ગુજરાતમાં આજથી હવામાન પલટાશે, આ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે?

ગુજરાતમાં હવામાન પલટાશે વરસાદ પડશે,  બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર, બીબીસી ગુજરાતી ઍક્સ્પ્લેઇનર, બીબીસી ગુજરાતી સાથે સમજો,
ઇમેજ કૅપ્શન, રાજ્યમાં બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળશે
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં સોમવારથી(તા. ત્રીજી ફેબ્રુઆરી) ફરી હવામાન પલટાય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાય તેવી પણ શક્યતા છે.

ગુજરાતમાં હાલ દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડી અનુભવાઈ રહી છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના નજીકના કેટલાક વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.

હવે રાજ્યમાં બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા હાલ દેખાઈ રહી છે.

આ ઉપરાંત ગુજરાતના ઘણા વિસ્તારોમાં સોમવારથી ગાઢ વાદળો જોવા મળે તેવી શક્યતા છે અને તેના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમ તરફથી એક બાદ એક સિસ્ટમો આવી રહી છે અને તેની અસર ઉત્તર ભારત પર થઈ રહી છે. હવે રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે જેની અસર ગુજરાત પર થાય તેવી શક્યતા છે.

એક સિસ્ટમની અસર હાલ ભારત પર થઈ રહી છે અને તે જશે તે સાથે જ નવું વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી જશે. જે સોમવારથી લઈને બુધવાર સુધી અસર કરે તેવી શક્યતા છે.

જોકે, હવામાન વિભાગે હાલ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી નથી પરંતુ વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે કે રાજ્યમાં હવામાન પલટાઈ શકે છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના કયા વિસ્તારોમાં હવામાન પલટાશે?

ગુજરાતના કયા વિસ્તારોમાં હવામાન પલટાશે?  ગુજરાત હવામાન, વરસાદ, ઠંડી , દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું, શિયાળો
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ સુધી હવામાન પલટાય તેવી શક્યતા છે

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુ દરમિયાન બેથી ત્રણ વખત માવઠાં થતાં હોય છે અને મોટા ભાગે આ કમોસમી વરસાદ પશ્ચિમ તરફથી આવતી સિસ્ટમને કારણે પડે છે.

શિયાળામાં આ વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ(પશ્ચિમી વિક્ષોભ) જ્યારે આવે ત્યારે તેનાથી પ્રેરિત એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનતું હોય છે, જ્યારે આ સાયક્લૉનિક સર્ક્યુલેશન રાજસ્થાન પર બને ત્યારે ગુજરાતને સામાન્ય રીતે અસર થતી હોય છે.

હાલની સ્થિતિ પ્રમાણે અને વિવિધ હવામાનનાં મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે ગુજરાતમાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ સુધી હવામાન પલટાય તેવી શક્યતા છે.

તેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ગાઢ વાદળો દેખાવાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારમાં હળવો વરસાદ થાય તેવી થોડી શક્યતા રહેલી છે.

આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતા નથી અને બુધવારની આસપાસથી રાજ્યમાં ફરીથી આકાશ સ્વચ્છ થવા લાગશે.

ગુજરાતમાં આવતીકાલથી પવનની ગતિ પણ વધશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : ગુજરાતમાં ક્યાં વાદળો ઘેરાશે, શું ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે?

ગુજરાતમાં હાલ સામાન્ય રીતે પવન દરિયા પરથી આવી રહ્યો છે અને તેની દિશામાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે પરંતુ પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે રાજ્યમાં બે દિવસ સુધી પવનની ગતિમાં વધારો નોંધાવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થશે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 30 કિમી પ્રતિકલાક સુધી કે તેનાથી થોડી વધારે જોવા મળે તેવી શક્યતા છે.

હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં 3 અને 4 ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ત્યાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત ઉત્તર ભારતનાં રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં હવે શું થશે?

ગુજરાતના કયા વિસ્તારોમાં હવામાન પલટાશે?  ગુજરાત હવામાન, વરસાદ, ઠંડી , દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું, શિયાળો
ઇમેજ કૅપ્શન, સામાન્ય રીતે હાલની સ્થિતિમાં તાપમાનમાં એકદમ વધારો નહીં નોંધાય અને ફરીથી ખૂબ જ ઘટાડો નોંધાય તેવી પણ શક્યતા ઓછી છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બે દિવસ હવામાન પલટા બાદ રાજ્યમાં ફરીથી હવામાન પલટાય તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાતી નથી.

આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને તેના કારણે હવે રાજ્યમાં ફરીથી ડિસેમ્બર-જાન્યુઆરી જેવી કડકડતી ઠંડી પડવાની શક્યતા દેખાતી નથી.

સામાન્ય રીતે હાલની સ્થિતિમાં તાપમાનમાં એકદમ વધારો નહીં નોંધાય અને ફરીથી ખૂબ જ ઘટાડો નોંધાય તેવી પણ શક્યતા ઓછી છે. જેથી ગુજરાતમાં હવે ધીરે-ધીરે ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા બાદ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે આગામી પાંચથી સાત દિવસો દરમિયાન પવનો દરિયા પરથી જ આવતા રહેશે.

આ પવનોમાં ભેજ હોવાનો કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે ધુમ્મસ જોવા મળે તેવી શક્યતા છે. આગામી ચારથી પાંચ દિવસોમાં હાલ એવી કોઈ શક્યતા દેખાતી નથી કે પવનનો ઉત્તર તરફથી એટલે કે જમીન પરથી આવે.

સામાન્ય રીતે જ્યારે પવનો ઉત્તર દિશા એટલે કે જમીન પરથી આવે છે ત્યારે તે સૂકા હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ હોતું નથી. જેથી રાજ્યમાં ધુમ્મસ આવતું નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.