વર્લ્ડ કપ : એ ટર્નિંગ પૉઇન્ટ્સ જેણે ભારતનું વિશ્વ ચૅમ્પિયન બનવાનું સપનું રોળ્યું

કોહલી
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યૂઝીલૅન્ડ સેમિફાઇનલમાં ટકરાયા હતા, જેમાં ભારતનો 18 રને પરાજ્ય થયો છે. હાર સાથે ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે.

ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં મંગળવારે મૅચ યોજાઈ હતી. ન્યૂઝીલૅન્ડની ટીમ ટૉસ જીતને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

છેવટે બંને ટીમની પહેલીવાર સેમિફાઇનલમાં ટક્કર થઈ હતી. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ખિતાબ જીતવા માટે ફેવરિટ ગણાતી હતી, પણ ભારત હારી ગયું છે.

9 તારીખે મંગળવારે યોજાયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડે 46.1 ઓવરમાં 211 રન કર્યા હતા.

વરસાદ પડતાં મૅચ રોકાઈ હતી અને બીજા દિવસે એટલે કે બુધવારે 10 તારીખે ફરી રમાઈ હતી.

બુધવારે ફરી મૅચ શરૂ થતા ન્યૂઝીલૅન્ડે આઠ વિકેટ ગુમાવીને ભારતને 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

વર્લ્ડ કપમાં અગાઉ ભારતની ન્યૂઝીલૅન્ડ સાથે લીગ મૅચ હતી, પરંતુ એ મૅચ વરસાદને કારણે શરૂ નહોતી થઈ શકી અને બંને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યા હતા.

line

ઓપનિંગ જોડી નિષ્ફળ

રોહિત શર્મા

ભારતીય ઓપનર બૅટ્સમૅન રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેઓએ આ ટુર્નામેન્ટમાં સળંગ ત્રણ અને કુલ પાંચ સદી ફટકારી હતી.

રોહિત શર્મા પાસેથી ઘણા બધા વિશ્વવિક્રમો સ્થાપવાની તક હતી, પણ તેઓ સેમિફાઇનલમાં નિષ્ફળ નીવડ્યા. તો કે. એલ. રાહુલ પણ ચાલ્યા નહીં.

રોહિત શર્મા અને કે. એલ. રાહુલ એક-એક રન કરીને હેનરીની ઓવરમાં કૅચઆઉટ થયા હતા. બંનેના કૅચ લાથમે કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આઠ મૅચમાં 647 રન બનાવનાર ભારતીય બૅટ્સમૅન રોહિત શર્મા આ ટુર્નામેન્ટના સૌથી સફળ બૅટ્સમૅન રહ્યા હતા.

line

ત્રણ બૅટ્સમૅનના ત્રણ રન

આઉટ થયા બાદ વિરાટ કોહલી

તો ત્રીજા ક્રમે આવેલા ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી પણ માત્ર એક રન બનાવી શક્યા હતા. વિરાટ કોહલી બોલ્ટની ઓવરમાં એલબીડબલ્યૂ (લેગ બિફૉર વિકેટ) આઉટ થયા હતા.

અમ્યાયરે તેમના આઉટ જાહેર કર્યા હતા. વિરાટે રિવ્યૂ લીધો હતો પણ રિવ્યૂમાં તેઓ આઉટ સાબિત થયા હતા.

અત્યાર સુધીની મોટા ભાગની મૅચમાં ઓપનિંગ જોડી તૂટ્યા બાદ વિરાટ કોહલી આવીને બાજી સંભાળી લેતા હતા.

બોલ્ટ અને હેનરીએ ઓપનિંગ સ્પેલ શાનદાર નાખ્યો હતો. ભારતની વિકેટ પડતાં બૅટ્સમૅન દબાણમાં આવી ગયા હતા અને તેમને વિકેટ સાચવવા સિવાય કોઈ આરો નહોતો.

3.1 ઓવર સુધીમાં ભારતની ત્રણ વિકેટ પડી હતી અને ચોથી વિકેટના રૂપમાં દિનેશ કાર્તિક 9.6 ઓવરમાં 25 બૉલમાં માત્ર એક કરીને શક્યા હતા.

તેઓએ પણ હેનરીની ઓવરમાં નીશમના હાથે કૅચઆઉટ થઈ ગયા હતા.

line

ધોનીના સ્થાને દિનેશ કાર્તિકનું આવવું ભૂલ?

હાર્દિક પંડ્યા અને ધોની

ભારતીય ટીમ આમેય ઘણા સમયથી મજબૂત મિડલ ઑર્ડરની કમીનો સામનો કરી રહી છે. ત્યારે વિરાટ કોહલી આઉટ થયા બાદ મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને દિનેશ કાર્તિકના આવવા પર પણ સવાલો ઊઠ્યા હતા.

સોશિયલ મીડિયામાં પણ લોકોએ દિનેશ કાર્તિકના આવવાને ભારતીય ટીમ માટે નુકસાનકારક ગણાવ્યું હતું.

પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો અનુભવ જોતા તેણે વહેલા આવવું જોઈતું હતું એવું નિષ્ણાતો પણ માની રહ્યા છે.

ભલે આ વર્લ્ડ કપમાં ધોની એટલું સારું પ્રદર્શન ન કરી શક્યા હોય, પરંતુ તેઓ બેસ્ટ ફિનિશર તરીકે જાણીતા છે. ઘણી મૅચમાં ભારતને જીત અપાવી છે.

line

ટૉસ હારવો હારની શરૂઆત?

ટેલર અને વિલિયમસન

સામાન્ય રીતે આ પીચ પર પહેલાં જે ટીમ બેટિંગ કરે તેને મોટા ભાગે ફાયદો થતો હોય છે. રન ચેઝ કરવામાં પાછળની ટીમને મુશ્કેલી પડતી હોય છે.

આ મૅચમાં ન્યૂઝીલૅન્ડની ટીમે ટૉસ જીત્યો અને સ્વાભાવિક રીતે જ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ આઠ વાર ટકરાયા છે. જેમાં કિવી ટીમનું પલ્લું ભારે રહ્યું છે.

જોકે, ભારતીય બૉલરોએ શરૂઆતથી મૅચ પર પકડ જમાવી હતી. પહેલી બે ઓવર જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વરે મેડન નાખી હતી. છેક 17મા બૉલે ન્યૂઝીલૅન્ડે પહેલો રન લીધો હતો.

line

રવીન્દ્ર જાડેજાની મહેનત એળે ગઈ

જાડેજા

ગુજરાતી ઑલરાઉન્ટર રવીન્દ્ર આ સેમિફાઇનલમાં છવાયેલા રહ્યા હતા.

બૉલિંગ, ફિલ્ડિંગથી માંડીને તેઓ બેટિંગમાં પણ ખરા ઊતર્યા હતા. આઠમા નંબરે આવેલા રવીન્દ્ર જાડેજાએ શરૂઆતથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી.

જાડેજાએ ચાર સિક્સર અને ચાર ચોગ્ગાની મદદથી 59 બૉલમાં 77 રન ફટાકાર્યા હતા. જોકે, તેઓ બોલ્ટની ઓવરમાં કૅપ્ટન વિલિયમસનના હાથે કૅચઆઉટ થઈ ગયા હતા.

ધોની 72 બૉલમાં 50 રન કરીને પેવેલિયન ભેગા થયા હતા. માર્ટિન ગુપ્ટિલે ડાયરેક્ટ થ્રો મારીને ધોનીને રનઆઉટ કર્યા હતા.

એક તબક્કે મૅચ ભારતની તરફ આવી ગઈ હતી. પણ ધોની અને જાડેજાની જોડી તૂટતાં ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું.

line

2015ના વર્લ્ડ કપમાં બેવડી સદી ફટકારનાર માર્ટિન ગુપ્ટિલ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં માત્ર 167 રન બનાવી શક્યા છે.

ઓપનિંગમાં આવેલા માર્ટિન ગુપ્ટિલ માત્ર એક કરીને બુમરાહની ઓવરમાં કોહલીના હાથે ઝલાઈ ગયા હતા. તો ઓપનિંગમાં આવેલા નિકોલસ પણ 51 બૉલમાં 28 રન કરીને પેલેવિયન ભેગા થયા હતા.

જોકે, ત્રીજા અને ચોથા ક્રમે આવેલા કૅપ્ટન વિલિયમસન અને ટેલરે બાજી સંભાળી હતી.

ન્યૂઝીલૅન્ડ તરફથી રોસ ટેલરે સૌથી વધુ 90 બૉલમાં 74 રન કર્યા હતા, જ્યારે કૅપ્ટન વિલિયમસને 95 બૉલમાં 67 રન કર્યા હતા.

આ જોડીને કારણે ન્યૂઝીલૅન્ડ પ્રમાણમાં સન્માનજનક સ્કોર કરી શક્યું હતું.

ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં 43 રન આપીને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

line

ન્યૂઝીલૅન્ડની બૉલિંગ

ન્યૂઝીલૅન્ડની ટીમ

ન્યૂઝીલૅન્ડની ટીમમાં કુલ છ બૉલરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમા પ્રમુખ બૉલર તરીકે ટ્રેન્ટ બૉલ્ટ, લોકી ફર્ગ્યૂસન અને મેટ હેનરી હતા. આ સાથે જ સ્પિરનર અને મીડિયમ ગતિની બૉલિંગ કરવામાં જેમ્સ નીશમ, મેચેલ સેન્ટનર અને ગ્રાન્ઢોમે હતા.

મૅચની શરૂઆતમાં જ મેટ હેનરીએ ભારતના ઓપનર કે. એલ. રાહુલની વિકેટ ઝડપી લીધી હતી.

ભારતીય ટીમને સૌથી વધુ પરેશાન કરવામાં અને વધુ વિકેટ લેવામાં મેટ હેનરીનું યોગદાન મહત્ત્વનું રહ્યું. તેમણે કુલ 10 ઓવરમાં માત્ર 37 રન આપ્યા અને ત્રણ વિકેટ ઝડપી હતી.

ત્યારબાદ ટ્રેન્ટ બૉલ્ટે પણ અદ્ભુત પ્રદર્શન બતાવ્યું હતું. તેમણે ભારતના કૅપ્ટનને માત્ર એક રનમા આઉટ કરી દીધા હતા.

જ્યારે ભારતની ટીમ જીતવાની આશા ખોઈ ચૂકી હતી ત્યારે આશાના કિરણ રૂપે રવીન્દ્ર જાડેજા સારી બેટિંગ કરી રહ્યા હતા. પરંતુ તેઓ પણ ટ્રેન્ટ બૉલ્ટનો શિકાર બન્યા હતા.

બૉલ્ટે 10 ઓવરમાં 4.20ની ઇકૉનૉમી સાથે 42 રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી.

આ સિવાય લોકી ફર્ગ્યૂસને એક, મેચેલ સેન્ટનરે બે અને જેમ્સ નીશમે એક વિકેટ લીધી હતી.

આ સાથે જ ન્યૂઝીલૅન્ડે, ભારતને 221 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો