલા સુરેશ સામેલ છે.

આ જહાજ પર શિવાનંદ એન્જિન ફિટર તરીકે તહેનાત હતા, જ્યારે આદિત્ય શર્મા અને ડેક કૅડેટ અને પટનાલા સુરેશ ચીફ એન્જિનિયર હતા.

આ મામલે ભારતમાં વિપક્ષોએ સરકાર પર પ્રહાર કર્યા હતા અને અમેરિકા સામે નબળું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો.

વડોદરા : કોટંબી સ્ટેડિયમ નજીક વહેલી સવારે ભયાનક અકસ્માત, છ લોકોનાં મોત

વડોદરાના કોટંબી સ્ટેડિયમ નજીક આજે (17 જૂન) વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.

વડોદરા હાઈવે પર ઊભેલી એક ટ્રક પાછળ બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અથડાતાં આ દુર્ઘટના ઘટી હતી.

સયાજી હૉસ્પિટલના મેડિકો લીગલ ઑફિસર જાગૃતિબહેન ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું, આ ગંભીર અકસ્માતમાં કુલ 6 લોકોનાં મોત નીપજ્યાં છે.

જ્યારે 28 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી 2ની સ્થિતિ હાલ ગંભીર છે.

વડોદરાનાં મેયર ગીતાબહેન મકવાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બીબીસી સહયોગી હાર્દિક અનુસાર, આ લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત જઈ રહી હતી. તે દરમિયાન વડોદરા નજીક તેને અકસ્માત નડ્યો હતો.

અકસ્માત થતા એસડીઆરએફ, એનડીઆરએફ અને વડોદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આ તમામ ટીમોએ સંયુક્ત રીતે મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત સાથે રેસ્ક્યૂ ઑપરેશન ચલાવ્યું હતું અને ઘાયલોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું, 'જો ઈરાન અમારી વાત માનશે તો તેને ઘણો ફાયદો થશે'

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાન સાથેની પ્રારંભિક સમજૂતીની જોગવાઈઓ વિશે કહ્યું છે કે જો ઈરાન તેની જવાબદારીઓ પૂર્ણ કરે તો અમેરિકા વૈશ્વિક અર્થતંત્રમાં તેને પાછા ફરવાનો માર્ગ ખોલવા માટે તૈયાર છે.

ફોક્સ ન્યૂઝના એક કાર્યક્રમમાં જેડી વેન્સે ટ્રમ્પ વહીવટીતંત્રના ઈરાન સાથેના કરારની તુલના બરાક ઓબામાના શાસન દરમિયાન થયેલા કરાર સાથે કરી હતી.

તેમણે કહ્યું, " ઓબામાના કાર્યકાળ દરમિયાન ઈરાન સાથેની સમજૂતી ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી અને આ સમજૂતી તે સમજૂતીથી બિલકુલ વિપરીત છે."

જેડી વેન્સે કહ્યું, "ઓબામાવાળી ડીલ અને આ ડીલ વચ્ચેનો તફાવત એ છે કે આ ડીલ હેઠળ ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી શકશે નહીં, તેઓ યુરેનિયમને બિલકુલ એનરિચ કરી શકશે નહીં અને તેનો સંગ્રહ પણ કરી શકશે નહીં."

તેમણે કહ્યું , "આ કરાર હેઠળ, ઈરાન પરમાણુ શસ્ત્રો રાખી શકશે નહીં, હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી રહેશે અને જો ઈરાન યોગ્ય રીતે વર્તે છે, તો તેને ઘણા ફાયદા થઈ શકે છે. જો તેઓ નહીં કરે, તો તેમને કંઈ મળશે નહીં."

જેડી વેન્સ શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરશે.

બીબીસી ફારસીના અહેવાલ મુજબ, મંગળવારે સિરિયસ એક્સએમ રેડિયો નેટવર્ક સાથેની મુલાકાતમાં વેન્સે વારંવાર તે વાત પર ભાર મૂક્યો હતો કે ઈરાનને જે આર્થિક લાભ મળશે તેની ભરપાઈ અમેરિકાના સંસાધનો અને સંપત્તિઓ દ્વારા કરવામાં આવશે નહીં.

તેમણે કહ્યું, "જો ઈરાન સહયોગ કરે છે અને કરારની બધી જોગવાઈઓનું પાલન કરે છે, તો અમેરિકા પ્રતિબંધો હઠાવશે અને ઈરાનમાં રોકાણની તકો પૂરી પાડશે."

વેન્સે એમ પણ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવાર સુધીમાં કે કદાચ તેનાથી પણ વહેલા કરારની સંપૂર્ણ શરતો જાહેર કરવાનું વચન આપ્યું છે.

જી-7: PM મોદી ફ્રાન્સમાં અનેક નેતાઓને મળ્યા

ફ્રાન્સના એવિયનમાં જી-7 સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ નેતાઓ સાથેની તેમની મુલાકાતોના ફોટા પણ પોસ્ટ કર્યા હતા.

આ સમયગાળા દરમિયાન, પીએમ મોદી બ્રિટન, કૅનેડા, કેન્યા, ઇજિપ્ત, જાપાન અને યુએઇ સહિત ઘણા દેશોના નેતાઓને મળ્યા.

સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથેની તેમની મુલાકાતનો ફોટો પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું, "મેં મારા ભાઈ, મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરી તે ખૂબ જ ફળદાયી રહી. અમે વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુએઇ સંબંધો અને અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી."

પીએમ મોદીએ આગળ લખ્યું, "મેં સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા ભારતીય સમુદાયોનું ધ્યાન અને સંભાળ રાખવા બદલ ત્યાંની સરકાર અને રાષ્ટ્રપતિનો આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી."

પીએમ મોદીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં બ્રિટિશ વડા પ્રધાન કીએર સ્ટાર્મર સાથેની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે લખ્યું, "એવિયનમાં વડા પ્રધાન કીએર સ્ટારમર સાથે મારી ખૂબ સારી મુલાકાત રહી. ભારત-યુકે સંબંધો માટે પાછલું વર્ષ શાનદાર રહ્યું છે. ટ્રેડ ડીલથી આર્થિક સહયોગ માટે ઘણા રસ્તા ખુલ્યા છે. આજની વાતચીત ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત કેવી રીતે બનાવવા તેના પર કેન્દ્રિત હતી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન